- આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના રીઢા ગુનેગાર જેવા કારનામા સામે સખ્ત સજાની જોગવાઈ નહીં હોઇ સેલિબ્રિટીઓને કેટલી સુરક્ષા મળે છે તે જોવું રસપ્રદ
- વિવિધા-ભવેન કચ્છી
- ડીપફેક એટલે હળાહળ જુઠ્ઠાણું: A. I. અદ્દલ ચહેરા, અવાજ અને હાવભાવ સર્જી શકે છે. કરતૂત પકડાય ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હોય છે
કો ઈએ જીવનનો બોધ આપતી, રસપ્રદ જાણકારી આપતી કે નિર્દોષ રમૂજ સર્જતી લીંક સ્માર્ટ ફોન પર ફોરવર્ડ કરી હોય તે ક્લિક કરીને જોવા જાવ ત્યારે પુરી શક્યતા છે કે તમારા આઘાત અને ક્ષોભ વચ્ચે હિન્દી ફિલ્મની જાણીતી ખુબસુરત અભિનેત્રી સેમી પોર્નો (અશ્લીલ) કહી શકાય તેવી વિડિયોમાં તેનું નામ જે અભિનેતા જોડે રોમાંસમાં જોડાયેલું હોય તેને આલિંગન કે કીસ કરતી જોવા મળે. બંને પાત્રો બેડ તરફ જતા કામુક નખરા કરતા જોઈ શકાય.
મનઘડત પોસ્ટ
ફેસબુક, ઇન્સ્ટા, થ્રેડ બધામાં જાણીતી સેલિબ્રિટીની પાર્ટીમાં કોઈ અભિનેત્રીનું અંગ પ્રદર્શન થતું હોય તે ક્લોઝ અપમાં બતાવતી વિડીયો, અંગત પળો અને સાવ મનઘડત સેક્સ રીલની પણ ભરમાર ચાલતી જોઈ શકાય છે.
સ્માર્ટ ફોન પર ઉત્તેજના જગાવતા અજાણ્યા ચહેરાઓની અશ્લીલ વિડીયો આ લેખનો વિષય નથી પણ અદ્દલ હીરો હિરોઈન જ લાગે તેવા આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સની મદદથી (ડીપ ફેક) બનાવાયેલ તેઓના સેક્સ વિડીયો કઈ હદે હીરો અને હિરોઈનને શરમજનક સ્થિતિમાં મૂકે છે અને તેઓના જાહેર અને અંગત જીવનના સંબંધો વણશે તે હદે નુકસાન પહોંચાડે છે તેની તરફ ધ્યાન દોરવાનો છે.
ઐશ્વર્યા રાય બચ્ચનના બચ્ચન પરિવાર જોડે સુમેળ ભર્યા સબંધો નથી તેવી અફવા જારી હતી તે જ અરસામાં ડીપફેકથી બનાવાયેલ અસંખ્ય શોર્ટ રીલ સોશિયલ મીડિયામાં ફરતી થઇ હતી જેમાં ઐશ્વર્યા ફરી સલમાન ખાન માટેનો સોફ્ટ કોર્નર વ્યક્ત કરી રોમાંસ માટે આવકારતુ સ્મિત આપે છે. ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્ય સાથે કોઈ પાર્ટીમાં પ્રવેશતી હોય અને સલમાન ખાન પ્રથમ હરોળમાં બેઠો હોય ત્યારે ઐશ્વર્યા તેને સ્મિત આપવા સાથે તેની પુત્રી આરાધ્યાને દૂરથી સલમાન તરફ આંગળી ચીંધતા જાણે તેના એક જમાના પ્રેમીનો પરિચય આપતી હોય તેમ વિડિયોમાં જોઈ શકાય છે.
ઐશ્વર્યા રાયે કોઈ આવો ખાસ વિડીયો કોર્ટ સમક્ષ રજુ કર્યા સીવાય કોર્ટમાં 'પર્સનાલિટી રાઈટ'ની માંગ કરી હતી. જેમાં જણાવાયું હતું કે કોઈને પણ તેની પરવાનાગી વગર તેના નામનો, ઇમેજ, અવાજ, વિડીયો રિલીઝ કરવાનો હક નથી અને એ. આઈ. કે અન્ય સોફ્ટવેર, ફોટો કે વિડીયો મિકસીંગ જેવી ટેક્નિકથી મીડિયામાં મુકનારને સખ્ત સજા થવી જોઈએ.
