- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- સ્વપ્નોને કોઈ ઉંમરનો અવરોધ નથી હોતો. જો મહિલામાં તેને માટે ખંત, ધીરજ અને દ્રઢ મનોબળ હોય તો તે કોઈપણ ઉંમરે તે પૂર્ણ થઈ શકે છે
કે રાલા બાર કાઉન્સીલની ઓફિસમાં લગભગ ૪૫ વર્ષની આસપાસની એક મહિલા કાળા કોટમાં સજ્જ આવીને ઊભી રહે છે. ઓફિસના વકીલ સ્ટાફ તેને પૂછે છે, 'શું કામ છે ?' તે મહિલા જવાબ આપે છે, 'મારી એડવોકેટ તરીકેની નોંધણી કરવાની છે, જેથી હું પ્રેકટીસ કરી શકું.'
ત્યાં બેઠેલા વકીલો, તેની તરફ જોઈ રહે છે તે મહિલા તેનું એલ.એલ.બી. ૫ વર્ષના કોર્સનું પાસ કરેલું સર્ટીફીકેટ બતાવે છે. વકીલો પ્રસંશાભરી નજરે જોઈ અને નોંધણી કરે છે. બસ એટલું પૂછાઈ જાય છે, આ ઉંમરે તમે વકીલાત પાસ કરી.
મહિલા, 'જ્ઞાન મેળવવાની કોઈ ઉંમર હોતી નથી. મને એ સમજાયું કે શિક્ષણને તેમાં ઉચ્ચ ડીગ્રી તમને માન-સમ્માનને સામાજીક મોભો આપે છે.'
આ મહિલા એટલે કેરાલાની ૪૬ વર્ષે વકીલાતની પરીક્ષા પાસ કરનાર અંબિકા એમ. અંબિકા.
કેરાલાના શહેર ત્રિવેન્દ્ર પાસેના નાના ગામ, ત્રીજુરમાં અંબિકાનો જન્મ, ઘણી વ્યક્તિના નસીબના પડીયા જન્મથી જ કાણા હોય છે. અંબિકા સાથે કંઈક આવું જ બન્યું. અંબિકા ૮ વર્ષની હતી ને માતાનું અવસાન થયું. પિતા સંભાળ રાખી રહેતા હતા, ત્યાં પિતાજીનું પણ અવસાન થયું. આથી અંબિકા તેની દાદી પાસે આવી, દાદીએ અંબિકાનો ઉછેર કરવા માંડયો. અંબિકા ભણવામાં હોશિયાર હતી. દાદીના કીસ્સામાં પણ એજ બન્યું. ઉંમરને કારણે દાદીથી કામ ન થઈ શકવાને કારણે અંબિકા તેની મોટીબહેન પાસે મોકલી આપવામાં આવી. તેની મોટી બહેન રેલ્વેમાં ટ્રેનોમાં કચરા-પોતા કરતી. આથી અંબિકા પર પૂરતું ધ્યાન આપી શકતી નહિ અને અંબિકાનો ઉછેર ને ભણતર અંગે બેકાળજી દાખવતી. આમ સમય તો પસાર થયો, અંબિકા દસમા ધોરણમાં પણ આવી પરંતુ તેનું આ અનાથપણું અહીંથી તહીં ભટકવાની જિંદગીથી તે એટલી કંટાળી ગઈ હતી કે, હોંશિયાર હોવા છતાં, દસમા ધોરણમાં નપાસ થઈ.
અંબિકાનું ભણીને વકીલ બનવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું. તેને દસમાં ધોરણમાંથી ભણવામાંથી ઉઠાડી મુકવામાં આવી અને અંબિકાનું ભણતર, અધૂરું રહ્યું.
બધા રાજ્યોમાં, અમુક વર્ગની જાતિઓમાં તો છોકરીનાં જીવનનું અંત્યબિંદુ લગ્ન જ હોય છે. આ રીતરિવાજ પ્રમાણે પરણાવી દેવામાં આવી.
હવે તો ગૃહ સંસારમાં ડૂબેલી અંબિકા સામે શિક્ષણ મેળવવું અશક્ય થઈ પડયું. ૧૮ વર્ષની ઉંમરે અંબિકાના લગ્ન પછી ૨૨ વર્ષે તો તે અંબિકાને બે દીકરીઓ થઈ. આમ અંબિકાનો સંસાર એક છેડે ને બીજે છેડે શિક્ષણ. બન્ને રેખાઓ સમાંતર જઈ રહી હતી. તેમાં નાની દીકરી માંદી પડી, તેને માટેની દોડા-દોડી, હોસ્પિટલ, દવા વગેરેનો ખર્ચો.
આ સમયમાં તે જીવનની મુશ્કેલીમાં અંબિકાનો ભણીને વકીલ બનવાનું સ્વપ્ન તો ક્યાંય જીવનના એક ખૂણે જઈ પડયું.
