Get The App

જે રજૂઆત કરવામાં કાબેલ, તેનું હશે રાજ .

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
જે રજૂઆત કરવામાં કાબેલ, તેનું હશે રાજ                                . 1 - image

- 'બાહુબલી' અને 'RRR'ની સફળતા માટે દર્શકો સમક્ષ વાર્તા મુકવાની કમાલ હતી : 'ધુરંધર'ની સીકવલનો પણ ઇંતેજાર 

- વિવિધા-ભવેન કચ્છી

- પરિવારના સભ્યોએ પણ કોઈ ઘટના, પ્રવાસ કે દિવસ દરમિયાન શું કર્યું તેની એકાદ લાઈનમાં વાત કરવા કરતા થોડો વિગતવાર અને રસપ્રદ સંવાદ સાધવો જોઈએ

- 'એપલ'ની સફળતાનું રાઝ પ્રોડક્ટસ નહીં પણ સ્ટીવ જોબ્સની તેને વેચવા માટેની 'સ્ટોરી ટેલિંગ' શૈલીની કમાલ હતી

આ ધુનિક યુગમાં એક કહેવત બહુ પ્રચલિત છે : 'જેની લાઠી તેની ભેંસ.' પણ આજના બૌદ્ધિક યુગમાં આ કહેવત બદલાઈને એવી થઈ ગઈ છે કે, 'જેની વાર્તા તેની સત્તા.' સ્ટીવ જોબ્સે કહ્યું  હતું કે, 'વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ એ 'સ્ટોરીટેલર' (વાર્તા કહેનાર) છે.' જ્યારે આપણે 'વાર્તા' શબ્દ સાંભળીએ છીએ, ત્યારે આપણા મનમાં ઘણીવાર એવો વિચાર આવે છે કે આ તો કોઈને છેતરવાની કે શબ્દોની માયાજાળમાં ફસાવવાની વાત હશે. પરંતુ, ન્યુરોસાયન્સ અને વ્યવહારુ જીવનનો અનુભવ કંઈક અલગ જ કહે છે. સ્ટોરી ટેલિંગ એ અસત્યનો આશરો લેવો નથી, પણ સત્યને 'અનુભૂતિ' માં ફેરવવાની કુનેહ છે.યાદ રહે અહીં વાર્તા એટલે રજુઆતની શૈલી તેમ સમજવું.

શબ્દોની  માયાજાળ નહીં 

સૌ પ્રથમ એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સ્ટોરી ટેલિંગ  કોઈને ભ્રમિત કરવાની યુક્તિ  નથી.

માયાજાળ : જેમાં તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવે છે જેથી સામેવાળી વ્યક્તિ ગેરમાર્ગે દોરાય.

સ્ટોરી ટેલિંગ (કળા) : જેમાં સત્ય અને વિગતોને એવી રીતે ગૂંથવામાં આવે છે કે તે સાંભળનારના હૃદય સુધી પહોંચે.

જેમ એક હીરાને જો હાથમાં એમ જ રાખવામાં આવે તો તે પથ્થર જેવો લાગે છે, પણ જો તેને યોગ્ય રીતે ઘસીને સોનાની વીંટીમાં જડવામાં આવે, તો તેની કિંમત અને સુંદરતા અનેકગણી વધી જાય છે. સ્ટોરી ટેલિંગ એ 'હીરાને જડવાની' કળા છે. તેમાં સત્ય હીરો છે, અને વાર્તા એ સોનાની વીંટી છે.

ન્યુરોસાયન્સનો પુરાવો

'જ્યારે આપણે માત્ર ડેટા કે આંકડા સાંભળીએ છીએ (દા.ત. 'આ દવા ૯૦% અસરકારક છે'), ત્યારે આપણું મગજ તેને એક ગાણિતિક માહિતી તરીકે લે છે. પણ જ્યારે આપણે સાંભળીએ છીએ કે, 'આ દવાથી રમેશભાઈના પિતાજી ફરીથી ચાલતા થયા,' ત્યારે આપણું મગજ તેની સાથે ભાવનાત્મક રીતે જોડાય છે.

