ખુદ કી ખુદમેં તલાશ કર : અનામિકા જોષી
- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- તમારા માટે ઈશ્વરે નસીબમાં શું લખ્યું હોય છે તેની તમને ક્યારેય ખબર નથી હોતી. આથી જ્યારે તક દરવાજા પર દસ્તક દે, ત્યારે તેનો ભરપૂર ઉપયોગ કરો. કાલની રાહ ન જુઓ.
'ખુદ કી બુલંદ કર ઈતના,
કી ર્ખુદા ભી પૂછે તેરી મરજી ક્યા હૈ.'
કેટલીક મહિલાઓ જીવનમાં અનેક મુશ્કેલીઓ, ખરાબ પરિસ્થિતિ આવે પરંતુ ટક્કર લઈ, તેમાંથી સફળતાનો મહેલ ચણે છે. આવી એક મહિલાની વાત છે, જે છે આધુનીક અને યુવાનપેઢીની જેનું નામ છે, અનામિકા જોષી.
૩૦ વર્ષની વયે તેને ૫૦ લાખનું દેવું હતું. પરંતુ તેમાંથી જરાય અસ્વસ્થ થયા વગર તે કઠીન ને નકારાત્મક પરિસ્થિતિનો સામનો કર્યો અને તેમાંથી બહાર નીકળી રાષ્ટ્રીય કક્ષાએ કવિયત્રી બની, તેમજ 'વર્ડ સ્પીકીંગ' કલાકાર તરીકે ઊભરી આવી અને પ્રસંશા મેળવી.
અનામિકાજોષી મૂળ ઠેરાબાની, પરંતુ પિતાનો વસવાટ દીલ્હીમાં. ઘરની આર્થિક પરિસ્થિતિ મધ્યમ વર્ગની. પરંતુ જ્યારે અનામિકા લગભગ હાયર સેકન્ડરીમાં આવી ત્યારે, એના પિતાને દેવું થઈ ગયું. આ પરિસ્થિતિ, જોતાં અનામિકા, થોડા વિચારોમાં રહેતી. પરંતુ સમય જતાં તેના પિતા સંપૂર્ણ દેવામાં ડૂબી ગયા. લેણદારો દિવસ-રાત આવીને બૂમ-બરાડા કરી પૈસા માગતા. આથી ઘરની આસપાસ ભયનું વાતાવરણ છાયેલું રહેતું.
અનામિકાએ બારમું પાસ કર્યું અને ઘરની પરિસ્થિતિ ખૂબ બગડી ગઈ. આથી તેના પિતાએ કુટુંબને લઈને જયપુરમાં સ્થળાંતર કર્યું. અહીં જયપુરમાં અરવીંદો માસ કોમ્યુનીકેશન સંસ્થામાં, માસ કોમ્યુનીકેશન અને એડવેટાઈઝીંગનો કોર્સ કર્યો.
આ સ્નાતક કક્ષાનું ભણતર પૂરું કર્યા પછી અનામિકાએ એક એડવેટાઈઝ કંપનીમાં નોકરી કરી. આ દરમ્યાન અનામિકાને લાઈફ પાર્ટનર મળતા, બન્નેએ પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. આ પછી 'ઊટપટાંગ' નામનો સ્ટોર બન્નેએ ખોલ્યો. અહીં પોતે જ જાહેર ખબરોનું કામ કરવા લાગ્યા. કોઈપણ પ્રોડક્ટ ને અંગેના પોસ્ટર, માસ્ક કે સાઈનબોર્ડ બનાવવાનું ચાલુ કર્યું. ૪ વર્ષ અનામિકાનો, ધંધો સરસ ચાલ્યો. બન્ને જણા એક પછી એક સફળતાના પગથિયા ચડતા રહ્યા.
નવા બીઝનેસ રૂપે અનામિકા અને તરુણે સંગીત અંગેના વાદ્યો વગેરેનું લાયસન્સ મેળળી આપવાનું શરૂ કર્યું. જાણીતા સંગીતકાર રહેમાન, જસ્ટીન બીબરે આ લોકોની મદદ લીધી. પણ નસીબ ઘણીવાર સફળતાની ટોચ પર પહોંચતા પહેલા દગો આપી જાય છે. આવું જ કંઈક અનામિકા સાથે થયું.
આ નવા ધંધામાં અનામિકા અને તેના પતિને સખત ખોટ ગઈ. તેણીને પચાસ લાખનું દેવું થઈ ગયું.
અનામિકા કહે છે કે, 'મારા પિતાજી અને પછી મારું સરખું ચક્ર ચાલ્યું. બાળપણની એ દેવાદારીની અસરો તાજી થઈ, મને બેન્કના પગથિયા ચડી, મારું એકાઉન્ટ સ્ટેટમેન્ટ જોતાં પણ ડર લાગતો હતો.'
અનામિકાની ઊમર ૩૦ વર્ષની અને દેવું પચાસ લાખ. ઊમર કરતા દોઢગણું. પણ અનામિકાની હિમ્મત, દઢમનોબળ અને તેનાં સપનાં તેની સાથે હતા. બન્ને જણાએ દીલ્હી છોડી જયપુર જવાનું નક્કી કર્યું.
