Get The App

કોરોના વાયરસ એક ખતરનાક ષડયંત્ર?

Updated: Feb 11th, 2020

GS TEAM

Google News
Google News
કોરોના વાયરસ એક ખતરનાક ષડયંત્ર? 1 - image


વિવિધા - ભવેન કચ્છી
આરબ દેશોના અખબારોનો આરોપ : અમેરિકાનો ચીન પર આ 'બાયો વેપન'હુમલો છે
થોડા દિવસો પહેલા જ કેનેડાના જીનીઅસ વાયરોલોજિસ્ટ ડો. ફ્રાંક પ્લુમરનું મૃત્યુ થતા અવનવી શંકા સેવાઈ રહી છે
શિકારી ખુદ યહાં શિકાર હો ગયા : એક થિયરી પ્રમાણે ચીનનો પ્રયોગ તેઓ માટે જ બૂમરેંગ સાબિત થયો

તેમના દેશનાં  કોઈપણ ક્ષેત્રની કેટલી માહિતી વિશ્વને પૂરી પાડવી તે ચીનની સરકારના હાથમાં છે. એવું કહેવાય છે કે કોરોના વાયરસથી ચીનમાં જે મૃત્યુ આંક કે સામાજિક,આથક અને તમામ સ્તરે કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ છે તે તો વિશ્વની જાણથી જોજનો દુર રખાયું છે. જે દેખાય છે તે હિમ પર્વતનું ટોચકું જ છે. અસલી ભયાનક દ્રશ્ય તો પર્વતકાય છે. ચીન અંદાજે 500ના મૃત્યુનો આંક બતાવે છે પણ હકીકતમાં 25000 દર્દીઓના મૃત્યુ થઇ ચુક્યા હોવાનું મનાય છે.

એક બિનસત્તાવાર સનસનીખેજ રીપોર્ટ તો એવો છે કે કોરોનાના 20000 ચેપી દર્દીઓનું  ચીનની સરકાર  મોત નીપજાવી દેવાની તૈયારી કરી રહ્યું છે જેથી કોરોનાના દર્દીઓનો ગુણાકાર ન થાય. હુવેઈ પ્રાંતનાં શહેરો  અને વુહાનનાં પાંચ કરોડથી વધુ નાગરિકો તેમના શહેરની સરહદો સીલ કરી દેવાઈ  હોઈ તેઓ પર અંદર કેવી વીતી રહી છે તે વિશ્વ જોઈ  ન શકે તે રીતે તેના પર ચીને પડદો પાડી દીધો છે.

ચીનના વેપાર, ઉદ્યોગ, ઉત્પાદન, એર લાઈન્સ, પ્રવાસન અને વિશ્વ જોડેનાં તેના ધંધા પર રાતોરાત એ હદે ફટકો પડયો છે કે કોરોનાની મહામારી થાળે પડશે તે પછી ચીનની સેન્ટ્રલ બેન્કે પુનઃ સ્થાપનના પ્રથમ તબક્કે 173 અબજ ડોલર અર્થતંત્રમાં ઠાલવવાનો નિર્ણય લીધો છે. કોરોના પર કાબુ મેળવ્યા તે પછીનાં કમ સે કમ બીજા છ મહિના સુધી ચીનમાં પ્રવેશવાની હિંમત તો દૂરની વાત છે પણ અન્ય દેશ જતા વિમાનને વચ્ચે બેઈજિંગ  અમુક કલાક હોલ્ટ કરવાનો હશે તો પણ પ્રવાસીઓ તેવી ફ્લાઈટ  ટાળશે. અન્ય દેશો ચીનના જ નહીં ચીનથી આવતા કોઈપણ દેશના નાગરિકોને પ્રવેશ આપતા હજુ મહિનાઓ લગાડશે.

