Get The App

અબજોપતિ વધતા રહે તે વિશ્વ માટે સારું? .

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
અબજોપતિ વધતા રહે તે વિશ્વ માટે સારું?                             . 1 - image

- વિશ્વના 56 કરોડ નાગરિકો ઓનલાઇન પિટિશનમાં ભાગ લઇ ચુક્યા છે. તેઓ માને છે કે વિશ્વના પાંચ ટકા નાગરિકો પાસે વિશ્વની ૯૫% સંપત્તિ છે તે સમીકરણ ભાવિ માટે ખતરનાક

- વિવિધા-ભવેન કચ્છી

- વિશ્વના દેશોની  સરકાર તેના નેતા નથી ચલાવતા પણ પડદા પાછળથી દોરીસંચાર ટોચના કોર્પોરેટ જગત દ્વારા થતો હોય છે

w ww.change.org વેબસાઈટનું નામ સાંભળ્યું છે?આ લેખ લખાય છે ત્યારે વિશ્વના ૫૬ કરોડથી વધુ નાગરિકો આ વેબસાઈટ અંતર્ગત ચાલતી ઓનલાઈન પિટિશન  પર વ્યક્તિગત કે ગુ્રુપ બનાવી સહી ઝુંબેશમાં ભાગ લઈ ચૂક્યા છે. વિશ્વની વર્તમાન સ્થિતિમાં કયા વિષય, વિચારધારા કે ક્ષેત્રમાં નાગરિકો બદલાવ ઈચ્છે છે તે તેઓ વેબસાઈટ પર જઈને મંતવ્ય સાથે પ્રગટ કરે છે. ઉદાહરણ તરીકે અમેરિકામાં ગન કંટ્રોલ, વધતો જતો ફુગાવો, વિશ્વમાં વધતી બેકારી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, વધતી માનસિક સમસ્યા, કથળતું સ્વાસ્થ્ય, પર્યાવરણ જેવા સતત અપડેટ થતા વિષયો પર ઓનલાઇન વિચારવિમર્શ અને વોટિંગ થતુ રહે છે.

આ વેબસાઈટ દ્વારા મુકાયેલા વૈશ્વિક પડકારોનો નિષ્કર્ષ એવો નીકળે છે કે ફોર્બ્સની યાદીમાં જે વિશ્વના અબજોપતિઓ છે તેઓ જ વિશ્વની વિષમ સ્થિતિ માટે જવાબદાર છે.

માનવ એટલે રમકડું

 વેબસાઇટ અમેરિકાની છે એટલે બેઝોસ (એમેઝોન), રિચાર્ડ બ્રાન્સન (વર્જિન), બિલ ગેટ્સ (માઈક્રોસોફ્ટ), માર્ક ઝકરકબર્ગ (ફેસબુક), લેરી પેજ -  સેર્ગેઈ બ્રિન (ગુગલ), ઈલોન મસ્ક (ટેસ્લા) તેમજ શસ્ત્રો બનાવતી અમેરિકાની  કંપનીઓ પર દોષનો વધુ ટોપલો ઢોળાયો છે પણ હકીકતમાં ચીન, યુરોપ અને એશિયાના અબજોપતિ પણ આ આરોપનામાથી બચી શકે તેમ નથી. અબજોપતિ બનેલાઓ પૃથ્વીના નાગરિકોને ગુલામ બનાવી, તેઓને અંદરોઅંદર લડાવી તેમજ કુદરતી સંપદાનું દોહન કરીને જ આ મુકામ પર પહોંચ્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરવાની મેલી મુરાદ ધરાવે છે તેવો નિષ્કર્ષ નીકળે છે.

