Get The App

ગાંધીજીને શાંતિનું નોબેલ પ્રાઈઝ કેમ નહીં?

Updated: Sep 30th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીજીને શાંતિનું નોબેલ પ્રાઈઝ કેમ નહીં? 1 - image

- ડોનાલ્ડ ટ્રમ્પ એક નહીં પણ સાત નોબેલ પ્રાઈઝ તેને મળવા જોઈએ તેવી માંગ કરે છે ત્યારે આવતા અઠવાડિયે જાહેર થનારા નોબેલ પ્રાઈઝની વિશ્વસનીયતાની કસોટી થશે

- વિવિધા-ભવેન કચ્છી

- શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ હવે મજાક બનતું જાય છે પણ ગાંધીજીને જે કારણોસર નોબેલ પ્રાઈઝ નહોતું અપાતું તેનાથી ક્રૂર મજાક કોઈ ન હોઈ શકે

- ગાંધીજીને પાંચ વખત નોબેલ પ્રાઈઝ માટે નોમિનેટ કરાયા હતા પણ બ્રિટિશરોના દબાણ સામે કમિટી ઝુકેલી જ રહી

આ ગામી  ૧૦ ઓક્ટોબરે મોટેભાગે શાંતિનું નોબેલ પ્રાઈઝ જાહેર થવાનું છે અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક નહીં પણ તેમના દાવા પ્રમાણે તેમણે  સાત યુદ્ધ અટકાવ્યા હોઈ વિશ્વમાં શાંતિ સ્થાપવા બદલ અને પરમાણુ યુદ્ધ અટકાવવામાં મેળવેલી સફળતાને જોતા કમ સે કમ સાત નોબેલ   પ્રાઈઝ તેમને મળવા જોઈએ તેવો દાવો વિશ્વ સમક્ષ કરી રહ્યા છે. જો ટ્રમ્પને કોઈ દબાણ હેઠળ શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ જાહેર કરવામાં આવશે તો  વિશ્વની નજરે નોબેલ પ્રાઈઝનું મૂલ્ય તળિયે પહોંચી જશે. જોગાનુજોગ આવતીકાલે ગાંધી જયંતી છે. નોબેલ પ્રાઈઝ નક્કી કરતી  વર્તમાન કમિટીને કદાચ એવી ખબર નહીં હોય કે વિશ્વને અહિંસક આંદોલન થકી વિશ્વ શાંતિનો વિચાર અને સિદ્ધિ સાથે તેના અમલનો વિચાર આપનાર મહાત્મા ગાંધીને  નોબેલ પ્રાઈઝ નથી અપાયું ત્યારે ટ્રમ્પના નામ પર વિચારણા પણ થાય તો તે ગાંધીજીનું વધુ એક વખત અપમાન થયું ગણાશે.  ખરેખર તો ગાંધીજીને આ સન્માન અર્પણ થયું હોત તો નોબેલ પ્રાઈઝનું ગૌરવ વધ્યું હોત. આજે પણ નોબેલ પ્રાઈઝની વિશ્વનિયતા પર શંકા કરવાનું કારણ એવું જ અપાય છે કે ગાંધીજીને જ  નોબેલ પ્રાઈઝ એનાયત નહતું થયું ત્યારે આ પ્રાઈઝની વેલ્યુ શું. 

ગાંધીજીના પ્રેરણાધારીઓને મળ્યા

આશ્ચર્યની વાત તો એ છે કે જે ઐતિહાસિક મહાન નેતાઓએ  જાહેરમાં એવો એકરાર કર્યો છે કે  ગાંધીજી  જ  અમારી પ્રેરણામૂર્તિ રહ્યા છે અને તેમણે આપેલ અહિંસાનો માર્ગ અપનાવી  જગતને  સમાન હક્કો અને સન્માન પ્રાપ્ત થાય તે માટે અમે  જીંદગી સમર્પિત કરી છે  તેવા  માર્ટિન લ્યુથર કિંગ (૧૯૬૪માં), દલાઈ લામા(૧૯૮૯), આંગ સાન સુ કયી(૧૯૯૧),નેલ્સન મંડેલા (૧૯૯૩) અને બરાક ઓબામા(૨૦૦૯)ને શાંતિનું નોબેલ પ્રાઈઝ અપાયું છે. નોબેલ પ્રાઈઝ કમિટીને અનેક વખત પ્રશ્ન  પૂછાયો  છે કે  શા માટે ગાંધીજીને અન્યાય કરવામાં આવ્યો છે પણ   સત્તાવાર રીતે તેઓએ આ માટેનું કારણ આપવાનું ટાળ્યું છે.

