- દેશના નાગરિકોને ઝુબીન ગર્ગ કેવા મોટા ગજાની સંગીત હસ્તી હતા તેનો અંદાજ જ નહોતો : 'ગેંગસ્ટર' ફિલ્મના 'યા અલી' ગીતના ગાયક સુધીની ઓળખ જ સીમિત રહી
- વિવિધા-ભવેન કચ્છી
- ઝુબીન ગર્ગના અંતિમ દર્શન માટે 15 લાખ નાગરિકો ઉમટી પડયા હતા : આપણને પ્રાદેશિક પ્રતિભાઓની પહેચાન જ નથી, હિન્દી અને મેટ્રો વર્ગનો જ પ્રભાવ
આ સામના લેજેન્ડ ગાયક અને મનોરંજન ક્ષેત્રની બહુમુખી પ્રતિભા ઝુબીન ગર્ગ સિંગાપોરમાં સંગીતનો કાર્યક્રમ આપવા ગયા હતા ત્યારે હળવાશની પળો માણવા સમુદ્રમાં તરવા ગયા ત્યારે ડૂબી જવાથી મૃત્યુ થયું તે રહસ્ય ઘેરાતું જાય છે.૫૩ વર્ષના ઝુબીન ગર્ગ તેની સંગીત ટીમ અને મેનેજર સાથે સમુદ્ર વચ્ચે યાચ (યોટ)માં મજા માણી રહ્યા હતા ત્યારે તેને ઝેર આપીને સમુદ્રમાં લાઈફ જેકેટ વગર તરવા માટે પાનો ચઢાવવામાં આવ્યો હતો અને યાચમાં બધા જોતા રહ્યા હતા. એક સાથી સાજીન્દાએ ઘટનાના છેક ૧૩ દિવસ પછી સ્પેશિયલ ઇન્વેસ્ટીગેટિંગ સમક્ષ આવું નિવેદન આપતા તપાસમાં નાટકીય વળાંક આવ્યો છે.
ઝુબીન ગર્ગના નિધનને ભારતના મુખ્ય પ્રસારણ માધ્યમોમાં નજીવું કવરેજ મળ્યું હતું પણ હવે મર્ડર મિસ્ટ્રીનો એન્ગલ ઉમેરાતા અચાનક દેશ આખાને રસ પડયો છે.ઝુબીન મહેતા જેવા લેજેન્ડ ઓરકેસ્ટ્રા કંડકટરનાં નામ પરથી તેના પિતાએ તેનું નામ ઝુબીન રાખ્યું હતું. આસામનાં મેઘાલાયમાં જન્મેલા ઝુબીનની અટક બોર્થાકુર પણ ગર્ગ ગોત્રના હોઈ તેણે તેનું નામ ઝુબીન ગર્ગ રાખ્યું હતું. ૧૯૯૨મા આસામી ભાષામાં 'અનામિકા' અને તે પછી 'માયા' આલબમથી લોકહૃદયમાં સ્થાન પામનાર ઝુબીને આસામી, બંગાળી સહીત ૪૦ ભાષા અને બોલીઓમાં કુલ મળીને ૩૮,૦૦૦ ગીતોમાં કંઠ આપ્યો છે.૫૦ જેટલા આલ્બમ બહાર પાડયા છે. તેમણે આસામી ફિલ્મોમાં અદાકારી પણ કરી છે. આસામમાં ભૂપેન હઝારિકા પછીના તે લેજેન્ડ હતા. ગાયક અને અભિનેતા, નિર્દેશકની રીતે જ જોવા કરતા એ રીતે વિચારો કે તેઓ આસામની બે પેઢીના દિલની ધડકન અને આઇકોન તરીકે પૂજાતા હતા. આસામના 'બિહુ' તહેવારમાં તો ઝુબીનના ગીતો જ જમાવટ કરતા હોય છે. જાણે તેમના ગીતો ગાવા અને સાંભળવા માટે જ 'બિહુ'તહેવાર જીવંત અને નવી પેઢીમાં ઉજવાતો થયો છે તેમ કહી શકાય. તેઓ સ્પષ્ટ વક્તા હોઈ વિવાદાસ્પદ પણ પુરવાર થયા હતા. કેન્દ્ર સરકારના સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ (સી.એ.એ.)ના વિરોધી હતા. આસામના ઉગ્રવાદી સંગઠનો તેમને આસામ સિવાયની કોઈ ભાષામાં કંઠ ન આપવો તેની ધમકી આપતા હતા આમ છતાં તેઓ તેની પરવા નહોતા કરતા. ઝુબીનના પત્નીનું નામ ગરિમા છે અને તેમને કોઈ સંતાનો નથી.જો કે આસામનું હાર્દ ગણાતા ઝુબીન ગર્ગની ભારતમાં વ્યાપક કોઈ પહેચાન નહોતી
ઝુબીન ગર્ગ એ વળી કોણ?
ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવે છે. પ્રત્યેક રાજ્ય અને તેના પ્રાંતની પણ આગવી સંસ્કૃતિ છે. ભાષા, બોલી, સાહિત્ય અને સંગીતની અલાયદી દુનિયા છે. કમનસીબે હિન્દી બેલ્ટ, મેટ્રો અને અંગ્રેજી ભાષાથી પ્રભાવિત જ મનોરંજન અને સર્જનાત્મક દુનિયાનું બજાર છે. હિન્દી અને અંગ્રેજી અખબારોમાં જે તે પ્રાદેશિક વિસ્તારની પુરક પૂર્તિમાં પ્રાદેશિક ભાષાના સાહિત્ય, કળા,સંગીત અને સંસ્કૃતિના સમાચાર, પ્રતિભાઓની તસ્વીર પ્રકાશિત થાય છે. તેવી જ રીતે પ્રાદેશિક ભાષાઓની ટીવી ચેનલ પણ આ જ ધોરણે ચાલે છે. આમ આ સંસ્કૃતિ અને કળા મુખ્ય પ્રવાહના મિડીયામાં રજુ નહી થતી હોઈ તેઓની ઓળખ પ્રાદેશિક પુરતી જ સીમિત રહે છે. તેમાંની ઘણી પ્રતિભાઓ તો દેશના જુદા જુદા ક્ષેત્રોના ટોચના સ્ટાર્સ કરતા પણ તેમના રાજ્ય કે પ્રાંતમાં પારાવાર ચાહના ધરાવતા હોય છે. પણ કમનસીબે દેશમાં તેઓની ઓળખ નહિવત હોય છે. હા, તેઓ હિન્દી કે મેટ્રો શહેરોની દુનિયામાં પ્રદાન કરે અને પ્રચલિત બને તો તેઓ તેના થકી જ દેશભરમાં ઓળખ ઉભી કરી શકે છે. ઉદાહરણ તરીકે આસામ અને નોર્થ ઇસ્ટના રાજ્યોમાં લેજેન્ડ સમાન ચાહના ધરાવતા ઝુબીન ગર્ગનું આકસ્મિક નિધન થયું ત્યારે ઝુબીન ગર્ગની હિન્દી અને મેટ્રો બેલ્ટમાં ઓળખ જ નહીં હોઈ સોશિયલ મીડિયામાં શરૂમાં તો હિન્દી ફિલ્મોનાં પ્લેબેક સિંગર ઝુબીન નોટિયાલના નિધન તરીકે સમાચાર ફરતા થયા હતા.
તે પછી ઝુબીન ગર્ગના નામની સ્પષ્ટતા થઈ પણ ભારતના મહત્તમ નાગરિકોને ઝુબીન ગર્ગની ઓળખ આપવા 'ગેંગસ્ટર' ફિલ્મના 'યા અલી' ગીતના ગાયક તરીકે યાદ અપાવી પડી. હવે આમ જોઈએ તો ઝુબીન ગર્ગના વિરાટ પ્રદાન અને ઓળખ સામે 'યા અલી' ગીત એક ટપકું જ કહેવાય.
મેટ્રો અને હિન્દી પ્રભાવ
જ્યારે ઝુબીન ગર્ગનાં મૃત્યુનાં સમાચાર જાણી આસામ અને નોર્થ ઇસ્ટના રાજ્યો જાણે રાષ્ટ્રીય શોક હોય તેમ થંભી ગયા અને તેમના અંતિમ દર્શન ૧૫ લાખથી વધુ લોકોએ કર્યા. તેની સ્મશાન યાત્રામાં એક લાખથી વધુ જોડાયાના અહેવાલ અને સોશિયલ મીડિયામાં તેવી વિડિયો ફરતી થઇ ત્યારે ભારતના નાગરિકો, મીડિયા જગત અને બોલીવુડથી માંડી મેટ્રો જગતે એક પ્રકારની ભોંઠપ અનુભવી કેમ કે ઝુબીન ગર્ગના ૨૦મા ભાગનાં પ્રદાન કે લોકપ્રિયતા નહીં ધરાવતા કલાકારો અને કસબીઓ હિન્દી બેલ્ટ અને મેટ્રો - અંગ્રેજીના જ પ્રભાવને લીધે ચમકતા રહીને પોતે જ જાણે સુપરસ્ટાર હોય તેમ કેફમાં રાચતા હોય છે.
