Get The App

'લગ્ન જીવનની પણ એક્સ્પાયરી ડેટ હોવી જોઈએ'

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
'લગ્ન જીવનની પણ એક્સ્પાયરી ડેટ હોવી જોઈએ' 1 - image

- મેટ્રોના જૂજ સંતાનોને સ્પર્શે તેવી કાજોલ અને જયા બચ્ચનની બેજવાબદાર કોમેન્ટ ભારતની 70% મધ્યમ વર્ગ ધરાવતી યુવા પેઢીને ગુમરાહ કરી શકે છે

- વિવિધા-ભવેન કચ્છી

- ભારતમાં 13 લાખ લોકો  છુટાછેડા લઇ ચુક્યા છે : રોજના 100 કેસ ફાઈલ થાય છે

- 77 વર્ષના જયા બચ્ચન લગ્ન સંસ્થાને હવે વ્યર્થ માને છે અને પૌત્રી નવ્યાને લગ્ન ન કરવાની સલાહ આપે છે

ફિ લ્મ અભિનેત્રી કાજોલે એક ટોક શોમાં લગ્ન સંસ્થા બાબત એવું ચોંકાવનારું મંતવ્ય આપ્યું કે ' લગ્નની પણ 'એકસપાયરી ડેટ ' હોવી જોઈએ. આ તારીખ આવે ત્યારે પતિ અને પત્નીએ સાથે બેસીને  વિચારવું જોઈએ કે હજુ આગળ દામ્પત્ય જીવન લંબાવવું છે કે કેમ.'

કાજોલને મધ્યમ વયની મેટ્રો અને બોલ્ડ  યુવતિઓની પ્રતિનિધિ માનીએ તો તેના આવા જ઼  વિચારો હોય તે આપણે સમજી શકીએ પણ કાજોલની આ કોમેન્ટને જૂની પેઢીની કહી શકાય તેવા ૭૭ વર્ષીય જયા બચ્ચને પણ બરખા દત્ત સાથેના ટોક શોમાં સમર્થન આપ્યું અને એટલે સુધી કહ્યું કે 'હું  ઈચ્છું છું કે મારી પૌત્રી નાવ્યા લગ્ન જ઼ ન કરે. જસ્ટ જીવનને મુક્તપણે માણે. હું લગ્ન સંસ્થા હવે અર્થહીન સમજું છું. આજકાલની યુવા પેઢી અમારા વયજૂથ કરતા વધુ સ્માર્ટ છે એટલે તેઓને સલાહ આપવા માટે હું સમર્થ નથી. પણ એટલું જાણું છું કે આજની યુવા પેઢી ખુશી, મુક્તતા અને સ્વમાનને સામાજિક દબાણ કે ડર કરતા વધુ પ્રાધાન્ય  આપે છે.  

પાકટ અભિગમ જરૂરી

કાજોલ અને જયા કે પછી તેઓ જેવા મેટ્રો કલ્ચરમાં જીવન વિતાવતા સેલિબ્રિટીઓ તેમના અભિપ્રાયો આપવાનો ચોક્કસ હક ધરાવે છે પણ તેઓએ થોડો પાકટ અભિગમ બતાવવો જોઈએ કેમ કે કોઈપણ ક્ષેત્રની સેલિબ્રિટી કે સોશિયલ મીડિયા પર વિશાળ સંખ્યામાં ફોલોવર ધરાવનારાઓએ ખુબ જ઼ જવાબદારી અને સભાનતાપૂર્વક તેમના મંતવ્ય કે પોસ્ટ મુકવા જોઈએ કેમ કે  તેઓના શબ્દો કે મંતવ્યને દેશનો નેવું ટકા વર્ગ બ્રહ્મ વાક્ય માની લેતો હોય છે. 

