- વિવિધા - ભવેન કચ્છી
- ભારતીય ક્રિકેટ બોર્ડે આઈ.પી.એલ.માં ગર્લફ્રેન્ડ કલ્ચર અને હની ટ્રેપની સંભાવના સામે લાલ આંખ કરી ઃ ક્રિકેટરોને ક્લીન બોલ્ડ કરવા સુંદર યુવતીઓ મેદાનમાં
- ભલે કડક નિર્દેશ અપાયા હોય પણ ખેલાડીઓ પર પગલાં લેવા આસાન નથી ઃ ખેલાડીઓ હવે પોતે એક ખેલાડી કરતા પોતે કરોડપતિ હોય તેવા કેફમાં રાચે છે
આ ઈ.પી.એલ.તેના અંતિમ તબક્કામાં છે ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે એન્ટી કરપ્શન યુનિટને ટાંકીને ખેલાડીઓની હિલચાલ પર શંકા કરીને એટલે સુધી ચેતવણી આપી દીધી છે કે ખેલાડીઓએ સાવધ રહેવાની જરૂર છે અને હની ટ્રેપની પણ સંભાવના નકારી શકાય તેમ નથી.
એન્ટી કરપ્શન યુનિટના અધિકારીઓએ લાચારી બતાવી કે 'ભારતની ટીમ હોય તો અમે સીધા જ ભારતીય ક્રિકેટ બોર્ડને રિપોર્ટ કરતા હોઇ ખેલાડીઓની ગેરશિસ્ત બાબત બોર્ડને જણાવી શકતા હતા પણ આઈ.પી.એલ. એલ.માં ખેલાડીઓને માટે હોટલમાં રહેવાની, વિમાન અને અન્ય પ્રવાસ, પાર્ટી વગેરેની જે તે ફ્રેન્ચાઇઝીનું મેનેજમેન્ટ જ વ્યવસ્થા સંભાળતી હોઇ અમારી નજર સામે આચારસંહિતા જળવાતી નથી હોતી તો પણ અમે સીધા પગલાં નથી લઇ શકતા.
ક્રિકેટરોને કહી ન શકાય
એન્ટી કરપ્શન યુનિટના અધિકારીઓ તો ઠીક કેટલાક ક્રિકેટરો તેમની ફ્રેન્ચાઇઝીની સિક્યોરિટી ટીમના અધિકારીઓને પણ ગાંઠતાં નથી. આવા અધિકારીઓએ ક્રિકેટરોનું નામ નહીં આપવાની શરતે ભારતીય ક્રિકેટ બોર્ડને જણાવ્યું કે 'અમે આવા ક્રિકેટરોને રૂમમાં જ મળવા માંગતી બહારથી આવેલી વ્યક્તિઓને હોટેલની લોબીમાં જ અટકાવીએ છીએ ત્યારે આ ક્રિકેટરો અમને ઠપકો આપવાના અંદાજ સાથે ફોન પર સૂચના આપે છે કે મળવા આવનાર વ્યક્તિને રૂમમાં આવવા દેવામાં આવે.'
અધિકારીઓએ એમ પણ ફરિયાદ કરી કે 'અમે આવા ખેલાડીને આચાર સંહિતાના નિયમો અંગે જાણ કરીએ છીએ તો તેઓ અમને રોકડું સંભળાવી દે છે કે 'તમે ક્રિકેટ બોર્ડને અમારા નામે ફરિયાદ કરવી હોય તો કરી શકો છો.'
કંઈ થઈ ન શકે
જે ક્રિકેટરો હોટલના રૂમમાં ગર્લ ફ્રેન્ડ સાથે કે તેમના ગેસ્ટના નામે કોઈ અજાણી વ્યક્તિ સાથે રૂમમાં સમય વિતાવે અને માની લો કે એન્ટી કરપ્શન યુનિટ તેનું નામ ભારતીય ક્રિકેટ બોર્ડને આપે તો ભારતીય ક્રિકેટ બોર્ડ શું કરી લે? આવા ખેલાડીઓ પર તાત્કાલિક મેચ રમવા પર રોક લગાવવામાં આવે તો આખી આઈ. પી. એલ. ની પ્રતિષ્ઠા અને વિશ્વસનિયતા પર ફટકો પડે અને આઈ. પી. એલ. મોડેલ અને તેની વર્થ જ ધરાશયી થઈ જાય.