ચીન વિશ્વના નકશાથી વિખૂટું પડી ગયું છે. ચીન પાસેથી એસેમ્બલિંગ કામ કરાવતી  અમેરિકાની ટોચની કંપનીઓ હવે અન્ય દેશોના વિકલ્પો શોધી રહી છે. વિશ્વભરમાં 'મેઈડ ઇન ચાઈના'નો જે માલ ઠાલવાતો તેના ઉત્પાદન માટે કારીગરો ભેગા થાય તો કોરોના ફેલાઈ શકે તેવો ભય હોઈ તેના પર પણ હાલ પુરતો  લોક આઉટ જેવો સોપો પડી ગયો છે.

વિશ્વની મહાસત્તા તરીકે અમેરિકાને હંફાવતું  ચીન જાણે પાંચ સાત વર્ષ પાછુ ધકેલાઈ જશે. કોરોના પર કાબુ મેળવવામાં જ ધ્યાન કેન્દ્રિત રહેવાનું હોઈ ચીન તેની ખંધાઈ અને કુટિલ રાજનીતિથી દુર પણ રહેશે જેને લીધે અમેરિકા અને મિત્ર દેશો વ્યુહાત્મક સરસાઈ મેળવવાની તક ઝડપી લેશે. ચીન ખુદ ડ્રેગનનાં જડબામાં ફસાઈ ગયું છે ત્યારે આરબ દેશોના અખબારોમાં એવા ચોંકાવનારા અહેવાલો  રજુ થયા છે કે કોરોના વાયરસ ચીનના નાગરિકોની પ્રાણી, પંખી કે ચામાચીડિયાને આરોગવાની  આહાર શૈલીથી નથી ફેલાયો પણ તે અમેરિકાએ છેડેલું ચીન સામેનું 'બાયો વોર' (જૈવિક યુદ્ધ) છે અને કોરોનાનું નામ આપી છોડાયેલ લેબમાં બનાવેલ આ વાયરસ તેનું શસ્ત્ર છે. 

સીરીયામાં અમેરિકા વિરોધી લોબીની છાપ ધરાવતા 'અલ થાવ્રા' અખબારના હુસેન સકેર જેવા લોકપ્રિય કોલમિસ્ટે 3 ફેબ્રુઆરીના અંકમાં લખ્યું છે કે અમેરિકાનો ચીન પર બહુઆયામી પ્રહાર કરવાનો આ હીન  પેંતરો છે. માત્ર કોરોના જ નહીં ભૂતકાળમાં સાર્સ,બર્ડ ફ્લુ , એન્થ્રેક્ષ, ઇબોલા, સ્વાઇન ફ્લુ, એવિયન બર્ડ ફ્લુ અને મેડ કાઉ જેવા તમામ રોગચાળા અમેરિકાએ ફેલાવ્યા છે. અમેરિકાની લેબોરેટરીમાં વાયરસને વર્ષોના સંશોધન બાદ  ભારે ગુપ્ત રીતે ભૂગર્ભમાં પેદા કરવામાં આવે છે તે પછી તેને કોઈને પણ ગંધ ન આવે તેમ ટાર્ગેટ દેશમાં ઘુસાડી દેવાય છે.

હુસેન સેકરે ફિનલેન્ડના પ્રધાનની સોશિયલ મીડિયામાં ફરતી વિડીયોને અધિકૃત અને સત્ય ગણી છે જેમાં બતાવાયું છે કે અમેરિકાને લાગ્યું કે ચીનની હરણફાળ પ્રગતિ અને અને વિશ્વ પરનું પ્રભુત્વ તેઓને આંબી રહ્યું છે તેથી લશ્કરી કે અન્ય કોઈ રીતે તેઓને ખોખરું અને ખોખલું કરવું તો શક્ય નથી ત્યારે બાયોવોરનો મોરચો ખોલીએ. અમેરિકાને તો આફતમાં પણ મહાઉજવણીનો અવસર સાંપડયો છે કેમ કે અમેરિકાની દવા કંપનીઓ પણ  આ ષડયંત્રમાં મુક સંમતિ સાથે તૈયાર જ હોય છે. એક બાજુ અમેરિકા વાયરલ વોર છેડે અને બીજી બાજુ અમેરીકાની દવા  કંપનીઓ આ રોગચાળા પર કાબુ મેળવવાનો દાવો કરી વેક્સીન અને દવાઓ વિશ્વ બજારમાં મુકે છે. અબજો ડોલરનો ધંધો અમેરિકા કરી લે છે.

