Get The App

રોડ ટ્રાન્સપોર્ટની પ્રથમ મહિલા ડ્રાઈવર

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
રોડ ટ્રાન્સપોર્ટની પ્રથમ મહિલા ડ્રાઈવર 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- વસંથાકુમારી સમયના વહેણ સામે તરીને નોકરી તો મેળવી, પરંતુ હવે તેની સામાજીક, શારીરિક અને ધૈર્યની કસોટી શરૂ થઈ

તા મીલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં બસ ડ્રાઈવરોના, રોડ ટ્રાન્સપોર્ટની બસો માટેના ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે. એક સામાન્ય દેખાવવાળી પણ, ચહેરા પર દ્રઢ મનોબળ અને હિંમતના તેજવાળી મહિલા દાખલ થાય છે.

અધિકારીઓ તેની અરજી રદબાતલ કરી, ઇન્ટરવ્યુ પણ લેતા નથી અને એને કહેવામાં આવે છે, 'આ વ્યવસાય પુરુષપ્રધાન છે. ઘણા પુરુષો પણ બસના ભારે સ્ટીયરીંગ જોડે કામ કરતા પાછા પડે છે, તો તમે તો મહિલા છો, એટલે આ કામ ના કરી શકો માટે તમારી અરજી રદબાતલ ગણવામાં આવે છે.'

આ વાત છે વસંથાકુમારીની, જેની અરજી આ જાતીય ભેદને કારણે કેટલીયેવાર પાછી ખેંચાઈ, છતાં અંતે તે બસ ડ્રાઈવર બનીને જંપી અને તાજેતરમાં વર્ષો સુધી આ ફરજ બજાવી.

કેવી રીતે વસંથાકુમારી સાથે આ શક્ય બન્યું ? ફોકસ કરીએ વસંથાકુમારીની કહાની પર....

વસંથાકુમારીનો જન્મ કન્યાકુમારીમાં થયો હતો. નાનપણમાં માતાનું અવસાન થયું. તે દાદી પાસે ઉછરવા લાગી. બે વર્ષ સારા ગયા. દાદીના લાડ-પ્યારમાં માની ખોટ ઓછી થઈ. પરંતુ નસીબે ઉથલો માર્યો અને દાદીનું મૃત્યુ થયું. આ દરમ્યાન તેના પિતાએ બીજા લગ્ન કર્યા. આ બધી ઘટનાઓનો નાની વસંથાકુમારીના માનસપટ પર સખત આઘાત લાગ્યો. તેની અસર તેની શૈક્ષણિક કારકિર્દી પર પડી અને ભણવામાં તે નબળી પૂરવાર થઈ.

હજુ નસીબની કમનસીબી અટકી નહતી. અપરમાએ વસંથાને તેની આન્ટી પાસે તામીલનાડુ મોકલી. ધક્કા મારીને ભણતા ભણતા વસંથા દસમા ધોરણમાં આવી. પણ ભણવામાં નબળી હોવાને કારણે ભણવાનું છોડી દીધું.

આ સમયે વસંથાની ઉંમર ૧૪ વર્ષની હતી. વસંથાને નાનપણથી વાહનો પ્રત્યે ખુબ આકર્ષણ અને ચલાવવાની પેશન અને ઝંખના. અહીં તામીલનાડુમાં તેની સખીએ તેને સાઇકલ શીખવી અને આ પછી સ્કુટર, બાઇક, રીક્ષા બધા જ વાહનો ચલાવતા શીખી ગઈ. પરંતુ ૧૪ વર્ષની હોવાથી તેને વાહનો ચલાવવાનું લાયસન્સ ના મળ્યું.

પરંતુ વસંથાને ક્યાં ખબર હતી કે, તેના આ વાહન ચલાવવાની પેશન તેને આગળ જતાં તેના કુટુંબની આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થશે.

૧૯ વર્ષની વયે, વસંથાને એક વિધુર જોડે પરણાવી દેવામાં આવી. જેને ચાર દીકરીઓ હતી. વસંથાને તેના દાંપત્યજીવનના ફળસ્વરૂપે બે બીજા સંતાનો થયા. પતિ ફક્ત કંસ્ટ્રકશન સાઇટ પર મજૂર હતો. આથી આર્થિક આવક પાતળી હતી. આઠ જણના કુટુંબ માટે આર્થિક આવક ઓછી પડવા માંડી. બે ટંક પૂરું ખાવાનું મળતું નહિ. આથી વસંથાકુમારીએ કંઈક કામ કરવાનું નક્કી કર્યું.

વસંથાકુમારી, ઘર ચલાવતી પરંતુ પાસેના મહિલા મંડળમાં પણ ક્યારેક કામ કરવા જતી. અહીંની મહિલાઓને વસંથાની વાહન ચલાવવાની પેશન અને આવડતની જાણ હતી. વસંથાને કામની જરૂર છે, તે જાણ થતા, આ મહિલાઓએ તામીલનાડુ ટ્રાન્સર્પોટેશનમાં વારંવાર બસ ડ્રાઈવરની નોકરીની જાહેરાત આવે છે તે વાત કરી અને વસંથાને તો જાણે ઊડવા માટે પાંખો મળી.

વસંથાએ આર્થિક સગવડ કરી વાહન ચલાવવાની ટ્રેનિંગ સ્કુલની ટ્રેનિંગ લીધી અને ભારે વાહન એટલે બસ વગેરે ચલાવવાનું સરકારી લાયસન્સ મેળવ્યું.