ભારતનું હાર્દ ભયમાં

ભારતમાં ૭૦  ટકાથી વધુ ગરીબથી માંડી મધ્યમ વર્ગના દંપતીઓ છે. મધ્યમ વર્ગની જીવનશૈલી અને સોચ કુટુંબ પ્રધાન અને હિન્દુ સંસ્કૃતિને અનુસરનારી છે. ભારતનું હાર્દ જ઼ સમાજ વ્યવસ્થા છે. વિદેશમાં વસતા ભારતીયોના મિત્રો અને સહકર્મચારીઓ પણ વિદેશીઓ હોય છે. તેઓ કહેતા હોય છે કે 'અમે ભારતીય પતિ પત્નીના સંબંધો,માતા પિતા દ્વારા  સંતાનોનો થતો ઉછેર તેમજ   દાદા,- દાદી, નાના નાની દ્વારા પ્રાપ્ત થતું વાસ્તલ્ય જોઈને ઈર્ષા અનુભવીએ છીએ.' પત્ની પતિ માટે ભારતીય ભોજનનું  લંચ બોક્સ બનાવી આપે અને ઓફિસમાં ગોરાઓ આપણી શાક દાળનો કોળિયો પણ આરોગી લેતા હોય છે.

પણ હવે આવો  બધો પ્રેમ  ભારતમાં પણ ઘટતો  જાય છે. કેમ કે મેટ્રો જગતની યુવા પેઢી પુરુષ અને મહિલાની સમાનતા, લિવ ઈન, 'બંધનમાં ન રહો જીવનને માણો' જેવા વિષયો પર પોડકાસ્ટમાં બેફામ કોમેન્ટ કરે છે

અને આપણી સુખમાં રહેતી સંસ્કારી અને મધ્યમ વર્ગની  યુવા પેઢી બહેકી જાય છે. તેઓ તેમના  હર્યાભર્યા ખુશખુશાલ પરિવાર હતો છતાં મુક્તિ, સમાનતા અને લગ્ન સંસ્થા વ્યર્થ છે તેવા વિચારોને મગજમાં પ્રવેશ આપીને પોતાનું જીવન પણ પછીથી બરબાદ કરે છે.

કૃત્રિમ ચહેરો અને દંભ

ફિલ્મ સ્ટાર્સ, સેલિબ્રિટી કે  ધનકુબેરના  લગ્ન મહદ્દ અંશે ટ્રોફી હસબન્ડ કે વાઈફના હોય છે. એટલે કે આમ શુષ્ક અને બેવફાદારી સાથેના પણ જાહેરમાં બેસ્ટ કપલ હોય તેમ વર્તવાનું અને હાથમાં હાથ પરોવીને ચાલવાનું હોય છે. લગ્ન પહેલા કેટલાયે સ્ત્રી કે પુરુષ જોડેના લફરાં જગજાહેર હોય છે. દામ્પત્ય જીવનમાં પણ બંને પાત્રોએ એકબીજાને મૂક સંમતિ આપેલી હોય છે. 

મેટ્રોનો એક વર્ગ ભારતીય કે સનાતન સંસ્કૃતિનો વિરોધી છે. તેઓ ભારતની મજબૂત સામાજિક સિસ્ટમ, સંસ્કાર અને સંસ્કૃતિથી પીડાય છે. પોતે દિશાહીન અને અંદર ખાનેથી હતાશ અને મનોબીમાર છે.આવા ૧૦ ટકા કહેવાતા બુદ્ધિજીવીઓ સોશિયલ મીડિયા પર પણ ભારતીય સંસ્કૃતિને તોડી પશ્ચિમનો 'કલ્ટ' ઉભો કરવા માંગે છે.

ઓ. ટી. ટી. પરની શ્રેણીઓ અને ફિલ્મોમાં પણ આવી ઘણી કથા વસ્તુ હોય છે.

મેટ્રોનો એક જૂજ વર્ગ કરે છે તે વાર્તામાં  મધ્યમ વર્ગના પરિવાર જોડે બેસાડી દેવાય છે.

