- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- દ્રઢમનોબળ + હિમ્મત + આંતરીક સૂઝ = જીવનની સફળતા એક અલ્પશિક્ષિત, સામાન્ય નારી આ જીવનસમીકરણ જીવી બતાવે છે
જી વનના આ સમીકરણને, ઓડીસાની અલ્પશિક્ષિત સામાન્ય મધ્યમવર્ગની ગૃહિણી, એક ગામડાની ગ્રાસરૂટ લેવલની મહિલાએ જીવી બતાવ્યું. પોતે શૂન્યમાંથી સર્જન કરી, એન્ટરપ્રીનર બની, તે પણ 'પેપર પ્લેટ' જેવી સામાન્ય વસ્તુનું સર્જન કરીને. એટલું જ નહિ પરંતુ પોતાના જેવી વિધવા, સીંગલ મધર મહિલાઓને આર્થિક ઉપાર્જન કરતી કરી, કોવીડ જેવી પરિસ્થિતિ કે જેમાં લગભગ બધા જ વ્યવસાયો બંધ હતા, ત્યારે આ મહિલા 'પેપર પ્લેટ' બનાવવાનો પોતે પણ ચાલુ રાખ્યો અને બીજી દસથી પંદર સામાન્ય મહિલાનો ચૂલો પણ ચાલુ રાખ્યો, બુઝાવવા દીધો નહિ.
આ જીવંતનારી એટલે ઓડીસાની લલીતાદેવી સીંગ જે આજે 'જય હનુમાન પેપર પ્લેટ' કંપની ચલાવે છે.
આ કંપનીના પેપરપ્લેટ પેકીંગમાં, કામ કરતી શ્રીદેવી કહે છે, 'મારું ચૌદ વર્ષે લગ્ન થઇ ગયું. ૩ વર્ષમાં મારા પતિનું મરણ થયું, મારે ત્રણ વર્ષની દીકરી હતી. હું ભણેલી હતી નહિ આથી અમારા બેનું ગુજરાન કેમ ચલાવવું ને, દીકરીનો ઉછેર ભણતર ખર્ચ કેવી રીતે કાઢવો તે મોટો પ્રશ્ન હતો. હું મુશ્કેલીની ગુફામાં મુંઝાતી બેઠી હતી. લલીતા દીદીએ મારો હાથ ઝીલ્યો, મને તેમની જય હનુમાન પેપર' ફેક્ટરીમાં નોકરી આપીને આર્થિક ઉપાર્જનનો રસ્તો બનાવ્યો તો આજે હું મારી દીકરીને ઉછેરી શકું છું અને સરકારી શાળામાં ભણાવી શકું છું. આ જ સુધીમાં લલીતા દીદીએ લગભગ ૫૦થી વધારે ગરીબ, વિધવા, એકલી માતાઓ, શાળામાંથી ઉઠાડી મૂકેલી યુવતીઓને આ પેપર પ્લેટ મેકીંગની ટ્રેનીંગ આપી છે અને આર્થિક પગભર કરી છે અને સાચા અર્થમાં, પોતાનું અને અન્ય મહિલાઓનું શક્તિ સંકરણ કર્યું છે.
એક સામાન્ય નારી કેવી રીતે આ જીવન સમીકરણ જીવી શકે તે જાણવું દરેક વાચક મહિલાએ જરૂરી છે.
લલીતા દેવી સીંગનું જીવન સામાન્યમાંથી અસામાન્ય બન્યું છે.
લલીતાનો જન્મ ઓડીસાના નાના જીલ્લા રાયગડા નાતા ગામમાં થયો હતો. ઘરમાં ગરીબીનું રાજ એટલે ધોરણ આઠમા સુધી તેને ભણવા દેવામાં આવી પછી ભણવામાંથી ઉઠાડી મૂકી અને ૧૪ વર્ષે પરણાવી દેવામાં આવી. એજ જીવનની ઘરેડમાં ૮ વર્ષ સામાન્ય દાંપત્યજીવન અને ગૃહસ્થીના ચાલ્યા. ૩ બાળકોની માતા બની, પણ આઠ વર્ષ પછી ભાગ્યે પલ્ટો ખાધો. પતિનું એકાએક અવસાન થયું. ૨૨ વર્ષની વિધવા અલ્પશિક્ષિત લલીતા મુશ્કેલીઓના શૂન્યાવકાશમાં ધકેલાઈ ગઈ.
આ પરિસ્થિતિને યાદ કરતા લલીતા કહે છે કે, 'હું ભણેલી નહિ, કોઈ આર્થિક બચત કે સપોર્ટ નહિ, મારે શંક કરવું તે સમજણ જ પડતી નહિ. મારી પાસે મારા પતિના મૃત્યુનો શોક કરવાનો પણ સમય ન હતો, કારણ કે ૧ વર્ષની દીકરીને ૨ દીકરાનો ઉછેર કરવાનો હતો અને અમારા ચારની ગૃહસ્થી ચલાવવાની હતી. શું કરવું સમજ પડતી ન હતી. પણ મારે જીવનરસ્તે આગળ વધવાનું જ હતું, મેં જે મળે તે સામાન્ય નોકરી કે દૈનિક મજૂરી શરૂ કરી અને જીવન રસ્તે આગળ વધવા માંડી.'
