Get The App

આકાશમાં રંગીન ધજાપતાકા લહેરાવતી પતંગોનું રાજ

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
આકાશમાં રંગીન ધજાપતાકા લહેરાવતી પતંગોનું રાજ 1 - image

- ઉત્તરાયણના બે દિવસ એવા હોય છે જ્યારે પોશ એપાર્ટમેન્ટ અને બંગલામાં રહેનારા પતંગના શોખીનો જુના શહેર તરફ હિજરત કરે છે. જુના શહેરની પોળો અને નગર રચનાની વાહવાહી કરવાના આ દિવસો હોય છે. 

- વિવિધા-ભવેન કચ્છી

- આપણે સામાજિક પ્રાણી છીએ તેની જાતખરાઈ કરવી હવે આપણા અસ્તિત્વના એહસાસ માટે જરૂરી છે અને તહેવારો અને મેળાવાડા આ કામ કરે છે

ઉ ત્તરાયણનો પર્વ વિશેષ કરીને ગુજરાત અને ગુજરાતીઓ ભારતમાં જ્યાં વસે છે ત્યાં એક અનેરો રોમાંચ અને ઊર્જાસભર માહોલ હવામાં ભરી દે છે. દિવાળીમાં રાત્રે  આકાશમાં રંગબેરંગી આતશબાજીનો નજારો જોવા મળે છે  તો ઉત્તરાયણમાં  દિવસે આકાશમાં જાણે રંગીન ધજાકા પતાકા લહેરાવતી પતંગોનું રાજ હોય છે.હવે તો રાત્રે ઉત્તરાયણના પર્વનો  જાણે ભવ્ય પુર્ણાહુતી કાર્યક્રમ યોજાતો હોય તેમ ઉત્તરાયણ અને બીજા દિવસે વાસી ઉત્તરાયણની ઢળતી સાંજે અગાસીએથી ધૂમધડાકા સાથે હવામાં ફૂટતા હોય તેવા ફટાકડા અને આતશબાજીથી આકાશ રંગીન બની જાય છે. તુક્કલ એટલે કે ફાનસ પર આમ તો પ્રતિબંધ છે પણ અંધારા આકાશના અનંત પટમાં  જ્યાં હરોળબંધ જોવા મળે છે તે દ્રશ્ય તો નયનરમ્ય હોય જ છે  પણ જાણે પરગ્રહવાસીઓ કોઈ શાંતિ સંદેશો લઈને પૃથ્વીની ભૂમિની શોધમાં ભટકતા હોય તેવા રોમાંચક પણ લાગે છે.

મોટેભાગે એવું જ બનતું હોય છે કે ઉત્તરાયણના દિવસે ઠુમકા લગાવીને ખભાના હાડકા તોડી નાંખો તો પણ પતંગ ન ચગે તેવો સાવ મંદ પવન હોય છે અથવા તો હાથમાં પતંગ ઝાલ્યો ન રહે તેવો તોફાની પવન હોય છે અને બીજે દિવસે એટલે કે વાસી ઉત્તરાયણે પતંગબાજોને મજા પડી જાય તેવો માપસરનો પવન હોય છે.

નવા વિસ્તરેલા શહેરમાં બહુમાળી ઇમારતો વધતી જાય છે. એપાર્ટમેન્ટનાં આજુબાજુના બ્લોકના રહીશો વચ્ચે બહુ તો પેચ લગાવી શકાય. તેમાં પણ જેઓ પતંગબાજીના ખરા શોખીનો છે તેઓ તો જુના શહેરમાં જ ચાલ્યા ગયા હોય છે. ઉત્તરાયણના બે દિવસ એવા હોય છે જ્યારે પોશ એપાર્ટમેન્ટ અને બંગલામાં રહેનારા પતંગના શોખીનો જુના શહેર તરફ હિજરત કરે છે. જુના શહેરની પોળો અને નગર રચનાની વાહવાહી કરવાના આ દિવસો હોય છે. જો કે આપણે એક ભૂલ કરીએ છીએ કે જુના શહેરને માત્ર ઉત્તરાયણ પુરતું ચઢિયાતું માનીએ છીએ પણ ખરેખર તો એકદમ ગીચ ઘરો  અને બહોળા પરિવાર જેવા પડોશીઓ જોડેના વર્ષો જુના સંબધોને લીધે તેમજ આંગણું, અગાસી અને ચોક જેવી નગર રચનાને લીધે દિવાળી અને હોળી સહિતના તહેવારોની જે મજા જુના શહેરમાં છે તે આધુનિક બાંધણીના બહુમાળી નવા શહેરમાં નથી. ખરેખર તો હેરિટેજ વોકની જેમ હેરિટેજ ફેસ્ટિવલનો ટ્રેન્ડ શરુ કરવો જોઈએ.