જો ખેલાડી પર મેચ રમવા પર પ્રતિબંધ લાગુ કરાય તો ફ્રેન્ચાઇઝીના માલિક બચાવમાં અને વિરોધમાં આવી જાય કેમ આવા ખેલાડીને ખરીદવા માટે કરોડો રૂપિયા ખર્ચાયા હોય છે. એટલું જ નહીં મેચમાં આવા ખેલાડી રમી ન શકે તો ટીમના પરાજયની શક્યતા વધી જાય છે એટલે તે રીતે પણ ફ્રેન્ચાઇઝીને તેમના સ્ટાર ખેલાડીથી વંચિત રહેવું ન પરવડે. જો કે ક્રિકેટર પર કોઈ પગલાં ન લઇ શકાય તેનું સૌથી મોટુ કારણ તો આઈ. પી. એલ. અને ભારતીય ક્રિકેટની આબરૂ ધૂળમાં મળી જાય તેનો ડર ક્રિકેટ બોર્ડને હોય છે તે કહી શકાય. ક્રિકેટરો આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને જ તો દાદાગીરી કરે છે કે ' તમે ક્રિકેટ બોર્ડને ફરિયાદ કરવી હોય તો કરી શકો છો.'
હની ટ્રેપનો ડર
ભલે ભારતીય ક્રિકેટ બોર્ડ પગલાં ન લે પણ તેઓએ ક્રિકેટરોની હિલચાલ જોઈને અને એન્ટી કરપ્શન યુનિટે જે રિપોર્ટ આપ્યો તેના પછી ક્રિકેટરોને તે રીતે તો ચેતવ્યા જ છે કે 'મેચ ફિકસીંગ માટે હની ટ્રેપની શક્યતા નકારી ન શકાય.હવેથી હોટલમાં કે બસમાં, વિમાન પ્રવાસમાં ગર્લ ફ્રેન્ડ કે અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે. 'અંદર ખાને શું ચાલે છે તેની અમને જાણ છે' તેમ પણ બોર્ડે ખેલાડીઓને મેસેજ આપી દીધો છે
જો કે હવે આ ખેલાડીઓનું કદ એટલું વધી ગયું છે કે તેઓને અટકાવવા શક્ય નથી. ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ આગવી દ્રષ્ટિસભર વાત કરી હતી કે પ્રત્યેક કોચ અને ક્રિકેટ બોર્ડ વર્તમાન પ્રભાવી ખેલાડીઓને કડકાઈ સાથે કોચિંગ આપતા કે કઈંક ઠપકો આપતા વિચારવું પડશે કે 'તેઓ અગાઉના જમાનાના ક્રિકેટરોને કોઈ તાલીમ કે સૂચના નથી આપતા પણ કરોડોપતિ ખેલાડીને કઈંક કહે છે.'
શાસ્ત્રીનું કહેવું એમ છે કે 'કરોડોપતિ કોર્પોરેટ હસ્તી અને સેલિબ્રિટી હોવાનો ક્રિકેટરને કેફ કે અહમ હોય છે. તે એક પ્રકારની બેફિકરાઈ અને તુમાખી ધરાવે છે. તેને ઠપકો આપવાની અધિકારી કે કોચ કે જે અમુક લાખ રૂપિયા કમાતો હોય તેની હિંમત જ નથી ચાલતી કે તે આવા ક્રિકેટરને કડક બનીને શિસ્તમાં રહેવા ખોંખારીને કઈંક કહી શકે.'
સહિયારો ધંધો
આઈ. પી. એલ. જ નહીં લોકપ્રિય રમતના ખેલાડીઓ, બોર્ડ કે એસોસિયેશન, જાહેરખબરકારો અને લીગ હોય તો ફ્રેન્ચાઇઝીઓ તેમજ ્રબ્રોડકાસ્ટર્સનો જે તે આયોજન અબજોની કમાણીનો સહિયારો ધંધો થઈ ગયો છે. બધા માટે વીન - વીન સ્થિતિ રાખવી તે જ ધ્યેય હોય.આથી જ લીગ મેચ જોવા આપણે જઈએ છીએ ત્યારે તે તે રમત કરતા કાર્નિવલ હોય તેવું વધારે લાગે.
