Get The App

મધપૂડા ઉછેરમાં એક્કો રોહિણી પાટીલ

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
મધપૂડા ઉછેરમાં એક્કો રોહિણી પાટીલ 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- ભારત દર વર્ષે 1.5 લાખ મેટ્રીકટન મધનું ઉત્પાદન કરે છે. વિશ્વમાં મોટાપાયે મધની નિકાસ થાય છે. ભારતની ઘણી બહેનો, 'મધપૂડા ઉછેરવા'નું કામ કરે છે. આ મહિલાઓમાં વ્યાપક બનતો વ્યવસાય છે

કો ઈપણ વ્યકિતની જીજ્ઞાસા અને તે માટેની ઉત્સુકતા તેના સ્વપ્નની પાયાની ઈંટો છે. તેના ઉપર વ્યક્તિ ખંત, દ્રઢ મનોબળ અને સંપૂર્ણ સમર્પિત થઈને સફળતાનું મકાન બનાવી શકે છે. આજે વાત કરવી છે, આવી જ મહારાષ્ટ્રની રોહિણી પાટીલની. જેની જીજ્ઞાસાએ તેને સામાન્ય ગૃહિણીમાંથી, લાખોની ઇનટરપ્રીનર બનાવી દીધી.

મહારાષ્ટ્રના સતારા જીલ્લામાં પહાડોની વચ્ચે આવેલા સુલુવાડી ગામની આ સામાન્ય ગૃહિણી. ઘરકામ, ૬ મહિનાના બાળકનો ઊછેર અને બાકીના સમયમાં ખેતર પર જઈ પતિને મદદ કરવી. તે રોહિણીનું જીવનકાર્ય. પણ રોહિણીની એક ખૂબી નાનપણથી રહી કે, તેનામાં કોઇપણ વસ્તુ કેવી રીતે થાય છે, તે શા માટે છે, તેની કાર્યવાહી વગેરે વગેરે જાણવાની નાનપણથી જીજ્ઞાસા ને ઉત્સુકતા. એકવાર રોહિણી ખેતરમાં મદદ કરવા આવી અને ત્યાં આવતા રોજીંદા દૈનિક પેપરમાં તેણીએ 'મધમાખી ઉછેર' માટેની જાહેરાત વાંચી.

જીજ્ઞાસુ, રોહિણીને પ્રશ્ન થયો, આ 'મધુમખ્ખી ઉછેર' કેવી રીતે કરાય ? અને તેનાથી શું ફાયદો થાય ? તેણીએ પાસેના ખેડૂતોને પૂછવા પ્રયત્ન કર્યો. પરંતુ તેને સંતોષકારક જવાબ ના મળ્યો આથી સુલુવાડીમાં ખેતીવાડીની ફરજ બજાવતા ઓફિસરને 'મધમાખી ઉછેર કેન્દ્ર'ને તેનાથી થતા ફાયદા વિષે પૂછયું. તો તેમણે મહાબળેશ્વરના મધમાખી કેન્દ્ર અંગે માહિતી આપી અને ત્યાં જઈ માહિતી મેળવવા જણાવ્યું.

રોહિણી તેના નક્ષત્રની જેમ જિજ્ઞાસાનું તેજ જીવનમાં ધરાવતી હતી. આથી તે મહાબળેશ્વરના મધમાખી ઉછેર કેન્દ્ર પર પહોંચી ગઈ. ત્યાં તેણે મધમાખીઓનો ઉછેર જોયો અને તેમાંથી નીકળતા મધ વિષે જાણ્યું. તેની ઉત્સુક આંખોએ જોયું કે, આ વ્યવસાયમાં, ઓછી જગ્યામાં મધમાખીઓને ઊછેરી, ઘણું મધ મેળવી શકાય છે અને આ વ્યવસાયમાં સો ટકાનો નફો ઓછા રોકાણ સાથે છે.

રોહિણીએ મહાબળેશ્વરના મધમાખી કેન્દ્રના કર્મચારીઓને પોતાને શીખવાડવાની વિનંતી કરી. પરંતુ તેઓની શરત હતી, ત્યાં અઠવાડીયું રહેવું પડે. રોહિણીને માથે ૬ મહિનાના બાળકના ઊછેરની અને ઘરની જવાબદારી હતી, તે કેવી રીતે ૬ દિવસ રહી શકે ?

મહાબળેશ્વર મધમાખી ઉછેર કેન્દ્રવાળા કર્મચારીઓએ જણાવ્યું કે, જો સુલુવાડી ગામમાં ૩૦ થી ૩૫ બહેનો ભેગી થાય તો, તેઓ મધમાખી ઉછેર કેન્દ્રની ટ્રેનિંગ આપે.

રોહિણીની જીજ્ઞાસાને તો જાણે પાંખો મળી....

રોહિણીએ સુલુવાડી ગામમાં આવીને તે ગામની અને આસપાસની બહેનોને મધમાખી ઉછેર અને તેના ફાયદાઓ વિષે તેમજ તેમાંથી ઉત્પન્ન થતા મધના વ્યવસાય અંગે સમજાવ્યું. લગભગ ૩૫ મહારાષ્ટ્રીયન બહેનો, જેમને પોતે આર્થિક રીતે પગભર થવું હતું તે ભેગી થઈ. અને મહાબળેશ્વર મધમાખી કેન્દ્રવાળા કર્મચારીઓએ તેમને મધમાખી ઉછેરની સંપૂર્ણ ટ્રેનિંગ આપી.

રોહિણીની જીજ્ઞાસાએ આ મહિલાઓને આર્થિક રીતે પગભર થવાના બારણા ખોલી આપ્યા.