ન્યુરોસાયન્ટિસ્ટ યુરી હેસન (Uri Hasson) ના સંશોધન મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ સાચી અને પ્રામાણિક વાર્તા કહે છે, ત્યારે સાંભળનારના મગજમાં 'ન્યુરલ કપલિંગ' થાય છે.  જ્યારે  આપણે કોઈને ડેટા ચાર્ટ કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બતાવીએ છીએ, ત્યારે મગજના માત્ર બે ભાગો (Broca's અને Wernicke's area) સક્રિય થાય છે, જે માત્ર ભાષાને સમજે છે. પરંતુ જ્યારે આપણે કોઈ વાર્તા સાંભળીએ છીએ, ત્યારે મગજના એ તમામ ભાગો સક્રિય થાય છે જે આપણે પોતે એ ઘટના અનુભવી રહ્યા હોઈએ ત્યારે થાય.

ન્યુરલ કપલિંગ : જ્યારે તમે વાર્તા કહો છો, ત્યારે સાંભળનારનું મગજ તમારા મગજ સાથે 'સિંક' થઈ જાય છે. જાણે બે મગજ એક જ તરંગ પર વહી રહ્યા હોય.

ડોપામાઈન : વાર્તામાં જ્યારે કોઈ રોમાંચક વળાંક આવે છે, ત્યારે મગજ ડોપામાઈન છોડે છે, જેનાથી આપણને તે વિષય લાંબો સમય યાદ રહે છે.

કોર્ટિસોલ અને ઓક્સિટોસિન: સંઘર્ષવાળી વાર્તા કોર્ટિસોલ (ધ્યાન ખેંચવા માટે) અને ઓક્સિટોસિન (સહાનુભૂતિ અને જોડાણ માટે) પેદા કરે છે. આ જ કારણ છે કે આપણે કોઈ ફિલ્મ જોતી વખતે રડી પડીએ છીએ, ભલે આપણને ખબર હોય કે તે કાલ્પનિક છે.

પાણીની બોટલ પણ વેચાય 

માત્ર વાર્તા કહેવાથી કોઈ પણ બ્રાન્ડ ચાલતી નથી. જો તમારી પ્રોડક્ટ કે વાત  ખરાબ હશે, તો ગમે તેટલી સારી વાર્તા પણ તેને બચાવી શકશે નહીં. સ્ટોરી ટેલિંગ ત્યારે જ કામ કરે છે જ્યારે તેની પાછળ 'પ્રામાણિકતા' હોય.

ઉદાહરણ તરીકે એક 'પ્યોર વોટર' બ્રાન્ડ જ્યારે પોતાની જાહેરાતમાં હિમાલયના ઝરણાં બતાવે છે, ત્યારે તે જૂઠું નથી બોલતી. તે ખરેખર એ શુદ્ધતાની વિગતો કહી રહી છે જે તેના પાણીમાં છે. જો પાણી ગંદુ હોય અને વાર્તા શુદ્ધતાની હોય, તો તેને 'માયાજાળ' કહેવાય. પણ જો પાણી શુદ્ધ હોય અને તમે તેની પાછળના સંઘર્ષની, તેની પવિત્રતાની વિગતો કહો, તો તે 'કુનેહ' છે. લોકો બ્રાન્ડ સાથે ત્યારે જ જોડાય છે જ્યારે તેમને લાગે કે વાર્તા પાછળનું સત્ય મજબૂત છે. હવે જોઈએ સ્ટોરી ટેલિંગનો પ્રભાવ.કલ્પના કરો કે તમારી પાસે બે પાણીની બોટલ છે.

પહેલી બોટલ પર લખ્યું છે : 'શુદ્ધ પાણી, ફિલ્ટર કરેલું, ૨૦ રૂપિયા.' 

બીજી બોટલ પર એક સુંદર લેબલ છે જે કહે છે : 'આ પાણી હિમાલયના એ શિખરો પરથી આવે છે જ્યાં માનવ પગલાં હજુ પહોંચ્યા નથી. તે ખડકો વચ્ચેથી કુદરતી રીતે ગળાઈને આવ્યું છે, જે તમને પ્રકૃતિની તાજગીનો અહેસાસ કરાવશે.'

બંનેમાં પાણી તો સરખું જ હોઈ શકે, પણ બીજી બોટલ માટે લોકો ૧૦૦ રૂપિયા આપવા પણ તૈયાર થઈ જશે. કેમ? કારણ કે ત્યાં પાણી નથી વેચાતું, ત્યાં 'હિમાલયની મુસાફરીની વાર્તા' વેચાઈ રહી છે. બ્રાન્ડિંગમાં શક્તિશાળી લોગો કરતાં શક્તિશાળી વાર્તા વધુ અસરકારક હોય છે.

