- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- એક મહિલા ને તેમાં પણ 'મા' પર જ્યારે સંતાનોના ઉછેરની જવાબદારી આવી પડે છે ત્યારે તેની નારાયણી શક્તિ વડે તે પથ્થરમાંથી પણ પાણી કાઢી શકે છે
જ બલપુર રેલવે સ્ટેશન પર વંદેમાતરમ્ ટ્રેન આવવાની તૈયારી છે, બધા કુલીઓ લાઈન સર ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. તેમાં વચ્ચે ઊભેલ બેચ નં. ૩૬ કુલી પર સૌની નજર ફોક્સ થઇ જાય છે. તેને જોવા મુસાફરો થંભી જાય છે. કેમ ? કારણ કે તે મહિલા કુલી છે. સામાનય રીતે કુલી તરીકે પુરુષવર્ગને કુલી તરીકે જોવા ટેવાયેલી જનસમુદાયની આંખો મહિલા કુલીને જોઈ અચંબામાં પડી જાય છે.
આ કોઈ પીકચરનું શુટીંગ કે અન્ય કોઈ એપીસોડ નથી. પરંતુ વાસ્તવિક સત્ય હકીકત છે. આ છે, જબલપુર સ્ટેશનની મહિલા કુલી સંધ્યા મારવી.
ભારતીય રેલવેએ મહિલાઓને રેલવેમાં નોકરીઓ માટેના વિવિધ રોલ માટે પ્રોત્સાહીત કરી છે. ભલે પછી તે ભારે જવાબદારીવાળા પુરુષવર્ગની જગ્યાઓ હોય. કામની બાબતમાં ક્યારે પણ પુરુષ અને મહિલાઓનો જાતીય ભેદ કર્યો નથી. આધુનીક ભારતીય રેલવેમાં, પેસેન્જર ટ્રેન, ગુડઝ કે હવે વંદેભારત જેવી આધુનીક ટ્રેનની લોકોપાયલોટ મહિલાઓ છે. સ્ટેશન માસ્તર, ટીકીટચેકર, અરે, ગેટવુમન સુધી અને ગાર્ડ સુધીની જગ્યાઓ પર મહિલાઓ કામ કરે છે. ભારતીય રેલવે વિભાગે સ્ત્રી શક્તિ સંકરણને સંપૂર્ણ પ્રાધાન્ય આપ્યું છે. હવે છેલ્લા દસકાથી તો કુલી તરીકે પણ જૂજ મહિલાઓ કામ કરી રહી છે. જેને કુલી કે પોર્ટર તરીકે લાયસન્સ રેલવે વિભાગ આપે છે. સંધ્યા મારવી આ રીતે લાયન્સ મેળવેલી મહિલા કુલી છે તે જબલપુરની પ્રથમ મહિલા કુલી છે. સંધ્યા 'બેચ નં. ૩૬ કુલી' તરીકે જાણીતી છે. જબલપુર સ્ટેશન પર કામ કરતા ૪૫ કુલીઓમાં તે પ્રથમ મહિલા કુલી છે.
તો શું છે, જબલપુર સ્ટેશનની મહિલા કુલી, બેચ નં. ૩૬ની કહાની ?
જાણીએ...
સંધ્યા મારવી જબલપુરથી ૪૫ કિમી દૂર કાંતીની રહેવાવાળી તેનો પતિ જબલપુર રેલવે સ્ટેશનમાં, કુલી તરીકે કામ કરે. બેહજાર સોળમાં, તેના પતિનું માંદગીમાં, મૃત્યુ થયું. સંધ્યા પર, તેના ત્રણ સંતાનો અને ઘરડા સાસુની જવાબદારી આવી પડી. સંધ્યાએ નાના-મોટાં કામ શરૂ કર્યા તે સામાન્ય રેશનનું કામ આ ઓછી કમાણીથી ચલાવી શક્તી હતી પરંતુ તેના ત્રણ સંતાનો, સાહિલ (૮ વર્ષ), હર્ષીત (૬ વર્ષ), અને દીકરી પાયલ (૪ વર્ષ)ના શિક્ષણની આર્થિક જવાબદારી અને અન્ય, તેની ઓછી કમાણીથી પૂરી થતી ન હતી. આથી સંધ્યાએ બીજો વ્યવસાય કરવાનું નક્કી કર્યું અને તેના ભાગરૂપે પતિનો જ વ્યવસાય, કુલી તરીકે કામ કરવાનું નક્કી કર્યું.
કામ ખૂબ અઘરું હતું. સાથે પુરુષવર્ગના વર્ચસ્વવાળું આ કામ હતું. સાથે પુરુષવર્ગના પગરણ માંડવાના હતા, આથી દ્રઢમનોબળ, હિમ્મત અને સખત મહેનત કરવા માટે માનસિક પરિસ્થિતિ મજબૂત કરવાની હતી. તે સંધ્યાએ કરી.
આ પછી કુલીની કામગીરી માટે લાયસન્સ, આપતા પહેલા ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. આથી સંધ્યાનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો અને તેને પૂછવામાં આવ્યું કે, 'એક મહિલા તરીકે તમે આટલી મહેનત કરી શકશો ?'
