- ટિમ માર્શલના બેસ્ટ સેલર પુસ્તક 'Prisoners of Geography' ના આધારે અમેરિકા -ઈઝરાયેલનું ઈરાન સામેનું યુદ્ધ સમજીએ
- વિવિધા-ભવેન કચ્છી
- ઇતિહાસનું પુનરાવર્તન થાય છે કારણ કે ભૂગોળ ક્યારેય બદલાતી નથી.
૨૧ મી સદીમાં જ્યારે આપણી પાસે મિસાઇલો, ઇન્ટરનેટ અને હવે તો એ. આઈ. છે, ત્યારે પહાડો, રણ અને મેદાનો મહત્વના છે? ટિમ માર્શલે તેમના ભૂગોળ પરના પુસ્તકોથી વિજ્ઞાનીઓ અને ઇતિહાસવિદ્દની જ નહીં પણ યુદ્ધ અને સંરક્ષણની નીતિ ઘડનારાઓની દ્રષ્ટિ જ બદલી નાંખી છે.
'Power of Geography' અને 'prisoners of Geography'માં ટિમ માર્શલે એક વિચારપ્રેરક વાત જણાવી છે કે 'ઇતિહાસ પુનરાવર્તિત થાય છે કારણ કે ભૂગોળ ક્યારેય બદલાતી નથી.'
બેસ્ટ સેલર બનેલા તેમના બે પુસ્તકમાં તેઓ સમજાવે છે કે નેતાઓ બદલાય છે, વિચારધારાઓ બદલાય છે, પણ જે તે દેશના પર્વતો, રણ, નદી, સમુદ્ર, એક દેશથી બીજા દેશ સુધીની જુદા જુદા માર્ગની પહોંચ અને આબોહવા સદીઓથી છે તેવી જ મહદ્દઅંશે જળવાઈ રહે છે. ટિમ માર્શલનું એક જાણીતું ક્વોટ એવું પણ છે કે 'ઇતિહાસ પુસ્તકોમાં લખાય છે, પણ તે ક્યાં અને કેવી રીતે લખાશે તેનો નિર્ણય પૃથ્વીની રચના એટલે કે ભૂગોળ કરે છે.'
ભૂગોળ : ઇતિહાસનો પાયો
માર્શલના મતે, આપણે માનીએ છીએ કે ટેકનોલોજીએ અંતર મીટાવી દીધું છે, પણ વાસ્તવમાં આજે પણ 'ભૂગોળ જ સર્વોપરિ' છે. રશિયા શા માટે યુક્રેન પર હુમલો કરે છે? કારણ કે તેને પશ્ચિમ તરફથી આવતા મેદાની રસ્તાઓનો ભય છે. ચીન શા માટે તિબેટ પર કબજો રાખે છે? કારણ કે તેને એશિયાની નદીઓનું ઉદગમ સ્થાન અને હિમાલયની દીવાલ જોઈએ છે.ઇતિહાસ સાક્ષી છે કે જે દેશે પોતાની ભૂગોળનો ફાયદો ઉઠાવ્યો તે સામ્રાજ્ય બન્યા, અને જેણે ભૂગોળની અવગણના કરી તે નકશામાંથી ભૂંસાઈ ગયા. ઈરાન-ઇઝરાયેલના કિસ્સામાં પણ આ જ સત્ય લાગુ પડે છે.
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનું હાલનું યુદ્ધ માત્ર ધર્મ કે રાજનીતિ નથી, પણ ભૌગોલિક વર્ચસ્વની લડાઈ છે.
ઈરાન : એક કુદરતી કિલ્લો
ટિમ માર્શલ ઈરાનને એક 'કિલ્લા' તરીકે વર્ણવે છે.ઈરાન અમેરિકાના દાંત ખાટા તેની શસ્ત્ર તાકાતને લીધે નહીં પણ કુદરતે તેને જે ભૂગોળ આપી છે તેના સહારે કરી રહ્યું છે.