હવે તો અખબારો અને ઓનલાઈન જાહેરાતો પણ આવે છે કે ઉત્તરાયણ માટે પોળના ઘરની અગાસી કે ધાબુ ભાડે પણ પ્રાપ્ય છે. છેલ્લા કેટલાક વર્ષોથી તો અગાસીના માલિકો ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને ભાડે આપી દે છે અને આ કંપનીઓ શહેરમાં વસતા કોર્પોરેટ,મિત્રો કે  પરિવારોને ઉંચી કિંમતે ભાડે આપે છે. ધંધાની કુનેહ ઉમેરતા ભાડે અગાસી સાથે સવારનો નાસ્તા, ચા -કોફી,જલેબી ઊંધિયા સહિતનું ભોજન અને સાંજે ભાજી પાઉં, પુલાવ વગેરેનું પેકેજ સામેલ કરે છે. ચીકી, તલ પાક અને સુરત જેવું શહેર હોય તો પોંક પણ તેમાં ઉમેરાતો હોય છે.

આગામી વર્ષોમાં 'બુક્માયશો' જેવી એપમાં જુના શહેરની અગાસી ભાડે બુક કરાતી હશે તો નવાઈ નહીં લાગે. અમદાવાદ   અને સુરત બેમાંથી પતંગનું શોખીન શહેર કયુ તે પતંગના પેચ જેવી સ્પર્ધાનો પ્રશ્ન છે. સુરત ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પતંગનો ક્રેઝ છે પણ સૌરાષ્ટ્ર હજુ રાજકોટ જેવા એકાદ બે અપવાદને બાદ કરતા થોડું મંદ ગતિએ છે. સૌરાષ્ટ્રના ઘણા ગામો અને શહેરોમાં આસો મહિનામાં પતંગ ચગાવાતા હોય છે. હવે તો અમદાવાદ, સુરત,વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં રાજ્ય સરકાર દ્વારા કાઈટ ફેસ્ટીવલ યોજાય છે અને વિદેશી પતંગબાજોને ખાસ આમંત્રણ અપાય છે. જો કે આપણે કાગળથી બનેલી ટચુકડીથી માંડી ફાફ જેવડી મોટી પતંગ પાતળી દોરીથી કેવી ખુબીથી ઉડાવીએ છીએ તે તેઓને બતાવવું કે શીખવવું જોઈએ તેની જગ્યાએ આપણે તેઓની નાયલોનની જાડી  દોરીથી ઉડી શકે તેવી પ્લાસ્ટીકની  રાક્ષસી પતંગો કઈ રીતે ઉડે છે તે જોઈએ છીએ. તેઓની પતંગ ચગાવવાની પધ્ધતિમાં પેચનો આનંદ શક્ય નથી. મોટેભાગે તો તેઓ તેમના દેશમાં સમુદ્ર કિનારે આવી પ્લાસ્ટિકની વિરાટ  પતંગ ઉડાડે છે.આપણે તેઓને આપણી સંસ્કૃતિથી પરિચિત કરાવીને દોરી વડે કાગળની પતંગ કઈ રીતે  ઉડાવીએ તેનું નિદર્શન કરવાની જરૂર છે. ઢીલ અને ખેંચ તેમજ પેચ કેવો  હાથ, પગ અને ખભાની તાકાત માટે પડકાર છે તેમજ પેચમાં કેવી રણનીતિ જરૂરી છે તેના કરતબ પર હાથ અજમાવવા કહેવું જોઈએ. 

