એ.આઇ.ના ગોડફાધરનો પશ્ચાતાપ .
- અમેરિકા પરમાણુ બોમ્બ બનાવે તે માટે ભૂમિકા ભજવવા બદલ
- આલ્બર્ટ આઈન્સ્ટાઈનને પશ્ચાતાપ થયેલો તેવી જ મનોવેદના ડો.જ્યોફ્રી હિંગ્ટોન અનુભવે છે
- વિવિધા-ભવેન કચ્છી
- એ.આઇ.ના ખતરનાક ભયસ્થાનો વિશે ખુલ્લા દિલથી બોલી શકાય તેથી નોબેલ પ્રાઈઝ વિજેતા જ્યોફ્રી હિંગ્ટોને ગૂગલના ઉચ્ચ હોદ્દા પરથી રાજીનામું આપ્યું
આ લ્બર્ટ આઈન્સ્ટાઈને અમેરિકાએ અણુ બોમ્બ બનાવ્યો તેમાં સીધી કોઈ ભૂમિકા નહોતી ભજવી.અમેરિકાના તત્કાલીન પ્રમુખ ફ્રેન્કલીન રુઝવેલ્ટ અણુ બોમ્બ બનાવવા માંગતા નહોતા.તો બીજી તરફ યહૂદીઓએ (જયુ)એવી અફવા સાંભળી હતી કે જર્મનીના પ્રમુખ એડોલ્ફ હિટલર અણુ બોમ્બ વિકસાવવાની પ્રક્રિયા પ્રારંભી ચૂક્યા છે. યહૂદી વિજ્ઞાનીઓ પૈકી હંગેરીના લીઓ સ્ઝીલાર્ડે ૧૯૩૩માં ન્યુક્લિયર ચેઇન રીએકશનની શોધ કરી પણ આગળ જતા તેમાંથી જ પરમાણુ બોમ્બ બની શકે તેવું તે પામી ગયા હોઇ ત્રણ વર્ષ સુધી તો તેમણે તેમની શોધ અંગે કોઈને જણાવ્યું જ નહોતું.૧૯૩૬માં તેની શોધનું પેટન્ટ કરાવ્યું તે પણ તેના ખાસ વિશ્વાસુ મિત્ર આલ્બર્ટ આઈન્સ્ટાઈન જ જાણતા હતા.આઇન્સ્ટાઇન પણ યહૂદી જ હતા.
રુઝવેલ્ટને મનાવ્યા
અમેરિકાના તત્કાલીન પ્રમુખ રુઝવેલ્ટને મૌખિક રીતે અતિ ગુપ્ત બેઠકમાં જર્મની કેવી તબાહી રચી શકે છે તેવી આશંકા બતાવવા છતાં પરમાણુ બોમ્બ બનાવવા માટે દિલચશ્પી નહોતા બતાવતા ત્યારે સ્ઝીલાર્ડને વિચાર આવ્યો કે રુઝવેલ્ટને આઈન્સ્ટાઈન પ્રત્યે ભારે આદર છે.તેમના મંતવ્યો અને સૂચનને રુઝવેલ્ટ ગંભીરતાથી લે છે આથી રુઝવેલ્ટને પરમાણુ બોમ્બ બનાવવાની તાતી જરૂરિયાત છે તેમ સમજાવવા એક પત્ર લખે અને તેમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ સંમત હોય તેમ તેની સહી કરે.અને તેમણે તેમ કર્યું.
રુઝવેલ્ટ પર આઇન્સ્ટાઇનની સહી ધરાવતા પત્રની તરત જ અસર પડી અને ૧૯૪૨માં મેનહટન પ્રોજેક્ટ અંતર્ગત ગુપ્ત રાહે પરમાણુ બોમ્બ બનાવવાની અમેરિકાએ શરૂઆત કરી.તેનું નેતૃત્વ અમેરિકાના યહૂદી વિજ્ઞાની જુલિયસ રોબર્ટ ઓપનહેમરને સોંપાયું.
રુઝવેલ્ટના નિધન પછી એપ્રિલ ૧૯૪૫માં હેરી ટ્મેન અમેરિકાના પ્રમુખ બન્યા અને તે જ વર્ષે ઓગસ્ટમાં અમેરિકાએ જાપાન પર અણુ બોમ્બ ફેંક્યા અને ઇતિહાસની સૌથી કલંકિત ઘટના આકાર પામી.
