લોક ડાઉન : ચાલો ઘડિયાળના કાંટા પાછળ તરફ ફેરવીએ
- લોક ડાઉનમાં ભારે તનાવ હેઠળ એક સાથે ત્રણ મહીનાની ગ્રોસરી ખરીદી લાવનાર પુત્રને પિતાએ કહ્યું કે 'અમે તો આપત્તિ ના હોય તો પણ વર્ષ આખાના ઘઉં, ચોખા અને સિંગતેલ ભરી લેતા'
- લોક ડાઉનમાં ભારે તનાવ હેઠળ એક સાથે ત્રણ મહીનાની ગ્રોસરી ખરીદી લાવનાર પુત્રને પિતાએ કહ્યું કે 'અમે તો આપત્તિ ના હોય તો પણ વર્ષ આખાના ઘઉં, ચોખા અને સિંગતેલ ભરી લેતા'
ભવેન કચ્છી - વિવિધા
કોરોનાના હાલ ચાલી રહેલ લોક ડાઉન વચ્ચે સોશિયલ મીડિયામાં એક રસદાર પોસ્ટ ફોરવર્ડ થઈ. શાકભાજીની જરૃર જ ન પડે તેવી ૫૩ જેટલી ઘેર બની શકે તેવી વાનગીઓની તેમાં યાદી હતી. ભારતનો પ્રત્યેક પ્રાંત તેમાં તેમની બીજી ૫૦ આવી વાનગીઓનું લિસ્ટ ઉમેરી શકે તેમ છે. લોક ડાઉન કે કોઈપણ વિપરીત સંજોગોમાં ભારતના નાગરિકો વિશ્વના અન્ય દેશો કરતા ઉદાહરણીય ઝીંક ઝીલી શકે છે તેના ઘણા કારણો પૈકીનું એક બાપ દાદાઓથી ચાલી આવતી આપણી ખાદ્ય પ્રણાલી છે. લોક ડાઉનના આ સમયે ઘેર સંતાનો,માતા -પિતા અને દાદા -દાદી , નાના-નાની વચ્ચે ક્યારેય જોવા ન મળે તેવો સંવાદ શક્ય બન્યો છે. હવે બધા વિકલ્પોમાં મનગમતી રીતે સમય પસાર કર્યા પછી પણ સંતાનો કંઇક વિવિધતા મળે તે આશાએ વડીલોને કર્ણ દાન કરે છે એટલે કે સાંભળવા માટે બેસે છે. ઘરના સભ્યોએ અનુભવ્યું છે કે તેઓ વચ્ચે એ હદે કટુતા નહોતી પણ રોજે રોજનો તનાવ, ભાગદોડ, નાણાની ભીડ, હરીફાઈ અને અસલામતીની ભાવનાની અસર સંબંધો પર પડી હતી.
સંતાનોને પણ વડીલોના મુખેથી તેમના જમાનાની જીવનશૈલી અંગે જાણીને લાગ્યું કે સાદગી અને હાથ પર પૈસાની ખેંચ છતાં પરિવારનું ભરણ પોષણ ક્યારેય ભારણ પોષણ જેવું નહોતું બન્યું . માત્ર બે ટંક ખાવાની જ તકેદારી નહોતી રખાતી પણ સંતાનીને પોષક છતાં વૈવિધ્યસભર ભોજન, તુ પ્રમાણેનો આહાર, નાસ્તા, ફળ, આઈસક્રીમ, સરબત, કુદરતી સ્થળોનો વિહાર, સિનેમા, સાંસ્કૃતિક કાર્યક્રમો, તહેવારોની ઉજવણી, લગ્ન પ્રસંગો, સર્જનાત્મક પ્રતિભા બહાર લાવવા સાથે શિક્ષણ અને બદલાતા જમાના પ્રમાણેના સુઘડ કપડા બધું જ પ્રાપ્ય હતું.