નર્યા જુઠ્ઠાણા
એવું નથી કે મહિલા સેલિબ્રિટીને જ એ. આઈ. અને ડીપફેક પજવી રહ્યા છે. અભિષેક બચન, જેકી શ્રોફ, અનિલ કપૂર, સોનુ નિગમ, કુમાર શાનું, આશા ભોંસલે સહીત ડઝનથી વધુ સેલિબ્રિટી કોર્ટમાં ડીપફેક કે એ. આઈ.થી થતા ચેડાં સામે રક્ષણ માંગી ચુક્યા છે. ભારતની મહિલા ટીમ વન ડે ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની તે સાથે જ એક વીડિયોમાં ભારતની ક્રિકેટર જેમીમા રોડ્રિકસ સચિનના પુત્ર અર્જુન તેંડુલકર જોડે અફેર હોય તેમ શોર્ટ રીલમાં તેનો વિડીયો ફરતો થયો હતો. કઈ ક્રિકેટરને કોની જોડે નજીકની મિત્રતા છે તે એ. આઈ.થી બતાવાયું હતું.અર્જુન તેંડુલકરની તો સગાઇ થઇ ચુકી છે અને બંને પાત્રો ટેક્નોલોજીની દાનવી અસરથી વાકેફ છે પણ આવી ફેક વિડીયો ગમ્મત ખાતર પણ બધા જુએ અને વાયરલ થાય છે. આવી સેલિબ્રિટીને ચીઢવવા માટે તત્પર મીડીયકર્મીઓ પણ છે જેઓ ડીપફેક વિડીયો સાચી હોય તેમ પ્રશ્નો પૂછે છે કે તમારા નવા બંધાયેલા સંબંધ અંગે તમારે શું કહેવું છે?
આબેહૂબ અવાજ
એ. આઈ. વ્યક્તિનો અવાજ પણ એક વખત ઝીલી લે તે પછી આબેહૂબ તેવો જ અવાજ સર્જી શકે છે. જેકી શ્રોફ જ તેના આગવા ટપોરી શૈલીના અવાજમાં સંવાદ બોલતો હોય તેવી ઓડિયો વિડીયોનો જાહેરાતમાં ઉપયોગ થઇ શકે. એ. આઈ.ને કંપોઝ કરવાનું કહેવાનું, એ. આઈ.ને જ તેમાં વાજીંત્રોનો ઉપયોગ કરવાનું કામ સોંપવાનું અને એમ પણ આદેશ આપવાનો કે કુમાર શાનું અને આશા ભોંસલેના અવાજમાં યુગલ ગીત અમારા માટે બનાવી આપો. તમે એમ પણ કહી શકો કે એ. આર.રહેમાન, પ્રીતમ કે લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત હોય તેવું શ્રોતાઓને લાગવું જોઈએ.હવે વિચારો તમામ સેલિબ્રિટીઓને જ પર્સનાલિટી રાઈટ લેવા પડે તેવી નોબત આવશે તેમ નથી લાગતું. જે હદે એ. આઈ. ડીપ ફેક સર્જન કરે છે તે જોતા ભવિષ્યમાં અલાયદી આવા કેસની કાર્યવાહી માટે કોર્ટ જ ઉભી કરવી પડશે.
કુમાર શાનુ અને આશા ભોંસલેએ એટલે જ પર્સનાલિટી રાઈટ કરાવ્યા છે. ડીપફેકથી મહિલાને બેડરૂમમાં પણ બતાવી શકાય અને બિકીની સાથે બીચ પર પણ. એડિટ, મિકસીંગ કરીને કોઈ પુરુષ કે તેની મિત્રો જોડે પાર્ટીમાં રંગીન મિજાજમાં ટકિલાના ઘૂંટ લેતી પણ દર્શાવી શકાય.વી. એફ. એક્સ. અને એ. આઈ. થી ફૂલ લેન્થ ત્રણ કલાકની ફિલ્મ બનાવી શકાય જેમાં ઉદાહરણ તરીકે હિન્દી ફિલ્મની ઈચ્છો તે સ્ટાર કાસ્ટ લઇ શકો. તેમની પાસે તેમના જ અવાજ સાથે સંવાદ બોલાવી શકો. એક્ટિંગ પણ અદ્દલ તેઓ જેવી જ. ગીત - સંગીત પણ ડીપફેક હોય પણ કંઠ અરિજિત સિંઘ અને શ્રેયા ઘોસાલનો હોય. બસ, ભવિષ્યમાં આવી પુરી શક્યતા હોઇ મોટા ભાગના સેલિબ્રિટી, કલાકારો, કસબીઓ, ગાયક, સંગીત કાર, નિર્માતા, નિર્દેશકો પર્સનાલિટી રાઈટ કરાવે છે. કલાકારોની જેમ જ ખેલાડીઓ પણ પર્સનાલિટી રાઈટ માટે ગંભીર બન્યા છે.