સાઉદી દૈનિક 'અલ વતન'ના લેખક અલ શેહરી તેના પુરાવા આપીને આ જ આરોપ મુકે છે અને સાથે પ્રશ્ન ખડો કરે છે કે કોરોના કે તેવા વાયરસ ક્યારેય અમેરિકા અને ઇઝરાયેલમાં કેમ ઉદ્ભવતા અને ફેલાતા નથી ત્યાં તો ચીન સહિતના વિશ્વભરના નાગરિકો તેમના દેશ જેવી જ આહાર શૈલી અને બજાર ધરાવે છે. કાલે આવી  વાયરલ મહામારી ઈજીપ્ત કે અમેરીકાના દુશ્મન દેશમાં ફેલાશે પણ અમેરિકા અને તેના  મિત્ર રાષ્ટ્રોમાં આવો પડકાર ક્યારેય નહીં સર્જાય. અમેરિકાના ગરીબ, ગીચ અને ગોબરા બુરુન્ડી અને કોમોરો ટાપુ જેવા કેટલાયે ટચુકડા દેશોમાં થાણા છે ત્યાં પણ આ રોગચાળા નથી ફેલાતા. સાઉથ કોરિયા અમેરિકાની શેહ હેઠળનો દેશ છે જેના બજારો અને પશુ, પ્રાણી અને સર્પોની આહાર શૈલી ચીન જેવી ઘણી મળતી આવે છે ત્યાં પણ ક્યારેય કોઈ તકલીફ નથી પડતી. અલ શેહરી લખે છે કે યુનાઈટેડ નેશન્સ પણ વર્ષોથી અમેરિકાની કઠપૂતળી જેમ વર્તે છે. 

ચીન અને વિશ્વના વાયરોલોજીસ્ટ વિજ્ઞાનીઓ પણ જાણે છે કે કોરોના વાયરસ કઈ નવો વાયરસ નથી. તે છેક 1960માં બહાર આવ્યો હતો અને તે જીવલેણ નથી હોતો તેની અસર હેઠળની વ્યક્તિને શરદી, ઉધરસ તાવ કે ઝાડા થાય છે અને એન્ટી બાયોટિક લેવાથી તે થોડા દિવસોમાં મટી જાય છે. પણ યુનાઈટેડ નેશન્સે 2012માં વિશ્વને ગભરાવવા અને સાઉદી અરેબિયાને બદનામ કરવા એવી જાહેરાત કરી હતી કે કોરોના વાયરસ ઊંટમાંથી પ્રસરે છે. હવે યુનાઈટેડ નેશન્સ કોરોનાના આ વાયરસને અપડેટ એવા નોવા વર્ઝનનો ગણાવે છે. 

યુનાઈટેડ નેશન્સ અમેરિકા કહેશે તે દેશ કે સમુહને અસરગ્રસ્ત જાહેર કરશે. જે તે દેશે કઈ દવા અને વેકસીન તેમના હેલ્થ બજેટ અંતર્ગત ખરીદવી પડશે તે નિર્દેશિકા પણ બહાર પાડશે. અમેરિકાની ટીપ્સ પ્રમાણે તેઓ વર્તશે કે બુલેટીન બહાર પાડશે.

