Get The App

'જબ તક બલ્લા ચલતા હૈ તબ તક ઠાઠ હૈ'

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
'જબ તક બલ્લા ચલતા હૈ તબ તક ઠાઠ હૈ' 1 - image


- ધોની શું કામ નિવૃત્તિ લે..તે અમિતાભ કે શાહરૂખ ખાન કરતા પણ વધુ બ્રાન્ડનો એમ્બેસેડર છે અને તેની નેટ વર્થ રૂ.1030 કરોડ છે!

- વિવિધા-ભવેન કચ્છી

- સચિનની રૂ.1200 કરોડની અને કોહલીની  રૂ.1050 કરોડની નેટ વર્થ : સેલિબ્રિટીઓમાં રૂ.7300 કરોડની નેટ વર્થ સાથે શાહરૂખ ખાન સૌથી મોખરે

૪૪ વર્ષીય ધોનીએ હવે આઈ. પી. એલ.માંથી પણ નિવૃત્તિ લેવી જોઈએ તેવી આપણી સૂફિયાણી સલાહ સ્ટેડિયમમાં થતા 'થાલા.. થાલા'ના ગગનભેદી નારા હેઠળ ધોની તો ઠીક ચેન્નાઈ સુપર કિંગ્સના માલિકો અને ટીમ મેનેજમેન્ટ સુધી પણ પહોંચી નથી શકતી.

'ધોની કેમ સામે ચાલીને નિવૃત્તિ જાહેર નથી કરતો? તે તો એટલો શાણો અને મુત્સદ્દી છે કે તેનો સમય હવે આવી ગયો છે તે અત્યારે નહીં પણ ૨૦૨૪ની સીઝન પહેલા જ પામી ગયો હોય છતાં કેમ હજુ જારી  છે 'તે વર્તમાન ભારતનો  રાષટ્રીય પ્રાણ પ્રશ્ન છે.    ચેન્નાઈ સુપર કિંગ્સ ભલે આઈ.પી.એલ.માં ડૂબી જાય પણ પોતે ૨૦૨૫ની સીઝન પણ રમ્યો. ચેન્નાઈ સુપર કિંગ્સ પોઇન્ટ ટેબલમાં ૧૧માંથી  માત્ર બે જ મેચ જીતીને ૧૦માં છેલ્લા ક્રમે છે. ધોનીએ આ આઇ.પી.એલ.માં કુલ ૧૬૩ રન જ નોંધાવ્યા છે અને 'ફિનિશર' તરીકેની ઇમેજ જાળવવા તેને અમુક મેચમાં તક હતી પણ ઊલટું તે હારનું કારણ બન્યો. 

2026માં પણ રમશે?

હજુ પણ તે એવા સંકેત આપે છે કે ૨૦૨૬ની સીઝન પહેલા તેની ફીટનેસ અને જુસ્સો કેવી છે તેનો ક્યાસ કાઢશે  તે પછી નિર્ણય લેશે.

ધોની આઈ.પી. એલ.માં ૪૫માં વર્ષે અને રોહિત શર્મા તેમજ  કોહલી ૨૦૨૭નો  વન ડેનો વર્લ્ડ કપ રમવાની ખ્વાઈશ ધરાવે છે તે પૂરી કરશે તો  તેઓની તે વખતે  ૪૦ વર્ષની વય હશે તો  પણ રમવા માંગે છે. આ માટેનું પડદા પાછળનું   ખરું કારણ એ છે કે જાહેરખબરમાં અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેઓ હજુ પણ ટોપ પર છે. 

આ ક્રિકેટરો ભલે ફોર્મમાં ઉતર ચઢ કરે પણ  ચાહકોની નજરે તેઓની  ઈમેજ હજુ સ્ટાર તરીકે હીટ છે.