બ્રિટિશરોનું દબાણ

ઘણાને કદાચ ખબર નહીં હોય કે ગાંધીજી એક બે નહીં પણ પાંચ વખત ૧૯૩૭,૧૯૩૮,૧૯૩૯,૧૯૪૭ અને ૧૯૪૮ના વર્ષમાં   નોબેલ પ્રાઈઝ માટે નોમીનેટ થયા હતા છતાં દરેક વખતે તત્કાલિન કમિટીએ થોડી ઘણી ચર્ચા કરી તેમના નામ પર ચોકડી લગાવી દીધી હતી. ગાંધીજી સળંગ ત્રણ વર્ષ અને તે પછી ફરી સળંગ બે વર્ષ નોમીનેટ થાય તેના પરથી એ તો સ્પષ્ટ  બની જ ગયું હતું કે નોબેલ પ્રાઈઝ કમિટી પર કઈ હદે ગાંધીજીને નોબેલ આપવાનું  વૈશ્વિક દબાણ હશે.  પણ  તેની સામે ગાંધીજીને નોબેલ નહીં આપવાનું એક  કારણ એવું ચર્ચાતું હતું કે ગાંધીજીને નોબેલ પ્રાઈઝ આપવામાં આવે તો બ્રિટિશ શાસકો નારાજ થઇ જાય અને બ્રિટિશરો  ભારતમાં દમન સાથે  ગુલામી પ્રથા અખત્યાર કરે છે તેની સ્વીકૃતિ નોબેલ કમિટી જ  આપે છે તેવું વિશ્વ માનશે. બ્રિટીશ શાસકોએ જ ગાંધીજીને કોઈપણ સંજોગોમાં નોબેલ પ્રાઈઝ ન આપવું તેવો મેસેજ પાઠવી દીધો હતો તેવી પણ માન્યતા છે.  ૧૯૮૯માં દલાઈ લામાને શાંતિનું નોબેલ પ્રાઈઝ એનાયત થયું તે વખતે નોબેલ કમિટીએ સૌપ્રથમ વખત આડકતરી રીતે તેઓની ઐતિહાસિક મહાભૂલ કબુલતા વિશ્વ મંચ પરથી કહ્યું હતું કે 'આ વર્ષે દલાઈ  લામાને અપાતું નોબેલ પ્રાઈઝ તે ગાંધીજીને અંજલી સમાન અર્પણ છે તેવી અમે લાગણી અનુભવીએ છીએ.'

'ગાંધીજી વૈશ્વિક નહીં પણ  રાષ્ટ્રવાદી'

ગાંધીજી પાંચ વખત નોમિનેટ થયા હતા એટલે કમિટીએ તમામ વખતે તેઓ નોબેલનાં હકદાર છે કે નહીં તેની ચર્ચા તો કરવી જ પડે. જે પણ વ્યક્તિઓ નોમીનેટ  થઈ હોય તેની  તરફેણમાં કે વિરુદ્ધમાં જે પણ  કમિટી મેમ્બરે રજૂઆત કરી હોય તે રિપોર્ટ ચર્ચા ઉપરાંત લેખિતમાં પણ દસ્તાવેજ તરીકે સચવાતો હોય છે. નોમીનેશનનાં ૫૦ વર્ષ પછી આ રેકોર્ડ અંશતઃ કે પૂર્ણ  જો કમિટી ઈચ્છે તો જાહેરમાં મૂકી શકે છે. ગાંધીજીના પાંચેય વખતના નોમીનેશનને પચાસ વર્ષ વીતી જતા ગાંધીજીને કેમ નોબેલ પ્રાઈઝ નહતું  એનાયત થયું તેની કેટલીક વિગતો જરૂર બહાર આવી છે.