લોક ડાઉન દરમ્યાન બાળકો હવે થોડા અકળાયા છે. મમ્મી પાસ્તા, મેગી અને બ્રેડ જ વારાફરતી નાસ્તામાં આપે છે. તેઓને કંઇક નવા નાસ્તાની તલાશ છે પણ બાળકોનો ઉછેર જ એવી રીતે થયો છે કે તેઓને સમય પસાર કરવાના વિકલ્પોથી માંડી નાસ્તો અને ભોજનની રેન્જનો પરિચય જ નથી કરાવવામાં આવ્યો. આ જ કારણે સંતાનોનો અન્ય આઈટમો માટે સ્વાદ -ટેસ્ટ જ ડેવલપ નથી થયો. મમ્મીઓ જાણે તેમના સંતાનો સુપર કીડ હોય તેમ કહે છે કે 'અમારા બાળકને તો સેન્ડવીચ,મેગી કે પાસ્તા સિવાય કંઈ ભાવતું જ નથી અને નાની વયે જ ટેકનોક્રેટ તો એવો કે સ્માર્ટ ફોનમાં જાતે જ એપ ઇન્સ્ટોલ કરીને જુએ છે અને ઇનસ્ટાગ્રામમાં ન જાણે શું જાતજાતનું મુકે છે.' આવી જ બાદશ ભોજન વખતે જોવા મળે છે. આપણા નાસ્તો ખાય તો જુનવાણી અને ભારતીય બાળક કહેવાય તેવો માતા પિતાને ડર છે! તેઓ તેને પશ્ચિમી બનાવવા માંગે છે . અગાઉના જમાનામાં મધ્યમ વર્ગના પરિવારમાં પણ દાળ, શાકભાજી, કઠોળ, અથાણા, છાશ, કચુંબરની જે વિવિધતા અને સ્વાદની સોડમનો સ્પર્શ જોવા મળતો તે પેટ જ નહીં દિલ અને દિમાગમાં જાણે બત્રીસ કોઠે દીવા પ્રજવલિત થયા હોય તેવો એહસાસ કરાવતો.
આ લોક ડાઉન દરમ્યાન આપણી આગવી ભોજન પદ્ધતિ ઘણા ઘરોમાં ફરી મઘમઘતી અને ધમધમતી થઇ છે. જુની અને નવી પેઢી બંને વચ્ચે મોકળાશ અને હળવાશ છે. હજુ તમે તક ના ઝડપી હોય તો હજુ લોક ડાઉનના બાકીના દિવસો 'બેક ટુ પાસ્ટ' અને 'બેક ટુ નેચર'ની દુનિયામાં ડોકિયું કરી લેજો. નવી પઢીને કહેવાનું કે અહંકાર ત્યજી શીખી લો, જાણી લો કેમ કે હવે એક વાત નક્કી થઈ ગઈ છે કે આગામી સમયગાળામાં માનવ સજત કે કુદરત નિમિત્ત પડકારો, આથક મંદી, બેરોજગારી અને આવા વાયરલ રોગચાળાઓ આવતા જ રહેવાના. આપણે પૃથ્વી અને પર્યાવરણની સમતુલાને પણ ભયજનક રીતે ખોરવી ચુક્યા છીએ. આવે સમયે આપણા બાપ દાદા જે રીતે કુટુંબ સંભાળતા તે મોડેલ પણ નવી પેઢીએ નજરમાં રાખવું જ રહ્યું. છેલ્લા દાયકાઓમાં આપણે એવી તો ભૌતિક અને આથક પ્રગતિ કરી કે જેના ફાંકામાં આવીને જુનું બધું જ આઉટડેટેડ અને વડીલો એટલે ઘરનું ફર્નીચર તેવા ઘમંડમાં આપણે રાચતા હતા પણ કપરા સમય વખતે આપણને સમજાય છે કે આપણી કહેવાતી પ્રગતિ સાબુના પાણીના ફૂગા જેવી છે. આપણે થોડા પડકારમાં માનસિક રીતે તૂટી પડીએ છીએ.૨૫-૩૫ વર્ષ પહેલા મનોચિકિત્સક એટલે પાગલના ડોકટર તેવી સમજ જ હતી. હવે ઘણાને પોતાના ફેમીલી ડોકટર જેમ મનોચિકિત્સક છે. ડીપ્રેસન, સ્ટ્રેસ, દામ્પત્ય જીવન ટકાવી રાખવા હવે અત્યંત જરૃરી બન્યો છે તે શબ્દ 'સ્પેસ'ની આપણા વડીલોને ખબર જ નહોતી. આત્મહત્યાના કિસ્સાઓ હિંમત હારી જવાને કારણે નહીવત જોવા મળતા.અત્યારે લોક ડાઉનમાં સમય જ સમય છે ત્યારે નવી પેઢીને ઉતારી પાડીને નહિ પણ એક સંવાદની આપ લે ના આશયથી સંસ્કારી પરિવારમાં વડીલે સંતાનોને તેઓ કઈ રીતે પરિવાર સંભાળતા અને સંતાનોએ તેમનો અહમ ઓગાળી વડીલો જોડે ગોઠડી માંડવી જોઈએ કે ક્યાંથી આવતી હતી તે અખૂટ શક્તિ.