 ચેન્નઈ સુપર કિંગ પર ધોનીની બ્રાન્ડ હાવી થઈ ચૂકી  છે. ધોનીનું નામ અને તેની હાજરીથી ચેન્નાઈ સુપર કિંગ્સની વર્ષ વધે છે. સ્ટેડિયમમાં પ્રેક્ષકો બે કે ત્રણ ગણી કિંમત આપીને ટિકિટ ખરીદીને તેની મેચ જોવા આવે છે. ધોની હવે પહેલા જેવું રમે છે કે ફ્લોપ જાય છે તે જોવા પણ દર્શકો સ્ક્રીન સામે ગોઠવાઈ જાય છે.

જેમ 'કોલ્ડ પ્લે' કોન્સર્ટને લીધે ભારતની ઇકોનોમીને અંદાજે રૂ. ૫૦૦ કરોડ જેટલો ફાયદો થયો તેમ બ્રાન્ડ ધોનીને લીધે આઈ.પી.એલ.ના  આયોજકો,ચેન્નાઈ સુપર કિંગ્સ અને બ્રોડકાસ્ટરોની તિજોરી તગડી થાય છે. આવું જ રોહિત શર્મા અને કોહલી માટે કહી શકાય.ભારતીય ક્રિકેટમાં આ બે સિનિયર્સ છે તો વિશ્વના ક્રિકેટ ચાહકો રસ લે છે. ઓસ્ટ્રેેલિયાના પ્રવાસમાં ભારત ટેસ્ટ શ્રેણી રમ્યું હતું તો પણ કોહલીની લોકપ્રિયતાને લીધે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ અને જાહેરખબર કંપનીઓ કમાઈ હતી. ટીવી કે સ્માર્ટ ફોન પર મેચ પણ આ ક્રિકેટરોને કારણે જ જોવાય છે,મીડિયામાં તેઓની ચર્ચા થાય છે. હજુ શુબમન ગિલ અને યશસ્વી જયસ્વાલ હજુ તેવી બ્રાન્ડ નથી બન્યા.

કંપનીઓનું દબાણ

મૂળ વાત એ છે કે ધોની, કોહલી અને રોહિત શર્મા નિવૃતિ લેવાનું અંદરથી  ઇચ્છતા હોય તો પણ તેઓને  જાહેરખબરની  અને તેઓ જે પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હોય તે કંપનીઓ જ નિવૃત્તિ ન લેવી તેવું દબાણ કરતા હોય. કેમ કે ફોર્મ ગમે તેવું હોય પણ તમે ક્રિકેટ રમો છો તો જ ગ્રાહકો પર પ્રોડકટના પ્રચારની અસર થતી હોય છે. નિવૃત ક્રિકેટરોમાં સચિન તેંડુલકર હજુ તેનો પ્રભાવ જાળવી શક્યો છે પણ નિવૃત ધોની, રોહિત શર્મા અને કોહલી માટે આ શક્ય ન પણ બને. ધોની,કોહલી અને રોહિત શર્માને સ્વાભાવિક રીતે એવું થાય કે એક વર્ષમાં બસ્સો  કરોડથી વધુ રૂપિયાના કરાર જો નિવૃત નહીં થવાનું તેવી ગર્ભિત સમજૂતી સાથે કંપનીઓ જોડે થતા હોય તો જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી કારકિર્દી ખેંચો ને.

એક જમાનામાં એવું કહેવાતું કે ફિલ્મની અભિનેત્રી  લગ્ન કરી લે તે પછી તેને હીરોઈન તરીકે ફિલ્મો ઓછી મળે કેમ કે ફિલ્મમાં હીરો જોડે ઉત્કટ પ્રેમની વાર્તા હોય ત્યારે પ્રેક્ષકોના મનમાં તે તો વાસ્તવિક જીવનમાં અન્ય પુરુષને પરણી ગઈ છે તે રમ્યા કરતું હોય છે.

નવાઈની વાત છે કે અભિનેતાએ  લગ્ન કરી લીધા હોય તો પણ તેને ફિલ્મો મળતી રહે છે અને તે જુદી જુદી હિરોઈન જોડે લવ સ્ટોરીમાં સ્વીકારાય પણ છે.