હોર્ડિંગમાં પણ દુષણ
ભારત કેટલો વિશાળ અને અંતરિયાળ ગામડાનો બનેલ દેશ છે. તમે જોતા હશો કે કોઈ લોકલ બ્રાન્ડની ચીજ વસ્તુની જાહેરાતના હોર્ડિંગમાં કોઈ અભિનેતા, અભિનેત્રી,ખેલાડી કે અન્ય ક્ષેત્રની જાણીતી હસ્તીનો ફોટો જાણે તે ચીજ વસ્તુ માટે કરારબદ્ધ બ્રાન્ડ એમ્બેસેડર હોય તેમ બતાવાય છે. પણ એવા કિસ્સા વધતા જાય છે જેમાં આ સેલિબ્રિટીને ખબર પણ નથી હોતી અને તેની ઇમેજનો ઉપયોગ થતો હોય છે. જે સેલિબ્રિટીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા કંપની પાંચથી વીસ કરોડ ચૂકવે છે તે જ સેલિબ્રિટીનો મફતમાં ઉપયોગ કરતી કંપનીઓ છે. સેલિબ્રિટી તેની જંગી આવક તો ગુમાવે જ છે પણ તેની ઇમેજને પણ ફટકો પહોંચે છે કેમ કે ડીપફેક નહીં સમજનાર દેશમાં ૭૦ ટકાથી વધુ લોકો એમ માને છે કે આટલી મોટી સેલિબ્રિટી આવી સ્થાનિક અને મર્યાદિત ગ્રામ્ય સેક્ટરમાં વેચાતી ચીજ વસ્તુની જાહેરાતમાં દેખા દેવા સુધી નીચે કેમ ગઈ હશે. આ ફોટા કે ઇમેજ ડીપફેકથી બન્યા હોય છે.
ટી શર્ટ, મગ પર તસ્વીર
તેવી જ રીતે ભારત જેવા વિરાટ દેશમાં ગ્રામીણ કે શહેરી બજારની આગવી દુનિયા છે. ફૂટપાથ બજાર, મેળા અને જુના શહેરના બજાર પણ ખરા. આવા બજારમાં લોકલ બ્રાન્ડ કે બ્રાન્ડ વગરના ટી શર્ટ, જર્સી, વોટર બોટલ, બેગ, ચા - કોફી પીવાના મગ, કેપ, જેવી વસ્તુઓ પર ડીપફેકથી સર્જાયેલ સેલિબ્રિટીની ઇમેજ ચીપકાવેલી હોય છે. સેલિબ્રિટીઓને કરોડો રૂપિયા આપીને જે બ્રાન્ડ માટે કરારબદ્ધ કરાયો હોય છે તેવી જ ડુપ્લીકેટ બ્રાન્ડ સસ્તા ભાવે ભારતના ઘણા બજારોમાં વેચાતી હોય છે. આવડા મોટા દેશમાં આ બદી પર નજર અને નિયંત્રણ રાખવું લગભગ અશક્ય છે.
પોપ ગાયિકા રિહાનાનો કેસ
ભારતમાં તો પર્સનાલિટી રાઈટ એકાદ વર્ષથી પ્રચલિત છે પણ પાંચ વર્ષ પહેલા અમેરિકામાં પાપ ગાયિકા રિહાનાની સ્કેચ કરેલી તસ્વીર પ્રિન્ટ કરીને યુવાઓ માટેની પ્રોડક્ટ જેવી કે જર્સી, મગ અને કેપમાં ઉપયોગમાં લેવાતી હતી. રિહાનાએ પર્સનાલિટી રાઈટ અંતર્ગત આવા વેચાણ પર પ્રતિબંધની માંગ કરી પણ કોર્ટે તેની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો કે તમે સેલિબ્રિટી છો. તમારી તસ્વીર પ્રસારણ માધ્યમોમાં એમ જ પ્રકાશિત થતી હોય છે. તમને બદનામ કરવાનો પ્રયત્ન થતો હોય તો કેસ બની શકે.
