- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- તમારા ખીસા પૈસા વગર ખાલી હોય, પરંતુ જો મન દ્રઢમનોબળ, હિમ્મત અને સર્મપણની ભાવનાથી ભરેલું હોય, તો મોટામાં મોટી મુશ્કેલી જીવન સ્વપ્ન બની સફળ થઈ શકે છે
જી વનમાં આવતી મુશ્કેલીઓ સામે મોટાભાગના ઘૂંટણ ટેકવી દે છે. થોડા તેમાંથી રસ્તો કાઢે છે, જ્યારે જૂજ વ્યક્તિઓ, તે મુશ્કેલીને પોતાની પેશન બનાવી, સપનું બનાવે છે અને તેની સફળતા માટે આખું આયખું સર્મપીત કરી દે છે. આ જીવન સમીકરણ પશ્ચિમ બંગાળમાં કલકત્તા પાસેના ગામડામાં રહેતી અભણ, સામાન્ય ગૃહિણીએ સાબિત કરી બતાવ્યું. સુભાષિની મીસ્ત્રી અતિસામાન્ય શાક વેચનારી ગૃહિણી, જેણે હકસનપુર ગામ (કલકત્તાથી થોડે દૂર)માં અદ્યતન હોસ્પિટલ બનાવી અને પોતાનું જીવન સ્વપ્ન પૂરું કર્યું. સાવ શૂન્ય એટલે કે પાઈ વગર, પોતાની મહેનત, ખંત અને સર્મપણ દ્વારા આ ઈનફીનીટી સુધીનું સર્જન કર્યું અને પદ્મશ્રી પણ મેળવ્યો.
સુભાષિની મીસ્ત્રીની જીવનયાત્રાની વાત કરીએ... સુભાષિનીનો જન્મ બંગાળમાં, કલકત્તા પાસેના ગામમાં થયો હતો. સુભાષિની, જન્મથી જ મુશ્કેલીભર્યા વાતાવરણમાં જન્મી હતી. તેના જન્મ વખતે, બંગાળમાં દુકાળ પડયો હતો. આથી લોકોને બે ટંક ખાવાના સાંસા હતા. સુભાષિનીના પિતા સામાન્ય ખેતમજૂર અને અન્ય નાનીમોટી નોકરી કરતાં, આથી ઘરમાં ગરીબીનો વાસ તો પહેલેથી જ હતો. આથી દુકાળમાં, ડબ્બલ મુશ્કેલી આવી. આ વાતાવરણમાં, સુભાષિનીની માએ આસપાસથી માંગી, ભીખીને સુભાષિનીને પોષણ પૂરું પાડયું.
આ દુકાળમાં, સુભાષિનીના સાત ભાઈ-બહેન મૃત્યુ પામ્યા. ફક્ત પાંચ ભાઈ-બહેન રહ્યા. માતા-પિતા જેમતેમ કરી ઘર ચાલવતા. સમય વહેતો ચાલ્યો, સુભાષિની ૧૨ વર્ષની થઈ.
ખાવાના સાંસા હોય ત્યાં, ભણતરનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. આથી સુભાષિની માટે અક્ષરો ભેંસ આગળ ભાગવત હતા.
આ પરિસ્થિતિમાં હકસનપુરના એક અતિસામાન્ય, ખેતમજૂર સાથે સુભાષિનીને પરણાવી દેવામાં આવી. પતિ સામાન્ય મજૂરી કરે, નાનીમોટી બીજી નોકરી કરે, આમ સુભાષિની ગૃહસંસાર ખેંચે રાખતી હતી. જોતજોતામાં તે ચાર સંતાનની માતા બની. અહીં પણ ગરીબીનો અભિશાપ માથે જ હતો.
સંસારનું ગાડું જેમતેમ ગરીબીના રથમાં ગબડે જતું હતું, તેમાં, સુભાષિનીનો પતિ ડાંગરના ખેતરમાં કામ કરી રહ્યો હતો, ત્યાં અચાનક ડાયેરીયા થયા અને તે અત્યંત બીમાર થઈ ગયો. પરિસ્થિતિ કાબૂની બહાર ગઈ, ગામમાં કોઈ ડોક્ટર નહિ, પ્રાથમિક સારવારની હોસ્પિટલ નહીં, માંદગી વધતી ચાલી, સુભાષિનીની ગમેતેમ કરીને પાસેના શહેરના સરકારી દવાખાને લઈ ગઈ. તેની પાસે ખીસ્સા ખાલી હતા, દવા લાવવાના પણ પૈસા ન હતા. ડોક્ટરોએ ભારે દવા લખી આપી, અને ગરીબ દર્દીની હાલત જોતાં, તેની સારવારમાં કચાશ રાખી. અંત એ આવ્યો કે સુભાષિનીના પતિનું મૃત્યુ થયું. ગરીબીનો ભરડો, ચાર સંતાનોના ઉછેરની જવાબદારી, અને પાસે કોઈ જાતનો પૈસો નહીં, છતાં ભાંગી પડવાને બદલે સુભાષિનીએ પતિના શબ પાસે સોગંદ ખાધા કે હું ગમેતેમ કરીને હકસનપુરમાં તબીબી સેવા આપતી હોસ્પિટલ ઊભી કરીશ, જેથી બીજી કોઈ વ્યક્તિ આ રીતે પ્રાથમિક તબીબી સારવારના અભાવે મૃત્યુ ના પામે.
કેટલું મોટું જીવન સાહસ ! મક્કમ દ્રઢમનોબળે મુશ્કેલીને જીવન પેશન અને જીવન સ્વપ્નમાં બદલી.
શરૂ થઈ સુભાષિનીની સંઘર્ષમય પરંતુ હકસનપુરમાં હોસ્પિટલ બાંધવાના સ્વપ્ન માટેની જીવન સ્વપ્ન યાત્રા.