ઝાગ્રોસ અને અલ્બોર્ઝ પર્વતમાળા : ઈરાન ચારે બાજુથી પહાડોથી ઘેરાયેલું છે. આ તેને વિદેશી આક્રમણથી બચાવે છે. ઇતિહાસમાં કોઈ પણ દેશ ઈરાનને સંપૂર્ણ જીતી શક્યો નથી કારણ કે તેનું ભૌગોલિક સ્થાન અત્યંત કપરું છે. પશ્ચિમમાં આવેલ ઝાગ્રોસ પર્વતમાળા ઈરાનને આરબ દેશોથી અલગ પાડે છે જ્યારે અલબોર્ઝ પર્વતમાળા ઈરાનને કેસ્પિયન સમુદ્ર અને રશિયા સામે રક્ષણ આપે છે. પૂર્વમાં રણ અને પર્વતો એવી રીતે વિસ્તરેલા છે કે જે ઈરાનને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામે ઢાલ પુરી પાડે છે.
વ્યૂહાત્મક ઊંડાઈ : ઈરાન પોતાની સીમાઓથી દૂર લડવામાં માને છે (લેબનોન, સીરિયા, યમન દ્વારા) પ્રોક્સી વોરની રણનીતિ અપનાવે છે. માર્શલ સમજાવે છે કે ઈરાન 'શિયા ક્રીસન્ટ' (Shia Crescent)બનાવીને ઇઝરાયેલને ઘેરવા માંગે છે જેથી યુદ્ધ તેના પોતાના પહાડો સુધી ન પહોંચે.
આ પહાડોને કારણે જ અમેરિકા કે ઇઝરાયેલ માટે ઈરાન પર જમીની હુમલો કરવો અશક્ય જેવું છે. ઈરાન પાસે 'વ્યૂહાત્મક ઊંડાઈ' છે. માર્શલ સમજાવે છે કે ઈરાનની આ ભૌગોલિક સ્થિતિ તેને આક્રમક બનાવે છે. તેને ખબર છે કે તેના ઘર સુધી પહોંચવું મુશ્કેલ છે.
ઇઝરાયેલ : ભૂગોળનો કેદી
ઇઝરાયેલની સ્થિતિ ઈરાનથી બિલકુલ વિપરીત છે. ઇઝરાયેલ એક એવો દેશ છે જેની પાસે ભૂલ કરવાની કોઈ જગ્યા નથી.
સાંકડી ભૂમિ : ઇઝરાયેલ એટલો સાંકડો દેશ છે કે કેટલાક સ્થળોએ તેની પહોળાઈ માત્ર ૧૫-૨૦ કિમી છે. જો દુશ્મન ટેન્કો લઈને અંદર ઘૂસી જાય, તો દેશ મિનિટોમાં બે ભાગમાં વહેંચાઈ શકે.એટલે જ ઇઝરાયેલ 'Pre-emptive strike' (દુશ્મન હુમલો કરે તે પહેલા જ તેના પર હુમલો કરવો) ની નીતિ અપનાવે છે.
ગોલાન હાઈટ્સનું મહત્વ : આ પહાડી વિસ્તાર છે. જો સીરિયા પાસે આ પહાડો હોય, તો તે ઇઝરાયેલના ખેતરોમાં કામ કરતા ખેડૂતોને પણ જોઈ શકે અને ગોળી મારી શકે. એટલે જ ઇઝરાયેલ માટે આ પહાડનો ટુકડો કોઈ પણ શાંતિ કરાર કરતાં વધુ કિંમતી છે. ઇઝરાયેલની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ (આયર્ન ડોમ)એ તેની ભૌગોલિક લાચારીનો જવાબ છે. કારણ કે તેની પાસે પાછળ હટવા માટે જમીન નથી, તેણે હવામાં જ દુશ્મનને રોકવો પડે છે.
અમેરિકા અને હોર્મુઝ
ટિમ માર્શલના વિશ્લેષણમાં અમેરિકાની ભૂમિકા અત્યંત મહત્વની છે. અમેરિકા પોતે એક અલગ ખંડ છે, સુરક્ષિત છે, છતાં તે મધ્ય પૂર્વમાં કેમ રસ લઇ રહ્યું છે? તેનું કારણ છે - સમુદ્રી માર્ગો.