શું દેશના અન્ય રાજ્યોની પ્રતિભાઓનું પણ કહેવાતા મુખ્ય પ્રવાહ સાથે પ્રિન્ટ, દ્રશ્ય શ્રાવ્ય અને ડીજીટલ તેમજ સોશિયલ મીડિયામાં સ્થાન ન હોવું જોઈએ તે વિચારવા જેવો મુદ્દો છે.
જ્યારથી દક્ષિણ ભારતના રાજ્યોની ફિલ્મોના કલાકાર કસબીઓ હિન્દીમાં ડબ કરેલી ફિલ્મો રજુ કરતા થયા છે કે પછી હિન્દી ફિલ્મના નિર્માતાઓ તેઓને કરારબદ્ધ કરીને ફિલ્મ નિર્માણ કરે છે તે પછી જ જાણે ભારતને અંદાજ આવ્યો કે કેટલા મોટા ગજાના દક્ષિણ ભારતના ફિલ્મ ઉદ્યોગોના કલાકાર, કસબીઓ અને સંગીતકારો છે.
આવા ક્રોસ આદાન પ્રદાનને લીધે હિન્દી ફિલ્મ જગતની પ્રતિભાઓનો પણ દક્ષિણ ભારતના રાજ્યોની ઇન્ડસ્ટ્રીને પરિચય થયો. આમ છતાં દક્ષિણ ભારતના જે કલાકારો અને કસબીઓ હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ્યા નથી તેઓના કદનો પણ મુખ્ય પ્રવાહના ભારતને ખબર નથી કન્નડ અભિનેતા પુનીત રાજકુમારનું ૪૬ વર્ષની વયે હૃદય રોગના હુમલાથી નિધન થયું તે સમાચાર હિન્દી અને અંગ્રેજી મીડિયામાં નાના બે ફકરા તરીકે સ્થાન પામ્યા હતા. કદાચ હિન્દી ફિલ્મ જગતના મેગા સ્ટાર્સને પણ ખબર નહીં હોય કે પુનીત તેઓ કરતા પણ અનેક ગણો બહોળો ચાહક વર્ગ ધરાવે છે. પુનીતના અંતિમ દર્શન માટે ૧૫ લાખ ચાહકો સમગ્ર કર્ણાટક અને અન્ય દક્ષિણ ભારતના રાજ્યોમાંથી ઉમટી પડયા હતા તે તસ્વીરો જોઇને હિન્દી ફિલ્મ જગતના સ્ટાર્સ ધરતી પર આવી ગયા હતા.
એમ તો 'આર.આર.આર.'ના સંગીતકાર એમ. એમ. કિરવાનીને છેક ઓસ્કાર મળ્યો ત્યારે ભારતને ખબર પડી કે આ નામનો કોઈ સંગીતકાર છે. એમ.એમ.કિરવાની હિન્દી ફિલ્મ 'ક્રિમીનલ'માં 'તું મિલે દિલ ખીલે' જેવું કર્ણપ્રિય ગીત અને મહેશ ભટ્ટની 'ઝખ્મ' ફિલ્મમાં 'ગલી મેં આજ ચાંદ નિકલા' ગીતનું સંગીત એમ.એમ.કિરવાનીએ આપ્યું હતું તે છેક વર્ષો પછી આપણને ખબર પડી. બંગાળના દિલીપ કુમાર તરીકેનો આદર ધરાવતા અભિનેતા ઉત્તમ કુમારને બંગાળ કે ઉત્તર પૂર્વના રાજ્યોથી વિશેષ કોઈ ઓળખતું જ નહોતું પણ 'અમાનુષ' જેવી હિન્દી ફિલ્મ થકી તેમણે દેશવ્યાપી લોકપ્રિયતા અને પ્રતિભાની પહેચાન કરાવી હતી. જો કે એ પણ નોંધવું જોઈએ કે હિન્દી બેલ્ટમાં ભારતના મુખ્ય પ્રવાહના ગીત સંગીત અને ટીવી શ્રેણીઓ કરતા તેમના પ્રાંતની જ ઇન્ડસ્ટ્રીના ગાયકો, સંગીતકારો અને કલાકારોની ઓળખ છે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર, રાજસ્થાનમાં આપણે જઈએ તો ત્યાં ભોજપુરી અને પ્રાદેશિક ભાષાના મનોરંજનનો જ પ્રભાવ જોઈ શકાય છે.
ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત
ગુજરાતીમાં ફિલ્મોના કલાકારો અને ફિલ્મી તેમજ ગેર ફિલ્મી સંગીત ક્ષેત્રે ગાયકો અને સંગીતકારોનું સ્તર પણ દાયકાઓથી ઊંચું રહ્યું છે આમ છતાં આસામ, નોર્થ ઇસ્ટ,બંગાળ અને દક્ષિણ ભારતનાં કલાકારો, ગાયકો અને સંગીતકારોનો જે હદે ક્રેઝ છે તેવું જોવા નથી મળતું. ગુજરાતી ચાહકો ગુજરાતના કલાકારોને જોવા માટે ભીડ નથી જમાવતા. કોઈ કલાકાર,ગાયક કે સંગીતકાર નિધન પામે તો અંતિમ દર્શન માટે મેદની નથી ઉમટી પડતી.અન્ય રાજ્યોના પ્રસારણ માધ્યમો પણ નોંધ નથી લેતા હોતા. ગુજરાતનાં નાગરિકોએ તેઓની પ્રતિભા પ્રત્યે આદર અને ચાહનાની દ્રષ્ટિ ઉમેરવી પડશે તો જ ઇન્ડસ્ટ્રી બંગાળી, સાઉથ, મરાઠી અને નોર્થ ઇસ્ટ જેવી નોંધપાત્ર બનશે. ઝુબીન ગર્ગને આદર આપતા રાજ્યએ ત્રણ દિવસનો શોક જાહેર કર્યો હતો.૨૧ ગનની સલામી સાથે અંતિમ ક્રિયા સંપન્ન થઇ હતી.ગુજરાત સરકારે પણ તેમના રાજ્યના કલાકાર અને કસબીઓ માટે આવો આદર વ્યક્ત કરવો જોઈએ. જેઓને પદ્મશ્રી મળ્યા છે તેઓને માટે ઘણા ઉપલબ્ધ પ્રોટોકોલ છે.
વિશ્વમાં ક્યાંય નહી હોય તેવી કલા અને પ્રતિભા ભારત પાસે છે કેમ કે પ્રત્યેક રાજ્યોની ભાષા અને બાર ગાંવે બોલી બદલાય છે. આ પ્રત્યેક ભાષાની આગવી દુનિયા અને ઇન્ડસ્ટ્રી છે. જ્યારે વિશ્વના મોટાભાગના દેશોને એક જ ભાષા છે.તેથી આપણા જેટલો 'ટેલેન્ટ પુલ' ન હોય આમ છતાં તેઓ વિશ્વ સમક્ષ રજુ કરવાનો અને માર્કેટિંગનો કસબ જાણે છે. તેઓને તેમની ભાષા પર ગૌરવ છે. કેન્દ્ર સરકારનાં સાંસ્કૃતિક મંત્રાલયે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ડબિંગ અને જુદી જુદી ભાષાઓમાં સબ ટાઈટલ સાથે આંતરરાજ્ય કલા અને સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવું જોઈએ.એકબીજાના કલાકારો, ગાયકો, સંગીતકારો અને નિર્દેશકોને તક આપવી જોઈએ.
ઝુબીન ગર્ગ હિન્દી ફિલ્મોમાં વધુ પ્રદાન આપવાના જ હતા પણ તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હિન્દી ફિલ્મ જગતમાં જે રાજકારણ, આડંબર ચાલે છે તે વચ્ચે ટકી રહેવાના પ્રયત્નમાં સમય અને દિમાગની સ્વસ્થતા વેડફવા નથી માંગતો. આસામ અને નોર્થ ઈસ્ટમાં તે ભગવાનની જેમ પૂજાતા હોય અને હિન્દી ફિલ્મ ઉદ્યોગ જાણે તે સંઘર્ષ કરતો કોઈ ગાયક હોય તેમ તેની જોડે વર્તાવ કરતો હતો. લગભગ દરેક રાજ્યોના કલાકાર કસબીઓની આવી વેદના છે જેને કારણે આપણે કેટલીયે પ્રતિભાઓનો લાભ લેવો ગુમાવીએ છીએ. આપણને ઓળખ જ ન હોય તો આવકાર ક્યાંથી આપીએ.
જ્ઞાન પોસ્ટ
'Bad artists always admire each other's work.'
- Oscar wilde


