- ભારતમાં ઈન્ડિગો એર લાઈન્સના મુસાફરો એરપોર્ટ પર નિરાશ્રીતોની જેમ રઝળતા રહ્યા ત્યારે સિંગાપોરના તત્કાલીન
- વડા પ્રધાન લી કુઆને કઈ રીતે હડતાલ પર ઉતરેલા પાઇલોટ અને સ્ટાફને દોડતા કરી દીધા હતા તે પ્રસંગ યાદ કરવા જેવો છે
- વિવિધા-ભવેન કચ્છી
- મુસાફરો માત્ર ફલાઈટ જ નથી ચુકી જતા હોતા તેઓને આર્થિક અને માનસિક ફટકો પહોંચતો હોય છે. ટિકિટનું રિફંડ મળતા જ લાચાર મુસાફર ખુશી અનુભવે છે અને તેની અન્ય ખોટ ભૂલી જાય છે
- એરપોર્ટમાં મુસાફરોની હાલાકી
- સિંગાપોરના શિલ્પી લી કવાન
ઈ ન્ડિગો એરલાઈન્સે જે રીતે દેશના હજારો મુસાફરને બાનમાં લેતા હોય તેમ ફ્લાઇટ્સ રદ કે કલાકો સુધી મોડી કરી તેને ખરેખર તો બેરહેમ ગુનો ગણી તેના મેનેજમેન્ટ અને જેઓએ પણ ફરજ અદા ન કરી હોય તેવા સ્ટાફને ઉદાહરણીય સબક શીખવડાવવો જોઈએ.
પુતીનની મુલાકાત વખતે
જયારે રશિયાના પ્રમુખ પુતીન ભારતની મુલાકાતે આવ્યા ત્યારે જ ઈન્ડિગો દ્વારા જેઓ પણ જવાબદાર હોય તેઓએ આ પ્રકારની અફડાતફડી સર્જી તેથી એવી પણ શંકા જાય છે કે કેન્દ્રના ઉડ્ડયન મંત્રાલયનું નાક દબાવવા જાણી જોઈને આ સમય પસંદ કરાયો હશે કે શું.
કોઈ વિદેશી મહેમાન આવે ત્યારે દેશની સ્થિતિનો કયાસ તેઓ પ્રસારણ માધ્યમમાં શું કવરેજ થયું છે તેના પરથી કાઢે છે. ઈન્ડિગોની ઘટનાએ વિશ્વ સમક્ષ પણ દેશની આબરૂ પર ફટકો પહોંચાડયો છે.
ઢીલા એક્શન
કેન્દ્ર સરકાર જાણે કંઈ બન્યું જ ન હોય અને આ તો ઈન્ડિગો કંપનીનો અંગત મામલો છે તેમ પુતીન સાથેની મંત્રણા અને સરભરામાં જ વ્યસ્ત રહી અને મુસાફરો માટે પરિસ્થિતિ શરમજનક રીતે કથળી હતી. કેન્દ્ર સરકાર પુતીન સ્વદેશ પરત ફર્યા પછી એક્શન મોડમાં આવી પણ તેઓએ ઈન્ડિગો કે અન્ય એરલાઈન્સ આ સ્થિતિનો લાભ ઉઠાવીને ટિકિટના દર બેફામ ન લે તે માટે નિયંત્રિત દર લેવા અંગે હુકમ જારી કર્યો અને ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઈન્સ માટે પાયલોટની તેમજ સ્ટાફની ફરજના કલાકો અને રોસ્ટરના જે નિયમો બહાર પાડયા હતા તેનો હાલ પૂરતો અમલ અટકાવી દીધો. એરલાઈન્સને આવા નિયમોના અમલથી આર્થિક રીતે પરવડે તેમ નથી.
મુસાફરોના કોઈ હક નહીં?