એ દરમ્યાન, તામીલનાડુ ટ્રાન્સપોર્ટેશનમાં બસ ડ્રાઈવરની નોકરી બહાર પડી અને વસંથાકુમારીએ તેમાં અરજી કરી. પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે તે મહિલા-સ્ત્રી હોવાને કારણે રદબાતલ થઈ.

આવી રીતે તેની અરજી ત્રણથી ચારવાર રદબાતલ થઈ પરંતુ હવે વસંથાકુમારીએ ઠાન લીધી કે હું આ નોકરી લઈને જ જંપીશ અને તામીલનાડુ રોડ પર બસ ચલાવી બતાવીશ.

હિંમત હારે તો દ્રઢ મનોબળવાળી વસંથા શેની ?

તેણીએ તામીલનાડુના મહિલા મુખ્ય મંત્રીનો સંપર્ક કરવાનું નક્કી કર્યું અને એ કામ દ્રઢ મનોબળથી પુરું પાડયું. જયલલીથા તામીલનાડુના મુખ્યમંત્રી વસંથાકુમારીને મળ્યા અને વસંથાકુમારીએ તેની ડ્રાઈવીંગની પેશન અને તામીલનાડુ રોડ 

ટ્રાન્સપોર્ટમાં, બસ ડ્રાઈવર તરીકે નોકરી અંગે કરેલી અરજી અને દરવખતે જાતીયભેદને કારણે થતી રદબાદતલની વાત જણાવી. જયલલીથાજી વસંથાકુમારીની હિંમત અને દ્રઢ મનોબળથી પ્રભાવિત થયા અને વસંથાકુમારીની ફાઇલ મંગાવી તેનો અભ્યાસ કરી વસંથાકુમારીને તામીલનાડુ રોડ ટ્રાન્સપોર્ટ સર્વીસમાં બસ ડ્રાઈવરની નોકરી આપવાનું ફરમાન કર્યું અને વસંથાકુમારી તામીલનાડુની ભારતની અને કદાચ એશીયાની પ્રથમ રોડ ટ્રાન્સપોર્ટની બસ ડ્રાઈવર બની.

કેટલી બધી બહાદુરી, ખંત અને સપના પ્રત્યેનું સમર્પણ.

વસંથાકુમારી સમયના વહેણ સામે તરીને નોકરી તો મેળવી, પરંતુ હવે તેની સામાજીક, શારીરિક અને ધૈર્યની કસોટી શરૂ થઈ.

ડ્રાઈવર તરીકેના પ્રથમ ફીઝીકલ ઇન્ટરવ્યુમાં જ અધિકારીએ તેને એઈટ બનાવતા તંગ કરી નાખી. (કોઇપણ વાહનના ઇન્ટરવ્યુમાં આઠડો વાહનથી ચલાવી બતાવવાના હોય છે) જ્યારે વસંથાકુમારી આ ટેસ્ટ આપી રહી હતી ત્યારે અધિકારીઓને એમ કે એ ગમેતેમ ચલાવી અકસ્માત કરી દે વગેરે. આથી તેને અઘરામાં અઘરી ટેસ્ટની રીત પૂછવામાં આવી. તે પરીક્ષા વસંથાએ પાસ કરી. પછી નોકરી મળ્યા પછી તેને લાંબામાં લાંબો રસ્તો બસ ડ્રાઈવર તરીકે આપવામાં આવ્યો.

શરૂઆતમાં સવારના પાંચ વાગ્યાની પહેલા પંદર દિવસ શીફટ અને પછી રાત્રિ મોડે સુધી બસ ચલાવવાની શીફટ અપાતી. વસંથાને છ નાના બાળકોને પડોશી પાસે મૂકીને જવું પડતું. સવારે વ્હેલી ઊઠી તેણી ઘરનું કાર્ય, રસોઈ વગેરે પતાવી જતી અને બંને શીફટમાં આવીને કામ કરતી. આમ તેના ઊંઘવાના કલાકો ૪ થી ૫ જેટલા જ રહેતા.

કામના સ્થળે તે એકલી મહિલા ડ્રાઈવર હોવાને કારણે, પુરુષ સહકર્મચારીઓની ઠઠ્ઠા મશ્કરી, ટીકાઓ વગેરે સાંભળવું પડતું, પરંતુ તે આંખ આડા કાન કરતી.

શારીરિક રીતે શરૂઆતમાં બસનું સ્ટીયરીંગ ભારે લાગતું, પરંતુ તેની સાથે પણ વસંથાકુમારીએ ફાવટ મેળવી લીધી. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, 'જો કોઈપણ કાર્ય એ તમારી પેશન હોય, તો કોઇપણ મુશ્કેલી તેના સમર્પણ સામે ગૌણ છે.'

બસ આજ સ્પીરીટથી વસંથાકુમારીએ ઘણા વર્ષો નોકરી કરી, હમણાં જ તે નિવૃત્ત થયા અને હવે તે ડ્રાઈવીંગ સ્કુલ કરવા માગે છે.

'મારા બસ ડ્રાઈવીંગના લાંબા કાર્યકાળમાં કોઈ અકસ્માત થયો નથી કે, બસ ક્યારેય અટકી નથી. જેથી મુસાફરોને મુશ્કેલી પડી હોય, તે જ મારી કારકિર્દીની ઉપલબ્ધિ.' વસંથાકુમારી.