- નોર્થ કોરિયાના સરમુખત્યાર જ્યાં બેસીને ઉભા થાય ત્યાંથી તેમના ડી.એન.એ.ના પુરાવા નાબુદ કરવામાં આવે : પુતિન મોબાઈલ ટોઇલેટ લઈને પ્રવાસ કરે છે... ફૂડ ટેસ્ટરની પણ આગવી દુનિયા
- વિવિધા-ભવેન કચ્છી
- ટોચના નેતાઓ એ હદનું ધ્યાન રાખે છે કે તેમના બાયોમેટ્રિક કે પેથોલોજી રીપોર્ટ માટેના કોઈ અવશેષ જ ન રહે : હવે તો નર્વ એજેન્ટ અને રેડીયેશનનો પણ ડર
- અધિકારીઓ કિમ જોંગના ડી.એન.એ. સાફ કરી રહ્યા છે
બે ઇજીંગમાં ગયા અઠવાડિયે ચીનનાં સુપ્રીમો જિનપિંગે રશિયાના પ્રમુખ પુતિન અને નોર્થ કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ સહિત વિશ્વના કેટલાક નેતાઓની હાજરીમાં લશ્કરની ત્રણેય પાંખોનું શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રસંગે પુતિન અને કીમ જોંગે સાવ અલગ રીતે બીજી કોઈ વ્યક્તિની હાજરી વગર એક નાના કોન્ફરન્સ રૂમમાં મીટીંગ યોજી હતી.આ મીટીંગ પૂરી થઈ તે પછી એક ભારે કૂતુહલ
જગાવતું દ્રશ્ય જોવા મળ્યું હતું. મીટીંગ બાદ તે રૂમ ખાલી થયો અને બંને નેતાઓ હોટલમાં ગયા તે પછી તરત જ કીમ જોંગનો અંગત સ્ટાફ કીમ જોંગ જે ખુરશી પર બેઠા હતા ત્યાં પહોંચ્યો અને તેના હેન્ડલ,પાયા સહિત ખુરશીને ખાસ કેમિકલ લગાવેલ નેપકીનથી લુછતા હતા. તેઓને આ અંગે પૂછવામાં આવતા તેઓએ કહ્યું કે 'અમે ખુરશીને ડી.એન.એ. મુક્ત કરીએ છીએ.
કીમ જોંગની વાત
જે વાચકો વિશ્વના ટોચના નેતાઓની સલામતીની અંતરંગ વ્યવસ્થા અંગે જાણે છે તેઓ માટે કીમ જોંગના ફોરેન્સિક સિક્યોરિટી સ્ટાફની આ કવાયત નવી વાત નહોતી બાકી વિશ્વના જે નાગરિકોએ આ જાણ્યું તેઓ માટે આ જાણકારી અચરજ સાથે જ્ઞાનનો વિષય બની ગયો.
કીમ જોંગ ખુરશી પર બેઠા હોય ત્યારે તેના હેન્ડલ પર કે ખુરશીનાં અન્ય ભાગો પર કીમ જોંગના ડી.એન.એ.ની છાપ પડી ગઈ હોય તેનો યજમાન દેશ ફાયદો ન ઉઠાવે તે માટે કીમ જોંગ જ્યાં જ્યાં પ્રવાસ કરે અને બેસે કે રહે તે તમામ ફનચર અને તેમણે લીધેલી ચીજ વસ્તુઓ પર કીમ જોંગના ફિંગર પ્રિન્ટ કે અન્ય અંગોની માઈક્રોસ્કોપથી પણ માંડ દેખાય તેવા ડી.એન.એ.ની છાપ પડી જતી હોય છે.કીમ જોંગથી સ્પર્શ પામેલ તમામને ખાસ કેમિકલથી એવી રીતે લૂછવામાં આવે છે કે તેના પરના ડી.એન.એ. નામશેષ થઇ જાય.
