For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રોબોટિક્સ અને AIમાં ડો. રાજ રેડ્ડીના પ્રદાન વિશે જાણો છો?

Updated: Apr 2nd, 2024

Article Content Image

- ડો. રાજ રેડ્ડીએ AI  વિષય પર વિશ્વનું સૌપ્રથમ પી.એચ.ડી. છેક 1966માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કર્યું હતું

- વિવિધા-ભવેન કચ્છી

- આજે 87 વર્ષની વયે પણ વિશ્વના જીનીયસ વિજ્ઞાનીઓને ડો. રાજ રેડ્ડી માર્ગદર્શન આપે છે

- કમ્પ્યુટર વિજ્ઞાનનું નોબેલ પ્રાઈઝ મનાતો  એ.એમ. ટયુરીંગ એવોર્ડ ડો. રાજ રેડ્ડીને એનાયત થયો છે

તમે એક ભાષામાં બોલો કે લખો તેનું ત્વરિત તમે ઇચ્છો તે ભાષામાં ભાષાંતર કે પછી લાખો વોલ્યુમ ડિજિટલ લાયબ્રેરીમાં સંગ્રહી શકો છે તેવી તમામ શોધ અને સંશોધનમાં ડો. રેડ્ડીનું પ્રદાન છે

ગૂ ગલના સી.ઇ.ઓ. સુંદર પિચાઇ કે માઇક્રોસોફ્ટના સી.ઇ.ઓ. સત્ય નડેલા છે ત્યાંથી શરૂ કરીને અમેરિકાની ટોચની ટેકનો કંપનીઓના સી.ઇ.ઓ.ની લાંબી યાદી ગણાવીને આપણે ભારત માટે ગૌરવ અનુભવતા હોઈએ છીએ પણ તે બધા કરતા જેનું  સૌથી મોટું પ્રદાન છે અને જે ખરા અર્થમાં વિશ્વના ટેકનોક્રેટસ્ અને સંશોધકોની નજરમાં જીનીયસ તરીકેનો ઊંચો આદર્શ ધરાવે છે તેવા ડો. રાજ રેડ્ડી વિશે આપણે કદાચ એટલું જાણતા નથી. તેમનું પૂરું નામ ડબ્બાલા રાજગોપાલ રેડ્ડી છે.

વિશ્વ આજે  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ  (એ. આઈ.)ના યુગમાં ચિત્તા પગલે પ્રવેશી રહ્યું છે ત્યારે તમને કોઈ પ્રશ્ન કરે કે આ રોબોટ અને  એ.આઈ.ના જનક કોણ ? તો છાતી ફુલાવીને કહેજો કે ભારતના ડો.રાજ રેડ્ડીનું તેમાં પ્રણેતા સમાન યોગદાન છે. ૧૯૬૬માં તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય પર પી.એચ. ડી. કરનાર વિશ્વના સૌ પ્રથમ વિદ્યાર્થી બન્યા હતા અને તે પણ સ્ટેનફોર્ડ જેવી યુનિવર્સિટીમાંથી. જોહન મેકાર્થી, એલેન ન્યુવેલ અને સિમોન જેવા જીનીયસ જોડે તેમણે એ. આઈ.નું સંશોધન વર્ષોત્તર જારી જ રાખ્યું હતું. અમેરિકન ઇન્સ્ટિટયૂટ ફોર એ.આઈ.ની સ્થાપના ડો.રેડ્ડીએ કરી હતી. અમેરકાની અવકાશ સંસ્થા 'નાસા' માટે મશીન અને રોબોટિક્સનો ઉપયોગ કેમ થઈ શકે તેનું પેપર્સ તૈયાર કરીને આપ્યું. 'નાસા'એ કાર્લ સાગાનની 'ચેર' અને ડો. રેડ્ડીની 'વાઈસ ચેર' જારી કરીને તેમને માન આપ્યું છે. અમેરિકામાં ડો.રેડ્ડીના હાથ નીચે તૈયાર થયેલ ટોચના  એ. આઈ. વિજ્ઞાની કાઈ - ફુ - લીએ  'એ.આઈ. સુપર પાવર્સ : ચાઇના, સિલિકોન વેલી એન્ડ ધ ન્યુ વર્લ્ડ ઓર્ડર' નામનું આ વિષય પરનું શ્રેષ્ઠ મનાતું પુસ્તક લખ્યું છે જે 'મારા ગુરુ ડો.રાજ રેડ્ડીને' તેમ લખીને અર્પણ કર્યું છે.

