Get The App

'પોટલોઈ' કલાકાર રાધાદેવી

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
'પોટલોઈ' કલાકાર રાધાદેવી 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- 'પોટલોઈ' એ મણીપુરી વધૂ (બ્રાઈડ) દ્વારા મણીપુરી લગ્નમાં પહેરાતો પહેરવેશ છે

''હું લાંબુ જીવીશ નહિ તો ચાલશે, પરંતુ મણીપુરની 'પોટલોઈ' કલા હંમેશા જીવીત રહેવી જોઈએ અને તે પેઢીઓ સુધી વિકાસ પામતી રહે તેમ હું ઈચ્છું છું. કારણ કે આ કલા મણીપુરનો સાંસ્કૃતિક વારસો છે અને મેં અને બીજા અનેક કલાકારોએ 'પોટલોઈ' કલાને વિકસાવવામાં, અથાગ પરિશ્રમ કર્યો છે.'' આ શબ્દો છે મણીપુરના ૮૯ વર્ષના 'પોટલોઈ' કલાકાર એબેડો રાધાદેવીના. (એબેડો એટલે મણીપુરી ભાષામાં દાદામાં ગ્રાનડ માને એબેડો કહે છે. રાધાદેવી છેલ્લા ૫૮ વર્ષથી 'પોટલોઈ' કલાની સાથે કાર્યરત છે.

'પોટલોઈ' એ મણીપુરી વધૂ (બ્રાઈડ) દ્વારા મણીપુરી લગ્નમાં પહેરાતો પહેરવેશ છે.

ભારતમાં કુલ ૨૮  રાજ્યો છે. દરેક રાજ્યની જેમ ભાષા, સંસ્કૃતિ જુદા જુદા છે, તેમ બ્રાઈડલવેર પણ જુદા જુદા છે. મહારાષ્ટ્રમાં નવવારી પૈટની પહેરાય છે. તામીલનાડુ, આંધ્રપ્રદેશ, કેરાલા, કર્ણાટક, મધ્યપ્રદેશ વગેરેમાં કાજીવરમ સીલ્કની સાડી જુદી જુદી રીતે પહેરાય છે, ગુજરાતમાં ઘરચોળુ કે પાનેતર પહેરાય છે, રાજસ્થાનમાં ચણીયાચોલી પહેરાય છે. તો પંજાબમાંથી કાશ્મીર સુધીમાં ભારે સરવાલ-કમીજ પહેરાય છે, ગોવામાં ગાઉન પહેરાય છે, તેલંગણામાં પટ્ટુ સાડી પહેરાય છે, બંગાળમાં સફેદ સાડીને લાલબોર્ડવાળી પૂજા સાડી પહેરાય છે, તો હિમાચલપ્રદેશ, સીક્કીમ, નાગાલેન્ડ વગેરેમાં શાલને સાડીની જેમ અર્ધવસ્ત્ર તરીકે ઓઢી વધુને શલગારાય છે જેને 'બાકુ' કહે છે તો મણીપુરમાં વધૂના પરિધાનને 'પોટલાઈ' કહે છે.

'પોટલાઈ' બ્રાઈડલવેર એ સીલીનકરીકલ સ્કર્ટમાંથી બનાવવામાં આવે છે. રાધાદેવી છેલ્લા ૫૮ વર્ષથી આ બ્રાઈડલવેર બનાવે છે. તેમણે આજ સુધીમાં લગભગ ૧૦૦૦ મણીપુરી વધૂઓ (બ્રાઈડ) માટે 'પોટલોઈ' બ્રાઈડલ ડ્રેસ બનાવ્યા છે અને હજુ તેમનું કામ ચાલુ જ છે.

રાધાદેવી આ અંગે જણાવે છે કે, 'જેમ જેમ 'પોટલોઈ'- ના જુદા જુદા ઓર્ડર આવતા જાય છે, તેમ તેમ મને દરેક ડ્રેસ માટે નવા નવા આઈડીયા સુઝતા જાય છે. હું ડ્રેસ તૈયાર કરીને આપું અને મંડપમાં, મણીપુરી વધુએ 'પોટલોઈ' ડ્રેસ પહેરીને આવે અને જે પ્રશંસા થાય અને તે સુંદર લાગે ત્યારે મને જે આનંદ થાય છે તે જ મારી કમાણી છે.'