નોબેલ ફાઉન્ડેશન દ્વારા લખાયેલ લેખમાં એવું જણાવ્યું હતું કે ગાંધીજીનું પ્રદાન વૈશ્વિક જનહિતને નજરમાં રાખીને નહોતું પણ તેમણે ભારત દેશ માટે જ તેના જ નાગરિકોને કેન્દ્ર સ્થાનમાં રાખીને તેમના સિદ્ધાંતો સાથેનો આઝાદી માટેનો સંગ્રામ અહિંસક રીતે છેડયો હતો. નોબેલ પીસ પ્રાઈઝ કોઈ એક દેશ કે તેના નાગરિકો  માટે પ્રદાન આપનારાને નથી અપાતો. તે પછી ઉમેરાયું છે કે ગાંધીજી આ રીતે જોઈએ તો રાષ્ટ્રવાદી અને દેશભક્ત વ્યક્તિ વિશેષ હતા.

'ગાંધીજી સરમુખત્યાર !'

૧૯૩૭માં ગાંધીજીને શાંતિના નોબેલ પ્રાઈઝ માટ નોર્વેની લેબર પાર્ટીના સાંસદ ઓલે કોલ્બનર્સેને નોમિનેટ કર્યા હતા. બ્રિટન વિરુદ્ધ ભારતને સમર્થન આપતા દેશોના નાગરિકોએ બનાવેલ સંસ્થા  'ફ્રેન્ડસ ઓફ ઇન્ડિયા'એ  પણ  ૧૯૩૦ના દાયકામાં  ગાંધીજીનું નામ નોબેલ કમિટી સમક્ષ મુક્યું હતું.૧૯૩૭માં  જે ૧૩ નામ શોર્ટ લીસ્ટ થયા હતા તેમાં ગાંધીજીનો પણ સમાવેશ થયો હતો. ગાંધીજીને નોબેલ પ્રાઈઝ હરગીઝ આપી ન શકાય તેવું કારણ જણાવતા નોબેલ  કમિટીના સભ્ય પ્રોફેસર જેકો વોર્મ - મુલરે  લખ્યું હતું કે ગાંધીજી તેમના સિદ્ધાંતો બીજા પર ઠોકી બેસાડવાના એ હદના આગ્રહી હતા કે તેમને હું 'સરમુખત્યાર' માનું છું.તેમણે એવું પણ ઉમેર્યું કે ગાંધીજી મારા માટે  ભારતીયતા ધરાવતા એક સામાન્ય રાજકારણીથી વિશેષ કંઈ નથી.ભારતનાં નાગરિકો તેને બેહદ ચાહે છે.તેઓ ભલા અને ઉમદા તેમજ ઈશ્વરથી ડરતા ઇન્સાન છે. આઝાદીના લડવૈયા અને આદર્શવાદી છે. ઘણી વખત તેઓ જાણે ઈશુ ખ્રિસ્ત હોય તેમ વર્તે છે અને તે પછી કોઈ સામાન્ય રાજકારણી જેવા બની જાય છે.

