યુંહી કટ જાયેગા સફર સાથ ચલને સે
વિવિધા - ભવેન કચ્છી
કોરોના જેવો પડકાર જીવનમાં એકાદ વખત જ આવે .. ચાલો 'સાથી હાથ બઢાના'ના સંસ્કાર ઉજાગર કરીને એકબીજાને જીવાડી લઈએ
અમેરિકા અને યુરોપમાં તો હતાશ નાગરિકો મોલ લુંટી લે છે, ગ્રોસરી સ્ટોર પર ગન ચલાવે છે : ભારતના ગરીબો અને શ્રમિકોને આપણા સૌની સલામ
લોક ડાઉનમાં આપણામાંનાં ઘણા મુખ્ય મંત્રી કે વડાપ્રધાન ચેરીટી ફંડમાં ચેકોત્સવને (ચેક એનાયત કરવાનો ફોટો અપ)ઉજવવા જેટલા નસીબદાર નથી હોતા. ગરીબોને ટીફીન સવસ કે કરિયાણું વિતરણ કરતી સેવા સંસ્થાઓ જોડે પણ સંકળાયેલા ન હોઈએ તેવું બને. હા, આપણે એટલું જરૂર કરી શકીએ કે ઘેર કામ કે રસોઈ કરવા આવતી બાઈ કે ભાઈ, રોજ સવારે કારની સફાઈ કરવા આવતો છોકરો, ડ્રાઈવર, રોજેરોજ ઘેર કપડા લઇ જઈને ઈસ્ત્રી કરીને બીજે દિવસે તેને પરત આપી જતા ધોબી ભાઈ, માળી અને તમારી પોતાની ઓફીસ હોય તો તેના સ્ટાફને સામે ચાલીને પુરા મહિનાની ચુકવણી કરો.
આવા મહેનતકશ લોકો એટલા સ્વમાની હોય છે કે સામે ચાલીને તમારી પાસે તેમનો પગાર આવા સંજોગોમાં પણ નહીં માંગે. જુદી જુદી સોસાઈટીની નજીક જ રહેતા આ બધા સેવકો પાસેથી વાત કઢાવતા જાણવા મળ્યું કે તેઓને પૈસાની તો ભારે ભીડ છે પણ સોસાઈટીના ગેટની બહાર જ તેઓને એમ કહીને અટકાવી દેવામાં આવે છે કે પગાર લેવા પણ નહીં જવા દેવાય. અમે જેમની પાસેથી પગાર કે મહેનતાણું લેવાનું છે તેઓને ફોન કરીએ તો ઘણા ફોન ઉપાડતા જ નથી અને અમુક એવો જવાબ આપી ઝડપથી ફોન કાપી નાંખે છે કે 'લોક ડાઉન પૂરો થવા દે.. અત્યારે તો મારે પણ પૈસાની કડકાઈ ચાલે છે.'
આ સેવકો અને શ્રમિકોએ એમ પણ વિકલ્પ આપ્યો કે 'અમે પોલીસને કરગરીને પગાર લેવાનું કારણ આપી છેક સોસાઈટીના ગેટ સુધી આવ્યા છીએ તમે કોઈને બહાર મોકલો તો અમે પગાર લઇ લઈએ.' ત્યારે પણ કેટલાયે એવા સંવેદનાવિહીન લોકો છે જેઓ કહે છે કે 'અમને ચેપ લાગવાનો ડર હોઈ બહાર જ નથી નીકળતા.અમે થોડા ભાગી જવાના છીએ. એક સાથે આપી દઈશું.' હા, એવા ઉદાહરણીય રહીશો પણ છે જેઓએ સામે ચાલીને પગાર લઇ જવાના ફોન કર્યા છે અને છેક ગેટની બહાર આવીને આપી ગયા છે અને તે પણ પૂરો પગાર. ગ્રોસરી માટે ઉપરથી પાંચસો -સાતસો રૂપિયા અપાનારા પણ છે. જેઓ ચેપ લાગવાનું કારણ આપી પગાર ચુકવવા બહાર નથી આવતા તે જ લોકો ગ્રોસરી સ્ટોર અને ફળોની લારી પર ભીડ જમાવે છે. કેટલાકે અડધો પગાર જ ચૂકવ્યો છે.