આઇન્સ્ટાઇન વ્યથિત
જાપાનની તબાહી જોઈને આલ્બર્ટ આઈન્સ્ટાઈને તે પછી ભારે હતાશા અને આઘાત અનુભવ્યો. તેમણે લખ્યું છે કે
'અણુ બોમ્બ બનાવવામાં હું સીધો જવાબદાર નહીં હોવા છતાં જીવનભર દોષની લાગણી અને રંજ અનુભવીશ કે શું મેં સ્ઝીલાર્ડ જોડે પત્રમાં સહી કરી તેથી રુઝવેલ્ટ મેનહટન પ્રોજેક્ટ માટે તૈયાર થયા હશે. મેં પત્રમાં સહી ન કરી હોત તો આ ઘટના ટાળી શકાઈ હોત?'
આઈન્સ્ટાઈને એમ પણ કહ્યું હતું કે સ્ઝીલાર્ડના પત્રમાં સહી કરતી વખતે ક્યારેય કલ્પના નહોતી કે અમેરિકા જાપાન પર અણુ બોમ્બ ઝીંકશે.અધૂરામાં પૂરું હિટલર પરમાણુ બોમ્બ બનાવે છે તે અફવા તો સાવ પોકળ પુરવાર થઈ હતી.
આમ આઈન્સ્ટાઈન આ દોષની લાગણી ક્યારેય ભૂલી શક્યા નહીં.
વિજ્ઞાનીઓ વિજ્ઞાનના સિદ્ધાંતો, સંશોધનો કે સાધનો શુભ ભાવના કે સુરક્ષાના ઇરાદાથી જ શોધતા હોય છે.
જર્મની કે કોઈ દેશ કદાચ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરે તો જ સ્વબચાવમાં આપણે પણ આવી તાકાત ધરાવતા હોવા જોઈએ તે જ યહૂદી વિજ્ઞાનીઓનો હેતુ હતો પણ એવું કહેવાય છે ને કે એક વખત શોધ કે સંશોધન દેશના નેતાઓ અને કોર્પોરેટ જગતના હાથમાં આવી જાય તે પછી વિજ્ઞાનીઓને પશ્ચાતાપ અને રડયા સિવાય કંઈ બાકી નથી રહેતું. આટફિશ્યલ ઇન્ટેલિજન્સના ગોડફાધર મનાતા જ્યોફ્રી હિંગ્ટોનની પણ કંઈક આવી જ પીડા છે.જે આપણે લેખમાં આગળ જોઈશું.
એ.આઇ.નો મૂળ હેતુ
આમ જુઓ તો યંત્ર માનવની શોધ માનવ જગતની સગવડ વધારવા માટે હતી.તેને માનવ કૌશલ્યસભર અને માનવ બુદ્ધિની નજીક વધુ બનાવવાના સંશોધનો થતા જ રહ્યા.અવનવી ચીપ શોધાતી ગઈ.હવે એવો ભય ફેલાઈ ચૂક્યો છે કે રોબોટ આપણને ગુલામ બનાવીને રાજ કરી શકે તેવા બનશે કેમ કે મૂળ શોધ હવે વેપારીઓના હાથમાં આવી ગઈ છે.
બરાબર આવી જ સ્થિતિ આટફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં નિર્માણ પામી છે.મૂળ આશય માનવ જગતનું જીવન ૨૧મી સદીને અનુરૂપ બને તેવો હતો.
વિજ્ઞાનીઓને પાંચેક દાયકા પહેલા લાગ્યું હતું કે માણસની બુદ્ધિ લાખો કરોડો વર્ષથી અમુક હદથી આગળ ઉત્ક્રાંતિ નથી પામી શકતી.કદાચ આ તેનું સ્થગિત પોઇન્ટ
( સેચ્યુરેશન)છે તો બીજી તરફ માનવ જગત તો ૨૧મી,૨૨મી અને તેમ અવિરત સદીમાં આગળ વધતું જાય છે. માણસની બુદ્ધિના વિકાસની મર્યાદાને ભરપાઈ કરવા કૃત્રિમ બુદ્ધિ માટે સંશોધન કરવાનું નક્કી થયું હતું.
જોન મેકાર્થીનું યોગદાન
આમ તો ડાર્ટમાઉથ કોલેજમાં છેક ૧૯૫૬માં આટફિશિયલ ઇન્ટેલિજન્સના સંશોધનનો વિચાર મૂકવામાં આવ્યો હતો.