આ ગુ્રપ એવો દાવો કરે છે કે ટેકનોલોજી કંપનીના ધનકુબેર માલિકો વિશ્વના જીનીયસ ભેજાઓને ખરીદી લઈને એક ષડયંત્ર રચતા એક પછી એક  એવા ઉપકરણો આપતા રહે છે કે માનવી પોતે તેઓના હાથનું રમકડું કે રોબોટ બની જાય. વિશ્વની જમીન, કૃષિ, પર્યાવરણ, પેટ્રોલીયમ, વૈકલ્પિક ઊર્જા અને બૌદ્ધિક સંપદા પર તેઓ કબજો જમાવતા જાય છે. તમામ મીડિયા તેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ  ખરીદી  લીધા હશે. દેશની રાજનીતિ અને એજેન્ડા પણ આવી કંપનીઓ અને તેઓના આ માલિકો હસ્તક રહેશે. ચીજવસ્તુનું બજાર, ઊર્જા, વાહનો, તેમજ વ્યક્તિની જીવનશૈલી આ લોકો નક્કી કરતા થઇ ગયા છે.

વિશ્વ પકડમાં આવ્યું

માત્ર મૂડીવાદની સામે સમાજવાદ કે સામ્યવાદ જેવી અર્થતંત્રની વ્યવસ્થાને સમર્થન આપવા માટેનો આ ઓનલાઇન સળવળાટ શરુ નથી થયો પણ અબજોપતિ જે ધંધાઓ અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સાથે સંપત્તિનો ગુણાકાર કરી રહ્યા છે તેની  સામેની આ ચળવળ છે. અબજોપતિઓ તેમના એક મૂળ બિઝનેસને જ વળગી નહીં રહેતા સુપર રિચ બનવાની રેસમાં જે રીતે કુદરત જોડે ખિલવાડ કરે છે, કુદરતી સંપદાનો સુવ્યવસ્થિત રીતે ખાતમો બોલાવે છે અને વિશ્વને ૨૧મી સદીને અનુરૂપ બનાવવા જે ટેકનોલોજી લાવી રહ્યા છે તે આખરે માનવીને આર્થિક,  માનસિક અને સામાજિક રીતે તેઓના ઇશારે નાચતું રમકડું અને  રોબોટ બનાવી દેશે તેવો આ વૈશ્વિક સમુદાયને ભય છે જે વાસ્તવિક પણ પુરવાર થઈ રહ્યો હોય તેમ લાગે છે.

વિશ્વ હવે અબજોપતિઓની પકડમાં આવી જ ગયું છે. જે તે દેશની સરકારને એમ લાગશે કે તેઓ દેશ ચલાવી રહ્યા છે પણ હકીકતમાં દેશની રાજનીતિ,દિશા અને  નાગરિકોની સોચ અબજોપતિઓ નક્કી કરવા માંડયા છે. ગ્રાહકવાદ, ફેશન, જીવનશૈલી ખાણીપીણી, શિક્ષણ, સંસ્કૃતિ અને સુરક્ષા -સલામતી બધું જ વિશ્વની નવરત્ન મનાતી આવી  કંપનીઓની પ્રોડક્ટ તેમજ તેઓ દ્વારા અપાતી  સેવાઓ શરણે હશે. જે તે દેશના રાજકીય પક્ષોને આ અબજોપતિ જ ફંડ આપતા હોઈ સરકારની નીતિ પણ તેઓને ફાયદાકારક જ બને તે સ્વાભાવિક છે. એટલે સુધી કે તેમના મનગમતા હોદ્દા પર અધિકારી કે મંત્રી પણ બેસાડે છે.આ એક વૈશ્વિક વ્યવસ્થા થઈ ચૂકી છે.

છુટાછેડાની રકમ

અબજોપતિની સામે ધિક્કાર ફેલાવતા આ આંદોલનના કાર્યકરો, બુદ્ધિજીવીઓ અને લેખકો એવી પોસ્ટ, લેખો અને પ્રકાશનોનો ફેલાવો કરવા માંડયા છે કે અમેરિકા, યુરોપ અને ચીન જેવા દેશમાં અબજોપતિઓ સામે નાગરિકોમાં રોષની લાગણી જન્મવા માંડી છે.  

અગાઉના વર્ષોમાં બેઝોસ, બફેટ, બિલ ગેટ્સ,મસ્ક કે ઝકરબર્ગ જાણે વિશ્વ માટે અનુકંપા ધરાવતા હોય તેમ દાનવીર અને વિશ્વ ઉદ્ધારક તરીકે જોવાતા હતા પણ હવે વીતતાં વર્ષો સાથે તેઓની પોલ ખુલતી જાય છે. 