ગાંધીજીની દાંડી કુચ 

તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક નેતાઓ કેમ અજેય બની જાય છે? શું તે માત્ર તેમના કામને કારણે છે? ના. તે તેમની 'નેરેટિવ' અથવા વાર્તાને કારણે છે.

ગાંધીજીના અરસામાં આધુનિક મીડિયા નહોતું. ૧૯૩૦ના દાયકામાં મહાત્મા ગાંધીએ 'દાંડી કૂચ' કરી. તે માત્ર મીઠું મુઠ્ઠીમાં પકડવાની પ્રક્રિયા નહોતી, તે બ્રિટિશ સામ્રાજ્ય સામે એક નૈતિક વાર્તાનું સર્જન હતું.ગાંધીજી દાંડી કુચની જગ્યાએ ઉપવાસ પર પણ બેસી શક્યા હોત. પણ તેમણે મીઠાના સત્યાગ્રહમાં એક સંગઠન શક્તિ સાથે નાવિન્ય જોડયું. દાંડી કુચ વિશ્વભરમાં અંગ્રેજો સામે ધિકકારની લાગણી ઉભું કરી શક્યું.આજે પણ તે ઇતિહાસના  પ્રકરણ તરીકે યાદ રખાય છે.

તેવી જ રીતે   તેમની આત્મકથા 'મારા સત્યના પ્રયોગો' વિશ્વમાં એટલે જ વિક્રમી આવકાર સાથે પ્રભાવ પાડી શકી કેમ કે તેમાં બોધ અને ઉપદેશ કરતા પ્રસંગોની રજૂઆત છે. 

૨૦૦૮માં બરાક ઓબામાએ Yes We Can ની વાર્તા કહી 'એક સામાન્ય માણસના સંઘર્ષ અને આશાની વાર્તા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ 'અચ્છે દિન' અને 'વિકાસ' ની એક એવી વાર્તા કહી જેણે કરોડો ભારતીયોના મનમાં એક નવું સપનું જગાડયું. 'મન કી બાત' પણ તેનું ઉદાહરણ છે.

ચૂંટણીઓ માત્ર પોલિસી પર નથી લડાતી, તે 'કોની વાર્તા વધુ વિશ્વાસપાત્ર છે' તેના પર જીતાય છે. જે નેતા જનતાને પોતાની વાર્તાનો હિસ્સો બનાવી શકે, તે જ વિજેતા બને છે.

ક્ટપ્પા અને ધુરંધર 'બાહુબલી' કે 'RRR'' કે 'ધુરંધર' જેવી ફિલ્મો કેમ હજારો કરોડ કમાય છે? શું તે માત્ર VFX ના કારણે છે? ના. તે વાર્તા કહેવાની પદ્ધતિના કારણે પ્રેક્ષકોના  દિલમાં સ્થાન પામ્યા છે.જ્યારે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? એ એક સવાલે આખા દેશને બે વર્ષ સુધી વાર્તા સાથે જોડી રાખ્યો.

'ધુરંધર'ની સીકવલનો બેતાબીથી ઇંતેજાર થઇ રહ્યો છે.

ન્યુરોસાયન્સ કહે છે કે જ્યારે કોઈ વાર્તામાં 'સસ્પેન્સ' હોય છે, ત્યારે મગજમાં એડ્રેેનાલિન  વધે છે, જે માણસને તે વાર્તા પૂરી જોવા માટે મજબૂર કરે છે. જો તમે તમારી બ્રાન્ડ કે તમારા વિચારને એક સસ્પેન્સ કે ઈમોશન સાથે જોડી દો, તો લોકો તમને ક્યારેય ભૂલશે નહીં. તે જ રીતે યાદ કરો કે ફિલ્મોમાં, સત્યજીત રેથી લઈને 'રાજકુમાર હિરાણી' સુધીના દિગ્દર્શકો એટલે સફળ છે કારણ કે તેમની વાર્તાઓ સમાજની 'વાસ્તવિક વિગતો'ને કુનેહપૂર્વક રજૂ કરે છે. 'થ્રી ઈડિયટ્સ' માત્ર એક ફિલ્મ નથી, પણ શિક્ષણ વ્યવસ્થાના કડવા સત્યને રસપ્રદ રીતે કહેવાની એક કળા છે. 'શોલે' પણ જય અને વીરુની દોસ્તી, ગબ્બર અને ઠાકુર અને અન્ય વાર્તાઓની ગુંથણીને લીધે જ ચિરંજીવ બન્યું છે. 

