આઝાદી દિન : પ્રગતિની સાથે હવે પડકાર પણ
- ચીન પછી હવે અમેરિકાએ પણ ભારતને માટે અણધારી આફત સર્જી છે : ભારત આર્થિક તાકાતની રીતે ચોથા નંબરનો દેશ બન્યો
- વિવિધા-ભવેન કચ્છી
- ભારત આઝાદ થયું ત્યારે 34 કરોડની વસ્તી હતી જે અમેરિકાની હાલની વસ્તી છે : આઝાદી વખતે ભારતની જીડીપી રૂ.2.7 લાખ કરોડ હતી જે આજે 331 લાખ કરોડ
૧૫ ઓગસ્ટ ૧૯૪૭માં આઝાદ થયું ત્યારે ભારતની વસ્તી ૩૪ કરોડની હતી અને ભારતની જીડીપી રૂ.૨.૭ લાખ કરોડ હતી.તેના કરતા પણ શરમજનક આંક સાક્ષરતાનો હતો. ભારતમાં ૧૨ ટકા નાગરિકોને જ અક્ષર જ્ઞાાન હતુ. આજે ભારતની વસ્તી ૧૪૬ કરોડ છે. એટલે કે ૭૮ વર્ષમાં ભારતની વસ્તી ચાર ગણી કરતા પણ વધુ વૃદ્ધિ પામી છે. બીજી રીતે કહીએ તો ભારતની ૧૯૪૭માં જેટલી વસ્તી હતી એટલી અમેરિકામાં હાલની વસ્તી છે. ભારતનો વસ્તી વૃદ્ધિ દર ચીન કરતા પણ વધારે રહ્યો છે. ભારતની ૧૯૫૦માં ૩૫ કરોડ સામે ચીનની તે વર્ષમાં ૫૫ કરોડ વસ્તી હતી. ચીનમાં ૭૫ વર્ષમાં વધુ ૯૦ કરોડની વસ્તી ઉમેરાઈ જયારે ભારતમાં આ સમયગાળામાં ૧૧૧ કરોડની વસ્તીનો ઉમેરો થયો.
ભારતનો સાક્ષરતા દર 80 ટકા
ભારતની ૭૮ વર્ષમાં આર્થિક અને વિકાસના અન્ય પાસાઓની રીતે પ્રશંસનીય પ્રગતિ તો કહેવાય જ કેમ કે ભારતની વર્તમાન જીડીપી અંદાજે રૂ.૩૩૧ લાખ કરોડ છે. ૪૫ ગણો વધારો કહી શકાય. તમે તરત જ મનોમન કહેશો કે ફુગાવાનું શું? તો એમ પણ જાણી લો કે ભારત આઝાદ થયું ત્યારે વિશ્વની કુલ જીડીપીના ત્રણ ટકા જ તે રકમ હતી આજે ભારતની જીડીપી વિશ્વની કુલ જીડીપીના ૮.૩ ટકા જેટલી છે. હવે જાપાનને પાછળ પાડીને વિશ્વમાં ચોથા ક્રમની આર્થિક તાકાત બની ગયું છે. અમેરિકા , ચીન અને જર્મની જ હવે ભારત કરતા આગળ છે.
ભારત આઝાદ થયું ત્યારે ૧૨ ટકા સાક્ષરતા દર હતો તે હવે ૮૦.૯ ટકા થઇ ગયો છે જે જેવી તેવી સિદ્ધી ન કહેવાય. ભારતે બહુમુખી પ્રગતિ કરી તેનો અંદાજ તેના પરથી પણ માંડી શકાય કે ભારત આઝાદ થયું તેના ઘણા વર્ષો સુધી એકલા કૃષિ સેક્ટરનું જ દેશની જીડીપીમાં ૫૦ ટકા યોગદાન હતું.અન્ય સેક્ટર વિકસિત નહોતા.ભારતનું તે વખતે કૃષિ ઉત્પાદન ૫ કરોડ ટન હતું. આજે ભારતનું કૃષિ ઉત્પાદન ૩૨૯૬ લાખ ટનથી વધુ છે પણ ભારતની કુલ જીડીપીમાં હવે કૃષિનો હિસ્સો ૧૬ ટકા જ છે જે બતાવે છે કે ભારતનો સર્વાંગી વિકાસ થયો છે.