રોજે રોજનું કમાઈને ગુજરાન ચલાવતા દેશના કરોડો નાગરિકોની જેમ જ બીજા કરોડો એવા છે કે જેઓ તેમના પરિવારનો મહિનો માંડ ચાલે તેટલી માસિક આવક પર નિર્ભર છે. મહિનાના આખરી પાંચ સાત દિવસ તેઓ ભારે ભીડ અનુભવતા હોઈ કોઈ પરિચીત પાસેથી બસ્સો -પાંચસો ઉધાર માંગીને ખેંચી કાઢતા હોય છે. આવા એક પરિચિત વ્યક્તિનો ફોન આવ્યો જેને પગાર મળવાની તારીખ પર પણ ચાર દિવસ વીતી ગયા હતા અને તેની ઓફીસના શેઠનો પગાર કઈ રીતે લઇ જશો તે બાબતને ફોન સુદ્ધા નહીં આવ્યો હોઈ તે વ્યક્તિ સખ્ત ભીંસ અનુભવી રહ્યા હતા. તેમની ઓફિસમાં ગણીને દસ જણાનો સ્ટાફ અને બધાનો સરેરાશ ત્રીસ હજારનો પગાર છે. બધા ગૂંગળાઈ ગયા હોઈ અંદરોઅંદર વ્યથા ઠાલવતા હતા.
આ ભાઈની પુત્રીને નિયમિત મેડીકલ ખર્ચ જ છ હજાર આવે છે અને તેમના માતા પિતા પણ સાથે રહે. આવા અને આના કરતા પણ વિષમ સ્થિતિ ધરાવનાર ખુદ્દાર નાગરિકો એ જ અસલી ભારત છે. પરિચિત વ્યક્તિથી હવે વધુ દિવસો ખેંચાય તેવું નહતું. કદાચ તેના શેઠને હું આડકતરી રીતે ધ્યાન દોરું તે માટે તેણે ફોન કર્યો હોય તેવું લાગ્યું. જરૂર હોય તો થોડા રૂપિયા પહોંચાડું તેમ મદદ માટે કહ્યું તો તેણે આશા વ્યક્ત કરી કે 'ના ના એવી જરૂર નથી. શેઠનો આજકાલમાં ફોન આવશે જ.' કહેવાનું એટલું જ છે કે તમે શેઠ હો કે કોઈની સેવા લેતા હો તો સામે ચાલીને અને તે પણ પગારના દિવસે જ પેમેન્ટ કરો. એક એક દિવસ ગરીબને માટે તેને ઊંઘથી દુર રાખનારો હોય છે. આપણે લોક ડાઉનમાં ઘેર નવરા બેઠા માત્ર ટાઈમ પસાર કરવા અવનવી વાનગીઓ આરોગીએ છીએ કે નેટફ્લીક્ષ જોતા જ્યુસ અને કોફીના ઘૂંટની મજા માણીએ છીએ તેટલી રકમ સાવ સામાન્ય આથક સ્થિતિ ધરાવનારાઓ માટે જીવાદોરી સમાન હોય છે.
તમારી ઓફીસના અને સોસાયટીના વોચમેનને પણ ગ્રોસરી કે ખિસ્સા ખર્ચી આપતા રહો. આવું માત્ર કોરોના જેવી આપત્તિની વેળાએ જ નહીં પણ વર્ષ દરમ્યાન વાર તહેવારે પણ માનવતાવાદી દ્રષ્ટિકોણ જારી રાખો. ઘણા લોકો રીક્ષાવાળા જોડે મીટર કરતા બે રૂપિયા કેમ વધારે લીધા તેમ કહી જોર જોરથી ઘાંટા પાડીને એવી રીતે ઝઘડતા હોય કે જાણે તેનું લુંટ સાથે અપહરણ થવા જઈ રહ્યું હોય. ગરીબ વ્યક્તિ માટે તમને ખબર હોય કે થોડું છેતરાઈ રહ્યા છો તો પણ તે ચલાવી લો.