સોશિયલ મીડિયામાં પહેલી નજરે  મજાક લાગે તેવી પણ કડવું સત્ય રજૂ કરતી એક  પોસ્ટ  મુકવામાં આવી હતી કે 'કોલમ્બસે   અમેરિકામાં સૌપ્રથમ વખત ડગ ૧૪૯૨ની સાલમાં માંડયા હતા. જો ત્યારથી કોઈ માનવી રોજના ૫૦૦૦ ડોલરની કમાણી કરતો હોત અને આજે તે જીવિત હોત તો પણ તેની પાસે જેફ બેઝોસની છૂટાછેડા મેળવેલી પત્ની કરતા ઓછી રકમ હોત.'

અબજોપતિ વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરનાર જૂથ કહે છે કે પાંચ ટકા નાગરિકો  વિશ્વના ૯૫ ટકા નાગરિકો જેટલી સંપત્તિ ધરાવી શકે તે માટેનું સુઆયોજિત ષડયંત્ર તેઓએ રચ્યું છે. તેઓ પૃથ્વીની સંપદાનું અમાનવીય રીતે દોહન કરે છે અને એક પ્રકારની લૂંટ ચલાવી સમુદ્ર, પાતાળ, પ્રકૃતિ, હવા, પાણી, સૂર્ય પ્રકાશ અને હવે પરગ્રહોના માલિક બનીને માનવ જગતને તે ઉંચી કિંમતે વેચે છે. જેના પર માનવ જગતનો કુદરતની ભેટ તરીકે નિઃશુલ્ક હક છે તે હવે અબજપતિઓ હડપ કરીને તેનું ઊંચી કિંમતે વિતરણ કરે છે

ધનકુબેરો આફ્રિકા સહિતના અતિ ગરીબ દેશોના નાગરિકોને અન્ન મળે અને ખેડૂતોને મજુરી તેવા પહેલી નજરે માનવ સેવા જેવા લાગતા પ્રોજેક્ટ અંતર્ગત અમેરિકા અને આફ્રિકાના ગામડાઓના ગામડા જ ખરીદી રહ્યા છે. આવી લાખો એકર જમીન તેઓની કંપનીઓ લાચાર ખેડૂતો અને ગરીબ જમીન માલિકો પાસેથી ખરીદે છે.

માનવ જગતને સગવડો આપવાના ઓઠા હેઠળ તેઓ વ્યસની ગ્રાહક બનાવી દે છે. બેઠાડું જીવન શૈલી આ૫ી શારીરિક અને માનસિક બીમાર બનાવી દે છે અને તે પછી તેમાંથી  ઉગારવાનો ધંધો કરે છે. તેઓ દેખાદેખીનું વાતાવરણ પણ સર્જીને કમાણી કરે છે. 

કુદરતી સંપદા પર નજર

હવા જેમ કુદરતી છે તેમ તેના બંધારણને  પણ આપણે જાળવી રાખવાનું છે. સૂર્ય પ્રકાશના માર્ગમાં અકુદરતી રીતે આપણે અંતરાયો નથી ઉભો કરવાનો. તેવી જ રીતે અંતરિક્ષ અને પરગ્રહમાં પડાવ, પ્રવાસ અને સંશોધન માટે ટ્રાફિક જામ કરવાનો ધંધો પૃથ્વીનો વિનાશ નોતરી શકે છે. સમુદ્ર ભંગાર ઠાલવવાનો  વિરાટ ઉકરડો નથી. નદી ઝેરી રસાયણોનું ઉદર નથી. જંગલો છેદન કરીને ઉદ્યોગો, પ્લાન્ટ માટેના પ્લોટમાં પરિવર્તિત કરવા માટેના પ્લેટફોર્મ બની ચૂક્યા છે.