કોરોનાના ભય હેઠળ એક સાથે ત્રણ મહિના જેટલી ગ્રોસરી લઈને આવેલા સંતાનને તેના પપ્પાએ કહ્યું કે આપણા બાપદાદા કેવા દીર્ઘદ્રષ્ટિ ધરાવતા હશે. તેઓનું જોઇને અમે પણ ઘરમાં એક વર્ષના ઘઉં, ચોખા અને સિંગતેલના ડબ્બા ભરી લેતા. ઘણા પરિવારો આ રીતે તુવેરની દાળ અને કઠોળ ખરીદી લેતા. એક વખત ઘઉં, ચોખા અને સિંગતેલ વર્ષના આવી જાય તે પછી કોઈપણ વિપરીત સંજોગોનો ડર નહોતો રહેતો. અમુક મહિનાની આવક ઘટે તો પણ ચૂલો સળગતો રહેતો.
વડીલે સંતાનો અને પૌત્ર-પૌત્રીને પણ આ સંવાદમાં રસ પડે છે તે જોયું અને ઉમેર્યું કે તમે એ પણ આ વિપત્તિની વેળાએ જાણી લો કે ભારત દેશના ગરીબો અને મધ્યમવર્ગની ૮૦ કરોડની વસ્તીને શાકભાજી ન મળે તો પણ આપણી સંસ્કૃતિનો એવો વારસો છે કે આપણી પાસે અથાણાં છે જે વૈભવ વિદેશીઓ પાસે નથી. હવે તો ઓછા આવા પરિવારો છે પણ અમારી માતા વર્ષ આખું ચાલે એટલા ખાટા, તીખા,ગળ્યા પાંચ સાત જાતના કાચી કેરીના, ગુંદા અને કેરડાનાં અથાણાં બનાવી મોટી બરણીમાં કપડું વીંટાળીને એવી રીતે મુકતી કે બીજું કઈ જ ન હોય તો રોટલી અને થેપલા જોડે અથાણું ખાવાની મજા કંઇક ઓર જ રહેતી. આપણી પાસે ઘઉંની રોટલી અને બાજરાના રોટલા જેવું ઈશ્વરનું વરદાન છે જે વિશ્વના દેશો પાસે નથી. રોટલી કે રોટલા જોડે દૂધ કે છાશ હોય તો પણ બીજી કોઈ વસ્તુની જરૃર ન પડે.. તેવી જ રીતે રોટલી અને રોટલા જોડે એકલી કાચી ડુંગળી હોય તો પણ જમાવટ. ઉનાળાની આખી તુ આપણે માત્ર રોટલી અને પાકી કેરીના અમૃત રસ થકી જાણે ઇન્દ્રના દરબારમાં બેઠા હોઈએ તેવી આહ્લાદક અનુભતી મેળવી શકીએ. વાટકીમાં ખાવાનું તેલ, મરચું, મીઠું અને થોડી હિંગ નાખીને તે મિશ્રણને રોટલી પર ચોપડીને તેનું બીડું વાળીને આઠ દસ રોટલી તો એમ જ બપોરે નાસ્તામાં ઠપકારી દેવાતી. તેમાં ઘણા વળી એવી સર્જનાત્મકતા લાવ્યા કે દુધની તપેલીમાં દૂધ પર તરતી મલાઈનો રોટલી પર થપેડો કરીને ઉપર ખાંડ ભભરાવીને બીડું વળી ખાઈ જવાનું, ત્યારે ક્યાં બ્રેડ બટર હતા. . અને હા.. રોટલીના નાના ટુકડા કરી તેમાં ઢીલો ગોળ અને થોડું ઘી નાંખીને મસળી નાંખવાનો એટલે બૌઓ તૈયાર.