પુતિન જોડે કીમ જોંગની જે રૂમમાં મુલાકાત થઇ હતી તે રૂમનું કોફી ટેબલ પણ બાકાત નહોતું રાખવામાં આવ્યું. કીમ જોંગની ફોરેન્સિક સિક્યોરીટી ટીમે મીટીંગ પૂરી થયા પછી તે રૂમનો કબજો લઈને કીમ જોંગે જે કપમાં કોફી પીધી હતી તે પણ તેઓના હસ્તક લઇ લીધો હતો.એટલે સુધી કે રૂમમાં પુતિનને થોડી ગરમી લાગતી હતી એટલે તેમણે થોડું ઉષ્ણાતામાન ઓછા કરવાની તેના સ્ટાફને સુચના આપી ત્યારે કીમ જોંગના સ્ટાફે અગાઉથી નિયત કરેલથી વધુ કે ઓછું ઉષ્હણતામાન કરવા હવે એ.સી.માં કોઈ ફેરફાર નહી થાય તેમ જણાવ્યું. કીમ જોંગ અને પુતિન મીટીંગ પૂર્વે જે માપદંડ નક્કી કરીને બેસવા સંમત થયા હતા તેમાં કોઈ ફેરફાર હવે શક્ય નહોતો.આ પણ એક પ્રકારની સલામતી વ્યવસ્થા જ હતી. કેમ કે કીમ જોંગને વધુ કે ઓછું ઉષ્ણતામાન તબિયત કથળાવી શકતું હોય કે પછી એ.સી.નું રીમોટ દબાવતા બોમ્બ વિસ્ફોટ પણ થઇ શકે. જે પણ બંને નેતાઓના સિક્યોરિટી સ્ટાફે અગાઉથી વ્યવસ્થાને રજેરજના પરીક્ષણ બાદ ઓકે કરી હોય તેમાં તે પછી કોઈ ફેરફાર નથી કરાતો.
સુક્ષ્મ દેહની કુંડળીની ચિંતા
જ્યારે વિશ્વના ટોચના નેતાઓ મિત્ર દેશની મુલાકાતે જાય અને તેના મિત્ર નેતા જોડે મીટીંગ કરે તો પણ સિક્યોરીટી સ્ટાફ એવી કોઈ શરમ નથી રાખતું કે યજમાન મિત્ર દેશના નેતાને કેવું લાગશે. જે જગ્યાએ મીટીંગ હોય તે જગ્યા,ખુરશી અને ફર્નિચર સુધ્ધાને મિત્ર દેશ દ્વારા વિસ્ફોટક નથી મુકાયો ને તે ચકાસવા મેટલ ડિટેકટરનો ઉપયોગ થાય છે.
કીમ જોંગ તો પ્રવાસ પણ તેના પોર્ટેબલ ટોઇલેટ (કમોડ) સાથે કરે છે. તમને લાગશે કે આમાં વળી કઈ સુરક્ષા. આનું કારણ એ કે કીમ જોંગ યજમાનની હોટલના ટોઇલેટનો ઉપયોગ કરે અને તે સ્વદેશ પરત જાય તે પછી તેના મળમૂત્રને યજમાન પેથોલોજી અને ડી.એન.એ. લેબમાં મોકલીને ટેસ્ટ દ્વારા કીમ જોંગના સ્થૂળ અને સુક્ષ્મ દેહની કુંડળી જાણી લે તો.
કીમ જોંગને કઈ બીમારી છે.તે કઈ દવા લે છે તે બધું જ રહસ્ય ખુલી શકે. કીમ જોંગની કોઈએ જાણી ન હોય તેવી સલામતી રશિયાના પત્રકાર એલેક્ઝાન્ડર યુનાશેવ બહાર લાવ્યા છે પણ વિશ્વના ટોચના નેતાઓની સિક્યોરિટી લગભગ આ જ પ્રકારની હોય છે.