ટેકનોક્રાંતિના નામે અવનવી પ્રોડક્ટ પણ વિવાદ જન્માવી રહી છે. આર્ટિફીસીયલ ઈન્ટેલીજન્સ(એ.આઈ.) બેકારી સર્જી વિશ્વમાં આગળ જતા વર્ગ વિગ્રહની સ્થિતિને જન્મ આપી શકે છે. આધુનિકતાનો અર્થ શું તે જ હજુ સમાજશાસ્ત્રીઓ અને વિજ્ઞાનજગત નક્કી નથી કરી શક્યું. શું કુદરતને અને માનવ જીવનને વધુ અસમતોલ બનાવતા રહી તેઓને ક્યારેય ખરા અર્થમાં સુખ ચેન આપવાની જગાએ ગેજેટ્સના અવનવા મોડેલ આપતા રહેવા કે અવકાશમાં ઉડતા કરવા તે આધુનિકતા કહેવાય? એ કમનસીબી છે કે અબજોપતિ હસ્તીઓએ માનવ જગતના ગુણવત્તાસભર  જીવન પર ક્યારેય  ભાર નથી મુકયો. માનવ જીવન મોંઘવારી, તનાવ, ડીપ્રેશન અને અસલામતીથી ઘેરાયેલું  બની ચુક્યું છે.

કુટુંબ જીવનનો છેદ

કુટુંબ જીવનનો છેદ ઉડી ગયો છે, સમાન શિક્ષણ, ભોજન, આવાસ  અને આરોગ્ય દેખાતું નથી.તેના પાયામાં અમાનવીય અભિગમથી થતો ધંધો છે. પેટ્રોેલનો ભાવ આસમાને હોય અને અબજપતિઓ અવકાશ ઉડાણના દ્વાર ખોલે તેના કરતા પેટ્રોલ સાવ સસ્તામાં મળે તેવા સંશોધન કરે કે તે દિશામાં ફંડ ફાળવે તે સાચી આધુનિકતા ન કહેવાય? પાણી પણ પડીકામાં મળવા માંડે કે ગામેગામ પહોંચી ન શકે. પાણી માટે હવે પછીનું યુધ્ધ થશે તેવી આગાહી થઈ ચૂકી છે ત્યારે તે માટે જાગૃતિ લાવવાની જગ્યાએ પરગ્રહમાં જળ સપાટી શોધીએ તે કેવું? આ બધાનું મુળ કારણ અબજપતિ બનવાની ખેવના છે.

વિચારધારા પર કબજો

હવે સોશિયલ મીડિયા અને ડીજીટલ ક્રાંતિનાં નામે તો માનવ જગતની વિચારધારા પર જ કબજો જમાવવાનો ખતરનાક ખેલ ચાલે છે. બ્રાન્ડીંગના નામે વિશ્વને દંભી અને કઢંગી બનાવનાર હીરો તરીકે પૂજાઈ રહ્યા છે. ધર્મ અને વર્ગના નામે માનવીઓ મીડિયા થકી વૈમનસ્યનો દાવાનળ ફેલાવી રહ્યા છે. બે દેશ કે દેશોના સમૂહ વચ્ચે આવા માધ્યમથી દુશ્મનાવટ વકરાવવી શસ્ત્ર- સરંજામના ધંધા થાય છે. નાગરિકો પોતાનાં ડી એન એ પણ ટેકનોલોજી કંપની સામે ગીરવે મૂકી ચુકી છે. 

જ્ઞાન પોસ્ટ

અબજોપતિ બનવાનું અંકગણિત....એક વર્ષમાં દસ લાખ ડોલર કમાવવા હોય તો કલાકના ૫૦૦ ડોલરની કમાણી કરવી પડે. અને જો વર્ષના એક અબજ ડોલર કમાણી કરવી હોય તો પ્રત્યેક દિવસની પ્રત્યેક  સેકંડમાં ૬૦ ડોલર કમાણી કરવી પડે, આપણા અબજોપતિઓની યાદીમાં  ૩૦૦ પ્લસ અબજ ડોલરની વર્થ સાથે ઇલોન મસ્ક નંબર વન છે.અબજોપતિ  પૃથ્વી અને પૃથ્વીવાસીઓના ભોગે જ બની શકાતું હોય છે.