આમ જોવા જઈએ તો કોમ્પ્યૂટરના હાર્ડવેર અને સોફટવેરની શોધમાં જેઓએ પણ યોગદાન આપ્યું તેઓ એ.આઇ.માટેની કડીરૂપ શૃંખલા કહી શકાય પણ
અમેરિકાના સ્ટેનફર્ડ યુનિવસટીમાં જ જેમણે શિક્ષણ અને સંશોધન માટે જીવન વીતાવ્યું તેવા કમ્પ્યુટર અને મગજના
કાર્યો ,તેની જટિલ રચના અને પદ્ધતિ પર સંશોધન કરનાર જોન મેકાર્થી (૧૯૨૭- ૨૦૧૧)ને આટફિશ્યલ ઇન્ટેલિજન્સના પિતા તરીકે આદરપૂર્ણ ઓળખ મળી છે.કેમ કે તેમણે ૧૯૪૦ના દાયકાથી જીવન પર્યંત ગણિતથી માંડી કોમ્પ્યુટર,ટયુરિંગ, કોડિંગ અને એ.આઇ. માટે ૪૦થી માંડી ૬૦ના દાયકામાં જે પણ સંશોધન અને કાર્ય થયું તેને એક પ્લેટફોર્મ હેઠળ લાવી દીધું.તે સાથે
'કોગ્નિટિવ' વિજ્ઞાની તરીકે અદ્વિતીય પ્રદાન આપ્યું. 'કોગ્નિટિવ' એટલે માણસના મગજની જટિલ રચનાનું ડીકોડિંગ કર્યું. મગજ કઈ રીતે યાદ રાખે છે.યાદ કરીએ તે સાથે જ તે યાદ સાથે હાજર થઈ જાય છે.વિચારો કેમ આવે છે.દરેકના વિચાર અને ખ્યાલ અલગ અલગ કેમ હોય છે. મન પર પણ સંશોધન કર્યું.અલબત્ત મનોવિજ્ઞાનની રીતે નહીં પણ મસ્તિષ્કની ચકિત થઈ જવાય તેવી અતિ જટિલ સકટનો અભ્યાસ કર્યો.
હિંગ્ટોનને નોબેલ પ્રાઈઝ
આટફિશ્યલ ઇન્ટેલિજન્સના ફાધર જોન મેકાર્થી પછી એ.આઇ.ને વર્તમાન સ્વરૂપમાં પરિવતત કરવાનું કાર્ય બ્રિટનની કેમ્બ્રિજ તેમજ યુનિવસટી ઓફ એડિનબર્ગમાં જેમણે અભ્યાસ કર્યો અને યુનિવસટી ઓફ ટોરોન્ટોમાં પ્રોફેસર રહ્યા તેવા જ્યોફ્રી હિંગ્ટોને પાર પાડયું.
મેકાર્થીના સંશોધન બીજને તેમણે આગળ વધાર્યા. આટફિશ્યલ ઇન્ટેલિજન્સ દ્વારા કુદરતી બુદ્ધિમાં તેની જ રચનાને આગળ વધારીને વધુ તીવ્ર બુદ્ધિ વિકસાવી શકાય કે કેમ તે ક્ષેત્રમાં સંશોધન કર્યું.વર્તમાન આટફિશ્યલ ઇન્ટેલિજન્સનો જે મુકામ છે તે તેને આભારી છે. મેકાર્થી એ.આઇ.ના ફાધર તો હિંગ્ટોન એ.આઇના ગોડફાધર મનાય છે.
એ.આઇ.માં મશીન લનગ(બોલ્ટ્ઝમેન મશીન), ડીપ લનગ,ડાર્ક નોલેજ,ન્યુરલ વર્ક,નેટવર્ક,એલેક્સ નેટ,ડ્રોપઆઉટ વગેરે તેમની શોધ છે.આ ઉપરાંત એ.આઇ.માં કુદરતી બુદ્ધિના મનોવિજ્ઞાનને પણ તેમણે વિકસાવ્યું છે.એ.આઇ.માં જગવિખ્યાત જે વિજ્ઞાનીઓ છે તે ૭૮ વર્ષીય હિંગ્ટોનના માર્ગદર્શન હેઠળ તૈયાર થયા છે.
૨૦૧૮માં કોમ્પ્યુટર ફિલ્ડનું નોબેલ પ્રાઈઝ ગણાય તેવો ટયુરિંગ એવોર્ડ અને ગયા વર્ષે ૨૦૨૪માં તો 'મશીન લનગ' અને 'આટફિશિયલ ન્યૂરલ નેટવર્ક'માં સંશોધન બદલ જોન હોપફિલ્ડ જોડે સંયુક્ત રીતે તેમને નોબેલ પ્રાઈઝ પણ મળ્યું છે.