પુતિનની સલામતી
આપણને એમ કે સિક્યુરિટી એટલે નેતા પર કોઈ વિસ્ફોટક કે ગોળીબારથી હુમલો ન થાય તે જ જોવાનું તેનું કામ પણ અગ્રણી નેતાઓ અને સરમુખત્યાર તેની સાથે ફોરેન્સિકથી માંડી મેડીકલ, હની ટ્રેપથી બચવાની અને પાણી,પીણાં અને ખાદ્ય સામગ્રી તમામની ચકાસણી માટે અલાયદી ટીમ રાખતા હોય છે. એવું કહેવાય છે કે પુતિન જ્યાં પ્રવાસ કરતા હોય ત્યાં તેની રૂમના ટોઇલેટમાં ટુથ બ્રશ કરે ત્યારે નીકળતું થુંક, મળમૂત્ર પણ તેનો સ્ટાફ એક કોથળીમાં લઇ લે છે અને તે રશિયા પરત મોકલાય છે. પુતિન ગયા મહિને ટ્રમ્પ જોડે અલાસ્કામાં મીટીંગ માટે ગયા હતા ત્યારે પણ આવું જ કરેલું. કીમ જોંગ તો સિગારેટ પીવે તેના ઠુંઠા અને રાખને પણ પેક કરીને ખાસ પધ્ધતિથી તેનો નાશ કરવામાં આવે છે. બાથરૂમમાં એક વાળ પણ રહી ન જાય તેની તકેદારી રાખવામાં આવે છે.કીમ જોંગના પલંગની ચાદર કે આસન પણ તે જેટલી વખત પથારી કે સોફા પર બેસવાનું છોડે એટલી વખત નાશ કરાતી હોય છે.ટોચના નેતાઓ તેમની બાયોમેટ્રિક કે પેથોલોજી કે અન્ય ફોરેન્સિક નાની સંકેતાત્મક માહિતી કોઈ પાસે ન જાય તેની ભારે તકેદારી રાખતા હોય છે.
વિશ્વના નેતાઓ જે હોટલમાં રહેવાના હોય તેનો કબજો તેની સિક્યુરિટી ટીમ કેટલાક દિવસો પહેલા લઇ લે છે અને હોટલની ચાદર, પડદા અને બાયોમેટ્રિક થઇ શકે તેવું તમામ હટાવી પોતે લાવેલ લગાવી દેતા હોય છે.
નર્વ એજેન્ટ અને રેડીયેશન
ટોચના નેતાઓ કોઈ પીણાંમાં નર્વ એજન્ટ પણ ભેળવેલું હોઈ શકે. જેને નિશાન બનાવવાનો છે તેને શંકા પણ ન જાય તેમ જાસુસી એજન્સી ઉદાહરણ તરીકે તે વિમાનમાં ઓફિસિયલ કે પરિવાર જોડે પ્રવાસ કરતા હોય ત્યારે તેની ચા ,કોફી કે જ્યુસમાં નર્વ એજન્ટ ભેળવી દે તો પણ જીવલેણ પુરવાર થઇ શકે. એવું કહેવાય છે કે પુતિને તેના કટ્ટર વિરોધી અને ખુબ જ લોકપ્રિયતા ધરાવતા નેતા આલેકસી નાવાલ્નીને આ રીતે જ તે વિમાનમાં મુસાફરી કરતા હતા ત્યારે કોફીમાં નર્વ એજેન્ટ ભેળવીને ધીમા મોત તરફ ધકેલ્યા હતા. રશિયા સહિત વિશ્વની જાણીતી જાસુસી એજન્સી કોઈને શંકા પણ ન જાય અને પોસ્ટ મોર્ટમ કે ફોરેન્સિક માટે પણ પડકાર રૂપ બને તેવા રેડીયેશન કિરણોથી પણ ધીમું મોત આપી શકે છે. જેને નિશાન બનાવ્યો હોય તેના વાહન, વિમાન કે ઓફિસમાં એવા કિરણો છૂટતા રહે જે જ્ઞાનતંતુ અને મગજના સિગ્નલો ઠપ્પ કરી દે.
