Get The App

સ્પેસ ટુરિઝમ : 1,000 પ્રવાસીઓનું વેઇટિંગ

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
સ્પેસ ટુરિઝમ : 1,000 પ્રવાસીઓનું વેઇટિંગ 1 - image


- એકસિઓમ કંપની કોઈપણ નાગરિકને તાલીમ આપી સ્પેસ સ્ટેશનમાં ૧૪ દિવસ રહેવાનું પેકેજ ઓફર કરશે : એક ટિકિટના રૂ.650 કરોડ!

- વિવિધા-ભવેન કચ્છી

- વર્જન અને બ્લ્યુ ઓરિજિન 2,50,000 ડોલરથી માંડી 6,00,000 ડોલરમાં પ્રવાસીને ગુરુત્વાકર્ષણ બળની બહાર લઈ જવાનો રોચક અનુભવ આપે છે

- શુભાંશુ શુક્લાની ટીમને લઈ જનાર જગવિખ્યાત એકસિઓમ કંપનીના સી.ઇ.ઓ. તેજપુલ ભાટિયા ભારતીય છે

ભા રતના શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશનમાં જનાર સૌ પ્રથમ ભારતીય બન્યા છે.વિશેષ ગૌરવની વાત એ છે કે અવકાશયાનના પાયલોટ તેઓ છે. શુભાંશુ શુક્લાની સિદ્ધિ અને સ્પેસ સ્ટેશન વિશે છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયામાં ખાસ્સી માહિતી પીરસાતી રહી છે. શુભાંશુ શુક્લા અને તેમની સાથેના એક અમેરિકન અને બે યુરોપિયન અવકાશયાત્રી  સ્પેસ સ્ટેશનમાં ૧૪ દિવસ રહી અવનવા પ્રયોગ કરવાના છે.પૃથ્વીથી ૪૦૦ કિલોમીટર દૂર સ્પેસ સ્ટેશન છે ત્યાં પહોંચતા ૨૮ કલાક જેટલો અંતરિક્ષ પ્રવાસ તેઓએ ખેડયો હતો. હવે ૧૪ દિવસ સ્પેસ સ્ટેશનમાં તેઓ ગુરુત્વાકર્ષણ બળ વગર રહેવાના છે.

ઘનિષ્ઠ તાલીમ

સ્પેસ સ્ટેશનમાં રહેવા માટે અને અવકાશયાન ચલાવવા માટે અમેરિકાની અવકાશ સંસ્થા ધનાસાધ, યુરોપિયન સ્પેસ એજન્સીમાં ઘનિષ્ઠ તાલીમ લેવી પડે છે. શુભાંશુ શુક્લા તો ઇન્ડિયન એરફોર્સના પાયલોટ છે અને સુખોઇની અદ્યતન શ્રેણીના ફાઇટર પ્લેન ઉડાડવાનો પણ અનુભવ ધરાવે છે તેણે તો રશિયાની સ્પેસ એજન્સીમાં પણ તાલીમ લીધી છે.

આટલી ભૂમિકા પછી એ પણ જણાવી દઈએ કે આ કોઈ અમેરિકાની કે યુરોપની અવકાશ સંસ્થાનો પ્રોજેક્ટ નથી પણ અમેરિકાના હ્યુસ્ટન સ્થિત એક્સિઓમ સ્પેસ નામની કંપનીનો ખાનગી પ્રોજેક્ટ છે.  સમગ્ર પ્રોજેક્ટ  ૩૫૦૦ કરોડ રૂપિયાનો છે. એક અવકાશયાત્રી પાસેથી એકસિઓમ કંપનીએ રૂ.૭૧૫ કરોડ લીધા છે. બીજી રીતે કહીએ તો શુભાંશુ  શુક્લા માટે ઈસરો અને કેન્દ્ર સરકારે આટલી રકમ ખર્ચ કરી છે.

