રમકડાંનું વિશ્વ... અને વિસ્મય
- વિશ્વનો રમકડાંનો ઉદ્યોગ 97 અબજ ડોલરનો, ચીનનો 15 અબજનો અને ભારતનો માત્ર 1.5 અબજ ડોલરનો ધંધો
- વિવિધા-ભવેન કચ્છી
- બાળકો પાશ્ચાત્ય જગતના રમકડાંથી રમે છે ત્યારે આપણે રમકડાંની પસંદગી અંગે ચિંતન કરવાનો સમય
- ટીપુ સુલતાને 250 વર્ષ પહેલા કર્ણાટકના ચન્નાપટાનમને રમકડાં ઉત્પાદનની નગરી બનાવી જે લાકડાના રંગબેરંગી ચમકતા રમકડાંનું આજે પણ કેન્દ્ર મનાય છે
- ભાષાની જાળવણી જેટલી જ સભાનતા રમકડાં માટે કેળવવી પડશે
મા યસોરના વાઘ તરીકે જેમની ઓળખ હતી તેવા ટીપુ સુલતાનને (૧૭૫૦-૧૭૯૯) પર્શિયા (વર્તમાન ઇરાન)થી આવેલ એક રાજવી મહેમાને ભરદરબારમાં કેટલીક ભેટ સોગાદો આપી જેમાં લાકડાની બનાવટના રંગબેરંગી ચમકદાર રમકડાં જોઇને ટીપુ સુલતાન તેની કારીગરીથી ભારે પ્રભાવિત થયા. તેમણે પર્સિયન મહેમાન સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી કે 'મારે પણ મારા રાજ્યમાં લાકડાના આવા રમકડાનું ઉત્પાદન શરૃ કરવું છે. મારા રાજ્યના નાગરિકોને તે રીતે રોજી પણ મળશે અને ભારતભરમાં ક્યાંય ન બનતા હોય તેવા લાકડાના રમકડાંથી મારો પ્રદેશ પણ ખ્યાતી પામશે. તમે મારી પ્રજાને આ રમકડાં બનાવતા શીખવવા માટે પર્શિયાથી ખાસ કારીગરો મોકલો.'
પર્શિયાના રાજાએ તેમના નિષ્ણાંત કારીગર બવાસ મિયાનને માયસોર મોકલ્યો. ટીપુ સુલતાને માયસોર અને બેંગ્લોર વચ્ચે આવેલ ચન્નાપટાના ગામને પર્શિયન શૈલીના લાકડાના રમકડાં બનાવવા માટેનું કેન્દ્ર પસંદ કર્યું. બવાસ મિયાને પૂરા ખંતથી ગ્રામજનોને લાકડાના રમકડાં બનાવતા શીખવાડયા. આ વિસ્તાર આવા રમકડાનું ગૃહ ઉદ્યોગ ગ્રામ બન્યું. આજે ૨૫૦થી વધુ વર્ષો પછી પણ ચન્નાપટાના ભારતનું લાકડાના રમકડા બનાવવાનું કેન્દ્ર મનાય છે. બાળ ઉછેર અને કેળવણીની વિશ્વભરની સંસ્થાઓ આ રમકડાં ગ્રામની મુલાકાત લે છે. પ્રવાસીઓનું પણ આકર્ષણનું કેન્દ્ર છે. ૧૪ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ ગામના તમામ ઘરોમાં અઢી સદીની ક્રમશઃ પેઢી લાકડાના રમકડાંના ઉત્પાદન અને ધંધામાં જ વ્યસ્ત જોઈ શકાય છે. એકાદ હજાર એવા ઘરો છે જેમાં રમકડાં એ જ જૂની પરંપરાગત સાદા લેથ કે સંઘાણીયા ઉત્પાદન પધ્ધતિથી બને છે.
ચન્નાપટાનાને યાદ કરવાનું કારણ એ છે કે હજુ ગયા અઠવાડિયે જ વડાપ્રધાન મોદીએ ભારતના રમકડાંના ઉત્પાદકોનો વર્ચ્યુલ મેળો અને રમકડાં ઉદ્યોગને વધુ વેગવંતો કરવા શું કરી શકાય તેના પરિસંવાદના ઓનલાઈન સેશન્સ રાખ્યા હતા.