જાહેર ખબર અને બ્રાન્ડ વેલ્યુનું ફિલ્મ અભિનેત્રી જેવું છે. ખેલાડીએ નિવૃત્તિ નહીં લેવાની પણ શક્ય હોય ત્યાં સુધી કારકિર્દી લંબાવતા રહેવી.

કરોડોની નેટ વર્ષ

જો  આઇ.પી.એલ.માંથી ધોનીએ નિવૃત્તિ લઈ લીધી હોત તો તેની આપણે આ સીઝન દરમ્યાન સ્ક્રીન પર જે જાહેરાતો જોઈએ છીએ તે તેને આ માત્રામાં મળી ન હોત. તેનો દર્શકો પર પ્રભાવ પણ ન પડયો હોત. રોહિત શર્મા અને કોહલી પણ ચરખો ચાલે છે એટલે જ કરોડો રૂપિયા કાંતે છે.

હવે જાણીએ ધોનીના નામનો બ્રાન્ડ પાવર.ધોનીની નેટ વર્ષ રૂ.૧૦૩૦ કરોડ રૂપિયા છે. ચોંકી ગયા ને. આટલી 'પાવર પેકડ' રકમ સાંભળીને.આમ છતાં આપણે ધોનીને સલાહ આપી શકીએ છીએ કે 'તારે હવે નિવૃત્તિ લેવી જોઈએ. તારો જાદુ ઓસરતો જાય છે.'

રૂ. એક હજાર કરોડ એટલે એક હાલતી ચાલતી ખમતીધર કંપનીની આવક હોય. ધોનીનું કોઈ જ સ્થૂળ  રોકાણ નહીં. તેણે ૧૮ વર્ષની કારકિર્દીમાં સખ્ત મહેનત સાથે ક્રિકેટ અને પ્રતિભાનું સિંચન કરતા કે ખેતી કરી હોય તેવી મહેનત કરી તે જ તેની મૂડી. હવે તે છેલ્લા વર્ષોમાં આ ઘટાદાર વૃક્ષના ફળો આરોગે અને વખાર પણ ભરે તો તેને સલામ કરવી જ રહી. હા, ક્રિકેટ ચાહક તરીકે તેના વર્તમાન ક્રિકેટની સમીક્ષા કે મૂલ્યાંકન કરીએ તે જુદી વાત છે.

ધોનીને હેડ કોચ ફ્લેમિંગ કે ચેન્નાઈ સુપર કિંગ્સના સી.ઇ.ઓ. ડગ આઉટ કે ડગ આઉટની બહાર  પણ હરફ સુધ્ધા કંઇ કહી ન શકે તેવું તેઓ જાહેરમાં કબૂલી ચૂક્યા છે. આંતરિક વર્તુળમાં તો એવુ પણ ચર્ચાય છે કે ધોની ચેન્નાઈ સુપર કિંગ્સનો પડદા પાછળનો સહમાલિક પણ છે.  આઇ .પી.એલ.માં નવી ફ્રેન્ચાઇઝી ભવિષ્યમાં ઉમેરાવાની શક્યતા છે ત્યારે તે તેની અલાયદી પણ ફ્રેન્ચાઈઝી બનાવી ટીમ ઉતારે તો નવાઈ નહીં.

ઘસાતું ન બોલાય

વિશ્વના જાણીતા ભૂતપૂર્વ કોચ, ક્રિકેેટરો અને કોમેન્ટેટર્સ તેમજ કોર્પોરેટ વર્લ્ડ પણ ધોનીની વર્તમાન અને ભાવિ તાકાતથી પરિચિત છે. એટલે ધોની માટે ઘસાતો એક શબ્દ બોલતા નથી. ધોનીનો તમામ સંજોગોમાં બચાવ કરવા માટે આ લોકો જ તૈયાર હોય છે. ધોની જ નહીં કોહલી અને રોહિત શર્મા પણ નિવૃત્તિ પછી કોઈ ફ્રેન્ચાઇઝીના ડાયરેક્ટર હશે કે ભારતીય ટીમ, ટિકિટ એકડમી તેઓને હસ્તક હશે તેથી તેઓની ખુશ નજર હેઠળ રહેવાનું બધા પસંદ કરે છે.