બોર્ડ તેઓ લીગ પરત્વે ગંભીર છે તેમ પુરવાર કરવા એવા નિવેદનો કરવા પડે છે કે 'હવેથી ખેલાડીઓએ શિસ્ત અને આચારસંહિતાના નિયમો પાળવા પડશે.' હની ટ્રેપિંગ અને મેચ ફિકસીંગ સુધી ક્રિકેટ બોર્ડે ચેતવણી આપી છે. ટોચના દસ પંદર ખેલાડીઓ તો શું ભારતની ત્રીજી ટીમ બનાવાય તો પણ તેમાં સ્થાન ન મળે તેવો રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન રિયાન પરાગ ખેલાડીઓ જોડે બેસીને ઇલેક્ટ્રિક સિગારેટ વેપ કરતા કેમેરામાં કેદ થાય છે તો પણ તેને ક્રિકેટ બોર્ડ શું કરી શક્યું? ભારતમાં જ પ્રતિબંધ છે તો પોલીસે તેની સામે કેસ કેમ ન કર્યા? વિમાનની અંદર ચહલે તે પછી વેપિંગ કર્યું તો પણ બોર્ડ લાચાર હતું.
હાર્દિક પંડયા, ઈશાન કિશન, અર્શદીપ સિંઘ અને અન્ય કેટલાક તેની ગર્લ ફ્રેન્ડ સાથે હવે બોર્ડની સૂચના પછી નહીં રહે પણ અત્યાર સુધી તો બોર્ડ અને એન્ટી કરપ્શન યુનિટના અધિકારીઓ તેઓને સાથે પ્રવાસ, રૂમમાં રહેવાની પરવાનગી આપતા જ હતા ને.
ક્રિકેટરોને કોઈ યુવતી કે પત્રકાર સ્ટિંગ ઓપરેશનમાં ખુલ્લો ન પાડે ત્યાં સુધી બોર્ડ કે ફ્રેન્ચાઇઝીએ આંખ આડા કાન જ કરવા પડશે કેમ કે પ્રતિબંધ મુકવાથી કે પર્દાફાશ કરવાથી બોર્ડની સોનાની મરઘી જ મૃત્યુ પામે તેવા સંજોગો નિર્માણ પામી શકે છે. એટલે જ બોર્ડે ખેલાડીઓને ચેતવી દીધા છે કે 'ગેરશિસ્ત કરતા અટકી જાવ બાકી વહેલા મોડા ખુલ્લા પડી જશો.'
'હની ટ્રેપ' આઈ. પી. એલ. માટે પડકારજનક બની શકે છે. આ મોહમયી દુનિયાની ઝલક પણ લઈએ.
હની ટ્રેપની રીતરસમ
સરળ શબ્દોમાં કહીએ તો, 'હની ટ્રેપ' એટલે કોઈ વ્યક્તિને પ્રેમ, સેક્સ અથવા રોમેન્ટિક સંબંધોની જાળમાં ફસાવીને તેની પાસેથી ગુપ્ત માહિતી કઢાવવી, તેને બ્લેકમેલ કરવી અથવા તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવું. રમતગમતમાં આ જાળ મુખ્યત્વે બે હેતુથી બિછાવવામાં આવે છે.
મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજી ઃ ખેલાડી પાસેથી ટીમની રણનીતિ કે પિચ રિપોર્ટ જેવી ગુપ્ત માહિતી મેળવવી.
નાણાકીય ઉચાપત ઃ ખેલાડીના અંગત પળોના ફોટા કે વીડિયો ઉતારીને તેને કરોડો રૂપિયા માટે બ્લેકમેલ કરવો.