વિશ્વનું ૨૦% થી વધુ તેલ એટલે કે બે કરોડ બેરલ રોજનું ક્ડ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માંથી પસાર થાય છે, જે ઈરાનના કિનારે આવેલી એક સાંકડી જળપટ્ટી છે. જો ઈરાન આ માર્ગ બંધ કરી દે, તો વિશ્વની અર્થવ્યવસ્થા ઠપ થઈ જાય. અમેરિકાની 'બ્લુ વોટર નેવી' નો મુખ્ય ઉદ્દેશ્ય આ ભૌગોલિક બિંદુ પર વર્ચસ્વ જાળવવાનો છે. માર્શલ કહે છે કે અમેરિકા ભલે તેલના મામલે આત્મનિર્ભર થયું હોય, પણ વૈશ્વિક સત્તા ટકાવી રાખવા માટે તેને આ ભૌગોલિક નાકાબંધી પર નિયંત્રણ રાખવું જ પડશે.
મિસાઈલ યુગમાં પણ ભૂગોળ જ જીતે
ઘણા લોકો દલીલ કરે છે કે હવે તો મિસાઈલ અને ડ્રોન છે, તો પહાડોનું શું કામ? માર્શલ તેનો સચોટ જવાબ આપે છે. ઈરાને ઇઝરાયેલ પર સેંકડો મિસાઈલો છોડી, પણ તે હજારો કિલોમીટર દૂરથી આવી હતી. અંતર એ ભૂગોળનું અંગ છે. આ અંતરને કારણે ઇઝરાયેલને તૈયારીનો સમય મળ્યો. દૂરથી આવેલી મિસાઈલ નુકશાન પણ ઓછું કરે છે.જો ઈરાન અને ઇઝરાયેલ પાડોશી હોત, તો આજે દ્રશ્ય કંઈક વધુ ભયાનક હોત.
વળી, ઈરાન જે ડ્રોન વાપરે છે, તે લેબનોનના પહાડોમાં છુપાયેલા હિઝબુલ્લાહના ઠેકાણાઓથી આવે છે. પહાડોમાં બનેલી ટનલો આજે પણ આધુનિક સેટેલાઈટથી બચી શકે છે. આ સાબિત કરે છે કે ૨૧મી સદીનું યુદ્ધ પણ પૃથ્વીના આકાર મુજબ જ લડાય છે.
અંતરનું મહત્વ
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સીધી જમીની સરહદ નથી. વચ્ચે ઈરાક અને જોર્ડન આવે છે. આથી જ આ યુદ્ધ મિસાઈલો, ડ્રોન અને સાયબર એટેક સુધી મર્યાદિત છે. જો સીધી સરહદ હોત, તો આ અત્યાર સુધીનું સૌથી ભયાનક જમીની યુદ્ધ હોત.
અખાતી દેશો અને નવો નકશો
સાઉદી અરેબિયા અને અન્ય આરબ દેશો હવે ઈરાનના ભયને કારણે ઇઝરાયેલની નજીક આવી રહ્યા છે. આ 'ભૌગોલિક મજબૂરી' છે જે જુના દુશ્મનોને દોસ્ત બનાવી રહી છે.
ડિજિટલ વોર અને ભૂગોળ
ટિમ માર્શલના સિદ્ધાંત મુજબ, 'ડિજિટલ દુનિયાનો પાયો પણ ભૌતિક ભૂગોળમાં જ રહેલો છે.' આપણે જેને 'ક્લાઉડ' કહીએ છીએ તે હકીકતમાં સમુદ્રેના તળિયે પથરાયેલા હજારો માઇલ લાંબા ફાઇબર ઓપ્ટિક કેબલ્સ છે.જો કોઈ દેશ બીજા દેશના ઇન્ટરનેટને કાપવા માંગતો હોય, તો તેણે માત્ર સમુદ્રના એ ચોક્કસ ભૌગોલિક પોઈન્ટ પર હુમલો કરવાનો હોય છે જ્યાંથી આ કેબલ પસાર થાય છે.
'સર્વર'ની જગ્યા અને હુમલો
સાયબર યુદ્ધમાં 'સર્વર' ક્યાં છે તે સૌથી મહત્વનું છે કારણ કે? જો તમારો ડેટા અમેરિકાના સર્વરમાં હોય, તો તેના પર અમેરિકાના કાયદા લાગુ પડે. યુદ્ધ સમયે જે દેશની જમીન પર ડેટા સેન્ટર (સર્વર) હોય, તે દેશ તે માહિતીને ફિઝિકલી કબજે કરી શકે છે અથવા પાવર સપ્લાય કાપીને તેને ઠપ કરી શકે છે.?