૧૩ જૂન, ૧૯૩૭માં ગરીબ ખેડૂત દંપતિને ઘેર જન્મેલા  ડો. રાજ રેડ્ડી આજે ૮૭ વર્ષની વયે પણ વિશ્વની શ્રેષ્ઠમાં સ્થાન પામતી કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાં ગેસ્ટ પ્રોફેસર તરીકે ખાસ દિવસોમાં લેક્ચર આપવા જાય છે ત્યારે વર્તમાન વિશ્વના રોબોટિક્સ અને એ. આઈ.ના ખાં સાહેબો ગણાતા સંશોધકો ધન્યતા અનુભવતા વર્ગ ખંડમાં બેઠા હોય છે.

ડો. રાજ રેડ્ડીએ છેક ૬૦ના દાયકામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એ. આઈ. અને રોબોટિક્સ પર પી.એચ. ડી. કર્યું હતું. કમ્પ્યુટરમાં ગણતરી અને કોડિંગની સિસ્ટમ જેણે વિશ્વને ભેટ આપી હતી તેવા એલિસ મેથીસન ટયુરિંગના નામથી જે 'એ.એમ. ટયુરિંગ એવોર્ડ' અપાય છે તે કમ્પ્યુટર અને રોબોટિક્સના નોબેલ પ્રાઈઝ તરીકે આદર ધરાવે છે. ડો.રેડ્ડી અત્યાર સુધીના  ભારતના એક માત્ર આ એવોર્ડ વિજેતા હસ્તી છે. તેમણે  ૧૯૯૪માં આ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત ૧૯૮૪માં  ફ્રાન્સનું સર્વોચ્ય નાગરિક સન્માન ગણાય છે તે 'ફ્રેન્ચ લેજીયન ઓફ ઓનર' તત્કાલીન પ્રમુખ મિત્તરા દ્વારા આપવામાં આવ્યું હતું. ડો. રેડ્ડી સન્માન પત્રક અને મેડલ  મેળવવા પ્રમુખ મિત્તરા તરફ સ્ટેજ પર ડગ માંડતા હતા ત્યારે મિત્તરાએ તેમને અટકાવીને કહેલું કે 'તમે ત્યાં જ ઊભા રહેશો હું તમારું સન્માન કરવા તમારી પાસે ચાલીને આવીશ.' મિત્તરાની નમ્રતા તો કહેવાય જ પણ કઈ હદે ડો. રેડ્ડીના પ્રદાનથી ફ્રાન્સ પણ પ્રભાવિત હશે તે કલ્પના કરો.તે પછી  ૧૯૯૧માં આઈ.બી એમ.રાલ્ફ ગોમોરી ફેલો એવોર્ડ, વર્ષ ૨૦૦૧માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ અને ૨૦૦૬માં યુ.એસ.નેશનલ સાયન્સ બોર્ડ તરફથી સર્વોચ્ય સન્માન પણ પ્રાપ્ત કર્યું છે.