પેન્સિલની વાત 

એકવાર એક માર્કેટિંગ ગુરુએ એક સેલ્સમેનને પૂછયું, 'આ જૂની પેન્સિલ મને વેચી બતાવો.'

સેલ્સમેને કહ્યું, 'સાહેબ, આ પેન્સિલ લાકડાની છે, તેનો ગ્રેફાઇટ ઘણો સારો છે અને તે લાંબો સમય ચાલશે.' કોઈએ તેને ન ખરીદી.

બીજા એક સ્માર્ટ વાર્તાકારે તે પેન્સિલ હાથમાં લીધી અને કહ્યું, 'આ એ પેન્સિલ છે જેનાથી એક પિતાએ પોતાની પુત્રીના લગ્નનું પહેલું નિમંત્રણ કાર્ડ લખ્યું હતું. આ પેન્સિલમાં એ લાગણીઓ છે જે શબ્દોમાં નથી કહી શકાતી. શું તમે તમારા જીવનની ખાસ પળો લખવા માટે આ સાથીદારને તમારી પાસે રાખવા માંગશો?'

પરિણામ? પેન્સિલની કિંમત ક્ષણવારમાં સો ગણી વધી ગઈ. આ છે સ્ટોરી ટેલિંગનો જાદુ.

સફળતા માટે જરૂરી 

જો તમે પણ આ શક્તિશાળી સ્કીલ કેળવવા માંગતા હોવ, તો આ ત્રણ બાબતો યાદ રાખવા જેવી છે? પ્રામાણિકતા : વાર્તા કે જીવનનો પ્રસંગ અને રજૂઆત શૈલી  ત્યારે જ અસર કરશે જ્યારે તે સત્ય પર આધારિત હશે. ગપગોળા લાંબો સમય ટકતા નથી.

તમારું સત્ય જણાવો 

સ્ટીવ જોબ્સે જ્યારે સ્ટોરી ટેલિંગને સૌથી શક્તિશાળી કળા ગણાવી, ત્યારે તેમનો કહેવાનો અર્થ એ હતો કે જો તમારી પાસે સત્ય છે, પણ તમે તેને અસરકારક રીતે કહી શકતા નથી, તો એ સત્યની કોઈ કિંમત નથી. સ્ટોરી ટેલિંગ એ શબ્દોની માયાજાળથી કોઈને છેતરવાનું સાધન નથી, પણ સત્યની નજીકની વિગતોને લોકોના હૃદય સુધી પહોંચાડવાનો પુલ છે. આજના  ડિજિટલ યુગમાં, જ્યાં માહિતીનો મારો ચાલી રહ્યો છે, ત્યાં માત્ર તે જ લોકો ટકી શકશે જેમનામાં વાર્તા કહેવાની ક્ષમતા હશે. સ્ટીવ જોબ્સ સાચા હતા કારણ કે તેમણે પ્રોડક્ટ નહીં, પણ 'અનુભવ' વેચ્યો હતો.

યાદ રાખો, લોકો તમે શું કહ્યું તે ભૂલી જશે, તમે શું કર્યું તે પણ કદાચ ભૂલી જશે, પણ તમે તેમને કેવું અનુભવ કરાવ્યું તે ક્યારેય નહીં ભૂલે. અને આ અનુભવ કરાવવાનો એકમાત્ર રસ્તો છે - એક શાનદાર રજુઆત શૈલી!

તમારી પાસે પણ એક સત્ય છે, તમારી પણ એક વાર્તૌ છે. બસ, તેને યોગ્ય રીતે કહેવાની કળા શીખી લો, પછી દુનિયા તમારી હશે.

જ્ઞાન પોસ્ટ

'તે એક સારો માણસ હતો' એમ કહેવાને બદલે, તે કેવી રીતે બીજાની મદદ કરતો હતો તેની નાની વિગતો આપો. વિગતો જ વાર્તાને જીવંત બનાવે છે. તમારી વાર્તા સામેવાળી વ્યક્તિના જીવન સાથે ક્યાંક જોડાતી હોવી જોઈએ.