કોઈ ભાઈ તડકામાં ફરીને નમકીનના પેકેટ કે અગરબત્તી જેવું કંઇક વેચતો હોય કે તે માટે ઓફિસે ઓફિસે ફરતો હોય તો મહીને એક બે વખત થોડી ખરીદી કરો. હતાશ થઇ ધક્કો ખાધો તેવા ઉદ્દગાર તેના મુખમાંથી ન નીકળે તેની તકેદારી રાખો. જે દુકાનદાર તમારી જોડે ચાલાકી કરતો હોય તેની જોડે ભાવતાલ કરો જ પણ કોઈ શ્રમિક અને ગરીબ ફેરિયો નાછુટકે બિચારો લાચારીથી તેની ખરીદ કિંમતે વસ્તુ કે સેવા વેચવા મજબુર થાય તે હદે તેની જોડે રકઝક કરવાનું ટાળવું જોઈએ. જરા એમ વિચારજો કે તેઓ માટે કાચું ઘર ચલાવવું કેટલું અઘરું છે અને આપણે મોજમજા અને સંતાનોના લાડથી ઉછેર માટે નાણાનો કઈ હદે વ્યય કરીએ છીએ.
એવા ઘણા શ્રીમંતો છે જેઓ મંદિરો, ધર્મ કે સમાજમાં પ્રભાવ પાડવા દાન આપે છે. તકતીમાં, અખબારો, જ્ઞાતિના મુખપત્રમાં તસ્વીર સાથે નામ આવે તે માટે પણ ચેકબુક ચેરીટી કરે છે પણ આ જ સુજ્ઞા શ્રીમંતો વાસ્તવિક જીવનમાં ગરીબોના અને તેમના નાના પગારદાર કામદારો અને કર્મચારીઓના શોષણખોર કહી શકાય તે હદે કંજૂસ હોય છે. નેતાઓ, ઊચ્ચ અધિકારીઓ અને વેપારી, ઉદ્યોગપતિઓ ઉપરની મલાઈ કે અન્ડર ધ કાઉન્ટર ભ્રષ્ટાચાર આદરી નિર્લજતાથી તિજોરી ભરે છે જ્યારે ગરીબ મહેનતકશોને ઉપરથી એક સો રૂપિયાની નોટ ખુશ થઈને આપશો તો પણ તે ના પાડશે અને ભારે ક્ષોભ સાથે ખિસ્સામાં મુકશે.ઘણાના તો પગાર સાવ ઓછા હોય અને એવી જગા પર ફરજ બજાવતા હોય કે આપણને લાગે કે તેને પણ ખુશ કરીએ. તેઓને આપણે બોણી કે બક્ષીશ આપીશું તો નમ્રતાથી કહેશે કે સાહેબ તમે માનો છો તે વર્ગનો હું કર્મચારી નથી.
મારાથી આ ન લેવાય. એ તો ઠીક પણ રસ્તા પર બેઠેલા ગરીબોને પણ તમે અન્ન દાન આપવા નીકળશો અને જો આપણી અગાઉ કોઈ તેને ભોજન આપી ગયું હશે તો તે બે હાથ જોડીને કહેશે કે 'મારી પાસે તો આજ ભોજન તમારી અગાઉ કોઈ આપી ગયું . મારે તેની જરૂર નથી. આજે ભગવાને જોઈ લીધું કે હું ભૂખ્યો હતો તેમ કાલે પણ તે મારું ધ્યાન રાખશે. તમે આ ભોજન આગળ જઈને બીજા કોઈ જરૂરિયાતમંદને આપો.' ભારત આવા ગરીબોની લીધે વિશ્વમાં મહાન મનાય છે. આપણા જેવા ફ્રીઝમાં સુકા મેવા, વિદેશી ચોકલેટો, મીઠાઈઓ, ફળો, શાકભાજી અને ભોજન સડી જાય ત્યાં સુધી સંગ્રહ કરી રાખીએ અને તે પછી ઉકરડામાં ફેંકી દઈએ. તેની સામે આપણા દેશનાં ગરીબો વધુ રાજા માણસ લાગે. જૈનાચાર્ય રત્નસુંદર મહારાજ કહે છે કે 'જો તમે ત્યાગી પણ ન શકો અને ભોગવી પણ ન શકો તો તે તમારી સૌથી દયનીય અને નિમ્ન અવસ્થા છે.'