ડો.રેડ્ડી જ્યારે ૬૦ના દાયકામાં એ. આઈ. પર સંશોધન કરતા હતા ત્યારે તો કમ્પ્યુટર પણ હજુ બળદ ગાડા જેવા યુગમાં ડગ માંડી રહ્યા હતા. આમ છતાં ૨૧મી સદીના પ્રારંભે વિશ્વ કઈ હદે ટેકનોલોજીના યુગમાં પ્રવેશી ચૂક્યું હશે તેનો અંદાજ એક 'વિઝનરી'ની જેમ ડો.રાજ રેડ્ડીએ મેળવી લીધો હતો.  ડો. રેડ્ડી  અને કેટલાક જૂજ વિજ્ઞાનીઓએ સાઈઠ વર્ષ પહેલાં  જ્યારે ૪ કે.બી.ની મેમરી ધરાવતા કમ્પ્યુટર હતા ત્યારે એવા અનુમાન સાથે જ એ.આઈ. પર સંશોધન કર્યું કે ૨૧મી સદીના પ્રારંભે કમ્પ્યુટર ટ્ર્રિલિયનથી પણ વધુ  મેમરી ધરાવતા હશે ત્યારે એ. આઈ. અને રોબોટ કેવી ક્ષમતા સાથે કાર્ય કરતા હશે. તેઓ એ.આઈ.પર રિસર્ચ કરતા હતા ત્યારે એક વર્ગ આ હોનહાર ટીમ અભ્યાસના વર્ષોને કૂવામાં ફેંકી રહી છે તેમ માનતો હતો.

ડો.રેડ્ડી છેક સાઈઠના દાયકામાં વિજ્ઞાનીઓને સંબોધતા કે વિશ્વને  જે મુકામ પર પહોંચતા ૫૦ વર્ષ થયાં તે માટે ૨૧મી સદીના પ્રારંભે પાંચ વર્ષનો સમયગાળો  જ લાગશે.

એ. આઈ. અને રોબોટિક્સમાં સ્પીચ ટેકનોલોજીમાં ડો. રાજ રેડ્ડીનું પ્રણેતા સમાન પ્રદાન રહ્યું તેમ કહી શકાય. આજે આપણે સામી વ્યક્તિ તેની પોતાની ભાષામાં બોલે અને તે જ ક્ષણે  ઝીલનારની ભાષામાં તેનું ભાષાંતર થઈ જાય તે શોધને સાવ સામાન્ય ગણીએ છીએ પણ આ ટેકનોલોજીની આ ક્રાંતિકારી  શોધમાં ડો.રેડ્ડીનું યોગદાન છે. માત્ર શ્રવણમાં જ નહીં પણ સ્માર્ટ ફોન, સોશિયલ મીડિયા  અને એપમાં વિશ્વનો નાગરિક તેની પોતાની ભાષામાં વ્યવહાર કે માહિતીનું આદાન પ્રદાન કરી શકે છે તે ડો.રાજ  રેડ્ડીના સંશોધનને લીધે શક્ય બન્યું છે. ઓકે ગૂગલ, સિરી અને એલેક્ષા આપણે હુકમ કરીએ તે પ્રમાણે આપણા વતી ગેજેટ્સ  ચલાવે છે. રોબોટ જે અવાજ સાથે આપણી જોડે સંવાદ સાધે છે કે આપણો હુકમ ઝીલે છે તે અવાજની ટેકનોલોજી પણ ડો.રેડ્ડી અને તેના સાથીઓની દેન છે. આપણે આપણી ભાષામાં બોલીએ અને જે ભાષામાં ઇચ્છીએ તે સ્ક્રીન પર કંપોઝ થવા માંડે તે સંશોધનની શરૂઆત પણ સિત્તેરના દાયકાથી શરૂ થઈ ગઈ હતી. એ. આઈ. અને રોબોટ્સમાં સ્પીચ ટેકનોલોજી તે ડો.રેડ્ડીનું સ્પેશિયલાઈઝેશન કહી શકાય. ભારત ગયા વર્ષે 'જી - ૨૦' નું યજમાન બન્યું હતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના મોંઘેરા મહેમાનોને ભારતના ભાષા અને ટેકનોલોજીમાં પ્રદાન અંગે નિદર્શન જોવા જે સ્ટોલ તરફ ખાસ દોરી જતાં હતાં તે 'સંખ્યાવાહિની' પ્રોજેક્ટ  ડો. રાજ રેડ્ડીએ બનાવી આપ્યો હતો.