ભૌતિક સુરક્ષા : સાયબર હુમલા માત્ર કોડિંગથી નથી થતા. જો દુશ્મન દેશ સર્વર બિલ્ડિંગ પર મિસાઈલ ફેંકે અથવા ત્યાંની વીજળી કાપી નાખે, તો આખું 'સાયબર યુદ્ધ' જમીન પર આવી જાય છે.
સાયબર એટેક
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે હજારો કિલોમીટરનું અંતર હોવાથી તેઓ એકબીજાના ડેટા સેન્ટરો અને પાવર ગ્રીડ પર સાયબર હુમલા કરે છે. ઇઝરાયેલે ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર વાયરસથી હુમલો કર્યો હતો. આ પ્લાન્ટ ક્યાં હતો? પહાડોની નીચે, જમીનની ઊંડાણમાં.? અહીં ટેકનોલોજી (વાયરસ) અને ભૂગોળ (પહાડની ઊંડાઈ) વચ્ચે જંગ હતો. ઈરાને વિચાર્યું કે પહાડની ભૂગોળ તેને બચાવશે, પણ ટેકનોલોજીએ તે ભૂગોળની દીવાલને તોડી નાખી. છતાં, આજે પણ ઈરાન તેના સર્વરો વધુ ઊંડા પહાડોમાં ખસેડી રહ્યું છે જે સાબિત કરે છે કે અંતે તો વિશ્વાસ 'ભૂગોળ' પર જ રાખવો પડે છે.
ત્રણ જરૂરિયાત
માર્શલ સમજાવે છે કે ટેકનોલોજી ગમે તેટલી વધે, સર્વરને ચલાવવા માટે ત્રણ વસ્તુ જોઈએ : જમીન, વીજળી અને પાણી (ઠંડક માટે).
જે દેશો પાસે ઠંડી આબોહવા છે (જેમ કે આઈસલેન્ડ કે નોર્વે), ત્યાં ડેટા સેન્ટરો બનાવવા ભૌગોલિક રીતે વધુ ફાયદાકારક છે.
આમ, ભવિષ્યના સાયબર યુદ્ધોમાં એ દેશો વધુ શક્તિશાળી બનશે જેમની ભૂગોળ ડેટા સેન્ટરોને કુદરતી સુરક્ષા અને ઠંડક પૂરી પાડે છે.
નકશાને માન આપવું પડશે
નેતાઓ સંધિ કરશે, યુદ્ધો વિરામ લેશે, પણ ઈરાનના પહાડો અને ઇઝરાયેલની સાંકડી ભૂમિ હંમેશા ત્યાં જ રહેશે. ટિમ માર્શલનું પુસ્તક આપણને શીખવે છે કે શાંતિનો માર્ગ પણ નકશાની સમજણમાંથી જ નીકળે છે. જ્યાં સુધી દેશો પોતાની ભૌગોલિક મર્યાદાઓ અને ડરને નહીં સમજે, ત્યાં સુધી મધ્ય પૂર્વ સળગતું રહેશે.
જ્યાં સુધી આપણે નકશાને સમજવાની કોશિશ નહીં કરીએ, ત્યાં સુધી આપણને આ સંઘર્ષ માત્ર ધાર્મિક ઝઘડો લાગશે. પણ વાસ્તવમાં, આ 'ભૂગોળની જેલ' માંથી બહાર નીકળવાનો દેશોનો સંઘર્ષ છે. ઇતિહાસ પુનરાવર્તિત થાય છે કારણ કે ભૂગોળ ક્યારેય બદલાતી નથી.
યાદ રહે,નેપોલિયન અને હિટલર પાસે શ્રેષ્ઠ સૈનિકો હતા, પણ રશિયા પાસે 'શ્રેષ્ઠ ભૂગોળ' હતી અને છે. ભારત અને ચીન વચ્ચે ઉભેલા હિમાલય પર્વત આપણું રક્ષણ કરે છે.
જ્ઞાન પોસ્ટ
'ભૂગોળ એ પત્તાની એ રમત જેવી છે જે આપણને કુદરતે આપી છે; આપણે તે રમત કેવી રીતે રમીએ છીએ તે આપણી રાજનીતિ છે, પણ પત્તા (નદી, પર્વત, સમુદ્ર) ક્યારેય બદલાતા નથી.'
- ટિમ માર્શલ