આવકની અસમાન વહેંચણી
જો કે ભારત હજુ પણ વિશ્વની નજરે ગરીબ કે ત્રીજા વિશ્વના દેશ તરીકે જોવાય છે તેનું એક કારણ એ છે કે ભારતમાં આવકની વહેંચણી ભારે અસામાન રીતે થયેલી જોવા મળે છે. ભારતની કુલ સંપત્તિના ૯૨ ટકા પર આઠ ટકા શ્રીમંતો કબજો જમાવીને બેઠા છે. ભારતની માથાદીઠ આવક ૨૧૦૦ ડોલરની આસપાસ મનાય છે જે પહેલી નજરે ઠીક ઠીક સુખદ લાગે પણ ખરેખર તેના કરતા પાંચમા ભાગની પણ ટકા નાગરિકો સુધી પહોચતી નહીં હોય. ભારત કહેવાય વિશ્વની ચોથી આર્થિક તાકાત પણ માથાદીઠ આવક તેઓ કરતા ભૂતાન (૩૨૦૦ ડોલર), માલદીવ્સ (૧૦૦૦૦ ડોલર) અને બાંગ્લા દેશની (૨૫૦૦ ડોલર) વધુ છે. ફરી તમે આ ટચુકડા દેશની તુલના ન કરાય તેમ કહેશો તો જાણી લો કે ભારત જેટલી જ વસ્તી ધરાવતા ચીનની માથાદીઠ આવક ભારત કરતા છ ગણી વધારે છે. ચીનની માથાદીઠ આવક ૨૦૨૪માં ૧૩,૧૨૧ ડોલર હતી.
સૌથી મોટો લોકશાહી દેશ
અમેરિકા ૧૭૮૮માં લોકશાહી તંત્રની સ્થાપના થઇ એટલે સૌથી વધુ ૨૩૭ વર્ષ જૂની આવી સીસ્ટમ તે ધરાવે છે. નોર્વે (૧૮૧૪), નેધરલેન્ડ (૧૮૧૫), બેલ્જીયમ (૧૮૩૧), ડેન્માર્ક (૧૮૪૯), કેનેડા (૧૮૬૭), લક્ષમબર્ગ (૧૮૬૮), ઓસ્ટ્રેેલીયા (૧૯૦૧), મેક્સિકો (૧૯૧૭), અને ઓસ્ટ્રીયા (૧૯૨૦) આ દસ દેશો વિશ્વની સૌથી જૂની લોકશાહી ધરાવે છે.કુલ ૧૪ દેશો જ વિશ્વમાં એવા છે કે જેમની લોકશાહી સિસ્ટમને ૧૦૦ કે વધુ વર્ષ વીતી ચુક્યા છે. જો કે ભારત ૧૪૬ કરોડની વસ્તી સાથે અને અમેરિકાની મહાસત્તા અને આર્થિક તાકાતને જોતા આ બે દેશો લોકશાહી ધરાવતા હોઈ ભાવિ વિશ્વને દિશા આપવામાં મહત્વના મનાય છે. અમેરિકા અને સાથી રાષ્ટ્રો કે જે લોકશાહી મૂલ્યો સાથેનું વિશ્વ ઝંખે છે તેઓ અને ચીન, રશિયા, નોર્થ કોરિયા જેવા સરમુખત્યાર, સામ્યવાદી કે બીન લોકશાહી દેશો એકજુટ થઈને સામસામે મોરચો માંડીને બેઠા છે તેને લીધે વિશ્વ યુદ્ધનો ભય પેદા થાય તેમ ઘર્ષણ વધતું રહે છે ત્યારે ભારતનું વલણ અને મનોબળ પણ નિર્ણાયક બનશે. આગામી ૨૨ વર્ષ પછી આપણે આઝાદીની શતાબ્દી ઉજવતા હોઈશું ત્યારે શક્ય છે કે છેલ્લા ૭૮ વર્ષમાં જે આકાર નથી પામ્યું તે જોવા મળશે. ભારત પહેલો હુમલો કરવામાં કે વિસ્તારવાદમાં નથી માનતું. ભારત સંસ્કારની રીતે ખંધી રાજનીતિ કે પીઠ પાછળ ખંજર નથી ભોંકી શકતું. અહિંસાનું ગોત્ર પણ વચ્ચે આવે આની સામે ચીન એવું તમામ કરી રહ્યું છે અને કરશે જે ભારોભાર એંચઈ અને હલકાઈ ની હદ વટાવતું કહી શકાય.