સુભાષિની ભણેલી તો હતી નહિ આથી તેણે નાની મોટી જે મળે તે નોકરી શરૂ કરી.
સુભાષિની જણાવે છે કે, 'મેં ઝાડું-પોતા, વાસણ માંજવાનું, ખેતરમાં કે અન્ય મજૂરી કરવાનું કામ શરૂ કર્યું.' મારા ચાર સંતાનો બધાને તો હું શિક્ષણ આપી શકું તેવી મારી પરિસ્થિતિ ન હતી, આથી જે હોંશિયાર હોય તેને ડોક્ટર બનાવીશ આથી તે હોસ્પિટલમાં મદદરૂપ થઈ શકે. (શું મક્કમ જીવન મનોબળ) આથી સુભાષિનીએ સૌથી નાના છોકરાને અનાથ આશ્રમમાં મૂક્યો, આથી તે ભણી શકે. બાકીના ત્રણ સંતાનો સુભાષિનીની જીવન સ્વપ્ન યાત્રામાં જોડાયા. મોટા દીકરાએ ટી સ્ટોલ પર કામ કરવા માંડયું જેથી આવક ઉભી થાય, બે છોકરીઓએ ઘર સંભાળ્યું. સુભાષિનીએ દિવસોને યાદ કરતા કહે છે કે, ''લગભગ અમે ભાત કે તેના ઓસામણ પર વર્ષો કાઢ્યા. એ ચોખા પણ હું માગી લાવતી. પરંતુ થોડી બચત કરતી, અને દીકરાને જરૂરી ભણતરનો નજીવો ખર્ચો આપતી. અનેક દિવસો અમે ભૂખ્યા સૂતા હોઈશું.'' લગભગ ૩૦ વર્ષ આ રીતે કાળી મજૂરી કરી, સુભાષિનીએ ત્રીસ હજાર રૂપિયા બચાવ્યા અને તેમાંથી તેણે હકનસપુરમાં એક એકર જમીન સાદી તાડપત્રીની હોસ્પિટલ માટે લીધી. આની બીજી બાજુ નાના દીકરાએ
બારમાં ધોરણમાં સારા માર્કસ લાવી, બારમું પાસ કર્યું. ઓલ ઈન્ડીયા મેડીકલની પરીક્ષા આપી અને કલકત્તા મેડીકલ કોલેજમાં એડમીશન મેળવ્યું અને જર્મની અને ચર્ચની સ્કોલરશીપ લઈ મેડીકલનું ભણ્યો અને ડોક્ટર બન્યો.
હવે, સુભાષિનીને ડોક્ટર દીકરાનો સાથ હતો, પાસે હોસ્પિટલ બાંધવા માટે પોતાની થોડી જમીન હતી.
શરૂ થઈ પ્રાથમિક સારવાર માટેની નાની હોસ્પિટલ બાંધવાની શરૂઆત. જેનું નામ સુભાષિનીએ રાખ્યું 'હ્યુમીની-ટી' હોસ્પિટલ.
સુભાષિનીએ શરૂઆતમાં સૌ ગામડા એટલે હકસનપુરના ગામ લોકોને ભેગા કર્યા અને આ હોસ્પિટલની વાત જણાવી અને મદદરૂપ થવા અનુરોધ કર્યો. ગામ લોકોને સુભાષિનીનો આ વિચાર ખૂબ ગમ્યો, તેઓએ સુભાષિનીના આ હોસ્પિટલ પાછળના સંઘર્ષની કથા જાણી અને સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે મદદ કરવા તૈયાર થયા.
કોઈએ યથાશક્તિ પૈસાની મદદ કરી, જેનાથી પ્રાથમિક તબીબી સારવાર માટેના સાધનોની વ્યવસ્થા થઈ. કોઈએ નાનો ટેન્ટ જેવું બાંધવા બામ્બુ આપ્યા, કોઈએ તાડપત્રી આપી, તો કોઈએ નળિયા આપ્યા. ગામના લોકો જે કંઈ આપી શકે તેમ ન હતા, તેમણે બાંધવામાં મદદ કરી. આમ ૧૯૯૩માં ૨૦ બાય ૨૦ની કામચલાઉ શેડમાં હોસ્પિટલ શરૂ થઈ જેમાં ગામલોકોને પ્રાથમિક સારવાર મળી રહે, સુભાષિનીના નાનો દીકરો જે ડોક્ટર બન્યો હતો, તે તબીબ તરીકે સેવા આપવા લાગ્યો. ઉપરાંત ઓટોરીક્ષામાં આ હોસ્પિટલ માટે મદદ કરવી, કોઈ ડોક્ટર મફત સેવા આપી શકે તો તે અને જરૂર પડે દર્દીઓએ આવવું તેવી માઇક દ્વારા જાહેરાત કરવા માંડી.
ઉપરાંત નાના દીકરા ડોક્ટરે એ વિસ્તારના વિધાનસભા, લોકસભાના ઉમેદવારો અને અન્ય પાસે મદદ માંગી અને જોતજોતામાં મોટું ભંડોળ ભેગું થયું. ધીરે ધીરે 'હ્યુમીનીટી' હોસ્પિટલનો વિકાસ થયો.
આજે પ.બંગાળમાં અદ્યતન હોસ્પિટલોમાંની એક આ હોસ્પિટલ છે. આસપાસના ગામડાના લોકોને તાત્કાલીક મદદ મળી રહે છે, વિના મૂલ્યે પણ સેવા અપાય છે.
સુભાષિનીના દ્રઢ મનોબળે તેના સ્વપ્નને સાકાર કર્યું. કેવી માનવતાની મહેક !