ગૂગલ જોડે છેડો ફાડયો
૨૦૧૩માં ગૂગલ કંપનીએ હિંગ્ટોનને તેમના એ.આઇ.સંશોધન મિશનની જવાબદારી સોંપી હતી.જો કે આ સંશોધન વખતે તેમને એવું જ કહેવાયેલું કે કોમ્પ્યુટર માણસની જેમ કેમ શીખી શકે તે પ્રોજેક્ટ પર કામ કરવાનું છે.આ ઉપરાંત તેઓનો જે અકલ્પ્ય અને આંકડાઓની ગણતરીઓની પાર જે આડે અવળો પડેલો ડેટાનો ખડકલો છે તેને અનુક્રમણિકા આપીને ગોઠવાય તેવું કમ્પ્યુટર પાસે કામ પાર પાડવાનું છે.આ તરફ હિંગ્ટોને જ શોધ સંશોધન કરીને જાહેરમાં મૂકેલા ોત્રનો ઉપયોગ કરીને અમેરિકા,યુરોપ અને ચીનના વિજ્ઞાનીઓ એ.આઇ.તરફ હરણફાળ ભરી ચૂક્યા હતા.
ગૂગલને પણ ખબર પડી કે એ.આઇ.માં માઇક્રોસોફ્ટ સહિત ટોચની વૈશ્વિક ટેકનો કંપનીઓ પ્રોજેક્ટ્સ પર કાર્યરત છે ત્યારે તેઓ પણ હિંગ્ટોને ગૂગલ માટે આપેલ પ્રદાનની મદદથી એ.આઇ.માં એન્ટ્રી કરી જે હિંગ્ટોને પસંદ નહોતું પડયું. ગૂગલે બ્રેઇન,ગેમ્સ,ચેટબોટ,નોલેજ,
રિઝનિંગ, લેન્ગવેજ પ્રોસેસિંગ,સ્પીચ પ્રોજેક્ટ પર અગ્રતા મેળવી.
જે રીતે વિશ્વમાં એ.આઇ.ફીવર ફરી વળ્યો અને હિંગ્ટોનને પોતાની શોધ અને સંશોધન પર જ પશ્ચાતાપ થવા માંડયો.
તેમણે તો કોમ્પ્યુટરની ક્ષમતા વધારવા પર ભાર મૂક્યો હતો પણ એ.આઇ.ને ટેક્નોલોજી કંપનીઓ આ રીતે તેમના સંશોધનને આગળ વધારી માનવ જગત સામે ખતરાનો મોરચો ખડો કરી દેશે તેનો અંદાજ નહોતો.
એ.આઇ.નો આ રીતે વૈશ્વિક વિસ્તાર થતા કર્મચારીઓની નોકરીઓ જવા માંડી.હજુ આ તો એ.આઇ.નું પ્રથમ પ્રહર છે.પોતે ગૂગલમાં હોઈ એ.આઇ.ના ખતરનાક ભયસ્થાનો અને ડરામણા ભાવિ વિશ્વ પર ખુલીને નહોતા બોલી શકતા.૭૫ વર્ષની વય થતા તેમજ એ.આઇ.ના ભયસ્થાનો માટે છૂટથી બોલી શકાય એટલે ૨૦૨૩માં તેમણે ગૂગલ છોડી દીધું.
એ.આઇ. સામે આંદોલન
તે પછી તેઓએ સામે ચાલીને પોડકાસ્ટ,સેમિનાર,વક્તવ્યો સ્વીકાર્યા અને વિશ્વને એ.આઇ.કેવી ખાનાખરાબી સર્જશે તેની ગંભીર ચેતવણી આપવા સાથે
એ .આઇ.નો માનવીઓની રોજગારી અને મનોદુનિયાની જાળવણી માટે સલામતી સાથે ઉપયોગ કરવાનું અને માત્ર કમાણીના ઉદ્દેશથી કે લોભને વશ તેનો ઉપયોગ ન કરવાનો પ્રચાર કરતી ટીમ બનાવી છે. તેઓ જુદી જુદી કંપનીઓના સી.ઇ.ઓ.ને એ.આઇ. માનવ જગતની સુવિધા માટે ઉપયોગમાં લેવાય તેમ સમજાવે છે.એ.આઇ. દ્વારા ચાલનારા શો તો માનવ જગત માટે સૌથી મોટો ખતરો છે.
હિંગ્ટોન પણ આઇન્સ્ટાઇનની જેમ પશ્ચાતાપ કરે છે કે 'મારા શોધ સંશોધનનો આ રીતે જ ઉપયોગ થશે તેનો મને અંદાજ હોત તો મેં ક્યારેય આવા કાર્યમાં સાથ ન આપ્યો હોત. આ ઉપરાંત મેં એ.આઇ. સામે સલામતી કઈ રીતે થઈ શકે તેનું પણ સંશોધન કર્યું હોત જે હું ન કરી શક્યો.'
જ્ઞાન પોસ્ટ
'જો સ્વયં અંકુશ નહીં લવાય તો એ.આઇ.ખુદ તેના માલિકોએ કલ્પના નહીં કરી હોય તેમ ખલનાયકોના હાથમાં જઈને વિશ્વની તબાહી સર્જશે.'
- જ્યોફ્રી હિંગ્ટોન