Get The App

આ મીસીસ યુનિવર્સને આપણે મધર ક્વીન પણ કહી શકીએ

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
આ મીસીસ યુનિવર્સને આપણે મધર ક્વીન પણ કહી શકીએ 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- કોઈપણ ધ્યેય પૂરું કરવા ખંત, ધીરજ, સમર્પણ અને દ્રઢ મનોબળની જરૂર હોય છે

ભા રતીય સમાજમાં, સ્ત્રીઓને ભાગે વિવિધ અનેક રોલ ભજવવાના આવે છે. જેમકે દીકરી, બહેન, પત્ની, માતા, વહુ વગેરે વગેરે... આધુનીક સમયમાં, સ્ત્રીઓને ભાગે એક વધારે રોલ ભજવવાનો આવ્યો છે. ઓર્થિક ઉપાર્જન કરવાની જવાબદારી પણ સ્ત્રીઓને માથે આવી છે. આ રોલ ભજવવા માટે સ્ત્રીઓને ઘરની બહાર જવું પડે છે. આ રોલ ભજવતાં ઘર, કુટુંબ અને કારકીર્દી વચ્ચે સમતોલન જાળવવું પડે છે, અને એ આજની આધુનીક મહિલાઓ અને યુવતીઓએ પાર પાડયું છે. પરંતુ તેનાથી પણ કેટલીક મહિલાઓ ખાસ કરીને માતાઓ વિકાસનું એક પગથીયું વધારે ચડી રહી છે.

આવી જ માતાની આજે વાત કરવી છે. મીસીસ શેરીસીંગ. શેરીસીંગે ભારતમાં મીસીસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો. ત્યારબાદ મીસીસ યુનિવર્સની બ્યુટી સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં વિશ્વના ઘણા દેશોએ ભાગ લીધો અને ૧૨૦ મહિલા સ્પર્ધકો હતા. વિશ્વકક્ષાએ આ બ્યુટી સ્પર્ધા હતી. મીસીસ શેરીસીંગે આ સ્પર્ધા જીતી અને ૪૮ વર્ષે મીસીસ યુનિવર્સનો ખિતાબ દેશ માટે મેળવ્યો.

આ પહેલા સુસ્મિતા સેને મીસ યુનિવર્સનો ખિતાબ જીતી ભારતનું ગૌરવ વધાર્યું હતું.

જ્યારે પરિણામ વખતે, મીસીસ યુનિવર્સ માટે મીસીસ શેરીસીંગનું નામ જાહેર થયું ત્યારે આંખમાં આંસુ સાથે, શેરીસીંગે જણાવ્યું કે, 'આ મારી એકલીની જીત નથી. મારા દેશ ભારતની જેટલી માતાઓ, માતૃત્વ ધારણ કરે અને બાળકો મોટા થાય પછી, પોતાના અધૂરા સ્વપ્નો પૂરા કરવાની હામ ભીડે છે, મહેનત કરે છે અને સફળતા મેળવે છે. તેને માટે છે. (કોઈપણ ધ્યેય પૂરું કરવા ખંત, ધીરજ, સમર્પણ અને દ્રઢ મનોબળની જરૂર હોય છે.) ઉમર સાથે ધ્યેય પૂર્ણતાને કંઈ લેવા દેવા નથી.

હું આશા રાખું છું કે, આવનાર અનેક માતાઓ આ રસ્તે ચાલશે, પોતાના સ્વપ્નો પૂરા કરશે અને સફળતા મેળવશે.'

મીસીસ શેરીસીંગની યુવાની થી માંડીને મીસીસ યુનિવર્સ સુધીની યાત્રા દરમ્યાન શેરીએ અનેક રોલ ભજવ્યા, મલ્ટીપલ પર્સનાલીટી તરીકે કાર્ય કર્યું. એની પર નજર નાંખીએ.

મીસીસ શેરીસીંગ, મૂળ દિલ્હીની રહેવાસી. યુવાનીમાં તે રાષ્ટ્રીય કક્ષાની મહિલા ફુટબોલ ખેલાડી હતી. આ રમતે તેના સ્વાસ્થ્યને મજબૂત કર્યું. ઉપરાંત શિસ્તના અનેક પાઠ શીખી ફુટબોલની ટ્રેનીંગમાં રમત ઉપરાંત કસરતો હોય છે તેમજ ખેલાડીઓને શિસ્તના પાઠ પણ શીખવાડાય છે. જે શેરીએ સંપૂર્ણ આત્મસાત્ કર્યા હતા.

આ ઉપરાંત શેરીસીંગે સ્નાતક લેવલે અને અનુસ્નાતક લેવલે ફેશન ડિઝાઈનીંગનો કોર્સ કર્યો. શેરીમાં નાનપણથી ફેશનની કોઠાસૂઝ હતી આથી ઓનલાઈન ફેશન ટીપ્સ પણ તેણે આપી છે અને હજુ આપી રહી છે.