આપણા મુસાફરો પણ સારા કે સોશિયલ મીડિયા પર તેમની વ્યથા ઠાલવીને અને રિફંડના આશ્વાસન સાથે ફરી ઈન્ડિગોની ફ્લાઇટમાં જ બેસવા માટે તત્પર હશે. ખરેખર તો કોર્ટ કે ગ્રાહક સુરક્ષા સંગઠનોએ એ રીતે જોવું જોઈએ કે કોઈ મુસાફરે ફલાઈટ રદ થવાને કારણે શક્ય છે તેની ધંધાની તક ગુમાવી. જેણે સોદા માટે મળવાનું હતું તે મળી ન શક્યા. આ નુકશાનનું વળતર કોણ આપશે. કોઈને વિઝાનો ઇન્ટરવ્યૂ આપી, વિઝા સ્ટેમ્પ સાથે થોડા દિવસો તે જ્યાં જોબ કરે છે તે દેશમાં પરત જવું હતું. આ વિઝાના ઈન્ટરવ્યૂ માટે મળેલી તારીખ હવે ફરી ક્યારે મળશે તે નિશ્ચિત નથી અને વિઝા સ્ટેમ્પ સાથેનો પાસપોર્ટ મળે નહીં ત્યાં સુધી પ્રવાસ શક્ય નથી. આ સ્થિતિ સર્જાવા બદલ જંગી વળતર ન માંગી શકાય? કોઈ મુસાફરની તબિયત કથળી છે અને તેણે મુંબઈ, દિલ્હી, ચેન્નાઇ કે બેંગ્લોરના ડોક્ટરની એપોઇન્ટમેન્ટ મેળવી છે. તે દર્દીની ક્રિટિકલ સારવારમાં ફલાઈટ રદ થવાથી સ્વાસ્થ્ય વધુ કથળ્યું છે. તો આ માટે વળતર મળે તેવો કાયદો હોવો જોઈએ. કોઈ જીવન સંગીન બનાવતી પરીક્ષાથી વંચિત રહ્યું કેમ કે તેનું સેન્ટર અન્ય સ્થળે હતું. પોતાના નજીકના સગા કે સ્નેહીને ત્યાં લગ્નમાં હાજરી નહીં આપી શકવાનો વસવસો જિંદગી ભર રહેશે. આવા મુસાફરો વિડીયો કોલ પર એરપોર્ટ પરથી પ્રસંગ ગુમાવવા બદલ ભીની આંખો સાથે વર્ચ્યુલી લગ્નમાં જોડાયા હતા. તેઓએ ઘરેણાં, જવેલરી, ડિઝાઈનર ડ્રેસ સાથે સારો એવો ખર્ચ કર્યો હતો તે અવસર ગુમાવ્યાની કિંમત પણ માંડવી જોઈએ. ફલાઈટ ગુમાવીએ છીએ ત્યારે માત્ર કેટલાક કલાકો કે દિવસ જ નથી ગુમાવતા પણ જીવનની અમૂલ્ય તક અને આર્થિક મોટુ નુકશાન સહન કરતા હોઈએ છીએ. એરપોર્ટ જવા આવવાનો અને ભોજનનો ખર્ચ પણ ગણવો જોઈએ. એમ તો મુસાફરે જે માનસિક થાક અને તનાવ ભોગવ્યો તેનું પણ વળતર માંગી શકાય.
એરલાઈન્સ માટે ફ્લાઇટ આટલા કલાક મોડી છે કે રદ થઇ છે તેમ ઠંડે કલેજે મુસાફરને મેસેજ ફોરવર્ડ કરી દેવાથી કે એરપોર્ટ પર આ માટેનું ડિસ્પ્લે મૂકી દઈને હાથ અધ્ધર કરી દેવા જેટલું સહેલું ન હોવું જોઈએ. મુસાફરે પણ તેણે શું ગુમાવ્યું છે તે અંગે વિચારીને તેના વળતર હક્ક માટે જાગ્રત થવાની જરૂર છે.
***
સરકારની દેશના નાગરિકો પ્રતિ કેવી પ્રતિબદ્ધતા છે અને જાહેર કે ખાનગી સાહસો તેઓની મનમાની પ્રમાણે વર્તતા નથી ને તે જોવાની તેઓની ફરજ છે. કોઈપણ કંપની કે એકમ દેશના નાગરિકોના હિતની પરવા કર્યા વગર વર્તે તો તેઓની શાન ઠેકાણે લાવવાનું કામ દેશના નેતા કે સંબંધિત મંત્રીનું છે.