આવા વિકૃત વિચારોના પ્રભાવમાં પતિ કે પત્ની તેના પ્રેમી કે પ્રેમિકા સાથે મળીને હત્યાં સુદ્ધા કરે છે. લાશના ટુકડા શાકભાજીની જેમ કરતા પણ તેઓના હાથ નથી કાંપતા.

તિરાડના કારણો

પતિ અને પત્નીના અન્ય જોડેના સેક્સ સંબંધો પણ વધ્યા છે. કેમ કે મેટ્રોના જૂજ વર્ગે કહ્યું છે કે 'જીવનને માણો. લિવ ઈનમાં પણ રહો. વન નાઇટ સ્ટેન્ડ પણ 

અજમાવી જુઓ.'

જે દંપતી એકલા રહે છે ત્યાં  મધ્યમ વર્ગના રસોડા પણ તૂટી રહ્યા છે. પતિ અને પત્ની સમાન મુક્ત સમય (સ્પેસ) માટે હરીફાઈ કરવા માંડયા છે.

મધ્યમ વર્ગમાં છુટાછેડાનું એક કારણ બંને પાત્રો મોબાઈલમાં ગળાડુબ રહે છે તે પણ બહાર આવ્યું છે. માતા પિતા તરફ્થી પણ સતત દંપતીમાં તિરાડ રહે તેવા સૂચનો પણ જવાબદાર છે.

છૂટાછેડાના કેટલાક કારણોમાં પત્નીને પતિના મમ્મી પપ્પા જોડે નથી રહેવું તે પણ હોય છે. અહીં પણ તેને ઘેરથી પ્રોત્સાહન આપતી જ઼ ચઢવણી થતી રહે છે.

મેટ્રો જગતની કેટલીક છોકરીઓ અને તેના માતા પિતા તો જાણી જોઈને શ્રીમંત જોડે લગ્ન કરે અને તે પછી છૂટાછેડા માટે અસાધારણ માંગણીઓ મૂકે છે.

પતિ મહાશયના અન્ય છોકરી જોડેના લફરાં પણ છૂટાછેડા માટેનું મુખ્ય કારણ હોય છે. પત્ની પણ પ્રેમી સાથે રંગે હાથ પકડાય અને મામલો હત્યા સુધી પહોંચી જાય છે.

મધ્યમ વર્ગના દંપત્તિઓને આદર્શ જીવન માટે રાહ બતાવતી ફિલ્મો પહેલા બનતી હવે લવ સેક્સ ઔર ધોખા પ્રકારની ફિલ્મો બને છે.

વફાદારી જુનવાણી ખ્યાલ

આજકાલની પેઢીને તમે તમારી નિષ્ઠા અને નિજાનંદનું ઉદાહરણ આપતા એમ કહો કે 'હું આ કંપનીમાં ૩૦ વર્ષથી જોબ કરું છું.' તો શક્ય છે કે તે  એમ વિચારે કે 'આટલા વર્ષોમાં ચાર પાંચ જોબ નહીં બદલી તમે મૂર્ખાઈ કરી કહેવાય.' બીજો વિચાર તેઓને એવો આવે કે 'આ તો નિષ્ઠા અને  વફાદારીની  બડાશ લગાવતા હશે ખરેખર ભાઈને બીજે ક્યાંયથી જોબ માટે ઓફર જ નહીં આવતી હોય... બાપ રે એક કંપનીમાં આટલા વર્ષો કઈ રીતે નીકળે.'