જયપુરમાં અનામિકા અને તરુણે નવેસરથી જીવન શરૂ કર્યું. તરુણે નોકરી શરૂ કરી અને અનામિકાએ ફી લેનસીંગ જાહેર ખબરનું કામ શરૂ કર્યું.
આટલી મોટી આપત્તિમાં પણ તેઓ હિમ્મત ના હાર્યા. અનામિકાએ ખુદને એટલી બુલન્દ બનાવી કે ખુદાએ તેને આપોઆપ રસ્તો કરી આપ્યો.
અનામિકા પોતાની નવરાશની પળોમાં થોડી કવિતાઓ લખતી હતી. ખાસ કરીને જ્યારે તેની કપરી પરિસ્થિતિ હતી ત્યારે નીરાશાના ગર્તમાં ધકેલાવવાને બદલે, કવિતાઓ લખવામાં સમય પસાર કરતી.
અનામિકાનું કહેવું છે કે, 'તમે જ્યારે નકારાત્મક પરિસ્થિતિમાંથી પસાર થતા હો ત્યારે, તમારા શોખને જીવંત કરી, તે બાજુ મન વાળો તો તમને જલ્દી, હકારાત્મક માર્ગ મળે છે.' ખુદમેં ખુદકી તલાશ.
જયપુરમાં, એક સખીને ત્યાં મર્ધસ ડે નિમિત્તે ખાસ બધા ભેગા થવાના હતા. તેની સખીએ અનામિકા લખે છે કે ખબર હતી, આથી કવિતા બોલવાનું આમંત્રણ આપ્યું. શરૂઆતમાં અનામિકા શું બોલવું તે અવઢવમાં હતી. પરંતુ આગલે દિવસે તેણીની મા તેને મળવા આવી અને તેના પરથી તેણી તેની માના જીવનની મુશ્કેલીઓ યાદ આવી અને તે પરથી તેણીએ કવિતા લખી, 'મા તુમ ભી લગત હો સકતી હો.' અને આ કવિતા હીટ ગઈ અને શરૂ થયો અનામિકાનો કલમનો જાદુ.
અનામિકા જણાવે છે કે, 'તેને બાળપણ અને ટીન એજમાં કવિતાનું વાતાવરણ મળ્યું હતું. તેના પિતાજી ફેકટરીએ જતા ત્યારે એક કવિતા ટેબલ પર મૂકી જતા, રાત્રે પાછા આવે ત્યારે તેમની માતા જોડે ચર્ચા કરતા. આમ રોજ જ કવિતાના બીજ અનામિકામાં રોપતાં. અનામિકા આ કવિતાઓ શાળામાં સંભળાવતી પરંતુ પિતાજી દેવાદાર થતા એ કવિતાના સંસ્કારો કયાં દબાઈ ગયા. પણ ઈશ્વરે-ખુદાએ તમારે માટે કંઈક જુદુ જ ઘડયું હોય છે. મારા દેવામાં પણ કવિતા ક્યાંય ગાયબ થઈ ગઈ હતી પરંતુ મારા મિત્રને ત્યાં આ કવિતા છેલ્લે વાંચી અને મને આશ્ચર્યજનક રીસપોન્સ મળ્યો કોઈ મા રડતી હતી. કોઈ આંસુ લૂછતી હતી તો કોઈ મારી પાસે કાગળ માંગતી હતી. બસ આમ શરૂ થઈ મારી કવિતાની સફર.'
આ પછી અનામિકા 'સ્પોકન વર્ડ આર્ટીસ્ટ' બની. તે કવિતાઓ ઉપરાંત તાત્કાલીક વિષયો પર વાતચીત કરતી. 'સ્પોકન વર્ડ' એ કવિ સંમ્મેલનનો જ થોડો જુદો પ્રકાર છે. અનામિકા જોષી છે. સ્ત્રી શક્તિ સંકરણ, રોજબરોજની મુશ્કેલીઓ, વગેરે અંગે ખાસ ભાષણ નહિ પરંતુ વાતચીતના સ્વરૂપમાં, વાત કરે છે. આ તેની કલમની સફળતાએ તેનું ૫૦ લાખનું દેવું પતાવવામાં મદદ કરી.
આજે તેઓનું બધું જ દેવું પૂરું થઈ ગયું છે. અનામિકા જોષીની કવિતાઓ, 'આખીરતુમ હોતે કોન હો ?' 'ખુદ મેં ખુશ', 'ત્યાગી' સ્પોકન વર્ડ કવિતા વગેરે જાણીતી કવિતાઓ અને સ્પોકન વર્ડ કવિતાઓ છે.
આજે ફરી તેઓએ જાહેરખબરની કંપની ઊભી કરી છે. 'ઊટપટાંગ એડ ફીલ્મ.' જેના દ્વારા અનેક જાહેર ખબર ફિલ્મ વગેરે બનાવી રહ્યા છે.
અનામિકા જોષી એ જ કહે છે કે : ગમે તેવી નીરાશજનક પરિસ્થિતિ આવે પણ ઈશ્વરની શ્રદ્ધા તમને તારી જાય છે. 'ખુદ કો ખુદમેં તલાશ કર' એ જીવનનો અભિગમ તમને તારે છે. એ જ જીવનની ફિલોસોફી હોવી જરૂરી છે.