ડો. રાજ રેડ્ડીના વધુ એક પ્રદાને તો માનવ જગત પર મોટો ઉપકાર કર્યો છે. આજે શિક્ષણ, માહિતી અને જ્ઞાનનો યુગ એટલે શક્ય બન્યો છે કે આપણે ડિજિટલ ડેટા નાના ગેજેટ્સમાં સ્ટોર કરી શકીએ છીએ. આજે આખી અને આખી લાઇબ્રેરી  કે ઓડિયો અને વિડિયો દસ્તાવેજીનો અગણિત જથ્થો  કમ્પ્યુટરમાં સંગ્રહ પામે છે. આ ડિજિટલ સ્ટોરેજ પણ ડો રેડ્ડીના એ. આઈ. પરના સંશોધનનો જ હિસ્સો હતું. તેના પ્રોજેક્ટ અંતર્ગત અમેરિકા, ભારત, ચીન અને ઇજિપ્તના સેન્ટરમાં કુલ મળીને વિશ્વના જુદા જુદા વિષયોના ૧૫ લાખ વોલ્યુમ અને મોટાભાગના પુસ્તકો ડીજીટાઈઝ કરવામાં આવ્યા છે.

ડો.રેડ્ડીનો જન્મ આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લાના અતિ ગરીબ અંતરિયાળ  કાતુર ગામમાં થયો હતો. માંડ ૫૦૦ ઘરની વસ્તી ધરાવતા આ ગામમાં વીજળી,પાણી કે આરોગ્યની કોઈ સવલત નહોતી. પાયાના અભ્યાસના વર્ષોમાં તો કાગળ કે પેન પણ પ્રાપ્ય નહીં હોઇ  ડો.રેડ્ડીએ રેતી પર લખીને અભ્યાસ કર્યો હતો.ઘણું અંતર કાપીને તે એક ઓરડાની પ્રાથમિક શાળા અભ્યાસ કરતા.

મજાની વાત એ છે કે મદ્રાસની ગ્યન્ડી યુનિવર્સિટી (હવે અન્ના યુનિ.) માંથી  તેમણે સિવિલ એન્જીનિયરની ડિગ્રી મેળવી હતી અને આગળ જતા કમ્પ્યુટર વિષય પર રુચિ વધતા   સિડનીમાં આવેલ ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાંથી તેમણે કમ્પ્યુટરમાં  માસ્ટર ડિગ્રી મેળવી.કેટલાક વર્ષો ઓસ્ટ્રેેલિયામાં આઈ.બી.એમ. કંપનીમાં નોકરી કરી અને તે પછી એ. આઈ. અને રોબોટિક્સમાં સંશોધનના આશયથી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી વધુ એક વખત માસ્ટર અને તે પછી પી.એચ. ડી. કર્યું.સ્ટેનફોર્ડમાં ત્રણ વર્ષ લેક્ચરરની જોબ પણ કરી. હવે તે કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાં શિફ્ટ થયા અને મેનેજમેન્ટને૧૯૭૯માં રોબોટિક્સ ઇન્સ્ટિટયૂટ ખોલવા સમજાવ્યા. તે વખતે રોબોટમાં કોઈને ભવિષ્ય નહોતું દેખાતું તેથી સંસ્થાને ફંડ પણ પૂરતા પ્રમાણમાં નહોતું ફાળવાતું  તો પણ રોબોટિક્સના અભ્યાસનો અમેરિકામાં પાયો તેમણે નાંખ્યો. આ સંસ્થાના તેઓ ૧૨ વર્ષ ડાયરેક્ટર રહ્યા અને વિશ્વના  જુદા દેશોના રોબોટિક્સ વિજ્ઞાનીઓને તૈયાર કર્યા.