ધનિકો પર ધાક
કેન્દ્ર સરકાર અને ઉદ્યોગપતિઓ તેમજ શ્રીમંતોની સાંઠગાંઠ તો રહેવાની જ પણ આ જ મૂડીવાદીઓ (કેપિટાલિસ્ટ) જો દેશના નાગરિકોનું શોષણ કરે તો તેને અમેરિકા, રશિયા, જાપાન, યુ. એ. ઈ., સિંગાપોર જેવા દેશો લાલ આંખ બતાવીને તેઓને ધરતી પર લાવી દેવાશે તેમ સ્પષ્ટ ધમકી પણ આપતા અચકાતા નથી.
એરલાઈન્સની હડતાળની વાત યાદ આવે ત્યારે સિંગાપોરના તત્કાલીન વડા પ્રધાન અને સિંગપોર એરપોર્ટ, એરલાઈન્સને જ નહીં પણ સમગ્ર સિંગાપોરને વિશ્વમાં અગ્ર હરોળમાં મુકવામાં જેમણે પાયારૂપ ભૂમિકા ભજવી છે તેવા સ્વપ્ન દ્રષ્ટા લી ક્વાન યુ
(Lee kuan yew) પણ નજર સામે તરવરે. એક દેશ કેમ વિશ્વમાં માન ભરી નજરે જોવાતો થાય છે તે માટે લી કુઆનની નેતૃત્વ શક્તિ પ્રેરણા રૂપ મનાય છે.
સિંગાપોર એરલાઈન્સની વાત
૧૯૮૦માં સિંગાપોર એરલાઈન્સની ઇમેજ તેની કથળેલી સેવા માટે ઝાંખી પડી ગઈ હતી. નફામાં પણ ઘટાડો થઇ ગયો હતો. પાયલોટોએ યુનિયન બનાવી એરલાઈન્સ પર કબ્જો જમાવ્યો હતો. આવી સ્થિતિ વચ્ચે પાયલોટ યુનિયને ૩૦ ટકા વધુ પગારની તેમજ અન્ય સવલતોની માંગણી કરી. 'વર્ક ટુ રુલ' નું એલાન આપતા પાયલોટ જેટલાં કલાકનું કામ નોકરી કરતી વખતે નક્કી થયું હોય એટલું જ કામ કરતા. ૧૨ કલાકથી વધુ ડયુટી ન કરીએ તેમ જણાવી પાયલોટ એક દેશથી બીજા દેશ જઈને પરત આવવાનો ઇન્કાર કરતા અને ધમકી આપતા હતા. કેટલીયે સમજાવટ પછી તેઓ પરત આવતા. એર હોસ્ટેસ અને અન્ય સ્ટાફનું વર્તન પણ મુસાફરો જોડે સૌજન્ય વગરનું રહેતું.પછી તો પાયલોટ હડતાલ પર ઉતરી ગયા હતા. સિંગાપોર એરલાઈન્સની આવી સ્થિતિને કારણે વિશ્વના દેશોમાં તેઓની છબી ઝાંખી પડી રહી હતી. દેશના ઉડ્ડયન મંત્રાલયને પણ સિંગાપોર એરલાઈન્સનું યુનિયન ગાંઠતું નહોતું.