ચીન પછી હવે અમેરિકા
ચીન પછી હવે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ પણ ભારતને આર્થિક રીતે ફટકો પહોંચાડવામા જોડાયા હોય ભારત માટે કસોટીનો કાળ છે. ચીન અરુણાચલ પ્રદેશ, સિક્કિમ સુધી દબાણ કરી ભારતનો નકશો બદલાવા માંગે છે. ચીન ઉપરાંત હવે અમેરિકા પાકિસ્તાન જોડે હાથ મીલાવી. ચૂક્યું હોઇ કાશ્મીર મુદ્દે ભારતે મક્કમ મનોબળ રાખવું પડશે. ભારતમાં આતંકવાદી ગતિવિધિ તેજ બની શકે છે. કાશ્મીરમાં સિવિલ વોરની પણ નોબત આવી શકે છે. ભારતના બજેટમાં વિકાસ કરતા સંરક્ષણમાં જ ફાળવણી વધતી રહે તેવી પણ ચીનની ચાલ છે. ભારત આર્થિક તાકાત તરીકે ઉભરી આવ્યું છે તે તેઓને ખૂંચે છે. ટોચના નેતાઓને તેમની સલામતીની રીતે પણ સાવધ રહેવું પડશે. ભારત કાશ્મીર,પાકિસ્તાન હસ્તકના કાશ્મીર અને બલુચિસ્તાન મોરચે કેવી રણનીતિ અને સફળતા પ્રાપ્ત કરે છે તે પણ ભારતને નિર્ણાયક પોઝીશન પર લાવશે. અમેરિકા ભારતને સાથ નહીં આપે તે જોતા ભારતે તેના પોતાના બળ પર જ પ્રભુત્વ અને સરસાઈ મેળવવાની તાકાત કેળવવી પડશે. ટ્રમ્પના ૫૦ ટકા ટેરિફ બોમ્બ ઉપરાંત ભારતીયો અમેરિકામાં છવાઈ ગયા છે તે માટેના ઝેર અને વૈમનસ્યના બીજ ટ્રમ્પે રોપ્યા હોઈ ભારત અને ત્યાં વસતા ભારતીયો માટે કપરો કાળ પુરવાર થઈ શકે છે. ભારત આ પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરે છે તેના પર વિશ્વની પણ નજર છે. તો ઘરઆંગણે આઝાદીના ૬૫ વર્ષ સુધી સોશિયલ મીડિયા પરની વોરનો પ્રભાવ નહોતો હવે ભારતમાં કેવું વાતાવરણ રહે છે તે સોશિયલ મીડિયાના હાથમાં સરકી ગયું છે. હવે તો પ્રત્યેક વીતી રહેલ વર્ષ સાથે દેશમાં જાતિ, ધર્મ, ભાષા અને પ્રાંતવાદના નામે જે દ્વેષ ફેલાઈ રહ્યો છે તે પણ દેશને અંદરથી તોડી પાડવાનું ષડયંત્ર હોય તેમ પુરવાર થતું જાય છે. છે.