 છેક ૧૯૮૦માં અમેરિકાથી પ્રકાશિત થતા 'ધ ટાઈમ'  સામયિકે તેના એક અંકના  મધ્ય ભાગ(સેન્ટર સ્પ્રેડ) ડો. રેડ્ડીની પ્રતિભા પર અલાયદો લેખ આપ્યો હતો.  ડો.રેડ્ડી યુવા પેઢીને કહે છે કે તમને કોઈ વિષયમાં મોડેથી રસ જાગે તો કોઈપણ વયે તે વિષયમાં અભ્યાસ કરીને આગળ આવી જ શકો છો. મેં સિવિલ એન્જીનીયરીંગ કર્યું. હતું તો પણ કમ્પ્યુટર વિષય પર સિદ્ધહસ્ત બની બતાવ્યું. 

છેક સાઈઠમાં ડો.રેડ્ડીએ એ. આઈ.માં સંશોધન કર્યું ત્યારે તેમની ભાવના એ જ હતી કે એ.આઈ., ડિજિટલ સ્ટોરેજ અને સ્પીચ ટેકનોલોજીથી ગરીબ દેશોમાં અને ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ આપવું સહેલું પડે કેમ કે જે ગામમાં શાળાના પૂરતા ઓરડા ન હોય, શિક્ષકો ઉપલબ્ધ ન હોય ત્યારે એ.આઈ.શિક્ષણ આપી શકે. આજે 'જનરેટીવ એ. આઈ.'માં 'ચેટ જીપીટી' કે 'બાર્ડ' જે કામ કરી શકે છે તેના મૂળમાં ૫૦ વર્ષ પહેલાં ડો.રેડ્ડીના સંશોધન પેપર્સ છે.

જો એ.આઈ. આપણી સ્પીચ જ સાંભળી ન શકે કે ટાઇપ કરેલ શબ્દો ઝીલી ન શકે તો એ. આઈ.નું સ્વપ્ન જ સાકાર ન થયું હોત. એ. આઈ. આ બધું ગ્રહણ કરી શકે છે તે ટેકનોલોજીનો રોડ મેપ ડો.રેડ્ડીએ શરૂ કર્યો હતો. અમેરિકા અને વિશ્વના જૂજ વિજ્ઞાનીઓ અને સંશોધકોના અસાધારણ  પ્રદાનને સિલિકોન વેલી સ્થિત કમ્પ્યુટર હિસ્ટ્રી  મ્યુઝિયમમાં સ્થાન અપાતું હોય છે. તે સન્માન અને તે નિમિત્તેનો એવોર્ડ   ૨૦૨૧માં  ૮૪ વર્ષની વયે સ્વીકારતા ડો. રેડ્ડીએ કહ્યું હતું કે 'હું ૬૦ વર્ષથી કમ્પ્યુટર સાયન્સ પર અભ્યાસ કરી રહ્યો છું તે જોતાં હું પોતે  પ્રાચીન થઈ ગયો હોઈશ તેમ માનું છું.' તેમણે મહત્વની વાત આ લાઇફ ટાઇમ  એચિવમેન્ટ સમાન એવોર્ડ મેળવતાં કહી હતી કે 'એ. આઈ.થી વિશ્વએ જરાપણ ડરવાની જરૂર નથી. આગામી વર્ષોમાં એ.આઈ.એવા બનશે કે તે યોગ્ય વ્યક્તિ અને વિશ્વ માટે ઉમદા ભાવિ માટેનો ઉપયોગ કરવા માંગતા હશે તેની જોડે જ આદાનપ્રદાન કરશે. ગરીબ દેશ સુધી શિક્ષણ પહોંચશે.વિશ્વને એક સમાન મંચ પર લાવશે. માહિતી, જ્ઞાન અને શિક્ષણને લીધે માનવી કટ્ટરતા અને પૂવગ્રહ ત્યજી દેશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે પ્રાચીન ભારતના ગ્રંથ, સભ્યતા, સંસ્કૃતિ અને શિક્ષણને એ. આઈ.ની મદદથી તે વિશ્વ સમક્ષ મૂકી રહ્યા છે.આવી જ રીતે ચીનના આવા જ કાળમાં આજના વિશ્વને દિશા સૂચન કરે તેવું મબલખ પડયું છે.એ આઈ. યુગ પરિવર્તક માધ્યમ બનશે.