પરંતુ થનાર વસ્તુ કોઈ રોકી શકતું નથી. અંબિકાને વાંચનનો શોખ ખરો. આથી તે પાસેની લાયબ્રેરીમાં જતી. અહીં વાંચતા વાંચતા એક દિવસ કેરાલા લીટ્રસીની સાથે જોડાયેલી વ્યક્તિઓનું આગમન થયું. તેઓ અમુક વ્યક્તિ સાથે શિક્ષણના અમુક વર્ગોની ચર્ચા કરી રહ્યા હતા. એ વાંચનાલયના રીડીંગ રૂમમાં આ કલાસ ચલાવતા હતા જેનું શિક્ષણ દસમાં ધોરણની બરોબર હતું.
અંબિકાએ આ વાત સાંભળી, તેના જીવનના અંધારીયા ખૂણામાં પડેલા શિક્ષણ મેળવવાના સ્વપ્ન પર જાણે ઓચીંતો પ્રકાશ પથરાયો. અંબિકાએ એ શિક્ષણવિદ્ વ્યક્તિઓને તે કલાસમાં પોતે જોડાઈ શકે કે નહિ તે પૂછ્યું અને તેને આ શિક્ષણના વર્ગોમાં જોડાવવાની પરવાનગી મળી અને અંબિકા તેમાં જોડાઈ અને દસમા ધોરણના વિષયોનું ભણી.
અને દસમું ધોરણ પાસ કર્યું. પછીના વર્ષોમાં બારમું ધોરણ પણ પાસ કર્યું.
આ અંબિકાના શિક્ષણનો અંત ન હતો. તેના વકીલ બનવાના સ્વપ્નની શરૂઆત હતી. અંબિકાએ પાસેની લો કોલેજમાં એલએલબીના પાંચ વર્ષના કોર્સમાં એડમીશન લીધું.
આ સમયે અંબિકાની ઉંમર ૪૦ વર્ષની હતી પણ સ્વપ્નોની પૂર્ણતાને ઉંમર સાથે ક્યાં નિસ્બત હોય છે !
અંબિકા ૪૦ વર્ષે વિદ્યાર્થી તરીકે લો કોલેજના વર્ગમાં જતાં તેની પરિસ્થિતિ વિષે જણાવે છે કે, 'હું જ્યારે લોના વર્ગમાં દાખલ થઈ ત્યારે બાકીના વિદ્યાર્થીઓ અચંબાભેર મારી સામે જોઈ રહ્યા હતા. કારણ કે હું ૪૦ વર્ષની ને બાકીના વિદ્યાર્થીઓ મારા સંતાનોની ઉંમરના. પરંતુ મેં બધાને હસતા મુખે હલ્લો કર્યું અને હું ભણવા
બેન્ચ પર બેસી ગઈ. મારે તો મારું વકીલ બનવાનું સ્વપ્ન પૂરું કરવું હતું. આ તો પાશેરામાં પહેલી પૂણી હતી.'
અંબિકાએ ઘર અને સંતાનની જવાબદારી સાથે મોટી ઉંમરે ભણવાનું હતું. આથી જવાબદારી ત્રેવડી હતી. આથી સવારે અંબિકાને વહેલા ઊઠવું પડતું. ઘરનું બધું કામ કરી, પતિ અને દીકરીનું જમવાનું બનાવી, પોતાનું ટીફીન ભરી તે લગભગ નવ વાગે નીકળતી.
તેના ઘરથી કોલેજ દૂર હતી. તેણીને મેટ્રો ટ્રેનમાં પહોંચતા અડધો કલાક ઉપર લાગતો અને મેટ્રો સ્ટેશન સુધી જતાં બીજી ૧૫ મિનિટ. આમ લગભગ કોમ્યુટ કરતાં ૧ કલાક થતો સવારે ને એક કલાક સાંજે. ઘરે સાંજે આવીને ઘરનું કામ વગેરે. દીકરી સૂઈ જતી પછી અંબિકા વાંચતી. ઘણીવાર ટ્રેનની પોણા કલાકની મુસાફરીમાં પણ તેને વાંચવાનું પૂરું કરવું પડતું.
આમ ખૂબ મુશ્કેલીઓના અવરોધ છતાં, અંબિકાએ એલએલબી લોના પાંચ વર્ષ પૂરા કર્યા અને ૬૦ ટકા ફર્સ્ટ કલાસ માર્કસ સાથે અંબિકાએ લોનું ભણતર પૂરું કર્યું અને વકીલ બની અને ખૂબ ગર્વપૂર્વક કેરાલા બાર કાઉન્સીલમાં જઈ એડવોકેટ તરીકે નામ નોંધાવી વકીલ બની અને પ્રેક્ટીસ શરૂ કરી.
અંબિકા મહિલાઓને સંદેશ આપે છે કે, 'તમારા સ્વપ્નાને પૂરાં કરવાની કોઈ ઉંમર હોતી નથી. તેને માટે તમારી પાસે ધીરજ, ખંત અને સમર્પણ જોઈએ અને રસ્તામાં આવનાર મુશ્કેલીઓના અવરોધોને દૂર કરવાનું મક્કમ મનોબળ.'
અને ખાસ વાત એ છે કે, અંબિકાની આ મોટી ઉંમરની સફળતા પાછળ તેના પતિનો સપોર્ટ અને પ્રેરણા પ્રેરકબળ રહ્યા છે.