કાચા મમરા અને પૌઆમાં તેલ, મીઠું મરચું, હિંગ નાંખીને ખાવાની કેવી મજા આવતી. તેમાં ડુંગળી અને કાચી કેરી પણ સમારી શકાય. ઉનાળાની આ જ સિઝનમાં ઘેર પાડોશી ગૃહિણીઓ સાથે બેસીને ચોખાના પાપડ વણવામાં આવતા. જેનું ખીચું લઇ તેલમાં બોળીને બાળકો દોડી જતા. અગાસીના તડકે પાપડને સુકવવા જવાના દિવસો યાદ આવતા આંખો ભરાય જાય તેમ છે. એ જ રીતે બટાટાની જાળીવાળી વેફર પડતી જોઇને કૌતુક થતું. આ બધું વર્ષ દરમ્યાન બપોરના નાસ્તામાં રહેતું. જાડી સેવ, ઝીણી સેવ, સકરપારા, ખારી પૂરી પણ બનતી. હજુ પણ ઘણા ઘેર આ બધું હાજર જ છે પણ નવી પેઢીમાં તે ટેસ્ટ ડેવલપ નથી થઇ શક્યો. નવી પેઢીની મમ્મીઓએ આવું બધું બનાવતા રહીને રજાના દિવસે ઘરમાં એક વાતાવરણ અને ટેમ્પો ઉભો કરવો જોઇશે. અમને કોઈ ખાવાનું નહોતું કહેતું પણ તે રસોઈ ઉત્સવમાં સહજ રીતે સામેલ થઇ જતા. અત્યારે રેડીમેડ રેંજ ખાસ્સી છે પણ તે સ્વાસ્થ્ય માટે ભારે હાનિકારક હોય છે. સંતાનોને કિંમતની તુલના કરીને પણ સમજાવવું જોઈએ કે તું જે દસ રૃપિયામાં મેળવે છે તે દસ રૃપિયામાં ઘેર શુદ્ધ હું કેટલી વધુ માત્રામાં તને આપી શકું છું.
લોક ડાઉનમાં નવી પેઢીને એટલી તો ખબર હોવી જ જોઈએ કે આપણી પાસે આહાર અને વિહારની એવી સંસ્કૃતિ છે જે તેઓને ઓછી જરૃરિયાતો વચ્ચે પણ જીવાડી શકે છે. અમેરિકા અને પશ્ચિમના દેશો લોક ડાઉનમાં પાગલ અને માનસિક દર્દીઓ બની ગયા છે તેની તુલનામાં આપણે લોક ડાઉનને અવસર અને માનવજગતને કુદરતે આપેલ બોધપાઠ તરીકે જોઈએ છીએ. અમેરિકા અને યુરોપમાં મૃતકોમાં ૮૦ ટકા વૃદ્ધો છે જેઓ વર્ષોથી ઘરડાઘરમાં કે તેમના ઘેર એકલા રહે છે. આપણા જેવા પરિવારના સંસ્કાર અને સંસ્કૃતિ ત્યાં નથી તેની કિંમત તેઓ ચૂકવી રહ્યા છે. આજની યુવા પેઢીના આવતીકાલે આવા હાલ થવાના છે. આપણા વડીલો તેમના સંતાનો જોડે સાથે કે દુર હોય તો પણ પ્રેમ અને સુશ્રુષા મેળવે છે.
પાડોશીઓ, સામાજિક, ધામક સંસ્થાઓ અને એક નાગરિક બીજાની મદદ માટે હંમેશા તત્પર છે. કોરોના વાયરસ આપણા શરીરની આંતરિક સિસ્ટમને હચમચાવી શકે પણ આપણી સંસ્કૃતિ ઢાલ બનીને વાયરસને તે હદે પાયમાલ કરવાના ઈરાદામાં સફળ નહીં થવા દે. નવી પેઢીએ જૂની પેઢીનું ખેલદિલીપૂર્વક અપનાવવા જેવું ગ્રહણ કરવું અને પશ્ચિમના રવાડે નહીં પણ સંતાનોનો રોટલી ખાતા રાખીને ઉછેર કરવો રહ્યો કેમ કે રોટલી -મીઠું પણ કપરા સંજોગોમાં જીવાડી જશે.