જો કે વિદેશમાં આંગળી કાપા અને લોહીથી ખરડાઈ જાય કે કાચના ભૂકાનાં માંજા ધરાવતી દોરી  રાહદારી કે બે ચક્રી વાહન ચાલક માટે જીવલેણ સાબિત થાય તેને મંજુરી જ ન મળે. આમ છતાં શક્ય એટલા વિદેશીઓને આપણી પતંગબાજી જોવા જુના શહેરમાં અગાસી પર લઇ તો જવા જ જોઈએ.

છેલ્લા કેટલાક વર્ષોથી જીવદયા પ્રેમીઓ યોગ્ય રીતે પતંગ ઉત્સવ રાહદારીઓ અને વિશેષ કરીને પક્ષીઓ માટે જીવલેણ સાબિત ન થાય તે માટે જાગૃતિ  અભિયાન અને ઈમરજન્સી સારવાર સેવા ચાલુ રાખતા થયા છે.દોરી ઘાતક પુરવાર થાય છે તે નિવવાદ તથ્ય છે. ચાઈનીઝ દોરી વિરુદ્ધ મોટે પાયે પ્રચાર થાય છે તો પણ બીજાના પતંગ કાપવા તેમજ મોટી માત્રામાં બજારમાં પુરવઠો પૂરો પાડવા ચાઈનીઝ દોરી વેપારીઓ માટે આસાન વેપાર પદ્ધતિ છે.

જો કે હવે બધા મોટેભાગે ચાઈનીઝ દોરી જ વાપરતા હોય બધાની દોરી લગભગ સમાન ધારદાર હોય છે આથી કોઈ પતંગબાજ આકશમાં લાંબા સમય સુધી એકચક્રી શાસનનો દબદબો જાળવી નથી શકતો. આ કોલમમાં અગાઉના વર્ષની એક ઉત્તરાયણ વખતે પતંગોત્સવની ફિલોસોફી અને મેનેજમેન્ટ પર આવેલ વિચાર રજુ કર્યો હતો તેની ફરી ઝલક લઈએ (૧) પતંગ આપણને શીખવાડે છે કે તમે ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત કરો આખરે તો તમારે ધરતી પર જ આવવાનું છે. માટે ઉડાણ ભરતા પહેલા નમ્રતા ધારણ કરી લે જો 'ડાઉન ટુ અર્થ' રહેજો (૨) હવા પૂરબહાર હોય ત્યારે તો જેને પતંગ ઉડાડતા ન આવડે તે પણ સફળ થાય પણ હવે મંદ હોય અને પીડા વેઠીને, સંઘર્ષ કરતા પતંગ હવામાં લાવીને સંગીન ઉડાણ ભરે તે જ ખરો પતંગબાજ તેવી જ રીતે વિપરીત સંજોગો અને વિષમ પડકાર વચ્ચે કઈંક સિદ્ધિ મેળવવી તે જ ઉદાહરણીય પુરવાર થતું હોય છે (૩) પતંગબાજ તેની કિન્યા બરાબર બાંધે છે, પતંગ પણ ચકાસીને લે છે. દોરીને માંજો પણ ધરદાર કરાવે છે. આંગળી ફરતે પટ્ટી બાંધે છે. ગુંદર પટ્ટી પણ રાખે છે તેમ આપણે પણ કોઈ મિશન પૂર્વે સંપૂર્ણ સજજતા સાથે ઉતરવું જોઈએ. (૪) આપણી સફળતા પાછળ એક કરતા વધુ વ્યક્તિઓનું યોગદાન હોય છે. પતંગ ઊંચાઈએ લઇ જઈએ, હરિફોની પતંગ કાપીને સરસાઈ મેળવીએ ત્યારે ઘમંડમાં રાચવા કરતા આપણી ફિરકી પકડીને ઉભનારનો પણ આભાર માનીએ. તે પોતે પતંગ ઉડાડવાનું ત્યજી તમારી ફીરકી પકડે છે એટલું જ નહીં તમે કોઈની પતંગ કાપો છો તો કિકયારી પાડે છે અને તમારી પતંગ કપાય છે તો વધુ એક પતંગ જોડે દોરી બાંધી આશ્વાસન આપે છે કે હાર જીત તો થતી રહે. પતંગની મજા માણીએ. કદાચ આ પતંગ હરિફો પર ભારે પડશે. (૫) કેટલાકને પતંગ ચગાવવા કરતા બીજાના ઉડી રહેલ પતંગમાં લંગશિયા નાંખવાનો વધુ આનંદ આવે છે (૬) આકાશ પર રાજ કરવા એક પંખી બીજા પંખીને નથી કાપતું પણ માણસ એવો છે કે એકબીજાના પતંગ કાપવાનો આનંદ લે છે.

