- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
કોર્ટ રૂમથી દરિયાના ઊંડા પાણી સુધીની સફર અર્ચનાની દરિયા પ્રત્યેનો લગાવ, પેશન અને હિંમત સાથેના સમર્પણની સાક્ષી છે. અર્ચના શંકરની કહાની શરૂ થાય છે. મુંબઇની કોલેજથી ભણવામાં હોશિયાર અર્ચના સારા માર્ક્સ સાથે પાસ થઇ અને કોર્પોરેટ લોમાં તે આગળ ભણી અને ચેન્નાઇની એક કંપનીમાં સારા પગારે, નોકરી લીધી. અને ચેન્નાઇ કોર્ટમાં જોડાઈ.
સવારથી કોર્ટનો શાકમાર્કીટ જેવો શોરબકોર, ચોવીસે કલાક લગભગ કામ કરવું પડે એટલું જ નહિ પરંતુ કેસ લડતા પહેલા જાડા જાડા કાયદાના પુસ્તકો વાંચવા પડે. આમ ઘણું કામ કરવું પડતું. કંટાળીને, મારા મુંબઇના મિત્રો સાથે આંદામાન જવાનું નક્કી કર્યું.'
આંદામાનમાં હેવલોકનો બીચ ખૂબ સુંદર છે. એક દિવસ સવારે બધા મિત્રો સૂતા હતા ત્યારે અર્ચના શંકર હેવલોકના બીચ પર બેસવા ગઈ.
થોડા કલાકો બેઠા પછી, અર્ચનાને દરિયાના પાણી પ્રત્યે આકર્ષણ થયું. એને નાનપણમાં જોયેલું પીકચર, ફાઈડીંગ નીમા યાદ આવ્યું અને એ પીકચર જોઇ તેને મોટાપણે દરિયામાં સ્કુબા ડાઈવીંગ કરવાનું આકર્ષણ થયું હતું તે સ્વપ્ન યાદ આવ્યું.
સીએ કોમર્સ ને કોર્પોરેટ લોના કાટમાળમાં તો દરિયા સાથેના આ નાતાનું સ્વપ્ન ક્યાંય દબાઈ ગયું હતું, તે પાછું મનની સપાટી પર તરવા લાગ્યું.
આંદામાનનો મિત્રો સાથેનો પ્રવાસ પૂરો થયો, તે ચેન્નાઇ પાછી ફરી અને ફરી એજ કોર્પોરેટ લોના કેસો, એ અંગે વાંચવાનું કોર્ટનો શોરબકોર. પણ આ સામે અર્ચના કહે છે કે, હું મારા ડેસ્ક પર બેસતી, કોર્પોરેટ કેસ માટે વાંચતી પણ મને, આંદામાન-હેવલોકનો દરિયો જ દેખાતો તેના પાણીના મોજાં જાણે મારા કાનમાં અથડાતા, મારી આંખો બંધ થઇ જતી અને હું દેવલોકના નીલા શાંત સમુદ્રના પાણીમાં સ્કુબા ડાઈવીંગ કરતી તે ચિત્ર ઉપસી આવતું. મને હવે સમજાયું કે મારા જીવનનું અત્યંબિંદુ દરિયાનું પાણી હતું, એજ મારા માટે સાચો વ્યવસાય અને પેશન છે. આ લાઈન પૈસા કોર્પોરેટ લોની નોકરી જેટલા નહિ આપે, પરંતુ મને માનસિક સંતોષ આપશે અને મેં કોર્પોરેટ લોની નોકરી છોડી સ્કુબા ડાઈવીંગના કોર્સ માટે હું હેવલોક પહોંચી.