રૂ.૧૦૫૦ કરોડ સાથે કોહલી ધોની કરતા વધુ ધનિક છે. જો કે સચિન તેંડુલકર રૂ.૧૨૦૦ કરોડ સાથે ભારતનો સૌથી ધનિક ક્રિકેટર છે.સૌરવ ગાંગુલીની  રૂ.૭૦૦ કરોડ અને રોહિત શર્માની રૂ.૨૧૪ કરોડ નેટ વર્થ છે. કોહલી એક રીતે જોઈએ તો સચિન તેંડુલકર કરતા પણ તુલનાત્મક રીતે ધનિક કહેવાય કેમ કે સચિન તેની પ્રથમ ટેસ્ટ ૧૯૮૯માં રમ્યો ત્યારથી વર્ષ ૨૦૨૫ એટલે કે રમતો હતો તે દરમ્યાન  અને નિવૃતિ પછીના વર્ષો મળીને   ૩૬ વર્ષના ગાળામાં આટલો ધનિક બન્યો જ્યારે કોહલીની આ વર્ષ તે ૨૦૦૮થી સૌ પ્રથમ વન ડે રમ્યો ત્યારથી એટલે કે ૧૭ વર્ષમાં જ છે હજુ તે બે ત્રણ વર્ષ રમી શકશે.આઇ.પી.એલ.માં તો તેની ફીટનેસ જોતા બીજા ચારેક વર્ષ રમશે અને તે પછી  તેની કોચ,મેન્ટોર, જાહેરાતોની આવક તો જારી જ રહેશે. જો કે જાહેરાતો અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ધોની કોહલી, સચિન કે રોહિત કરતા જ  નહીં  અમિતાભ બચ્ચન કરતા પણ આગળ છે.

બ્રાન્ડનો બાદશાહ

આ આઇ.પી.એલ.પહેલા ધોની ૪૨ બ્રાન્ડનો એમ્બેસેડર છે. ૨૦૨૫ની આઇ.પી.એલ.ની તેની લોકપ્રિયતા જોતા આ આંક ૫૦ને વટાવી ગયો હશે. ધોની શારીરિક રીતે તેમજ દેખાવમાં હજુ મીલીટરી જેવી કસાયેલી કાયા અને ત્વચા ધરાવે છે. તે કોઈપણ ક્રિકેટર કરતા જાહેરાતમાં સારી એક્ટિંગ કરી શકે છે. તે તમામ પ્રોડક્ટ અને સર્વિસ સેક્ટરની રેન્જમાં મોડલ તરીકે પ્રભાવિત કરે છે. તેની મેદાન બહારની ઇમેજ પણ નમ્ર, સાદગીભરી અને સજ્જન છે તેથી બાળકોથી માંડી યુવા અને વયસ્કોને સ્પર્શતી જાહેરાતોમાં શોભે છે.કહો ને કે  ક્રિકેટની દુનિયાનો તે અમિતાભ બચ્ચન છે.

જો કે તમને જાણીને ધોનીને દાદ આપશો કે ધોની બ્રાન્ડ એમ્બેસેડરની સંખ્યાની રીતે શાહરૂખ ખાન ,અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર કરતા આગળ છે. સ્ક્રીન પર જાહેરાતમાં અમિતાભ વધુ દેખાતો હોય એવું બને કે કેમ કે તે જેનો એમ્બેસેડર હોય તે કંપની જાહેરાત વધુ સમય રિપિટ કરે જ્યારે ધોનીની જાહેરાત માધ્યમોમાં તે રીતે કરકસરથી પ્રસારિત થતી હોય છે.અમિતાભ કે શાહરૂખ કન્ઝયુમર પ્રોડક્ટમાં વધુ દેખાય છે જ્યારે ધોની આવી પ્રોડક્ટ ઉપરાંત ગલ્ફ ઓઈલ, ક્લિયરટ્રીપ, માસ્ટર કાર્ડ, સિટ્રિઓન, લે'સ, ગરુડ એરોસ્પેસ, ઈમોટોરોલા, ઓરિએન્ટ ઇલેક્ટ્રિક, વ્હે પ્રોટીન, કોલગેટ, બુસ્ટ, ડ્રીમ ઇલેવન, ઓપ્પો ફોન, રેડ બસ, ઈન્ડિગો પેઇન્ટસ, ગોડેડી, ભારત મેટ્રિમોની, સ્વરાજ ટ્રેક્ટર, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, મ્યુચ્યુઅલ ફંડ એસોસિએશન, જીઓ માર્ટ, આઇટીસી,