અશ્વેતો માટે આંદોલન નહોતું કર્યું 

ગાંધીજીને નોબેલ નહીં આપવાના કારણ દર્શાવતા વધુમાં લખાયું હતું કે 'ગાંધીજીના સિધ્ધાંતો વૈશ્વિક કહી શકાય કે માત્ર ભારતના સંદર્ભમાં જ વ્યવહારુ છે  તે અમે નક્કી નથી કહી શકતા. નોબેલ કમિટીના સભ્યએ હદ તો ત્યારે વટાવી જ્યારે તેણે એવી નોંધ ટપકાવી કે 'ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પણ જે રંગભેદ વિરોધી આંદોલન છેડેલું  તે  મૂળ તો ત્યાં વસતા ભારતીયોને તે નજરે કેમ જોવામાં આવે છે તે માટેનું હતું. ખરેખર દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયો કરતા ત્યાં વસતા અશ્વેતોની સ્થિતિ ખુબ બદતર હતી. ગાંધીજીએ સાઉથ આફ્રિકાના  કે વૈશ્વિક અશ્વેતોને ગોરાઓ સમાન દ્રષ્ટિથી જુએ  અને સમાન હક્ક આપે તે માટે આંદોલન કર્યું જ નહોતું.' આમ ગાંધીજી ૧૯૩૭માં શાંતિ નોબેલ પ્રાઈઝથી વંચિત રાખવામાં આવ્યા હતા.

1938 અને 1939માં પણ બાદબાકી 

ફરી ૧૯૩૮ અને ૧૯૩૯ બંને વર્ષ નોર્વેના સાંસદ ઓલે કોલ્બનર્સે  દ્વારા જ ગાંધીજીનું નામ નોમીનેટ કરવામાં આવ્યું હતું. તે વખતે જેઓ પણ નોમીનેટ થયા હતા તેમના પર ખાસ ચર્ચા કર્યા વગર આ વખતે કમિટીએ વિશ્વના શરણાર્થીઓ માટે કાર્યરત નાનસેન ઇન્ટરનેશનલ  સંસ્થાને  નોબેલ પીસ પ્રાઈઝ જાહેર કરી દીધો હતો. ૧૯૩૯માં પણ સતત ત્રીજા વર્ષે ગાંધીજી નોમીનેટ થયા હોઈ કમિટી અંદરખાનેથી તેના ઈરાદામાં ખુલ્લી પડી જતી હોય તેવો માહોલ બંધાતો હોય તે સ્વાભાવિક છે. આ વખતે કમિટીએ ચાલાકી કરતા કોઈને પણ નોબેલ પ્રાઈઝ શાંતિ માટેનો આપ્યો જ નહીં. આ એવોર્ડની ઇનામી રકમ નોબેલ ટ્રસ્ટના ફંડમાં જમા કરી દેવી તેવો નિર્ણય લેવાયો. કોઈપણ કેટેગરીમાં આવું ભાગ્યે જ બનતું હોય છે.

ભારતમાં કત્લેઆમ અને નોબેલ?

હવે છેક ૧૯૪૭માં એટલે કે પ્રથમ વખતના નોમીનેશનનાં દસ વર્ષ બાદ ફરી ગાંધીજીનું નામ  નોબેલ કમિટીના ટેબલ પર આવ્યું. મુંબઈના વડાપ્રધાન બી.જી.ખૈર, સંયુક્ત પ્રાંતના પ્રીમિયર ગોવિંદ વલ્લભ પંત, ભારતની સાંસદના પ્રમુખ માવલંકરે સંયુક્ત રીતે ગાંધીજીને શાંતિનું નોબેલ પ્રાઈઝ મળવું જ જોઈએ તેના કારણો આપતો લાંબો તાર (ટેલીગ્રામ) નોર્વેના વિદેશ મંત્રાલયને મોકલ્યો. તે વખતે આવી પ્રક્રિયાથી નોમી નેશન કરવું પડતું. પત્ર નહીં પણ ટેલીગ્રામ જ માન્ય ગણવામાં આવતો હતો. તારમાં લખાયું હતું કે 'ગાંધીજી ભારતના તો ઘડવૈયા છે જ પણ વિશ્વમાં તેના જેટલી નૈતિકતા કોઈ વ્યક્તિ કે નેતામાં નથી,વિશ્વની શાંતિના તેઓ સૌથી મોટા પ્રભાવક તો છે અને અસાધારણ વૈશ્વિક નાગરિક પણ છે.' તે વર્ષે ગાંધીજીને પ્રાઈઝ ન મળે તે માટે ઇતિહાસવિદ્દ જેન  સેઈપની કોમેન્ટ જવાબદાર બની. સેઈપે લખ્યું કે '૧૯૩૭થી ૧૯૪૭નાં દાયકામાં જે ઘટનાઓ આકાર પામી તે ગાંધીજી અને તેના આંદોલનની સૌથી મહાન જીત અને સૌથી નાલેશીજનક હાર બંને પૂરવાર થઈ તેમ કહી શકાય. ભારતની આઝાદી અને ભારતના ભાગલા, એક બાબત સિદ્ધી બની રહી અને એક સાથે કાયમ માટે કલંક  જોડાઈ ગયું.ભારતમાં કત્લેઆમનાં દ્રશ્યો જોવા મળે છે. જે દેશમાં લોહીની હોળી ખેલાતી હોય અને લૂંટફાટ મચી હોય તે દેશના નેતાને નોબેલ પ્રાઈઝ કઈ રીતે આપી શકાય.' કમિટીએ ગાંધીજીને નિષ્ફળ અને વિવાદસ્પદ  જનનેતા ગણાવી તેમના નામ પર ચોકડી લગાવી દીધી.