કાર્નેગી યુનિવર્સિટીની કમ્પ્યુટર સાયન્સ કોલેજના ડીન પણ તેઓ રહી ચૂક્યા છે. આજે એ.આઈ.અને રોબોટિક્સ ક્ષેત્રે જે ટોચના ૨૦ પી.એચ. ડી. છે તેમાંથી આઠના ગાઈડ ડો.રેડ્ડી રહ્યા હતા. ડો.રેડ્ડી  પિટ્ટસબર્ગમાં તેમની પત્ની સાથે ૩૭ વર્ષથી સુખી જીવન વ્યતીત કરી રહ્યા  છે. તેમની બંને પુત્રી કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં ટેકનોક્રેટ છે તેને ઘેર પણ દર વર્ષે કેટલાક મહિના રહેવા જાય છે.તેમના ભાઈઓ બેંગલોરમાં રહે છે. ડો.રેડ્ડી નિવૃત્ત નથી થયા. અમેરિકા, યુરોપ, આફ્રિકા અને એશિયાના દેશના નેતાઓ એ.આઈ.નો ઉપયોગ કઈ રીતે કરવો, કેવી નીતિ ઘડવી તે માટે તેનો સંપર્ક કરે છે.વિશ્વના  સંશોધકો જે પણ કંઈ કાર્ય કરી રહ્યા છે તેઓના પ્રશ્નોના ઉત્તર ઇમેઇલ પર આપવમાં વ્યસ્ત રહે છે. 

ચંદ્રાબાબુ જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી હતા ત્યારે હૈદરાબાદ સાયબરાબાદ બન્યું. આ સમગ્ર ખ્યાલ ડો.રેડ્ડીએ આપ્યો હતો કેમ કે તેમના વતન એવા  આંધ્રને તે ભારતના આઈ. ટી.સેક્ટરનું હબ બનાવવા માંગતા હતા. આ માટે ડો.રેડ્ડી ખાસ ભારત આવતા હતા. ડો. કલામ જોડે પણ નજીકના સંબંધ હોઈ બંને ભારતના અવકાશ  અને કમ્પ્યુટર ક્ષેત્રને વૈશ્વિક બનાવવાની રૂપરેખા ઘડતા. ડો.રેડ્ડીએ અમેરિકાની આઈ. ટી. કંપનીઓને ભારતમાં તેની શાખા ખોલવા તેની પ્રતિષ્ઠા અને પહોંચનો ઉપયોગ કર્યો હતો. હૈદરાબાદની સૌપ્રથમ કમ્પ્યુટર કંપની  ઓ. એમ. સી.  લિમિટેડ  ટાટા ્રગુ્રપ, વોલ્ટાસ સાથે મળીને તેમણે સ્થાપી હતી. રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ નોલેજ ટેકનોલોજી પણ તેમણે સમગ્ર પરિકલ્પના સાથે શરૂ કરાવી. ૮૦ના દાયકામાં એક જ રાજ્યના હોઇ તત્કાલીન વડાપ્રધાન સ્વ.નરસિમ્હા રાવ પણ તેનું માર્ગદર્શન લેતા. રાવના કાર્યકાળ દરમ્યાન સંસદમાં કમ્પ્યુટરનો પ્રવેશ  ડો. રેડ્ડીએ કરાવ્યો હતો. વડાપ્રધાન મોદી પણ તેમના સંપર્કમાં રહેતા હોય છે.આ વયે પણ ડો.રેડ્ડી હૈદરાબાદમાં આવેલ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંસ્થાના ચેરમેન છે. 

ડો.રાજ રેડ્ડી વિશે જાણવા એ.આઈ.ને પૂછશો તો કદાચ કહેશે કે 'ડો.રેડ્ડી મારા જન્મદાતા છે.' 

Gujarat