mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

માત્ર એક ટકા વિદેશીઓને જ હિન્દુ ધર્મ વિશે જાણકારી છે!

Updated: Sep 12th, 2023

માત્ર એક ટકા વિદેશીઓને જ હિન્દુ ધર્મ વિશે જાણકારી છે! 1 - image


- વિવિધા - ભવેન કચ્છી

- વિદેશમાં ભારતીયોની જે સુવાસ, સંસ્કાર અને સિધ્ધિ છે તેનો જશ તેઓ હિન્દુ ધર્મી છે તેને જાય છે ખરો?

- વિદેશીઓ અન્ય ધર્મના ગ્રંથનું નામ જાણે છે પણ  હિન્દુ ધર્મ પાસે વેદો કે ઉપનિષદનો વારસો છે તેનાથી સદંતર અજાણ છે

- ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા ત્યારે ત્યાં ૧૭૦૦ જ હિન્દુઓ હતા..આજે ૪૪ લાખ ભારતીયો વસે છે

ય્૨૦માં વિશ્વના ટોચના નેતાઓએ નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ૧૨૩ એકર (૨૬ ફૂટબોલ ગ્રાઉન્ડ) જેટલા વિસ્તારમાં ફેલાયેલ ત્રણ માળની ઈમારત 'ભારત મંડપમ'માં ભારતીય સંસ્કૃતિ, સ્થાપત્યો, કલા, સંગીત અને ભોજન દ્વારા કાયમ યાદ રહી જાય તેવો આતિથ્ય સત્કાર માણ્યો હતો.

ભારત વિશ્વને શાંતિ,સુખાકારી અને સમતોલ વિકાસ માટેની રાહ બતાવતી દ્રષ્ટિ અને તત્વ જ્ઞાાન ધરાવતું હોય તેવી છાપ વિશ્વને પડી છે.ખરેખર ભારત 'વસુધૈવ  કુટુંબકમ' રીતે વિશ્વ સામે પેશ આવે છે તે હિન્દુ ધર્મનો પ્રભાવ છે.

બ્રિટનના વડાપ્રધાન સુનક પૂજ્ય મોરારી બાપુની કથામાં એક સામાન્ય ભક્તની જેમ પહોંચી જાય અને શ્રોતાઓને પ્રસાદી( ભોજન) વખતે કાઉન્ટર પર ઊભા રહીને પીરસે કે પછી જી - ૨૦ના અતિ વ્યસ્ત શેડયુલ છતાં નવી દિલ્હીના અક્ષર પુરુષોત્તમ મંદિરમાં છેક દૂર પરિસરથી વરસાદ છતાં ઉઘાડાપગે એક જ છત્રીની છત્રછાયા હેઠળ તેમના પત્ની અક્ષતા સાથે એક પણ સ્ટાફ કે સિક્યોરિટી વગર દર્શન કરવા જાય તે ખરેખર તો ભારતીય સંસ્કાર છે અલબત્ત આવા નમ્ર અને સહજ સાદગીભર્યા વર્તનનું કારણ તે હિન્દુ ધર્મગ્રંંથો અને સંસ્કારથી પ્રભાવિત છે તે છે પણ તે વાત તે ભારતીય છે તેના હેઠળ છુપાઈ જાય છે.

અત્યારે સનાતન ધર્મ કે હિન્દુ ધર્મ માટેની જાગ્રતતા કેળવાઈ છે પણ સાથે સાથે એ ચિંતા અને ચિંતન પણ કરવું રહ્યું કે વિદેશીઓ હિન્દુ ધર્મ વિશે જાણે છે ખરા? આપણી વિદેશની ભૂમિ પરની સફળતા અને સંસ્કારી ઇમેજ કે ઓળખ ભારતીય જ છે.બીજા દેશના નાગરિકનો દેશ અને તેનો ધર્મ કયો તે વિદેશીઓ જાણે છે 

ભારતીયને ભારત દેશના નાગરિક તરીકે જ જુએ છે પણ તેની  શાંતિપ્રિય જીવનપદ્ધતિ, સફળતા, કુટુંબ જીવન અને પ્રગતિ માટેનું સૌથી મોટું કારણ એ છે કે તે હિન્દુ ધર્મના સંસ્કાર સાથેનો  ઉછેર પામ્યો છે. 

   આઘાતની વાત તો એ છે કે વિશ્વની ટોચની યુનિવર્સિટીઓ સ્પોન્સર બની હોય તેવા વૈશ્વિક સેમિનાર યોજાતા હોય છે જેનો વિષય હોય છે 'હિંદુ ધર્મ ઃવિશ્વ માટે આતંકી ખતરો'!