વડાપ્રધાન મોદીએ વિશેષ કરીને ચન્નાપટાના રમકડાંના ઉત્પાદકોને બિરદાવ્યા હતા અને ભારતના રમકડાં ઉદ્યોગને રોલ મોડેલ તરીકે ચન્નાપટાના તરફ જોવું જોઇએ તેવી અપીલ કરી હતી. એટલું જ નહીં ચન્નાપટાનાનો રમકડાં ઉદ્યોગ પણ વિદેશ હરિફાઈ સાથે ઘસાતો જાય છે ત્યારે તેને કઇ રીતે બેઠો કરવો તે માટે સ્ટાર્ટઅપ, નવી પેઢી માર્ગદર્શિત ઓનલાઈન માર્કેટિંગ, બ્રાન્ડિંગ, માટે પણ સાહસીઓને આગળ આવવા પ્રોત્સાહિત કર્યા હતા. વિશેષ તો પર્યાવરણની જાળવણી અને બાળકોના સ્વાસ્થ્યને નજરમાં રાખી લાકડાના રમકડાથી જ ભારતના બાળકો રમે તેના પર ભાર મૂક્યો હતો. ભારતમાં પર્યાવરણની જાળવણી અને બાળસ્વાસ્થ્યને નજરમાં રાખવાની દ્રષ્ટિ સાથે લાકડા, માટી અને વનસ્પતિજન્ય રંગના જ રમકડાં બનતા પણ પશ્ચિમ જગતે પ્લાસ્ટીક, એક્રેલિક નુકશાનકારક રંગો અને મટિરિયલ્સની સૃષ્ટિ ખડી કરી છે. રમકડાં માત્ર એક બિઝનેસ પ્રોડક્ટ નથી પણ બાળકો જ્યારે ભવિષ્યના નાગરિકો બનશે ત્યાર ેકેવી સભ્યતા, સંસ્કૃતિ અને સંસ્કાર સાથે બહાર આવશે તે માટેનો સમાજ કેવા રમકડાં સાથે મોટા થયા છે તે નક્કી કરશે. આ એક ખૂબ જ જવાબદાર વેપાર અને ઉદ્યોગ છે. રમકડાંને જોડીને દેશના બાળ ઉછેર માટે ચિંતા કરનાર મોદી સૌપ્રથમ સંવેદનશીલ નેતા છે.
એક જમાનામાં બાળકો નિર્દોષ રમકડાઓથી ઉછેર પામતા. બાળકને ચાલતા શીખવાડવા ચાલણગાડી લાકડાની રહેતી. દાદાજીનો ડંગોરો અને તબડક તબડક ઘોડો પણ લાકડાનો, રાજા-રાણી, હાથી, ભગવાનની મૂર્તિઓ, શાહી બેન્ડ, આંકડા ગણતા શીખવતી સ્લેટ અને મણકા, ભમરડા, કેરમબોર્ડ, અવનવા ચહેરાઓની ઢિંગલી, સૌથી મોટી, તેનાથી નાની એવી ગોઠવાતી લાકડાની રીંગ, કાર, વિમાન, બળદગાડી, પશુ-પંખીઓ, નાનો કબાટ, ઘર-ઘર રમવા માટેના રાચરચીલું બધું જ લાકડાનું કે માટીનું બનેલું રહેતું. બાળકો તહેવારોમાં યોજાતા મેળાઓમાં આવા રમકડાં જ હોંશે હોંશે ખરીદતા. ચન્નાપટાનાની જેમ ગુજરાતના ઈડરમાં પણ મોટે પાયે લાકડાના રમકડાનું કેન્દ્ર છે તેને પણ બેઠું કરવું જોઈએ. હવે ભારતના આ રમકડાં બજારનાં અસ્તિત્વ સામે ખતરો મંડાયો છે. વિદેશી અને ચાઇનિઝ બજારનું આક્રમણ એ હદે છે કે તેની સામે સંગઠીત થઇને ટકી રહેવું તે પડકાર છે. આપણી સંસ્કૃતિની જાળવણી માટે પણ ભારતના રમકડાં અને દેશી રમતોને બચાવવાની જ રહી.