ઈજિપ્તે જ્યારે થોડા વર્ષો પહેલા એવી જાહેરાત કરી હતી  કે હવે તેઓ મોટે પાયે મરઘા ઉછેરમાં સ્વાયત્ત બની રહ્યા છે અને તેઓને અમેરિકા અને ફ્રાંસ જેવા દેશોની આયાત માટે હવે જરૃર નહીં રહે. ઈજિપ્તે તો તેઓ નિકાસ કરવા પણ સમર્થ બનશે તેમ લક્ષ્યાંક વિશ્વ સમક્ષ મુક્યું હતું.  બસ, તે સાથે જ ઈજીપ્તમાં એવિયન બર્ડ ફ્લુ વાયરસ ફેલાયો. ઈજીપ્તના મરઘા ઉછેરનું  નવનિમત માળખું ખોરવાઈ ગયું. જે દેશો આયાત માટે તૈયાર થયા હતા તેઓએ તેમના કરાર રદ કર્યા.

ઈજીપ્ત સહિત વિશ્વના દેશો બર્ડ ફ્લુના વેક્સીન શોધવા માંડયા ત્યાં જ ગણતરીના દિવસોમાં જાણે પહેલેથી તૈયાર જ હોય તેમ અમેરિકાની ફાર્મા જાયન્ટ કંપની મર્ક  ટેમીફ્લુ વેક્સીન સાથે બજારમાં હાજર થઈ ગઈ હતી. અબજો ડોલરનો ધંધો થઇ ગયો. આવી જ રીતે  2003માં ચીને જાહેરાત કરી હતી કે તેઓ હવે વિશ્વની સૌથી વધુ ડોલરની રીઝર્વ ધરાવતો દેશ બની ગયો છે અને તે જ અરસામાં ચીનમાં સાર્સ નામના વાયરસે હાહાકાર મચાવ્યો હતો. ચીનનું અર્થતંત્ર સાર્સને નાથવામાં ફંટાઈ ગયું. અમેરિકાની મર્ક અને નોવાર્ટીસ ફરી છ અબજ ડોલરનો ધંધો કરી ગઈ.

હવે કોરોનાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, યુએસ ઈન્સ્ટીટયુટ ઓફ એલર્જી, યુએસ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ જેવી મહત્વની સંસ્થાઓએ વિશ્વભરમાં ભયજનક  રીતે ફેલાઈ રહેલ એપેન્ડીક -મહામારી તરીકે જાહેર કર્યો છે ત્યારે બરાબર આ જ અરસામાં જેમણે 1989મા અમેરિકાનો  બાયોવોર એન્ટી ટેરરીઝમ એક્ટ બનાવ્યો છે તેવા ડો. ફ્રાન્સીસ બોયલે ધડાકો કરતા કહ્યું છે કે કોરોના વાયરસની હાલની ફેલાતી જતી બીમારી તે કોઈ રોગચાળો નથી પણ બાયોવોર છે. કોણે આ વોર છેડી તેનો ફોડ તેમણે નથી પાડયો પણ એટલું ભારે હિંમતપૂર્વક કહ્યું છે કે યુનાઈટેડ નેશન્સની કોઈ જાહેરાત પર ભરોસો મુકવા જેવો નથી.

ડો.બોયલેને શંકા છે કે કેનેડાની વિન્નીપેગ સ્થિત લેબમાં બાયોવોરના એજન્ટ જેવા વિજ્ઞાનીઓ આ વાયરસ પર સંશોધન કરી રહ્યા હતા ત્યારે ત્યાંથી આ ફોર્મ્યુલા ભારે ગોપનીય રીતે વુહાન લેબમાં વાયરસની દવાનું સંશોધન કરવા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગે.ના પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી લેબમાં ટ્રાન્સફર થઇ અને ત્યાંથી તેને  વુહાનના પ્રાણી અને ચામાચીડિયા બજારમાં ઘુસાડી દેવાયો. ડો. બોયલ કહે છે કે યુનાઈટેડ નેશન્સ પણ આ જાણે છે પણ વિશ્વથી છુપાવે છે. મોટાભાગના વિજ્ઞાનીઓ છાતી ઠોકીને કહે છે કે વુહાનના પ્રાણી બજારમાં પ્રાણીને ચીરતી વખતે હવામાં કે તેની વાનગી બનાવતા કોઈ નવો વાયરસ પેદા થઈને ફેલાયો હોય તેવું નથી લાગતું પણ બહારથી કોઈએ યોજનાબદ્ધ રીતે વાયરસને આરોપિત કર્યો છે. મેડીકલ જર્નલ 'લાન્સેટ' પણ આવો જ દાવો કરે છે. ડો. બોયાલનો ઈરાદો ચીનના એજેન્ટ તરફ છે.