જાણીને નવાઈ લાગશે કે વિશ્વના ધનિક નાગરિકો પણ સ્પેસની લટાર મારવા માટેનું બુકિંગ કરી ચૂક્યા છે.

ઓવર ટુ સ્પેસ સ્ટેશન

સ્પેસ ટુરિઝમ ભવિષ્યનો તગડી કમાણી કરી આપતો ધંધો મનાતો હોઈ અત્યારથી જ તેમાં પગ જમાવવા કંપનીઓ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ ચૂકી છે.

આપણા માટે ગૌરવની વાત છે કે એકસિઓમ સ્પેસ કંપનીના સી.ઇ.ઓ. તેજપોલ ભાટિયા ભારતીય છે.

તે કહે છે કે નજીકના ભવિષ્યમાં અમે વિશ્વના કોઈપણ નાગરિકને  શુભાંશુ શુક્લા કે સ્પેસ સ્ટેશનમાં રહેતા અવકાશયાત્રીઓ જેમ લઈ જવા માટેનું ટુરિઝમ વિકસાવી રહ્યા છીએ. રિચાર્ડ બ્રાન્સનની વર્જિનિયા, એમેઝોનના માલિક બેઝોસની બ્લ્યુ ઓરિજિન અને ઇલોન મસ્કની સ્પેસેક્સ કંપની  સ્પેસ ટુરિઝમમાં છે પણ તેઓ પૃથ્વીથી અવકાશની ૧૧ મિનિટથી માંડી વધુમાં વધુ ૮૦ મિનિટની યાત્રા કરાવે છે.થોડી મિનિટો ગુરુત્વાકર્ષણ બળની બહારનો અનુભવ કરાવે અને પરત લઈ આવે.આ અનુભવ વિમાન, રોકેટ  કે હોટ બલૂન સાથેનો હોઈ શકે જ્યારે અમે વિશ્વના કોઇપણ નાગરિક કે જે અમારી 

ફીટનેસના માપદંડમાં આવતો હોય તેને અવકાશયાત્રીને  'નાસા' આપે છે તેવી જ તાલીમ આપીને સ્પેસ સ્ટેશનમાં લઈ જઈશું એટલું જ નહીં અમે ૧૪ દિવસ તેમને ત્યાં રાખીશું. જ્યાં અગાઉથી ઉપસ્થિત તાલીમ પામેલા અવકાશયાત્રીઓ હશે જે તમામ પ્રકારની મદદ કરશે. પ્રવાસીને જમીન પર આપેલી તાલીમ જ એવી સઘન હશે કે તેને સ્પેસ સ્ટેશનમાં ૧૪ દિવસ પસાર કરવા અવિસ્મરણીય રોમાંચકારક લાગશે.

1000 કલાકની તાલીમ

એકસિઓમ કંપનીએ તાલીમ સહિતની સ્પેસ સ્ટેશનની ૧૪ દિવસ રહેવાની અને પરત આવવાની યાત્રાની ટિકિટ ૭ કરોડ ડોલર એટલે કે અંદાજે રૂ.૬૨૫ કરોડ રાખી છે.આ રીતે જે અવકાશયાત્રી બનવા તૈયાર થઈ હોય તે વ્યક્તિએ એક વર્ષ માટે કંપનીના તાલીમ કેન્દ્રમાં રહેવું પડે છે.કુલ ૭૦૦થી ૧૦૦૦ કલાકની તાલીમ લેવાની હોય છે. એકસિઓમનું ટાઇ અપ નાસા,સ્પેસેક્સ, યુરોપિયન સ્પેસ એજન્સી અને જાપાનની સ્પેસ એજન્સી જોડે છે. તેઓના ટ્રેનિંગ સેન્ટરમાં અવકાશયાત્રી ટ્રેનિંગના આખરી એક મહિનો અદ્દલ ગુરુત્વાકર્ષણ બળ વગરનું ખડું કરવામાવેલ સ્પેસ સ્ટેશનમાં રહેવાનો હોય છે. આ ઉપરાંત કેટલીયે સિમ્યુલેશન પ્રેક્ટિસ કરવાની રહે છે. ડ્રેગન સ્પેસક્રાફ્ટ અને ફાલ્કન લોન્ચ વ્હીકલ દ્વારા તેને સ્પેસ સ્ટેશન પહોંચવાનું હોય છે તેના ઉડ્ડયન વિશે પણ માહિતગાર કરાય છે. સ્પેસ સ્ટેશન જવા અગાઉનો આખરી મહિનો અવકાશયાત્રી કોરોન્ટાઈન (કોઈના પણ સંપર્કથી દૂર) રહેવાનું હોય છે. જે વ્યક્તિ ખાનગી ધોરણે સ્પેસ સ્ટેશન જવા માંગતી હોય તેઓએ કેટલીક કાયદાકીય અને તેમના દેશની અવકાશ સંસ્થાની મંજૂરી બાબતનું પેપર વર્ક કરવાનું રહે છે.