ભારતનો 46મો રેન્ક
ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ નામની સંસ્થાએ વર્ષ ૨૦૨૧માં લોકશાહી દેશોમાં ખરેખર કેવી લોકશાહી પ્રવર્તે છે તેના ઇન્ડેક્ષ આપ્યા હતા જેમાં એક જ વ્યક્તિ બે કે વધુ હોદ્દા ધરાવતી હોય તેવી સ્થિતિ, સરકારની કાર્યપદ્ધતિ, રાજકીય પક્ષો સ્થાપવા માટે અનુકુળ વાતાવરણ, રાજકારણીઓની સભ્યતા, નાગરિકોને મળતું સ્વાતંત્ર્ય અને ચુંટણી પ્રક્રિયા જેવા માપદંડ રાખવામાં આવ્યા હતા. ભારતનો ૪૬મો અને અમેરિકાનો ૨૬મો ક્રમ આવ્યો હતો. ભારતનો રેન્ક અગાઉના વર્ષો કરતા નજીવો સુધારા પર છે. બંને દેશોમાં લોકશાહીના મુલ્યોની જાળવણીની રીતે ઘણી ત્રુટિઓ જણાઈ હતી. ભારતને ૧૦માંથી સરેરાશ ૬.૯૧ ટકા અને અમેરિકાને ૭.૮૫ ટકા મળ્યા હતા. ભારતને રાજકીય સભ્યતામાં પાંચ અને નાગરિકોને સ્વતંત્રતાની રીતે ૬.૧૮ ગુણ પ્રાપ્ત થયા. ભારતને ચુનાવ પ્રક્રિયાની પારદર્શકતામાં સંતોષજનક ૮.૬૭ માર્ક રહ્યા. ૨૦ દેશોમાં લોકશાહી ઉત્કૃષ્ટ છે જેમાં મહત્વના દેશોમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, સાઉથ કોરિયા, જાપાન, બ્રિટન, સ્વીત્ઝર્લેન્ડ , ન્યુઝીલેન્ડ અને તાઈવાનનો સમાવેશ થાય છે. નોર્વે નંબર વન પર રહ્યું. જો કે પાડોશી દેશોની તુલનામાં ભારતમાં નાગરિકોની ગુણવત્તા, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય, ચુનાવ પ્રક્રિયા તેમજ વહીવટ શાસન વ્યવસ્થાની રીતે ઘણી ઘણી સારી સ્થિતિ જોવા મળે છે. ચીન ૧૪૮માં ક્રમે, મ્યાનમાર ૧૬૬ ,અફઘાનિસ્તાન ૧૬૭ પાકિસ્તાન ૧૦૪ નેપાળ ૧૦૧ અને બાંગ્લા દેશ ૭૫માં ક્રમે છે.ભારત માટે ખુશીની વાત છે પણ સાથે એવી રીતે પણ ડરવાનું છે કે ચીન અને તેના નેજા હેઠળના બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા દેશોમાં કોઈ પોલિટિકલ કલ્ચર જ નથી અને તેઓ વિશ્વના કોઈ સંગઠનની શેહ પણ ધરાવતા નથી. તેઓનો લોકશાહીનો તળીયાનો રેન્ક જ ભારતની ઊંઘ ઉડાવી શકે છે તે તરફ નિર્દેશ કરે છે.