તો આ હતી પતંગના ઉડાણની દુનિયાની વાત. 

ઉત્તરાયણના તહેવારનો માહોલ દાન ધર્મ અને પરંપરાગત ખાદ્યની રીતે હૃદયમાં ઉમળકો અને ઉત્સાહ ભરી દેનારો પણ  હોય  છે. સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણને જૂની પેઢીના લોકો મકર સંક્રાંતિ તરીકે વધુ ઓળખે છે. ગાયને ખોળ કે બાફલું ધાન્ય અપાય છે. સૌરાષ્ટ્રમાં મકર સંક્રાંતિએ જૂની પેઢીના વડીલો ભોજનમાં ખીચડોને સ્થાન આપે છે.ગાયને પણ તે પીરસવાથી પુણ્ય કમાવાય તેવી શ્રદ્ધા પ્રવર્તે છે.જેવી રીતે બાફેલા ઘઉંનું મિષ્ટાન્ન ખીચડો છે તે જ રીતે દુધિયો બાજરો પણ હોંશેહોંશે રંધાય છે. જો કે નવી પેઢીને ઘરમાં જે પણ વાર તહેવારે કે પરંપરાગત બનતું તે ઓછું પસંદ છે. યુવા ગૃહિણી પણ હવે ઘેર કરતા રેડીમેડ ચીકી ,તલ પાક, મમરાના લાડુ, ઊંધિયું વગેરે ખરીદી લે છે. હવે તો નાસ્તા અને ટેસ્ટી ફૂડ માટે કેટરિંગ ડીલીવરી સ્માર્ટ ફોનની એક ક્લિક જેટલા જ અંતરે છે. હોળી -ધૂળેટી ,ગણપતિ સ્થાપન અને ઉત્તરાયણ, નવરાત્રી પણ હવે દિવાળીની જેમ ખાણીપીણી કેન્દ્રિત બનતા જાય છે. પતંગ, ફટાકડા, ગરબા કે રંગથી રમવું, ભક્તિ -પૂજા જે તે તહેવારમાં હાજરી પુરાવે છે પણ મુખ્ય આકર્ષણ તો ઉજાણી જ હોય છે.દરેક તહેવારના જાહેર સ્થળોએ ફૂડ સાથેનું પેકેજ જ આકર્ષણ પુરવાર થાય છે.જો કે તે બહાને પણ પરિવારજનો અને મિત્રો,પાડોશીઓ તનાવ અને ભાગદોડ ભરી જીંદગીમાં આ રીતે સામાજિક બને તે એક મનોબીમારીથી દુર રાખતો ઉપચાર બની રહે છે.આપણે સામાજિક પ્રાણી છીએ તેની જાતખરાઈ કરવી હવે આપણા અસ્તિત્વના એહસાસ માટે જરૂરી છે અને તહેવારો અને મેળાવાડા આ કામ કરે છે.

જ્ઞાન પોસ્ટ 

એક પંખી બીજા પંખીને કહે છે કે 'આ માણસ જાત ઉત્તરાયણના એક બે દિવસ આકાશ પર પતંગ દ્વારા અતિક્રમણ કરે છે અને આપણા આવા હાલ થાય છે તો બિચારા જંગલમાં વસતા પશુ પંખીઓની કઈ હદે દયનિય સ્થિતિ થતી હશે જ્યાં રોજ નિરંતર માણસો દબાણ સર્જતા જ જાય છે.