અમેરિકાની વિદેશની યુનિવર્સિટીઓમાં અન્ય ધર્મોની 'ચેર' છે, લાયબ્રેેરીમાં થોકબંધ ધર્મ ગ્રંંથો છે પણ હિન્દુ ધર્મ માટે જૂજ સાહિત્ય ઉપલબ્ધ છે. જે કેટલીક અભ્યાસ કે સંશોધન કરતી  યુનિવર્સિટી કે સંસ્થા છે તે હિન્દુઓ દ્વારા જ  પ્રવૃત્ત છે. 

ગોરાઓને હિન્દુ ધર્મ માટે કોઈ ખતરનાક ગેરસમજ પ્રવર્તે છે. અધૂરામાં પૂરું જે હિન્દુ ધર્મ માટે પુસ્તકો લખાય છે તે વેન્ડી  ડોનીગર જેવી લેખિકાઓ દ્વારા લખાયેલા છે અને બેસ્ટ સેલર તરીકે ધૂમ મચાવે છે. જેમાં ભારતીયો અને હિન્દુ ધર્મની ક્રૂર મજાક સાહિત્યિક ગાળો આપીને ઉડાવાઈ છે.

બહુમતી ભારતીયતાની ગભત ઓળખ હિન્દુ તરીકે થાય તે જરૂરી છે.ભારતના અન્ય ધર્મીઓ પણ ખૂબ જ ઉમદા છે અને સફળ પણ છે પણ તેમની તે રીતે વિદેશીઓને ઓળખ છે પણ હિન્દુધર્મી તરીકે બહુમતી ભારતીયોને નથી જોવાતા અને તેઓ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના મૂલ્યો સાથે રહે છે તે રીતે જશ નથી મળતો.

થોડું   આંકડાકીય વિશ્લેષક પણ રસપ્રદ નીવડે તેમ છે.

હિંદુ ધર્મ અને ભારત ભાવિ વિશ્વને જીવન જીવવાની પદ્ધતિ અને રાહ બતાવશે તેવું છેક ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદે  અમેરિકામાં કહ્યું હતું ત્યારે અમેરિકાની ભૂમિ પર માત્ર ૧૭૦૦ હિંદુઓ હતા. એમ તો શ્રી અરવિંદે પણ ભારત તેના મુલ્યો  અને હિન્દુ ધર્મના સનાતન સત્વના તેજથી  'જગદગુરુ' બનશે તેવી આગાહી કરી હતી. પણ વિશ્વના સંદર્ભમાં હિન્દુઇઝમ અને હિંદુ ધર્મની ઓળખ નહીવત્ છે. વિશ્વમાં હિંદુ ધર્મીઓ બહોળા પ્રમાણમાં સ્થાયી થયા છે.

અમેરિકામાં ૨૦૦૭માં ૧૦ લાખ હિન્દુ ધર્મીઓ હતા જે ૨૦૧૯મા ૨૪ લાખ એટલે કે ૧૨ વર્ષમાં જ બમણાથી વધુ આંક પહોચ્યો છે. તેમાંથી ગુજરાતી ભાષા બોલનારા ૩.૭૫ લાખ છે. હાલ અમેરિકામાં કુલ ૪૪ લાખ ભારતીયો છે. માત્ર એક ટકો  વિદેશીઓને જ હિંદુ ધર્મની ઓળખ છે.  ૨૦૫૦મા અમેરિકામાં ૮૫ લાખ ભારતીયોમાંથી  ૫૭ લાખ હિંદુ  ધર્મીઓ હશે તેમ સરકારે ભાવિ યોજનાના સંદર્ભમાં અંદાજ માંડયો છે. અન્ય ભારતના અમેરિકામાં વસતા અન્ય નાગરીકો ઇસ્લામ, બુદ્ધ, શીખ, જૈન અને ખ્રિસ્તી ધર્મીઓ હશે. 

અમેરિકાની હાલની ૩૨ કરોડની વસ્તીમાં ખ્રિસ્તી, જ્યુ, ઇસ્લામ પછી હિંદુ અને બુદ્ધ ધર્મ ચોથા ક્રમે છે. હિંદુ ધર્મના મુલ્યો અને સંસ્કારને લીધે અમેરિકા સહિત પશ્ચિમના રાષ્ટ્રોમાં વસતા હિંદુઓમાં છુટાછેડાનો દર માત્ર પાંચ ટકા જ છે જે અન્ય ધર્મોમાં સરેરાશ ૫૦ ટકાથી  ઉપર છે. પોતાના જ ધર્મમાં લગ્ન કરવાની રીતે પણ ૮૫ ટકા સાથે હિંદુ ધર્મ મોખરે છે.