સ્પેસ સ્ટેશનથી અવકાશયાત્રી પૃથ્વી પર કાર્યરત ન્યૂઝ ચેનલ જોડે પ્રાઈમ ટાઈમમાં તેમના અનુભવ જણાવવા જોડાઈ શકે છે.

ટિકિટ સસ્તી થશે

તેજપુલ ભાટિયા કહે છે કે વર્ર્ષોમાં સ્પેસ સ્ટેશન જવા આવવામાં ટેક્નોલોજીકલી આત્મવિશ્વાસ વધશે અને નાગરિકોને પણ  ટ્રેનિગ પર પકડ આવતી જશે તે પછી પ્રવાસીઓની માત્રા વધશે. એટલું જ નહીં હાલની રૂ.૬૨૫ કરોડની ટિકિટ પણ સસ્તી થશે.

ભલે અત્યારે ઓછી કિંમતની ટિકિટને કારણે ૧૧ મિનિટ કે ૮૦ મિનિટની અવકાશ યાત્રાનો અનુભવ લેવા માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ હોય પણ આગળ જતા આ જ પ્રવાસીઓ વધુ રોમાંચ મેળવવા તત્પર બનશે.

માત્ર એક વ્યક્તિ જ નહીં પણ ચાર વ્યક્તિઓનું ગુ્રપ હોય કે કોઈ દેશની અવકાશ સંસ્થા કે ખાનગી કંપનીન અવકાશયાત્રીને  એકસિઓમ સ્પેસ સ્ટેશન લઈ જાય છે.આમ જુઓ તો એકસિઓમ -  ૪ની યાત્રા પણ કોઈ સરકારની નથી પણ શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓને તેમના દેશની અવકાશ સંસ્થાએ પસંદ કર્યા છે.

એકસિઓમ કંપની પાસે પોતાના કોઈ રોકેટ કે ઉડ્ડયન શટલ નથી પણ તેઓ ઇલોન મસ્કની સ્પેસેક્સ  કંપની પાસેથી ભાડેથી લે છે.

 હાલ અંતરિક્ષમાં કાર્યરત છે તે  ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની આવરદા ૨૦૩૦ સુધી છે ત્યાં સુધીમાં અન્ય સ્પેસ સ્ટેશન લોન્ચ થઈ ગયું હશે.

કંપનીઓ મેદાનમાં

સ્પેસ સ્ટેશનમાં નાગરિકોને લઈ જવાના ટુરિઝમમાં એકસિઓમની સામે હવે કેટલીક કંપનીઓ મેદાનમાં ઉતરી છે તેમાં બાઇગેલો એરોસ્પેસ, સ્પેસ એડવેન્ચર, બોઇંગ, વર્લ્ડ વ્યુ એન્ટરપ્રાઇઝ, ઓરિઓન સ્પાન અને ઓર્બિટલ એસેમ્બલી  કોર્પોરેશન મુખ્ય છે.