આ બે જીવનના પાયા કૂદાવ્યા પછી શેરીસીંગનું લગ્ન દીલ્હીના સિદ્ધાર્થ સિંગ જોડે થયું. લગ્નના એક વર્ષમાં, શેરીએ એક દીકરાને જન્મ આપ્યો અને સંપૂર્ણ રીતે, ઘર, દીકરાના ઉછેરમાં ડૂબી ગઈ. માતા તરીકે શેરીએ ઉત્તમ રોલ નીભાવ્યો. દીકરાને નવ વર્ષનો કર્યો, તેની બધી જ જરૂરિયાત પૂરી કરી માતા તરીકેની ફરજ બજાવી.

શેરીસીંગ આધુનીક માતા હતી તે માતૃત્વને સ્ત્રીના વ્યક્તિત્વનું પૂર્ણ વિરામ માનતી નથી, પરંતુ માતાના સ્વપ્નો અને સ્ત્રીના વ્યક્તિત્વનું અર્ધવિરામ હતી. શેરી દેખાવે ખૂબ સુંદર હતી, આથી તે મીસીસ ઇન્ડિયાના બ્યુટી પેજન્ટમાં ભાગ લેવા માંગતી હતી. આથી તેણે દીકરાના સપના સાથે પોતાના એ સ્વપ્નને પણ સાથે સાથે ઉછેર્યું અને સમય આવતા તેની તૈયારીઓ શરૂ કરી.

મીસીસ યુનિવર્સ એ વિશ્વકક્ષાની પરણેલી સ્ત્રીઓ કે જેઓ મીસીસ ટાઈટલ ધરાવે છે તેની સ્પર્ધા છે. આ સ્પર્ધાના માપદંડ (ક્રાઈટેરીયા)ઓમાં ફક્ત 'સૌંદર્ય' કે 'મીસીસ' ટાઈટલ નથી જોવાતું પરંતુ સ્પર્ધકની મલટીપલ પર્સનાલીટી જોવાય છે. જેમાં તેણે સ્વાસ્થ્ય, સૌંદર્ય, માતા તરીકે કૌટુંબિક જવાબદારી અને સમાજ માટે શું શું કામ કર્યું છે, તે બધા જ પાસા આવરી લેવાય છે.

મીસીસ શેરીસીંગને આ વાતની જાણ હતી. આથી તેણીએ દીકરાના ઉછેરના વર્ષો દરમિયાન, જીમમાં થોડો સમય નોકરી હતી. 

ઉપરાંત ઓનલાઈન જીમની કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. જે લોકો તેને પ્રશ્નો પૂછે, તેની ટીપ્સ અને સલાહ આપે છે. તેવી જ રીતે ફેશનના પ્રશ્નોના જવાબ પણ ઓનલાઈન આપતી રહે છે.

આ ઉપરાંત સમાજ માટે પણ તેણે કામ કરવાનું શરૂ કર્યું હતું. વિશેષાકૃત (અનપ્રવીલેજ્ડ) છોકરીઓમાં શિક્ષણનો દ્રષ્ટિકોણ સમજાવી, તેમને ભણાવવાનું શરૂ કરવાનું કામ કરે છે. તે આ કામ કરતી સંસ્થા જોડે જોડાયેલી છે. એ સંસ્થા આ વિશેષાકૃત દીકરીઓને બધી જ રીતની મદદ કરે છે. મીસીસ શેરીસીંગ આ સંસ્થાના કામમાં ગળાડૂબ રીતે જોડાયેલા છે.

મીસીસ યુનિવર્સમાં એક પ્રશ્ન હોય છે, 'બ્યુટી વીથ પરપઝ' ના જવાબમાં શેરીએ કહ્યું કે, 'તે માનસીક રીતે અર્ધવિકસીત, ઓછું વિકાસ પામેલા બાળકોના માનસિક વિકાસ અને સુખાકારી માટે કામ કર ેછે.'

આમ મીસીસ શેરીને મીસીસ યુનિવર્સની સ્પર્ધા ઘણી અઘરી હતી. તેની સાથે જાપાન, બલગેરિયા, ભારત, મીડલ ઇસ્ટ અને કેલીફોર્નિયા એમ પાંચ દેશોના સ્પર્ધકો ફાઈનલ રાઉન્ડમાં આવ્યા હતા. પરંતુ મીસીસ શેરી સીંગની મલ્ટીપલ પર્સનાલીટી, દયાળુ સ્વભાવ, બુદ્ધિચાતુર્ય અને સમાજ માટે કરી રહેલું કામ, બધા જ પાસાઓને આવરી લઈ, તેમાં આગળ પડતો ભાગ લેતા તેને મીસીસ યુનિવર્સ ૨૦૨૫નો તાજ પહેરાવવામાં આવ્યો.

શેરીસીંગે ભારતીય માતાઓના સંકુચિત મનને નવો રસ્તો આપ્યો છે. માતૃત્વ એ સ્ત્રીત્વનો અગત્યનું જીવનનું અંગ છે પરંતુ તેથી વિકાસ રોકાય નહિ. બાળક મોટું થાય અને સ્વાવલંબી બને ત્યારે પોતાના અધૂરા સપના પૂરા કરવા જોઈએ.