ખેલાડીઓ સરળ શિકાર
ખેલાડીઓ હની ટ્રેપનો શિકાર બનવા પાછળ કેટલાક મનોવૈજ્ઞાાનિક અને સામાજિક કારણો જવાબદાર છેઃ
એકલતા અને મુસાફરી ઃ પ્રોફેશનલ ખેલાડીઓ વર્ષના મોટાભાગના દિવસો ઘરથી દૂર હોટલોમાં વિતાવે છે. આ એકલતાનો લાભ સોશિયલ મીડિયા દ્વારા ઉઠાવવામાં આવે છે.આ ઉપરાંત ખેલાડીઓ ગરીબી, સંઘર્ષમાંથી શહેરની, વિદેશની ચમક દમક દુનિયામાં સીધો પગ મુકવાથી અંજાઈ જાય છે. તેઓનો ઉછેર પણ સંસ્કાર કે તેવા બેકગ્રાઉન્ડ સાથે થયો ન હોય તેવું બને. ટૂંકા ગાળામાં કરોડપતિ બની જતા તેઓ સેક્સી છોકરીઓથી આકર્ષાય છે. તેઓને ફસાવવા માટે આખી સિન્ડિકેટ પડદા પાછળ કાર્યરત હોય છે.
સોશિયલ મીડિયાનો ક્રેઝ : ઇન્સ્ટાગ્રામ કે ડેટિંગ એપ્સ પર અજાણી સુંદર યુવતીઓ સાથે વાત કરવી ખેલાડીઓ માટે સામાન્ય બની ગઈ છે, જે ઘણીવાર જાળ સાબિત થાય છે.
યુવાની અને આક્રમકતા : યુવાન ખેલાડીઓ ઘણીવાર જોખમ લેવાની વૃત્તિ ધરાવતા હોય છે અને ભાવનાત્મક આવેગમાં આવીને ભૂલ કરી બેસે છે.
ક્રિકેટમાં બુકીઓની જાળ
ભારતીય ઉપખંડમાં ક્રિકેટ એક ધર્મ જેવો છે, અને અહીં જ સૌથી વધુ હની ટ્રેેપના કિસ્સા જોવા મળે છે. ભૂતકાળમાં ઘણા પાકિસ્તાની ખેલાડીઓ પર આરોપ લાગ્યા છે કે તેઓ દુબઈ કે લંડનમાં સુંદર મોડેલો દ્વારા ઓપરેટ થતા બુકીઓના સંપર્કમાં આવ્યા હતા. બુકીઓએ ખેલાડીઓને આકર્ષવા માટે 'પાર્ટીઓ' અને 'મહિલા મિત્રો'નો સહારો લીધો હતો.
ભ્રષ્ટાચાર અને વોટિંગ
ફીફા કે ઓલિમ્પિક જેવી સંસ્થાઓમાં જ્યારે કોઈ દેશને વર્લ્ડ કપની યજમાની મેળવવી હોય, ત્યારે મત આપનારા ઓફિસિયલ્સને રીઝવવા માટે ઘણીવાર મહિલાઓ અને લક્ઝરીનો સહારો લેવામાં આવે છે.
નૈતિકતા જ ઉકેલ
હની ટ્રેપ એ રમતજગતનો એક એવો રોગ છે જેનો ઇલાજ માત્ર કાયદામાં નથી, પણ ખેલાડીઓની નૈતિકતા અને જાગૃતિમાં છે. મેદાન પરના દુશ્મનોને હરાવવા સહેલા છે, પણ પડદા પાછળના આ માયાવી શિકારીઓથી બચવું એ જ ખરા ખેલાડીની ઓળખ છે. રમતગમત એ પવિત્રતા અને ખેલદિલીનું પ્રતીક છે, તેને ગ્લેમરના ઓઠા હેઠળ રમાતી આ ગંદી રમતથી બચાવવી એ દરેક સ્પોર્ટ્સ લવર અને સંસ્થાની જવાબદારી છે. 'મેદાન પરની હાર સુધારી શકાય છે, પણ ચરિત્ર પર લાગેલો હની ટ્રેપનો ડાઘ ક્યારેય ભૂંસી શકાતો નથી.'
ક્રિકેટમાં શેન વોર્ન, પિટરસન, ગોલ્ફમાં ટાઇગર વુડ્સ, ફૂટબોલ અને બાસ્કેટ બોલમાં લીગ રમતા લગભગ મહત્વના ખેલાડીઓ હની ટ્રપનો ભોગ બન્યા છે. તમામ રમતના બોર્ડ અને એસોસિયેશનને ખબર જ છે કે હની ટ્રેપ જારી જ છે પણ તેઓ ખેલાડી પર પગલાં લે તો લીગ જ તૂટી પડે તે કારણે તેઓ લાચારી સાથે મૌન સેવે છે.