અમેરિકાની લેગો, મેટલ, હાસ્બ્રો વિશ્વના રમકડા બજારનો ૭૦ ટકા હિસ્સો ધરાવે છે પણ ચીન તે જ રમકડાઓનું ડુપ્લીકેટ ઉત્પાદન કરી તેને બજારમાં ઘૂસાડીને અમેરિકા જેટલો જ સમાંતર વૈશ્વિક ધંધો કરી લે છે. વિશ્વનું રમકડાનું કુલ બજાર ૯૭ અબજ ડોલરનું છે પણ વિશ્વની ટોચની કંપનીઓ તેના સસ્તા ઉત્પાદન માટે ચીનને ઓર્ડર આપે છે. ચીન વિશ્વની ટોચની કંપનીઓના ૬૨ અબજ ડોલરના રમકડા બનાવી આપે છે. આ ઉપરાંત ચીન પોતે આ જ કંપનીઓના મર્કેન્ડાઇઝ, પાત્રો, ડિઝાઈનની નકલ કરીને તેમનો પોતાનો ૧૫ અબજ ડોલરનો ધંધો કરી લે છે તે જુદુ. આની સામે ભારતનો રમકડાં ઉદ્યોગ માંડ ૧.૫ અબજ ડોલર છે. વિશ્વના કુલ રમકડા બજારમાં ભારતનો હિસ્સો ૦.૫ ટકા જ છે.
ચન્નાપટાના લાકડાના રમકડાંના ચોથા ભાગની કિંમતે બરાબર તેવા જ પ્લાસ્ટિકના રમકડાં ચીન બજારમાં મૂકે છે. ચીને લાકડાને ઘણું મળતું આવતું પ્લાસ્ટિકનું મટિરિયલ શોધી કાઢ્યું છે. ચન્નાપટાનાના એક કારીગરે યુ ટયુબ પરની વીડિયોમાં જણાવ્યું છે કે અમને નવી દુનિયાના બજાર સુધી પહોંચતા નથી આવડતું.
હવે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ ચન્નાપટાનાના લાકડાના રમકડાં વિશ્વભરના ગ્રાહકો ખરીદી શકે તે માટે ફ્લીપકાર્ટ, એમેઝોન જોડે ઉત્પાદકોને ટાઇ અપ કરી આપવામાં મદદ કરે છે.
માત્ર રમકડાં જ નહીં ભારતના ગ્રામ, કુટિર ઉદ્યોગ અને હસ્તકળાના મોટાભાગના ઉત્પાદકો અને કારીગરો શહેર પણ ન જોયું હોય તેવા મોટા બજાર અને વ્યાપથી અજાણ છે. તેઓ પૂરતા શિક્ષિત નહીં હોવાથી તેનું હુન્નર વેચવા માટેની રજૂઆત શૈલી, ભાષા અને આત્મવિશ્વાસનો અભાવ ધરાવે છે. માર્કેટિંગ ટીમ કે વિતરણ પધ્ધતિની દ્રષ્ટિનો સવાલ જ નથી આવતો. પ્રવાસીઓ તેમને ત્યાં જાય તે જ તેમની ઘરાકી. બહુ તો નજીકના શહેરો કે રાજ્યો પૂરતુ બજાર મળે. માંગ વધી જાય તો પહોંચી વળવા પણ તેઓ સમર્થ નથી. નિકાસ કરવી, ઇ-કોમર્સમાં જવું, ડિજીટલ વ્યવહાર કરવાનું પણ તેઓ માટે શક્ય નથી.
શોષણ પણ ભરપૂર થાય છે. ચન્નાપટાનાના સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા ઉત્પાદકે જણાવ્યું કે અમને રૃ. ૨૦૦ માં પડતું રમકડું સરકાર કે પ્રોત્સાહન આપવાના નામે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ અમને તેના રૃ. ૨૫૦ માંડ આપે અને તેઓ શહેર કે વિદેશમાં ત્રણ ગણી કિંમતે વેચે છે.