હવે આવું જ દામ્પત્ય જીવનનું થતું જાય છે. કોઈ પીઢ દંપતી તેના લગ્ન  જીવનની ૨૫મી કે ૫૦મી વર્ષગાંઠની પાર્ટી આપે ત્યારે જેમના હજુ બે પાંચ વર્ષથી જ લગ્ન થયા છે તેઓને જાણે હજુ સમંદર તરવાનો છે તેમ આંખે અંધારા આવી જતા હોય તેવું બને કેમ કે અખબારમાં કરોડો સુખી કે સમાજ વ્યવસ્થાને સમજીને દામ્પત્ય જીવન વિતાવનારાઓની પ્રેરક વાતો કરતા ૨૫ -૫૦ છૂટાછેડાની ગોસીપ વધુ થતી હોય છે.

પ્રગતિની ખોટી સમજ

કંઇક બદલતા રહીએ તો જ આપણે આધુનિક અને પ્રગતિશીલ કહેવાઈએ તે ખ્યાલ સમાજને અધોગતિ તરફ લઇ જાય છે.  દરેક કિસ્સામાં એવું ન હોવું જોઈએ.  કોઈ પરંપરા જાળવી રાખીએ તે આપણી આગવીતા અને સુખી હોવાનું કારણ હતું. પણ બસ એમ જ પ્રગતિશીલ પુરવાર થવા આપણે સંસ્કારો અને જીવનના મૂલ્યો બદલતા રહ્યા.

.. તો છૂટાછેડા લેશો જ

હા,કહેવાનો અર્થેે એવો નથી કે છૂટાછેડાને જીવનની નિષ્ફળતા કે કલંકની રીતે જોવા. જો તમને એવું લાગે કે પાત્રની પસંદગીમાં ગંભીર થાપ ખાઈ ગયા છીએ અને જીવવું દોજખ સમાન છે. બોજ અને તનાવ અર્પે છે કે પછી જામતું નથી તો પ્રેમથી છૂટાછેડા લઇ જ શકાય. જો પાકટ અભિગમ હોય તો થોડા મહિના અલગ રહીને એકબીજાની ત્રૂટિનું આત્મમંથન કરવા સમય પણ આપી શકાય.

કોઈપણ સંજોગોમાં જીવનભર માનસિક કે શારીરિક ત્રાસ સહન કરીશ પણ દામ્પત્ય જીવન તો ટકાવીશ જ તેવા સંસ્કાર બતાવવાની પણ જરૂર નથી. છૂટાછેડા લેવા ઈચ્છતી વ્યક્તિએ વિચારવાનું છે કે સમસ્યા મારા પાત્ર જોડે છે કે મારા સ્વભાવની નબળાઈ ને લીધે છે. શું બીજા પાત્ર જોડે લગ્ન કરવાથી જીવન સુખમય બની જશે કે મારી જ સ્વભાવગત પ્રકૃતિને કારણે ફરી તે નવા દામ્પત્ય જીવનમાં પણ વખત જતા તેવા જ સંજોગો ફરી નિર્માણ પામશે.

એક પોસ્ટ પૂરતી છે

બાકી, અત્યારે તો છૂટાછેડા જાહેર કરવા આંગળીના ટેરવા પર જ છે. ફિલ્મ સ્ટાર્સની જેમ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી દેવાની. જેમાં જેનાથી છુટા પડતા હોય તે પાત્રનો આભાર માનવાનો કે 'આપણે કેવા મસ્ત દિવસો પસાર કર્યા. હવે આપણી મંઝીલ બદલાઈ રહી છે.' હા, અને કંઇક તત્ત્વ જ્ઞાાનનું અત્તર તો છાંટવું પડે ને એટલે પોસ્ટમાં એવું કંઇક લખાયેલું હોય કે 'મારા પોતાના આગવા અંતરંગ વ્યક્તિત્વની ખોજ કરવા હું હવે એકલો રહેવા માંગુ છું. આપણે મિત્ર તરીકે તો હંમેશ સાથે જ છીએ.' 

જ્ઞાન પોસ્ટ  

ગરીબો અને શ્રમજીવીઓમાં છુટાછેડા અને  માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મુકવાનું પ્રમાણ ઘણું જ ઓછું છે.