એન્ટર ધ લી કુઆન
હવે સિંગાપોરના તત્કાલીન વડા પ્રધાન લી ક્વાન દેશના નાગરિકો (મુસાફરો) અને દેશની ઇમેજને યથાવત કરવાના ઈરાદા સાથે મેદાનમાં આવ્યા. લી કુઆનની દેશભરમાં ચાહના અને ધાક બંને સમાન ધોરણે હતું. યુનિયને પણ વિચાર્યું નહીં હોય કે લી કુઆન તેઓ જોડે મિટિંગ યોજશે. યુનિયન અંદર ખાનેથી ઘમંડ સેવતું હતું કે વડા પ્રધાનને અમારી જોડે મંત્રણા કરવા આવવું પડયું. જો કે લી કુઆને મિટિંગમાં આવતા સાથે જ યુનિયનના હોદેદારો અને પાયલોટ્સને કડક ટોનમાં ધધડાવી નાંખતા હોય તેમ સંબોધન કરતા કહ્યું કે 'હું અહીં તમારી માંગણી કે શરતો જાણવા નથી આવ્યો. હું તમને ચેતવવા આવ્યો છું કે જો તમારે તમારી નોકરી સલામત રાખવી હોય તો તાત્કાલિક ફરજ પર ચઢી જાવ. તમે તેમ કરવા સાથે મને માંગણી જણાવતી અરજી મોકલશો. પણ એમ જ ફરજ પર ચઢયા વગર અસહકાર આપશો તો હું તરત જ તમને બધાને નોકરીમાંથી બરતરફ કરી દઈશ.' ત્યાર પછી લી કુઆને ઉમેર્યું કે 'તમે એવા વહેમમાં ન રહેતા કે તમારા વગર એરલાઈન કોણ ચલાવશે. હું વૈકલ્પિક સ્ટાફ અને પાઇલોટની વ્યવસ્થા પણ કરવા માટેની યોજના ધરાવું છું. અને વખત આવે સિંગાપોર એરલાઈન્સ જ બંધ કરવી દઈશ. હું તમારી ધાક ધમકીને શરણે નથી આવવાનો.'
લી કુઆન ધાક અને આદર
લી ક્વાન પ્રત્યે સિંગાપોરના નાગરિકોને આદર અને ચાહના હતી. તેમનો પડયો બોલ ઝીલવા બધા તત્પર રહેતા. સામાન્ય રીતે નાગરિકો સરકાર સામે પડે પણ સિંગપોરમાં નેતા લી કુઆન નાગરિકોને દેશને નુકશાન કરનારા સામે એક જ અપીલથી રસ્તા પર એકઠા કરી શકતા. લી કુઆને સિંગાપોર એરલાઈન્સના યુનિયનને ધમકી આપી કે 'જો ફરજ પર નહીં ચઢો તો નાગરિકોને જ કહીશ કે તમારી સામે દેખાવો કરે, તમારો બહિષ્કાર કરે.'
યુનિયન સ્તબ્ધ થયું
યુનિયાના નેતાઓ, પાઇલોટ અને અન્ય સ્ટાફને તો એક નાગરિક તરીકે વડા પ્રધાન લી કુઆનની નજીકથી ઝલક લેવી પણ સ્વપ્ન હતું પણ આજે તે તેઓથી અમુક ફૂટ જ દૂર છે. પણ લી કુઆન તેઓથી નારાજ છે તે જોઈને યુનિયનને થયું કે તેઓ ખોટું કરી રહ્યા છે. તે સાથે તેઓ ફફડી પણ ગયા હતા કેમ કે લી કુઆન જે બોલે છે તે કરે છે. તેઓને લાગ્યુ કે લી કુઆન નોકરીમાંથી પાણીચું પકડાવતા વાર નહીં લગાડે.
યુનિયને તાત્કાલિક હડતાલ સમેટી એટલું જ નહીં પછીના વર્ષોમાં તેમની જ પ્રેરણા અને પ્રોત્સાહનથી સિંગાપોર એરલાઈન્સ અને એરપોર્ટને વિશ્વમાં ઉત્કૃષ્ટ સ્થાન અપાવ્યું.
જ્ઞાન પોસ્ટ
'સિંગાપોર મારું હૃદય અને આત્મા છે. મેં તેના માટે લોહી રેડી દીધું છે. જો સિંગાપોરમાં કઈંક ખોટું થઇ રહ્યું છે તેમ મને લાગશે તો હું કબરમાંથી બેઠો થઈને પણ તે સુધારો કરવા બહાર આવીશ.'
- લી ક્વાન