ભોજન પર જાસુસી નજર
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખની સલામતી સંભાળી ચૂકેલ નિવૃત્ત સિક્યોરીટી ઓફિસરે એક પુસ્તકમાં ગોપનીય માહિતી બહાર લાવ્યા વગર લખ્યું છે કે' અમેરિકાના પ્રમુખના રસોડામાં જે શાકભાજી કે કરિયાણું લાવવામાં આવતું તેના વેપારીને ખબર જ નહોતો હોતી કે આ ખરીદી અમેરિકાના પ્રમુખનું ભોજન બનાવવા માટે થાય છે. આ દુકાનદાર પણ વારંવાર બદલવામાં આવતો. આ સામગ્રીમાં કોઈ રેડીયેશન કે ફૂગ વગરે નથી તેની ચકાસણી થતી. રસોઈયા પર સતત કેમેરા મંડાયેલા હોય.અમેરિકાના પ્રમુખ પ્રવાસમાં હોય તો પણ તેનો રસોઈયો સાથે લઇ જાય. યજમાન દેશ દ્વારા યોજાયેલ ભોજન સમારંભમાં કઈ કઈ વાનગીઓ હશે તે મેન્યુ આગળથી મંગાવી લેવાય છે. રસોઈયો તે મેન્યુ પ્રમાણેની વાનગી બને તે માટે તેને તે તમામ સામગ્રી સાથે પ્રવાસમાં લઇ જવાય છે. ભોજન સમારંભમાં પ્રમુખ ભોજન લેતા હોય ત્યારે તમામ મહેમાનો જોડે પ્રમુખને તે જ વાનગી પીરસાતી હોય પણ તે વાનગી બનાવી હોય પ્રમુખના રસોઈયાએ અને તે પણ અમેરિકાથી લાવેલ સામગ્રીથી જ.જો કે પ્રત્યેક નેતાની ભોજન કે ડી.એન.એ. તકેદારી બાબતની સિક્યુરિટીની વ્યવસ્થા તે પોતે નક્કી કરે તેવી હોય છે.
મોટાભાગના નેતાઓ તેમના ભોજનને આરોગતા પહેલા તેણે ચાખનાર - ફૂડ ટેસ્ટર રાખતા હોય છે.તેઓ સ્વાદની રીતે નહી પણ તેમાં કંઈ શંકાસ્પદ ભેળવાયું નથી ને તે ચકાશે છે. હવે તો તરત જ પરીક્ષણના પરિણામ આપે તેવા સાધનો પણ ઉપલબ્ધ છે.ઓબામા અને બુશ તેમના ફૂડ ટેસ્ટર વગર ક્યારેય ભોજન નહોતા લેતા. સરમુખત્યારો તો કઈ હદે અસલામતી અનુભવતા હોય છે તેની પુરાવા વગરની રસપ્રદ વાતો છે. ક્યુબાના ભૂતપૂર્વ સરમુખત્યાર સ્વ. ફિડેલ કાસ્ટ્રોની હત્યા માટે ક્યુબાના તંત્ર દ્વારા જારી કરેલ માહિતી પ્રમાણે ૬૩૨ વખત પ્રયત્ન કરવામાં આવેલા જે નિષ્ફળ બનાવાયા હતા.
'નેટફ્લીક્ષ'પર 'ધ રેસિડન્સ'નામની શ્રેણીમાં ૧૩૨ રૂમ ધરાવતા અમેરિકાના પેન્સિલ્વેનિયા એવન્યુ સ્થિત વ્હાઈટ હાઉસનું કઈ રીતે જુદી જુદી ટીમ દ્વારા સંચાલન થાય છે તેની ઝલક રજુ કરાય છે.
જ્ઞાન પોસ્ટ
નેતાઓ ચેનથી પાણી ન પી શકે,વિશ્વનો શ્રેષ્ઠ શરાબ ન માણી શકે,ભોજનના પ્રત્યેક કોળીયામાં મોતના ભણકારા વાગતા હોય અને પરિવાર જોડે પ્રવાસમાં પણ ફફડાટ અનુભવે.એટલે સુધી કે પરિવારના નિકટજનો પર પણ શંકાની નજરે જોવાય. પત્નીના પ્રેમભર્યા આલિંગન વખતે પણ કંઇક અજુગતું નહી થઇ જાયને તે રીતે ધડકનો વધેલી હોય. ઊંઘ દરમિયાન પણ અમંગળનો સતત ભય રહે છતાં સત્તાનો મોહ સર્વોપરી છે કેમ કે સત્તા રૂપી સોનેરી હરણ જાતનું અને આત્માનું અપહરણ કરી ચુક્યું હોય છે.