આ તો ધર્મ સ્થાપી શકે

નોબેલ ફાઉન્ડેશનના લેખમાં જણાવ્યું હતું કે ૧૯૩૯માં ગાંધીજી નોબેલ પ્રાઈઝ મેળવવાથી  સૌથી નજીક હતા. કેમ કે તે વખતે ત્રણ જ દાવેદાર સ્પર્ધામાં હતા પણ આ વખતે કમિટીના સલાહકાર સીએપે લખ્યું કે ગાંધીજી કોઈ  ધર્મ સ્થાપવાનો ઈરાદો હોય તેવા તેમના આગવા સિદ્ધાંતો, રહેણીકરણી અને આહાર વિહારનો  તેમના અનુયાયીઓ પર પ્રભાવ પાડી રહ્યા છે. આવી વ્યક્તિના ઇરાદા આગવો સંપ્રદાય સ્થાપવાનો પણ હોય.આવી વ્યક્તિને નોબેલ ન આપી શકાય.

1945માં નોબેલની નજીક

 જો મૃત્યુ ન પામ્યા હોત તો  શું ૧૯૪૮માં નોબેલ પ્રાઈઝ એનાયત થવાનો હતો? આવી શંકા જવાનું કારણ એ છે કે ૧૯૪૮માં શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ કોઈને એનાયત નહીં થાય તેવી કમિટીએ અસાધારણ જાહેરાત કરી અને કારણ આપ્યું કે 'આ વખતે નોબેલ પ્રાઈઝ આપી શકાય તેવી કોઈ જીવિત વ્યક્તિ નથી.' ભારત ૧૯૪૭માં આઝાદ થયું અને ગાંધીજીને નોબેલ પ્રાઈઝ મળે તો ફરી બ્રિટિશરોને નીચા જોવા પણું થાય. તેઓ ગુલામોના શોષણખોર કે હિંસા ફેલાવનારા નહોતા તેવી વિશ્વ સમક્ષ છાપ છોડવા માંગતા હતા.ગાંધીજીને આઝાદી માટેનો જશ આપવા નહોતા માંગતા. 

જો કે ગાંધીજીનું કદ અને આભા વિશ્વમાં એ હદે છવાયેલી છે કે  તેમની સામે નોબેલ પીસ પ્રાઈઝ નિસ્તેજ અને ગરિમાની રીતે એકડા વિનાના મીંડા જેવું લાગે છે. ટ્રમ્પ તેને નોબેલ પ્રાઈઝ મળવું જોઈએ તેવો દાવો કરવાની હિંમત કરે તેમાં પણ નોબેલ પ્રાઈઝની ઇમેજ વામણી બની જાય છે.ગાંધીજીને નોબેલ નહીં આપીને નોબેલ પ્રાઈઝે ગુમાવ્યું છે. ગાંધીજીને નોબેલ એનાયત થયું હોત તો તેના ગૌરબ અને ગરિમાને ચાર ચાંદ લાગી ગયા હોત.