કુદરતી આપત્તિની વેળાએ કે સામાન્ય સંજોગોમાં પણ ભારત કે જે ગરીબો, શ્રમજીવીઓ અને મધ્યમવર્ગની વસ્તીનો વિશ્વનો સૌથી મોટો દેશ છે તે અમેરિકા અને યુરોપના ધનાઢય દેશોની તુલનામાં ટકી શકે છે તો તેના બે મહત્વના કારણો છે. એક તો ભારતના ગરીબોનું હિંદુ લોક સંસ્કૃતિ ,ધર્મ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાના સંસ્કાર અને ભગવાન જુએ છે તેવો ડર (જે ભ્રષ્ટ લોકોને નથી). સંતવાણી, ડાયરા અને તત્વજ્ઞાનનો પ્રભાવ પણ ખરો. બીજુ કારણ ભારતના નાગરિકો આ જ ઘડતર અને માનવતાને સંગ બીજાને જીવાડી લેવાની ભાવના ધરાવે છે તે કહી શકાય. સરકારની સમાંતર કે ઘણી વખત તો તેના કરતા પણ ચઢિયાતી સેવા આપતા આપણા નાગરિકો અને સંસ્થાઓ અન્ય નાગરિકોને દાન અને અનુકંપાના આવરણની હુંફ આપતા ઉગારી લે છે. આ યજ્ઞા અવિરત ચાલતો જ હોય છે. આપણા નાગરિકો પાયાની જરૂરિયાતોના અભાવ વચ્ચે રહે છે કે તેવા જીવનકાળમાંથી પસાર થઈને જ પ્રગતિ પામ્યા છે.
ગરીબો અને ઓછી આવક ધરાવનારાઓ એવું જ માને છે કે અમારે તો અછત, હાલાકી અને સેકંડ ક્લાસ નાગરિકની જેમ જ જીવવાનું હોય. જેવી પણ છે તે સરકારી અને મ્યુનિસીપાલીટી સુવિધાઓ અમારા માટે છે અને પૈસે ટકે સુખી લોકો માટે ખાનગી અને કોર્પોરેટ દ્વારા બનેલ આધુનિક આગવી દુનિયા નિર્માણ પામી છે. આવી ભેદસભર દુનિયા આવકાર્ય નથી પણ કપરા સંજોગોમાં આશીર્વાદ સમાન પુરવાર થાય છે. વિકસિત દેશોના ગરીબો અને નાગરિકોને સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ અને સમાન સન્માન આપતી સીસ્ટમ છે. ક્વોલીટી જીવનશૈલીનો સમાન હક્ક છે. તેઓ સંઘર્ષ, આથક અસમાનતા અને પૈસા અને વગ હોય તો જ સેવામાં પ્રાધાન્ય મળે તે જોવા ટેવાયેલા નથી.