તેમાંની કેટલીક બહેનોએ ૫૦૦૦ રૂ. ભેગા કરી સહકારી મંડળી જેવું બનાવી 'મધમાખી' ઉછેરનો વ્યવસાય શરૂ કર્યો, પરંતુ તે લાંબો ન ચાલ્યો. બધી જ બહેનો પાણીમાં બેસી ગઈ.

હવે એકલી રહી રોહિણી. પરંતુ તેની આ વ્યવસાય અંગેની સમજ, આંતરસૂઝ અને દીર્ઘદ્રષ્ટિ જબરજસ્ત હતા. આથી તેણીએ નક્કી કર્યું કે, હું એકલી આ મધમાખી ઉછેરનો વ્યવસાય શરૂ કરીશ.'

પણ આ માટે ઓછામાં ઓછા મધમાખીના ૩૫ બોક્સ ખરીદવા પડે, તેને માટે દોઢ લાખ (૧.૫ લાખ) રૂપિયા જોઈએ. આ સામાન્ય ગૃહિણીએ આટલી મોટી રકમ લાવવી ક્યાંથી ?

કહેવાય છે ને વેર ધેર ઈઝ વીલ, ધેર ઈઝ અવે. રોહિણીએ પોતાના ઘરેણા ગીરવી મૂકયા અને દોઢ લાખ રૂપિયાની લોન લીધી અને મધમાખીઓના ૩૫ બોક્સ ખરીદી, મધમાખી ઉછેરવાનો વ્યવસાય શરૂ કર્યો. રોહિણીએ આ મધમાખીઓ કોલોની વિકસાવે, માટે કોલોનીના દસ બોક્સ લીધા. અને મધમાખી ઉછેર શરૂ કર્યો.

પરંતુ અહીં રોહિણી પાટીલને જબરજસ્ત નિષ્ફળતાનો સામનો કરવો પડયો. કેટલાક બોક્સના કાણાઓમાંથી મધમાખીઓ ઊડી ગઈ, તો કેટલાક બોક્સને ફુગ લાગી વગેરેને કારણે થોડાક બોક્સમાંથી જ મધ નીકળ્યું. પરંતુ તેને આમાં ૪૮૦૦૦ રૂ. મળ્યા. પણ રોહિણી આ નિષ્ફળતાથી ડરી નહિ. તેણે આમાંથી બીજા બોક્સ ખરીદ્યા અને આ વખતે કોયા ડેમ પાસે આવેલા જંગલોમાં આ બોક્સ મૂક્યા. અહીં જંગલોમાં આયુર્વેદિક વૃક્ષો થતા હતા,

 જેમાં જાંબુ, કુંભા, અનજન વગેરે. મધમાખીઓ આ વૃક્ષો પર ઊડી પરાગરજ લાવી તેમાંથી મધ બનાવી. તે કાણાઓ પર એકઠું થતું. આ મધ કાઢી તે ગાળી અને ચોખ્ખુ કરી રોહિણી પાટીલ ઘેરથી મધ વેચતી. આ મધ 'ઓરગેનીક મધ' તરીકે વેચતા કારણે આયુર્વેદિક વૃક્ષોના ફૂલોના પરાગરજથી મધમાખીઓ બનાવતી.

રોહિણી ભણેલી ઓછુ હતી, પણ ગણેલી હતી. તેણીએ સોશીયલમીડીયાની થોડી ટ્રેનિંગ લીધી અને વોટસપર વગેરે પર જાહેરાત કરવા માંડી. સુલુવાડી સતારામાં આવેલા એક એનજીઓએ તેને સપોર્ટ કર્યો અને આ સંસ્થાના લોગો હેઠળ રોહિણીએ તેના મધના વેચાણને બ્રાન્ડ નેમ આપ્યું. 'ફોરેસ્ટ હની' નામ આપ્યું અને રોહિણીએ એ નામથી શરૂ કરયું અને તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

રોહિણી જણાવે છે કે સપ્ટેમ્બર ઓકટોબરમાં તે મધમાખીના બોકસીસ ખરીદે છે, તે બે મહિના મધમાખીઓનો ઉછેર કરે છે. પછી તે બોકસીસ જંગલમાં મૂકી આવે છે. પછી બે મહિનામાં પાછા લાવે છે અને જરૂર પડે તો સુગર સીરપ આપે છે. દર પંદર દિવસ આ બોક્સમાં રહેતી મધમાખીઓનું સ્વાસ્થ્ય તપાસવું પડે છે. પછી એપ્રિલ-મેમાં તે મધ બોક્સ પરથી લઈ આગળ શુધ્ધ કરી, પેક કરી બ્રાન્ડ નામથી વેચાણ કરે છે.

આજે રોહિણી પાટીલ જેણે ઘરેણા ગીરવી મૂકયા હતા તે વર્ષે ૨૫ લાખ રૂપિયા કમાય છે. તે લગભગ ૯૦૦ કિલોગ્રામ મધનું વેચાણ કરે છે. તેની પાસે ઓફિસ પણ છે અને તે મધમાંથી બીજી પ્રોડકટસ પણ બનાવે છે.

આખા મહારાષ્ટ્રમાં રોહિણી પાટીલ 'હની વુમન' તરીકે જાણીતી છે.

તે મહિલાઓને સંદેશ આપે છે કે, 'તમે તમારું ગૃહજીવન જરૂર જીવો પરંતુ તમારી અંદરની જીજ્ઞાસા અને સ્વપ્નને પણ જરૂર પાંખો આપો.'