પશ્ચિમના  ખ્રિસ્તી અને જ્યુ ધર્મીઓમાં તેમના સહીત કોઈ ધર્મમાં નહિ માનવાનું  કે નાસ્તીક્વાદનું પ્રમાણ ચિંતાજનક રીતે ૪૫ ટકાના દરે વધતું જાય છે જે હિંદુ ધર્મમાં ૧૮ ટકા છે. ચુસ્તતા અને શ્રદ્ધાની રીતે ઇસ્લામ મોખરે છે. હિંદુ ધર્મીઓની વિશ્વમાં જે વસ્તી છે તેમાં અન્ય ધર્મમાંથી ધર્માંંતર પામેલા બે  ટકા માંડ હશે.

જ્યારે ખ્રિસ્તી અને ઇસ્લામધર્મીઓમાં આ આંક ઉંચો છે. બ્રિટનમાં પણ ૯.૨૦ લાખ હિંદુઓ અમેરિકાની જેમ જ નામ ઉજાળે છે. વિશ્વમાં ભારતની બહાર વસતા  હિન્દુઓનો આંક જોઈએ તો સાત કરોડથી વધુ છે. આરબ અમીરાત, પૂર્વ આફ્રિકા, નેપાળ, મોરેશ્યસ અને યુરોપમાં પણ ભારતીયોનો ડંકો વાગે છે.

હિંદુ ધર્મીઓની વિશ્વ પહેચાન અહિંસા, કરુણા અને જીવદયામાં માનનારી પ્રજા તરીકે છેલ્લા દાયકાથી નીખરતી જાય છે. શિક્ષણનાં સ્તર અને બદલાતા વિશ્વમાં રોજી મેળવવાની તેમજ  જે તે  દેશમાં પણ ખીલી ઉઠવાનાં સંસ્કાર તેમજ ઝડપથી પરદેશમાં પણ સુવાસ ફેલાવી ભળી જવાની રીતે ગોરાઓ, અશ્વેતો અને અન્ય ધર્મીઓની આંખોમાં ભારતીયો માટે ઈર્ષાની નજર ભયજનક બનતી જાય છે.

અમેરિકાના ગોરાઓ, ખ્રિસ્તી, જ્યુ, ઇસ્લામ અને બુદ્ધ સહીત તમામ ધર્મીઓમાં સૌથી વધુ શિક્ષણ અને સરેરાશ આવક હિંદુ ધર્મીઓની છે.અમેરિકાની કુલ વસ્તીમાંથી  ૧૯ ટકા ઘરની  વાર્ષિક આવક ૧૦૦૦૦૦ લાખ ડોલર છે તેની સામે ૩૬ ટકા હિંદુ ધર્મીઓની આટલી  આવક છે.૩૨ કરોડની વસ્તીમાં અમેરિકાના તમામ ધર્મીઓમાં ૨૯ ટકા પાસે જ બેચલર એટલે કે સ્નાતક ડીગ્રી છે જ્યારે અમેરિકામાં વસતા હિન્દુઓમાં ૭૭ ટકા સ્નાતક અને ૪૮ ટકા અનુસ્નાતક -માસ્ટર ડીગ્રી છે.

હજુ એકાદ દાયકા અગાઉ એવી સ્થિતિ હતી કે 'ઇન્ડિયન' તરીકે આપણી આગવી ઓળખ જ નહોતી. આપણને 'એશિયન' તરીકે જ જોવાતા કે ઓળખાવતા હતા. એટલે કે  જે તે પરદેશમાં સંસ્કારોની રીતે ભારતીય, પાકિસ્તાની અને  બાંગ્લાદેશી પરત્વે  નકારાત્મકતા સહિતની સમાન દ્રષ્ટિ હતી. ચીન એશિયાનો જ  દેશ હોવા છતાં તેઓને આજે પણ 'ચાઇનીઝ' તરીકે વિશ્વમાં અલગ પહેચાન મળી છે. હિંદુ ધર્મી તરીકેની ઓળખની  વાત તો પછી આવે પહેલા તો ભારતે વિશ્વ મંચ પર   છેક હવે એવો મેસેજ આપવામાં  થોડી  સફળતા મેળવી છે કે તેઓ એશિયન છે તેમાં બેમત નથી પણ પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ઈરાન, ઈરાક  સહિતના એશિયાના અન્ય દેશોના ઝુમખામાં મૂકી એક લાકડીએ અમને  ના હાંકો.