કારણ કે, કોઈપણ કલાકાર માટે, પૈસા કરતા તેની કલાકૃતિની પ્રસંશા અને સુંદરતા વધારે અગત્યના છે અને વધારે છે.

'પોટલોઈ' મણીપુરી વધૂના ડ્રેસમાં, નીચે સીલીન્ડરીફુલ ફુલેલો સ્કર્ટ હોય છે. તે સામાન્ય રીતે લાલ, પીળો કે લીલા રંગનો હોય છે. જેના ઉપર ભરતકામ, તોઈકામ, મીરરર્વક, વગેરેથી સુશોભિત કરવામાં આવે છે. ઉપર જોડાયેલ બ્લાઉઝ હોય છે. જે સામાન્ય રીતે વેલવેટનો હોય છે અને પ્લેન હોય છે બ્લાઉઝ ને સ્કર્ટની વચ્ચે પટ્ટો હોય છે જે ચકચકીત સોનેરી, રૂપેરી કાપડનો કે મોતી કે અન્ય સામગ્રીનો બનેલો હોય છે. ઉપર ઓઢણા જેવું સામાન્ય રીતે સફેદ રંગનું, નાયલોન, જોરજેટ કે સફેદ જરીવાળું કપડું હોય છે તે ઉપર ઓઢે છે. તેના પર પણ સુંદર કામ કરેલું હોય છે.

પોટલાઈ ડ્રેસ રામલીલાથી શરૂઆત થઈ હતી, પછી તે સામાન્ય વધુના ડ્રેસ તરીકે પ્રચલીત થયો કારણ કે તે દેખાવમાં ખૂબ સુંદર અને આર્કષક હોય છે.

રાધાદેવીના ૧૩ વર્ષની ઊમરે બાળલગ્ન થઈ ચૂક્યા હતા. તેમને દાંપત્યજીવનમાં સાત સંતાન હતા. તેઓ અને તેમના પતિ નાની ચાની દુકાન ચલાવતા હતા. પરંતુ આનાથી થતી આવક આટલા મોટા કુટુંબ માટે પૂરતી ન હતી. આથી રાધાદેવી તેમના બાજુના પડોશી ને 'પોટલાઈ' વધુ ડ્રેસ બનાવવામાં મદદ કરતા. તે સ્કર્ટ પર તોઈ ચોડી આપતા, મીરરવર્ક કરતા, મોતી ટાંકી આપતા જેમાંથી તેમને આવક થતી, આ 'પોટલાઈ' કલા શીખવાની શરૂઆત રાધાદેવીની પડોશીને ત્યાંથી થઈ. નાનપણથી રાધાદેવીને આ ડ્રેસ ખૂબ ગમતો, આથી નવી નવી રીતે કેવી રીતે સુશોભન થાય તે તેમના ધ્યાનમાં હતું અને આ કલા ને જુદી જુદી રીતે તેઓ શણગારતા ગયા.

તેમના સાત સંતાનોમાં ની એક દીકરીએ, શાળામાં રામલીલામાં ભાગ લીધો. તેને આ 'પોટલોઈ' ડ્રેસ પહેરવાનો હતો. 

પરંતુ રાધાદેવીના કુટુંબ પાસે આ ડ્રેસ ખરીદવાના પૈસા હતા નહિ, આથી રાધા દેવીએ 'પોટલોઈ' ડ્રેસ જાતે બનાવવાનો શરૂ કર્યો. સાત દિવસમાં તેમણે એટલો સુંદર બનાવ્યો કે તેમના પતિ અને આસપાસના લોકોએ 'પોટલોઈ' ડ્રેસ બનાવીને વેચવાની સલાહ આપી. આમ રાધાદેવીની 'પોટલોઈ' કલાની સફર શરૂ થઈ.