આ કંપનીઓ પૈકી વર્લ્ડ વ્યુ એન્ટરપ્રાઇઝ અવકાશમાં ૫૦ માઇલ ઊંચાઈએ બલૂન ટ્રિપ કરાવશે. ઓરીઓન કોર્પોરેશન કંપની  તો લકઝરી સ્પેસ હોટલ બનાવવાની યોજના પર આગળ ધપી રહી છે.

આ કંપનીઓ તેઓની પોતાની અવકાશ વિજ્ઞાાનીઓ અને ઉડ્ડયન વિજ્ઞાાનીઓની ટીમ પણ ધરાવે છે અને સંશોધનમાં વ્યસ્ત છે. તેઓ વિશ્વના શ્રીમંતો પાસેથી રોકાણ મેળવવા માટેની અલગ ટીમ ધરાવે છે જેઓ પ્રોજેક્ટનું માર્કેટિંગ પણ કરે છે.

સ્પેસ સ્ટેશન માટેના ખાનગી બુકિંગના આંકડા બહાર નથી આવ્યા અને હજુ એકપણ ખાનગી પ્રવાસીને એકસિઓમ લઈ પણ નથી ગઈ પણ તેઓ કહે છે કે ધાર્યા કરતા સારી એવી પૂછપરછ છે અને બુકિંગ પણ થયા છે.

જો કે પૃથ્વી પરથી ૧૧ મિનિટથી માંડી ૮૦ મિનિટના રોકેટ ઉડ્ડયનનું પ્રવાસન બજાર સારી એવી માંગ ધરાવે છે.

રિચાર્ડ બ્રાન્સનનું ગ્લેમર

રિચાર્ડ બ્રાન્સનની વર્જિન ગાલ્કટિક કંપનીની સબોર્બિટલ ફ્લાઇટ માટે ૧,૦૦૦ પ્રવાસીઓનું વેઇટિંગ છે. અત્યાર સુધી ૬૧ પ્રવાસીઓ પ્રવાસ કરી ચૂક્યા છે. સંભવિત પ્રવાસીઓનો  વિશ્વાસ જીતવા રિચાર્ડ બ્રાન્સન પોતે પણ ગુરુત્વાકર્ષણ બળની બહાર રહેવાનો થોડી મિનિટો અનુભવ લઈ આવ્યા છે. રિચાર્ડ બ્રાન્સન ગ્લેમર અને સેલિબ્રિટી જગતમાં ચાહિતા છે. તેમનો પ્રચાર થાય એટલે મફતમાં પણ સેલિબ્રિટીઓને પૃથ્વી બહાર લટાર ગાંઠના પૈસા ખર્ચીને લઈ જાય  છે. હોલિવૂડ સ્ટાર લિયોનાર્ડો ડીકેપ્રીઓ , જસ્ટિન બીબર અને એસ્ટોન કુશેર બુકિંગ કરાવી ચૂક્યા છે.રિચાર્ડની આવી ફલાઇટની ટિકિટ ૬,૦૦,૦૦૦ ડોલર છે.૨૦૨૭થી તેઓનું ઉડ્ડયન શરૂ થવાનું છે.તેમના વિમાનનું નામ સ્પેશશીપ ટુ છે.અન્ય એક કંપની સ્પેસ પરસ્પેક્ટિવ  ૨,૦૦,૦૦૦ ડોલરમાં હોટ બલૂન પર પૃથ્વીથી ૫૦ માઇલ ઉપર લઈ જાય છે આ  સાહસિકો માટેનો અતિ રોમાંચક પ્રોજેક્ટ છે.તેઓનું પણ ૮૦૦ પ્રવાસીઓનું વેઇટિંગ છે.