ઇન્ડિયન આર્મી, ઝારખંડ રાજ્ય વગેરેનો બ્રાન્ડ એમ્બેસેડર છે.

સુપર શાહરૂખ 

અમિતાભ અને ધોની એક વર્ષ માટે એક બ્રાન્ડ એન્ડોર્સ કરવાના પાંચથી આઠ કરોડ રૂપિયા લે છે.આમ ધોની વર્ષે રૂ.૨૦૦  કરોડની આવક  તો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જ ઉમેરે છે. અમિતાભ  અને શાહરૂખ ખાન બંને ૪૦ -  ૪૦ બ્રાન્ડના એમ્બેસેડર છે. વિરાટ કોહલી ૨૧ બ્રાન્ડનો એમ્બેસેડર છે.

જો કે શાહરૂખ ખાનની ફિલ્મની અને સ્માર્ટ રોકાણની આવક ક્રિકેટ રમવા માટે મળતી રકમ કરતા ઘણી વધુ હોઈ તેની નેટ વર્થ ધોની અને કોહલી કરતા સાત ગણી વધુ રૂ.૭૩૦૦ કરોડની આસપાસ છે. અમિતાભની વર્થ રૂ. ૩૬૦૦ કરોડ, સલમાન ખાનની નેટ વર્થ રૂ.૨૯૦૦ કરોડ, અક્ષય કુમારની રૂ.૨૭૦૦ કરોડ  અને રીતિક રોશન ધોની કરતા ડબલ રૂ.૨૦૦૦ કરોડ છે.

વિશ્વના ધનિક ખેલાડીઓ

વિશ્વના ટોચના ખેલાડીઓ સામે તો જો કે ભારતના ક્રિકેટરો કે અભિનેતાઓની આવક બચ્ચા જેવી કહેવાય.

ફેડરરની વર્થ ૫૫ કરોડ ડોલર છે., ડેવિડ બેકહામ ૪૫ કરોડ  ડોલર, લાયોનેલ મેસી ૬૫ કરોડ ડોલર, રોનાલ્ડો ૮૦ કરોડ ડોલર,

બાસ્કેટ બોલ લેજેન્ડ ભૂતપૂર્વ ખેલાડી માઈકલ જાર્ડનની વર્થ ૪.૬૨ અબજ ડોલર છે. લેબ્રોન જેમ્સ ૧.૫૪ અબજ ડોલર, ટાઇગર વુડ્સ ૧.૧ અબજ ડોલર છે.

 ફરી ભારતની સેલિબ્રિટી પર આવીએ તો ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા હજુ પણ દૂઝણી ગાય છે. એક વધુ વર્ષ ટીકા વચ્ચે ટકી જાય તો રૂ.૨૦૦ કરોડ તેઓની તિજોરીમાં છલકાય જાય છે. કંપનીઓ પણ એવું જ ઈચ્છે છે કે હજુ તમારો ચહેરો અને ઇમેજ ચાહકોમાં વેચી શકાય છે તો સક્રિય ક્રિકેટર તરીકે જારી રહો તે આપણા બંનેના ફાયદામાં છે.

યુવરાજ સિંઘે કહ્યું હતું ને કે 'જબ તક બલ્લા ચલતા હૈ, તબ તક ઠાઠ હે '  

Tags :