રાધા દેવીએ 'પોટલોઈ' કલા અંગે જાણીતા ત્યાંના સીનીયર 'પોટલોઈ' કલાકાર અને નૃત્યનીદેશક પાસેથી વધારે ઊંડાણમાં આ કલા શીખવાની તાલીમ લીધી અને આ તાલીમ પછી રાધાદેવીએ 'પોટલોઈ' બ્રાઈડલવેર બનાવવાનું શરૂ કર્યું. રાધા દેવી કહે છે કે 'પોટલોઈ'ની બનાવટ ચોક્કસથી આર્થિક ઉર્પાજન કરી આપતી હતી. પરંતુ મારે માટે તે એક કલા હતી અને છે.

રાધાદેવી જણાવે છે કે, 'શરૂઆતમાં પોટલોઈ'નો એક ડ્રેસ બનાવતા ૧૫ દિવસ થતા કારણ કે એ સમયે ર્સ્કટ લેવું પડતું, પછી તેને કડક કરવા માટે ચોખાના પાણીમાં બોળી સૂકાવવું પડતું, તેમાં જો વરસાદ પડે તો બધી મહેનત પાણીમાં જતી. કડક થયા પછી અંદર બકરમ જેવું કપડું સીવવું પડતું, જેનાથી ર્સ્કટ ફૂલેલું અને કડક રહે. 'પોટલોઈ' બ્રાઈડલવેરની આ જ ખાસીયત છે કે તે સ્કર્ટ ફૂલેલું અને સીલીનડરીકલ હોય છે. પછી તેના પર તોઈ, ભરતકામ વગેરે કરાતું પછી, મેચીગ વેલવેટ બ્લાઉઝ અને ઉપરનું ઓઢણું તૈયાર થતું. એ વખતે કિંમત લગભગ ૫૦૦ રૂ. જેવી રહેતી.

આજે રબરનીપટ્ટીઓ આવી ગઈ છે. આથી રાધાદેવી ર્સ્કટને સીલીંડર શેપ આપી, ફૂલેલી પરિસ્થિતિ પછી તેના પર જરીકામ, જરદોસી કામ, મોતીકામ, ભરત, તોઈથી સુશોભીત કરાય છે. આમ હવેના રૂ. ૧૦,૦૦૦થી શરૂ કરીને લગભગ ૩૦,૦૦૦ રૂ.થી પચાસ, સાંઈઠ હજાર સુધી હોય છે.

રાધાદેવી લગ્ન વગરની સીઝનમાં 'પોટલોઈ' ઢીંગલીઓ બનાવે છે. ચોખાના છડાય પછી, જે મટીરીયલ વધે તેમાંથી 'પોટલોઈ' ડોલ્સ ખૂબ સુંદર બનાવે છે. જે ઘણા પ્રદશનોમાં મણીપુરના સ્ટોલમાં મૂકવામાં આવે છે.

આ ઉપરાંત રાધાદેવી મણીપુરના ખૂબ જાણીતા નૃત્ય, 'ખમબા-થોઈબી' માટે આ 'પોટલોઈ' ડ્રેસ બનાવે છે.

આટલેથી રાધાદેવીની 'પોટલોઈ' માટેની કલાયાત્રા અટકતી નથી. તેઓ સ્ત્રીશક્તિકરણમાં પણ સંપૂર્ણપણે માને છે. કેટલીયે મણીપુરની બહેનોને 'પોટલોઈ' કલા શીખવાડી છે, જેના દ્વારા આ બહેનોએ આર્થિક ઉર્પાજન કરી પગભર બની છે. રાધાદેવીએ પણ 'પોટલોઈ' કલા દ્વારા થયેલા આર્થિક ઉર્પાજનથી તેમના સંતાનોનાં શિક્ષણ પાછળ ખર્ચ કર્યો છે.

રાધાદેવી સમાજસેવિકા અને એકટીવીસ્ટ પણ છે. દારૂની લતની સામે તેઓ વિરોધ કરી, ઘણાને પૂર્નસ્થાપિત થવા માટે કામ કરે છે.

મહિલાઓને સંદેશ આપતા રાધાદેવી કહે છે કે 'કલાકારની કલા તેની સાથે તેની આંખો બંધ થાય ત્યાં સુધી હોય છે. તેને ઊમરના કે મુશ્કેલીઓના સીમાડા નડતા નથી.'

Tags :