સંધ્યાનો સામે જવાબ હતો. 'કોઈપણ કામ એ કામ હોય છે. કામની બાબતમાં મહિલા કે પુરુષ એવા ભેદભાવ કેવી રીતે હોઈ શકે ? કામ કરવા માટે વ્યક્તિ પાસે મહેનત કરવાની શક્તિ, ખંત અને સર્મપણ હોવા જરૂરી છે. મારી પાસે તે ત્રણે છે.'
બીજો સવાલ હતો, 'તમે કુલી તરીકેની સમાન ઊંચકવાની જવાબદારી ઉઠાવી શકશો ?'
સંધ્યાનો જવાબ હતો, 'એક મહિલા અને તેમાં પણ મા, જ્યારે તેના સંતાનોનાા ઉછેરની જવાબદારી આવી પડે છે ત્યારે તેની નારાયણી શક્તિ વડે પથ્થરમાંથી પાણી કાઢે તેવી તાકાત ધરાવે છે. હું તે મા છું.' અને કંઈપણ કહ્યા વગર અધિકારીઓએ તેના જ પતિનો કુલ બેચ નં. ૩૬ આપી દીધો. અને શરૂ થઇ સંધ્યા મારવીની જબલપુર સ્ટેશન પર મહિલા કુલી તરીકેની કામગીરી.
આજે તેને ૮ વર્ષ પૂરા થાય છે. સંધ્યા મારવી મહિલા કુલી કરતાં, 'કુલ બેચ નં. ૩૬' તરીકે જાણીતી થઈ છે.
સંધ્યા મારવી મહિલા કુલી બેચ નં. ૩૬ આજે ૩૦ વર્ષની છે. ખૂબ નાની ઉંમરથી તેણે કુલીનું કામ શરૂ કર્યું. જબલપુર સ્ટેશન પર પુરુષોના વર્ચસ્વવાળા બીબાઢાળ વ્યવસાયની દીવાલમાં તીરાડ પાડી છે.
સંધ્યા રોજ સવારે કાંતિ તેના ગામથી ૪૫ કિ.મી. મુસાફરી કરી,
જબલપુર સ્ટેશન પર આવે છે. સ્ટેશન પર આવતી ગાડીઓના મુસાફરોનો કે બહારથી અંદર રેલવે સ્ટેશનમાં મુસાફરી માટે જતા મુસાફરોનો સામાન માતા પર અને ખભા પર ઊંચકીને, અંદર લઇ જાય છે અને બહાર લાવે છે. એક સાથે જેટલો સામાન ઉંચકાય તેટલો તે ઉંચકે છે, પરંતુ તેના મોંઢા પર જરાય થાક વર્તાતો નથી કે, નથી તે થાકતી. બૂમાબૂમ કરતી તેના ૪૪ કુલીઓની જેમ જ ખભેખભા મીલાવી કામ કરે છે અને ખાસ અગત્યની વાત તો એ છે કે, તે કામને કામ જ ગણીને કોઈ જાતીયભેદ વર્તાવા દેતી નથી. વધારે સામાન હોય તો ટ્રોલીમાં મૂકી, તે પોતે જ સામાનની ટ્રોલી ચલાવે છે. જબલપુર સ્ટેશનના દાદરો પર પણ તે ખૂબ ભારે સામાન માથા પર અને ખભે ઉંચકી ચડઉતર કરે છે. ખાસ બેગો સીધી માથા પર ના મૂકાય, માટે ગોળ ફેંટા જેવું કપડાનું માથા પર રાખી સામાન મૂકે છે.
તે કુલીના ડ્રેસ માટે, તેણે ખાસ લાલ ઝભ્ભા સીવડાવ્યા છે અને જમણા હાથ પર બેચ નં. ૩૬ લગાડે છે. કોઈપણ ઋતુ હોય તાપ, ઠંડી કે વરસાદ કે, સ્ત્રીની માસિક પરિસ્થિતિમાં પણ સંધ્યા બીલકુલ હાર્યા વગર તનતોડ મહેનત કરે છે.
સંધ્યા પોતાના કુટુંબ પ્રત્યેની ફરજ પણ ચૂકતી નથી. સવારે વ્હેલી ઉઠી ત્રણ સંતાનોને સાસુ માટે તેમજ પોતાના ટિફીન માટે રસોઈ બનાવી ઘરનું કામ કરીને નીકળે. સાંજે ઘેર પહોંચી પાછુ એ જ રૂટીન ગૃહકાર્ય રસોઈ ને રાત્રે બાળકોને ભણાવવાનું. દિવસની તનતોડ મહેનત પછી ઘરની તનતોડ મહેનત પરંતુ સંધ્યા મારવી થાકતી નથી.
તેનું મહિલાઓને કહેવું છે, સ્ત્રી તેમાં ચોક્કસ માતાની નારાયણી શક્તિ, ક્યારેય મહેનત કે ગૃહકાર્યથી થાકતી નથી.