બેઝોઝની બ્લ્યુ ઓરિજિન

બેઝોઝની બ્લ્યુ ઓરિજિન કંપનીનું વેઇટિંગ ૫૦૦ જેટલું છે.તેઓ ૨,૫૦,૦૦૦ ડોલરમાં ૧૧ મિનિટનું ઉડ્ડયન કરાવે છે.પૃથ્વીથી ૧૦૦ કિલોમીટર અંતરિક્ષમાં લઈ જાય છે. જેટની ઝડપ ખૂબ જ તેજ છે પણ સમય ૧૧ મિનિટનો જ લે છે.ચાર મિનિટ માટે પ્રવાસીને ગુરુત્વાકર્ષણ બળની બહારનો અનુભવ થાય છે. ગ્લાસની બારીમાંથી પૃથ્વીના નજારાના દર્શન પણ કરાવે છે.બ્લ્યુ  ઓરિજિન પાસે ન્યૂ શેફર્ડ અને ન્યૂ ગ્લેન એમ બે લોન્ચર છે. ટેક્સાસના રણમાં પ્રવાસીઓને છેલ્લા થોડા મીટર પેરાશૂટથી નીચે ઉતરવાનું હોય છે. પ્રવાસીને વિમાનમાં કોઈ સ્પેસ શૂટ પહેરવાનો નથી હોતો. પ્રવાસીને કેનેડી સ્પેસ સેન્ટરમાં તૈયારી કરાવાતી હોય છે.

વર્જિન વિરુદ્ધ બ્લૂ ઓરિજિન

જો કે જેઓ પાસે વધુ બજેટ છે તેઓ ૮૦ મિનિટની  વર્જિન ગાલાક્ટિક ફ્લાઇટ પસંદ કરે છે. ચાર એન્જિનનું જેટ તેમજ રોકેટ તેઓ ધરાવે છે.પૃથ્વીથી ૩,૬૦,૦૦૦ ફૂટ ઊંચે (૮૦  કિલોમીટર) પ્રવાસીઓને લઈ જાય છે. સીટ બેલ્ટ વગર પ્રવાસીઓ ગુરુત્વાર્કષણ બળ બહારનો અનુભવ વિમાનમાં જ કરી શકે છે.

જો કે વર્જિનમાં પ્રવાસીઓને સુપરસોનિક વિમાનમાં બેઠા જેવો અનુભવ થાય છે. તે પૃથ્વીથી આકાશ તરફ સીધું નથી ઊડતું પણ કોમર્શિયલ વિમાન જેમ ઉડે છે જ્યારે બ્લ્યુ ઓરિજિન રોકેટ દ્વારા પૃથ્વીથી અંતરિક્ષ તરફ સીધું જ કોઈ મિશન લોન્ચ થતું હોય તેમ ઉડે છે. આ રોકેટ ૧૬ મીટર ઊંચું છે. વજન કરતા ત્રણ ગણી ઝડપે તે ઉડે છે. પ્રવાસીઓ સીટ બેલ્ટ કાઢી  ગુરુત્વાકર્ષણ બળ બહારનો અનુભવ લઈ શકે છે. 

શુભાંશુ શુક્લાની સિદ્ધિને લીધે નવી પેઢીને પણ અંતરિક્ષ વિજ્ઞાાનમાં રસ જાગ્યો છે. કેન્દ્ર સરકારે ખાનગી કંપનીઓ માટે પણ અવકાશ સંશોધન અને લોન્ચિંગ માટેના દ્વાર ખોલ્યા છે. શુભાંશુ શુક્લા પરત આવશે પછી સંભવિત ૨૦૨૭ની સાલના ગગનયાન પ્રોજેક્ટ માટેનો આત્મવિશ્વાસ વધી જશે. ઈસરો વિશ્વના અન્ય દેશોના સેટેલાઇટ લોન્ચ કરી આપવાની સિદ્ધિ તો મેળવી ચૂક્યું છે. ભારતમાં કોઈ ખાનગી અવકાશી સંસ્થા સ્પેસ ટુરિઝમનું સ્ટાર્ટ અપ શરૂ કરે તે વર્ષો પણ દૂર નથી. 

Tags :