એક એવી થિયરી પણ વહેતી થઇ છે કે ખરેખર ચીન જ આવા વાયરસ વેપનનાં પ્રયોગ તેના હરીફ દેશ પર હાથ ધરવા માંગતું હતું પણ તે કોઈ વિજ્ઞાનીએ વુહાન લેબમાંથી લીક કરી દીધો હતો.બહુ જ ગુપ્ત રીતે આ વિજ્ઞાની કોણ છે અને કોનો દોરીસંચાર છે તેની તપાસ થઇ રહી છે. ચીનને જ હાથના કર્યા  હૈયે વાગ્યા છે.

બરાબર આવી જ શંકાસ્પદ અવનવી થીયરી વચ્ચે કેનેડાના જીનીયસ  વિજ્ઞાની કે જેઓ એચ આઈ વી અને બર્ડ ફ્લુ જેવા વાયરસની બીમારી કાબુમાં લઇ શકે તેવી રસી શોધવામાં સ્વતંત્ર રીતે સંશોધન કરીને નોબલ પ્રાઈઝ જીતવા ભણી આગળ વધી  રહ્યા હતા તેવા 67 વર્ષીય ડો. ફ્રાંક પ્લુમર કેન્યામાં એક વિજ્ઞાન પરના કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા ત્યાં જ ગત ચાર ફેબ્રુઆરીએ અચાનક હૃદય રોગનો હુમલો આવતા તેમનું નિધન થયું. વિજ્ઞાન આલમે તેમની વિદાયથી ભારે ખોટ સાથે  આઘાત અનુભવ્યો છે. 

તેમના નિધન પછી પણ અવનવી શંકાસ્પદ થિયરી તેમના મૃત્યુ અંગે ચર્ચાય છે કેમ કે પ્લુમર એચ આઈ વી ની અને વાયરસની રસી શોધી માનવ જગત માટે ઉપકારકારક પ્રદાન આપતા હતા પણ તેમના આવા પ્રદાનથી બાયોવોર કરનારા દેશો, દવા કંપનીઓ અને અસાધ્ય બીમારી અને રોગચાળાને જીવંત રાખીને ચાલતા અબજો ડોલરના ટ્રસ્ટોનો ધંધો બંધ થઇ જાય તેમ હતો. કોઈએ તેનું પણ બાયોવાયરસથી મોત નીપજાવ્યું કે શું? ડો. પ્લુમર બાયો વેપન બનાવનારા દેશો, વિજ્ઞાનીઓ અને એજેન્ટની દુનિયાથી વાકેફ હતા. કોરોના વાયરસના વાયરા વચ્ચે જ ડો.પ્લુમરનું મૃત્યુ થાય ત્યારે કેટલાયે રહસ્યો તેમની સાથે દફન થઇ ગયા.

જો ચીનને કે અમેરિકાને એવા પુરાવા મળશે કે આ એક ષડયંત્ર છે તો તેઓ પણ વળતો બાયો એટેક કરવા સક્ષમ છે જ .ત્રીજુ વિશ્વ યુદ્ધ બાયોવોર હોય તો નવાઈ નહીં.  

Tags :