જેઓ તમારી તસ્વીર કે સ્કેચનો ઉપયોગ કરે છે તેઓ એમ ક્યાં દાવો કરે છે કે તમે આ પ્રોડક્ટને એન્ડોર્સ કરી છે. માત્ર સ્કેચ કે તસ્વીરનો ઉપયોગ નિ:શુલ્ક થઇ શકે. તે પછી તો હવે એ. આઈ. આવતા કાયદાકીય ગૂંચ વધી છે કેમ કે એ. આઈ. નજીવા ફેરફાર સાથે સેલિબ્રિટીની ઇમેજ ઉભી કરી શકે છે. કોપ્ચમાં એ. આઈ. ઇમેજનો ઉપયોગ કરનાર એમ સાબિત કરી શકે છે કે અમારી ઇમેજ જોગાનુજોગ તમારા સેલિબ્રિટી જેવી છે પણ તે નથી.
ભારતમાં જ નહીં વિદેશમાં પણ એ. આઈ.ના હાનિકારક કે ગેરકાયદેસર લાગતા ઉપયોગને કોર્ટમાં પડકારવા અઘરા છે.
કાયદાની પ્રક્રિયા જારી
ભારતમાં તો ડીપફેક અને એ. આઈ.ના કારનામા હજુ ધીમે ધીમે પોત પ્રકાશે છે. સ્વાભાવિક છે કે આવા કાયદા અને ઉદાહરણીય સજાની અલાયદી કલમો હજુ ધીમે પગલે બનશે. અત્યારે ડિજિટલ અને સાયબર કૌભાંડ પર પણ કાયદાનો ખોફ શક્ય નથી બન્યો કેમ કે આવી ગુનાખોરીની દુનિયા જ નવી સવી છે.
ભારતમાં જે સેલિબ્રિટીઓએ ખાસ કોઈ કસૂરવારની સામે ડીપફેકના ઉપયોગ બાબત ફરિયાદ કરી હોય તો તે કસૂરવારને તેમ નહીં કરવાનું જણાવી ચેતવણી અપાય છે. બહુ તો અમુક રકમનો દંડ કરાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપનીને પણ જણાવવામાં આવે છે કે કાયદેસર રીતે પર્સનાલિટી રાઈટ ધરાવનારની ઇમેજ કે ચારિત્ર્ય પર જુઠ્ઠી રીતે પ્રચાર કરતી પોસ્ટ કાઢી નાંખવામાં આવે.
જો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપની ડિલિટ કરે તે પહેલા તો આવી પોસ્ટ વાયરલ બની ચુકી હોય છે. આખરે તો સોશિયલ મીડિયા કંપની પણ ઈચ્છતી હોય છે કે તેઓને વધુ વ્યુઅર્સ મળે કેમ કે જાહેરાતકારો પણ તે જ ધ્યેય રાખતા હોય છે.
ભારતમાં પર્સનાલિટી રાઈટના ભંગ માટે કડક કાયદો હજુ રચવાની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો હોઇ મોટે ભાગે તો કોપીરાઈટ, ટ્રેડ માર્ક કે પેટેન્ટ ભંગની કલમો લાગે છે. જે બહુ જલદી નથી. વર્ષો જૂનો હોવા છતાં બદનક્ષીના દાવામાં પણ જૂજ ઉદાહરણો ડર ઉભો થાય તેવી સજાના છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બન્યો છે પણ તે વખતે પણ એ. આઈ.ના ભયસ્થાનનો અણસાર નહોતો.
એ. આઈ. વધુ સ્માર્ટ
હવે તો તમામ પાત્રો, ગીત, સંગીત અને નિર્દેશન બધું જ એ. આઈ. સર્જિત છે તેવું આકર્ષણ ઉભું કરીને ફિલ્મો અને શ્રેણી બનવાનું માંડી છે.શાહરુખ ખાન કે દીપિકા જેવા છતાં તેઓ નહીં તેવા કલાકારો એ. આઈ. ઉભા કરી શકે છે. સેલિબ્રિટીઓના સાચુકલા હમશકલને જો સ્વીકારી શકતા હોઈએ તો એ. આઈ.ના હમશકલોને અપનાવવા જ પડશે. સેલિબ્રિટીઓ તેમની બ્રાન્ડ એમ્બેસેડર કે કલાકાર તરીકેનું કામ અને આવક ગુમાવશે તે દિવસો દૂર નથી. એ. આઈ. વકીલોના કામ પણ કરવા માંડયું છે ત્યારે તેઓની દલીલ પણ તેની સામે કેસ કરનારને હરાવી દે તેવી હશે.
જ્ઞાન પોસ્ટ
'Old is new again:Nuclear arms race= Artificial intelligence race'
- Dave walters