સ્કુબા ડાઈવીંગની ટ્રેનીંગમાં, ઉપકરણો અને શ્વાસ લેવા માટે ઓક્સિજનના સીલીન્ડર સાથે મેં સ્કુબા ડાઈવીંગની ટ્રેનીંગ શરૂ કરી. આ ટ્રેનીંગમાં, મજબૂત બાંધો, હિમ્મત અને દરિયાના પાણીમાં જવા માટેનો ઊંડો રસ તેમજ તળિયાની દુનિયા, પરવાળાની રંગબેરંગી દુનિયા વગેરે જોતાજોતા હું સ્કુબા ડાઈવીંગના કોર્સમાં પાસ થઇ મેં એડવાન્સ કોર્સ પણ કર્યો. જેમાં કોઇને બચાવવા કે અન્ય કારણોસર સ્કુબા ડાઈવીંગ કરી શકાય એ લાયસન્સ મેં મેળવ્યું. અહીં મને એકવાર બીજા ટ્રેની પાસેથી ફ્રી ડાઈવીંગનો શુભમ પાંડેનો વીડીયો જોવા મળ્યો અને મેં ફ્રી ડાઈવીંગમાં શીખી અને આગળ સ્પર્ધાઓમાં ઉતરવાનું નક્કી કર્યું.
આ લોખંડના ચણા ચાવવા બરાબર હતું, પરંતુ અર્ચના શંકરને દરિયાનું ેટલું બધું આકર્ષણ હતું કે આ પુરુષ પ્રધાન ફ્રી ડાઈવીંગમાં તેણે સીલીંગ તોડવાનું નક્કી કર્યું અને શરૂ થઇ અર્ચનાની ફ્રી ડાઈવીંગની ટ્રેનીંગ.
એક યુવતી તરીકે, ફ્રી ડાઈવીંગ દરિયા માટે સૌ પ્રથમ તો મજૂત ફેફસાંની જરૂર હોય છે કારણ કે, તેમાં ઓક્સિજન લીધા વગર જવાનું હોય છે. અને એકી શ્વાસે તરવાનું હોય છે. આ માટે અર્ચનાએ કાર્ડીયો વેસ્ટક્યુલર કસરતો કરી જેથી ફેફસા મજબૂત બને. ફ્રી ડાઈવીંગ વખતે, હાથ અને પગ બન્ને મજબૂત હોવા જરૂરી છે કારણ કે તેના વડે જ તરવાનું હોય છે. આથી હાથ-પગની કસરતો પણ શરૂ કરી.
આમ છતાં પણ અર્ચના જણાવે છે કે, પહેલી ડાઈવ મારી ત્યારે મારા ફેફસાં કેટલા મજબૂત છે તેની મને ખબર ન હતી, આથી હું થોડી ગભરાઈ અને પછી મેં ૫ મીટર જ ડૂબકી મારી શકી. પરંતુ પછી મેં મારી બધી હિમ્મત ભેગી કરી. ફ્રી ડાઈવીંગ માટે, શારિરીક શક્તિ સાથે, માનસિક શક્તિની પણ જરૂર હોય છે. આથી બીજા બે દિવસમાં મેં ૨૦ મીટર સુધીની ડાઈવ મારી અને ધીરે ધીરે હું ફ્રી ડાઈવીંગ કરતી ગઈ. અને ૩૦ મીટર સુધી જ્યારે હું ડાઈવીંગ કરી શકી ત્યારે મને ફ્રી ડાઈવીંગ માટે સ્પર્ધા માટે લાયક ઠરાવવામાં આવી.
ભારતની પહેલી મહિલા ફ્રી ડાઈવીંગ માટે તૈયાર થઇ. પ્રથમ અર્ચના અપનાબાલી મોકલવામાં આવી જ્યાં તેણે એક મહિલાઓની ટુકડી સાથે સ્પર્ધા કરી પછી ફીલીપાઈન્સમાં ૩૫ મીટર ડાઈવીંગ મારી રેકોર્ડ તોડયો. અર્ચના શંકરે કુલ ૧૧ રાષ્ટ્રીય ફ્રી ડાઈવીંગના રેકોર્ડ તોડયા છે. અર્ચનાને જે.બી.ટાટા બીરલા ફેલોશીપ પણ મળી છે.
ભારતમાં હજુ ફ્રી ડાઈવીંગ દરિયા માટે કોઈ મહિલા ખાસ ભાગ નથી લેતી. અર્ચના શંકર તે માટે પ્રયત્ન કરી રહી છે. ટૂંક સમયમાં ભારતમાં આ અંગે વધુ પ્રગતિ થશે તેવી અર્ચનાની મહત્ત્વકાંક્ષા છે.