હિંદુ ધર્મ પ્રચારલક્ષી  કે ધર્માંતરથી સંખ્યાવૃદ્ધિનાં સિદ્ધાંતને વરેલો નથી. આ જ કારણે બન્યું એવું કે  શિક્ષિત, મહેનતકશ, નિષ્ઠાવાન અને બિનઉપદ્રવી તેમજ સર્વધર્મ સમાનતા ધરાવતી પ્રજા તરીકે ભારતીય સમુદાયને ને જશ ગયો પણ આ ભારતીયત્વ   હિંદુ ધર્મને આભારી છે તેવું ચરિતાર્થ કરવામાં અત્યાર સુધી આપણે નિષ્ફળ રહ્યા છીએ. હિંદુ ધર્મ અંગે એક ટકો લોકોને વિદેશીઓને રસ, રૂચી કે થોડી જાણકારી છે. વિશ્વના તમામ નાગરિકો મહદઅંશે જાણે છે કે ખ્રિસ્તી ધર્મીઓનો ધર્મ ગ્રંથ બાઈબલ છે, ઇસ્લામનો કુરાન છે પણ હિંદુ ધર્મના વેદો-ઉપનિષદો કે ભગવદ ગીતા છે તે અંગે અજ્ઞાાાનતા પ્રવર્તે છે. માંડ ૧૦માંથી એક નાગરિક આવી જાણકારી ધરાવે છે.

અમેરિકાના ફ્લોરીડામાં ૧૯૮૯થી આવી  હિંદુ યુનિવસર્સિટી ઓફ અમેરિકા કાર્યરત છે. તેવી જ રીતે બર્કલી વિસ્તારમાં છેક ૧૯૬૨થી ૨૦૧૫ સુધી   'ગ્રેજ્યુએટ થીઓલોજીકલ યુનિયન' (જીટીયુ) અંતર્ગત રીલીજીયસ સ્ટડીમાં હિંદુ  અને જૈન ધર્મ સિવાયના તમામ ધર્મ અને સંસ્કૃતિ પર અભ્યાસક્રમ ચાલતો રહેલો.

હવે હિંદુ અમેરિકન  ફાઉન્ડેશન, રાજીવ મલ્હોત્રા અને સમીર કાલરાની ટીમ હિંદુ ધર્મને બદનામ કરતા તત્વો, અને મીડિયાને સતર્ક બની જવાબ માગે છે અને કોર્ટમાં પણ ઢસડી જાય છે.

આપણે સંપ્રદાયો, આશ્રમો, ગુરુઓમાં તેમજ ઇષ્ટ દેવો-દેવીઓમાં તેમજ મૂર્તિપૂજાથી માંડી નિર્વિકાર ભગવાન જેવી અનેક માન્યતાઓ,શ્રદ્ધા  અને રૂઢિઓ ધરાવતા હોઈ હિંદુ ધર્મને એક જ  વાદમાં સમજાવવો પડકારરૂપ છે. વિશ્વમાં યોગ, ધ્યાન, સ્થૂળ-સુક્ષ્મ દેહ, પંચમહાભૂતનું વિજ્ઞાાાન અને વર્તમાન ટેકનોલોજીનો  સંબંધ, શાકાહાર, જીવદયા , લો કેલરી ઉપવાસ વગેરે હિંદુ ધર્મમાં સમાવિષ્ટ છે તે સમજાવવામાં અત્યાર સુધી નિષ્ફળ નીવડયા છીએ.

હવે ભારતીયોની સફળતા અને કુટુંબ જીવન, હેપીનેસ ઇન્ડેક્ષ અને  હિંદુ ધર્મમાં રહેલી ક્ષમતા અને ભાવિ પ્રભાવનો ભય અન્ય ધર્મીઓ પામી  ગયા હોઈ વિદેશમાં અત્યારથી જ તેનો છેદ ઉડેલો રહે તે માટેના સુઆયોજિત ષડયંત્રએ પણ જોર પકડયું છે. અમેરિકા અને યુરોપમાં નાસ્તિકોની સંખ્યા વધી રહી છે અને ચર્ચો વેચાઈ રહ્યા છે. તેના સ્થાને મંદિરો આકાર પામી રહ્યા છે. રાજકારણમાં વૈશ્વિક પ્રભુત્વ મેળવવા જેમ ઠંડુ કે ગરમ યુદ્ધ પ્રવર્તતું રહે તેમ ધર્મોના મામલે એવી જ દુનિયા છે . હિન્દુ ધર્મ અને જીવન પદ્ધતિને  વિશ્વ ગળે લગાડશે? ભારત જગદગુરુ બનશે ? ;


Gujarat