જેટલું મહત્વ માતૃભાષાના શિક્ષણનું છે તેવો પ્રચાર કરનારા કે સ્વદેશી ચીજવસ્તુઓ માટે અભિયાન ચલાવનારા બાળઉછેરમાં દેશી રમકડાં અને રમતોના મહત્વને નજરઅંદાજ કરે છે.
માર્વેલ એવેન્જર્સના પાત્રો, બેટમેન, સુપરમેન, રેસર કાર, બેબી શાર્ક ફિંગર લિંગ્સ, હોટ વ્હીલ્સ, હેરડોરેબલ્સ સરપ્રાઇઝ ડોલ્સ, ઓવલીઝ, બેબી ડ્રેગન, સ્ટાર વોર્સ ટોયઝ, નિન્ટેન્ડા લેબો ટોયસ અને એવરગ્રીન બાર્બી ડોલ્સ તેમજ ૧૫૦૦થી વધુ ચહેરા અને ગેટઅપ ધરાવતી વિદેશી ડોલ્સનું વિશ્વમાં મહત્તમ બજાર છે. વાલીઓ પાસે વિકલ્પો મર્યાદિત છે. આ રમકડાં કે ઓનલાઇન ફન પશ્ચિમના દેશોના કેક, કૂકીઝ, આઇસ્ક્રીમ, ઇન્ટિરિયર્સ, ફાસ્ટફૂડ, કોસ્મેટિક્સ, હાઇ હિલ્ડ સેન્ડલ, મેનર્સ, અલાયદા બેડરૃમ, પોશ કારને પ્રમોટ કરે છે. પશ્ચિમના દેશોના બાળકો માટે બનેલા રમકડાં, વીડિયો, પાત્રો, રીતભાત, વેશ પરિધાનના મોડેલ સાથે આપણા બાળકો ઉછેર પામે અને વાલીઓ ગૌરવ લે તે કેવું ?
ખરેખર તો શિક્ષણ વિભાગે રમકડાં, વીડિયો અને ઓનલાઇન શિક્ષણમાં વિશેષ કરીને બાળકો ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને સભ્યતાથી જોડાયેલા રહે તેવા રમકડાં, વીડિયો બજાર ખડુ કરવાની જરૃર છે. 'ગૂગલ'માં સર્ચ કરતા બાળકોને સંસ્કૃત ભાષામાં શિક્ષણ આપવા સાથે પંચતંત્રની તેમજ પૌરાણિક વાર્તાઓની વીડિયો જોઈ શકાય છે પણ હજુ આ ક્ષેત્રે છવાઇ જવું પડશે.
વડાપ્રધાન મોદી દ્વારા રમકડાંના ઉત્પાદકોની મીટિંગમાં પર્યાવરણ, આત્મનિર્ભર, સ્વદેશી અને રોજગારી પર ભાર મૂકવામાં આવ્યો પણ આપણે વિદેશી કંપનીઓની રમકડાંઓનો ઉત્પાદન ઓર્ડર મેળવી ધંધો વધારીએ તેના કરતા તેને નવી શિક્ષણ નીતિ સાથે પણ સાંકળી લેવાની જરૃર છે. ગોરી ઢિંગલીઓ, પશ્ચિમી જીવનશૈલી તેઓ દ્વારા સર્જાયેલ પૃથ્વીને બચાવતા યોધ્ધાઓ તેમજ ભૌતિકવાદ ગ્રાહકવાદને પ્રોત્સાહન આપતા રમકડાં રમીને આપણા બાળકોમાં લઘુતાગ્રંથિ આવી શકે છે કે પરફેક્ટ સૌંદર્ય, જીવનશૈલી, શૌર્ય તો અમેરિકા, યુરોપમાં જ છે. ભારત પાસે કંઇ નથી. આપણે સૌંદર્યમાં પણ કદરૃપા-કઢંગા છે તેવી માનસિકતા પણ આકાર પામી જ શકે. ચન્નાપટાના જેવા ગામો પ્રત્યેક રાજ્યમાં બનાવીએ. ટીપુ સુલતાને ૧૮મી સદીમાં જે વિચારેલુ તે ૨૧મી સદીમાં આપણે ન કરી શકીએ ?