મહત્ત્વની ઘટનાઓ
ભારતે સાડા સાતથી વધુ દાયકામાં અસાધારણ પ્રગતિ તમામ મોરચે કરી છે. મહત્ત્વની કહી શકાય તેવી ઘટનાની યાદી પર પણ નજર ફેરવી લઈએ. (૧) ૨૬મી જાન્યુઆરી,૧૦૯૫૦ પ્રજાસત્તાક દિન (૨) ૧૯૫૧માં પ્રથમ પંચવર્ષીય યોજના (૩) ૧૯૫૨માં લોકસભાની સૌ પ્રથમ ચુંટણી (૪) ૧૯૫૩માં એર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ (૫) ૧૯૫૪માં ભારત અને ચીન વચ્ચે પંચશીલ કરાર (૬) ૧૯૫૫માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની સ્થાપના (૭) ૧૯૫૭માં ચલણી નાણું બીલ(૮) ૧૯૬૦માં હરિયાળી ક્રાંતિ (૯) ૧૯૬૧માં ગોવાની મુક્તિ (૧૦) ૧૯૬૨માં ભારત ચીન યુદ્ધ (૧૧) ૧૯૬૩માં પ્રથમ રોકેટ લોન્ચ કર્યું (૧૨) ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ (૧૩) ૧૯૬૬માં સ્વ. ઇન્દિરા ગાંધી પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા (૧૪) ૧૯૬૯માં ઇસરોની સ્થાપના (૧૫) ૧૯૭૦માં દૂધ શ્વેત ક્રાંતિ (૧૬) ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અને ૧૯૭૪માં પ્રથમ પરમાણુ પરીક્ષણ (૧૭) ૧૯૭૫માં કટોકટી લાદવામાં આવેલી (૧૮) ૧૯૮૨માં ભારતમાં રંગીન ટીવી પ્રસારણ (૧૯)૧૯૮૩માં ભારત વન ડે વર્લ્ડ કપ જીત્યું (૨૦) ૧૯૮૭માં ગોવા ભારતનું એક રાજ્ય બન્યું (૨૨) ૧૯૮૮માં 'સેબી : ની સ્થાપના થઇ (૨૩) ૧૯૮૯માં અગ્નિ મિસાઈલ સફળ લોન્ચ (૨૪) ૧૯૯૧માં ભારતનું અર્થતંત્ર મુક્ત બન્યું (૨૫) ૧૯૯૫માં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનની સ્થાપના (૨૬) ૧૯૯૮માં ભારતે પોખરણ ૨ ટેસ્ટ પાર પડયું (૨૭) ૧૯૯૯મા કારગીલ વોર (૨૮) ૨૦૦૮માં ચન્દ્રયાન વન સફળ લોન્ચ (૨૯) ૨૦૧૪માં ભાજપ સત્તા પર આવ્યું (૩૦) ૨૦૧૫માં નીતિ આયોગની સ્થાપના (૩૧) ૨૦૧૭માં જીએસટી જાહેર થયો (૩૨ ) નોટબંધી (૩૩) એન. ડી . એ. ૨૦૧૪, ૨૦૧૯માં અને ૨૦૨૪ ફરી જીતતા મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે (૩૪ ) ટ્રીપલ તલ્લાક પ્રથા રદ, (૩૫ ) કાશ્મીર ૩૭૦મી કલમ નાબુદ (૩૬) અયોધ્યા મંદિરનું નિર્માણ (૩૭) કોરોનામાં દેશવ્યાપી વૈશ્વિક પ્રસંશાપાત્ર રસીકરણ (૩૮) દ્રૌપદી મુર્મુ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ (૩૯) શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશનમાં રહેનાર પ્રથમ ભારતીય બન્યા. આ ઉપરાંત ૧૯૬૯માં બેન્કોના રાષ્ટ્રીયકરણની ઘટના પણ સમાવી શકાય. હજુ ઘણા પડકારો છે. નાગરિકો તેમની ફરજ કે નાગરિક શિસ્તમાં વિકસિત દેશોની તુલનામાં ઘણા પાછળ છે, પ્રામાણિકતા આને નૈતિક ધોરણ પણ ૨૧મી સદીના નાગરિક જેવું નથી. રાષ્ટ્ર નિષ્ઠા અને દેશને માટે શું કરી શકું તેવી ભાવના ખાસ વિકસી નથી. રંગ અવધૂત મહારાજે મંત્ર આપ્યો છે કે 'પરસ્પર દેવો ભવ'- એકબીજાને દેવ તરીકે જુઓ તે જણાતું નથી. મોદીએ ૨૦૦ વર્ષના ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓને યાદ કરી દેશના નાગરિકોને તેમના બલિદાનની યાદ અપાવી. ચાલો આપણે સૌ આત્મનિરીક્ષણ કરીને આપણા લોકતંત્રને મજબુત બનાવીએ. દેશના દુશ્મનોને ભારતની તાકાતનો અંદાજ અને ડર હોવો જોઈએ. 'અપની આઝાદી કો હમ હરગીઝ મીટા સકતે નહીં સર કટા સકતે હૈ લેકિન સર ઝુકા સકતે નહીં' આજે પણ એટલું જ પ્રસ્તુત છે.