હાલાકી, ધક્કા, અપમાન, જાકારો અને સવસ માંગવાની વિનંતી કરવા ટેવાયેલા નથી. જરા સરખી હાલાકી અને સંઘર્ષ વિદેશીઓને ડગમગાવી દે છે. ડીપ્રેશન લાવી દે છે. આત્મસન્માનની ઠેંસ તેઓને હતાશાની ખીણમાં ગબડાવી દે છે. ભારતના મહત્તમ નાગરિકો માટે આપત્તિ વખતે આવકની અનિશ્ચિતતાને બાદ કરતા એ હદે આભ ફાટતી બાબત નથી. મહત્તમ ગરીબો અને શ્રમિકો સમાજના મુખ્ય પ્રવાહમાં ક્યારેય નહોતા. આમ સંસ્કાર તેમજ સીસ્ટમ બંને ભારતનાં નાગરિકોને સહનશક્તિમાં સરસાઈ અપાવે છે. સંસ્કાર અને સંસ્કૃતિના સથવારે ભારત ટકે તે આવકાર્ય છે પણ આઝાદીના ૭૩ વર્ષ પછી પણ મહત્તમ નાગરિકો મુખ્ય પ્રવાહમાં નથી લાવી શકાયા અને જે હદે આથક અસમાનતા પ્રવર્તે છે તેના લીધે ગરીબો અને શ્રમિકો તેમના જીવન ધોરણ બાબત 'કન્ડીશન્ડ' થઇ ગયા છે અને તેના લીધે વિવશ બની નિમ્ન સ્તર સ્વીકારે તે સ્થિતિ ભાવિનાં સંદર્ભમાં આવકાર્ય નથી.
લોક ડાઉન હજુ લંબાશે તેવું લાગે છે. નિયંત્રણ સાથે તેને ઉઠાવાશે તો પણ ગરીબો અને શ્રમિકોની હાલત આગામી મહિનાઓ સુધી કથળેલી રહેશે ત્યારે જેઓની પાસે નિશ્ચિત આવક, નોકરી અને બેલેન્સ છે તેઓ પોતપોતાના વર્તુળનાને પણ આથક કે ગ્રોસરી વગેરે સહાયથી અને પગાર કાપ વગર સાચવી લે તો પણ કપરો કાળ પસાર થઇ જશે. યાદ રહે અમેરિકા અને યુરોપના દેશોમાં પ્રમાણમાં આથક રીતે ઠીક કહી શકાય તેવા લોકો પણ મોલ, ગ્રોસરી સ્ટોર અને ગેસ સ્ટેશનમાં લૂંટ મચાવે છે અને કાઉન્ટરમાં બેસેલાની ઠંડા કલેજે ગન શોટથી હત્યા કરી નાંખે છે.ભારતના ગરીબો અને શ્રમિકો હજુ વર્ગ વિગ્રહ અને લુંટ, ગુનાખોરી પર ઉતરી નથી આવ્યા. તેઓને સલામ. ગરીબો અને વંચિતોના ધૈર્ય અને સંસ્કારની પરીક્ષા સરકારે અને આપણે ન કરવી જોઈએ. આવો તેઓને આત્મ સન્માન અને સધિયારો આપીએ. ડરની નહીં પણ હમવતનીની હવા જગાવીને.
***
માનવધર્મ
માણસ રૂપે જન્મ્યા છીએ,
તો માણસની જેમ જ રહીએ
કોઈના અજ્ઞાનના અંધારા ઉલેચવા,
જ્ઞાનના દીપક ધરીએ
આપણાં પેટની પરિતૃપ્તિ થાય,
એટલા જ કોળીયા ભરીએ
આપણાં જ ભેરુઓ કાજે,
નિજ ધાન ભંડાર ખોલીએ
ઈશ્વરે બક્ષેલા માનવભવને,
શુભકર્માેથી ઉજ્જવળ કરીએ
ગરીબોના આંસુ લુછવા કાજે,
બંધ મુઠ્ઠીઓ ખોલી દઈએ
કાયાના શણગારો બહુ કર્યા,
હવે માયાના બંધનો ઉતારીએ
દુઃખીયાની આબરૂના જતન કાજે,
કૃષ્ણ બની ચીર પુરીએ
ઝાઝેરું તમને શું કહું,
બસ જેમ રામ રાખે તેમ રહીએ
જે જગતે સર્વસ્વ દીધું,
તેના પાલવમાં સર્વસ્વ ધરી દઈએ
-નીતિન પારેખ