લલીતા અલ્પશિક્ષિત હતી પરંતુ તેની આંતરિક સૂઝ જબરજસ્ત હતી તે સમજી ગઈ કે આવી છૂટક કામગીરીથી જીવન ના ચાલે, એ કર્યા કરીએ તો ગરીબીના ભરડામાં દિવસે દિવસે વધુને વધુ ભરડાતા જઇએ. આમાંથી રસ્તો કાઢવો જ પડે.
પ્રયત્ન કરતા કરતા લલીતાને પેપરપ્લેટ બનાવવાની કંપનીમાં નોકરી મળી, તેણે બે વર્ષ ત્યાં નોકરી કરી. આ નોકરી કરતા કરતા લલીતાને વિચાર આવ્યો કે, પેપર પ્લેટ બનાવવાની શરૂઆત કરી તે વ્યવસાયમાં આગળ વધી શકાય. અને તેની પેપરપ્લેટ બતાવવાની યાત્રાના મૂળ નંખાયા.
લલીતામાં આંતરિક સૂઝ સારી હતી. તેની કોઠા સૂઝે તેને પેપર પ્લેટ ઘરમાં બનાવવામાં મદદ કરી.
પેપર પ્લેટ ઘેર માટે તેણે વેસ્ટમાંથી બેસ્ટ એ રીતનો ઉપયોગ કર્યો. આસપાસના ઘરોમાંથી પેપરો અને મેગેઝીનો ભેગા કર્યા પછી ઘરમાં મેંદો, પાણી ને ફેવીકોલ ભેગા કર્યા. છાપા અને કાગળની પટ્ટીઓ કાપી તે રગડામાં બોળી એક સ્ટીલની પ્લેટનું મોલ્ડ બનાવી તેના પર બે ત્રણ લેયર કરી ચોંટાડયા અને સૂકવવા મૂકી. પેપર પ્લેટો સૂકાયા પછી તેને કાપી અને આકાર આપ્યો. પ્લેટો તૈયાર તો થઇ પરંતુ કોમર્શીયલ બજાર માટે તે ચાલી નહિ. ઘરે ઘરે વેચી અને થોડા જ પૈસાનો નફો થયો. આથી લલીતાએ કુટુંબીજનો પાસેથી રૂ. ૧૫,૦૦૦ ઉછીના લઈ સાદી કોમર્શીયલ મશીન ભાડેમાં
પ્લેટો બનાવવાની કોશિશ કરી જોઈ. પરંતુ તે પણ નિષ્ફળ નીવડી કારણ કે ઘાટ કરતાં ઘડામણ મોંઘુ હતું.
લલીતાને ખ્યાલ આવી ગયો કે વધારે નફા માટે પેપરપ્લેટ બનાવવાની મશીનરી જોઇએ જગ્યા જોઈ તે માટે ભાડું આપવું પડે. આમ બધું મળીને ધંધામાં રૂપિયાનું ઇનવેસ્ટમેન્ટ (રોકાણ) જોઇએ આ માટે લલીતાએ જુદી જુદી બેંકોમાં લોન માટે અરજી કરવા માંડી.
પરંતુ લલીતા પાસે લોન લેવા સામે બતાવવાની કોઈ સ્થાવર કે જંગમ મીલકત ન હતી.આથી બેંકો કે ખાનગી પેઢીઓમાંથી લોન મળી નહિ.
પ્રશ્ન એ ઉભો થયો કે ક્યાંથી લોન મેળવવી ? લલીતા મૂંઝાઈ જરૂર પણ હારી નહિ.
લલીતાએ એન.જી. સંસ્થાઓની તપાસ કરવા માંડી. જે આ પ્રકારની મહિલાઓને લોન આપે અને તેની સખત મહેનત અને સઘન પ્રયત્નો સફળ થયા.
ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટ એનજીઓ સંસ્થાએ લલીતાના પ્રોજેક્ટ વિષે માહિતીની રજૂઆત જોઈ અને પાંચ લાખની લોન આપવાની મંજૂરી આપી. લલીતાને પાંચ લાખની લોન મળી અને લલિતાએ પોતાનો પેપર પ્લેટ બનાવવાના પ્રોજેક્ટની શરૂઆત કરી.
આ પછીના ૬ મહિનામાં લલીતાએ પેપર પ્લેટ ફેકટરી યુનિટ ઉભું કર્યું. પેપર પ્લેટ માટે, પેપરનું રીસાઇકલ મશીન, હીટીંગ મશીન, પ્રોસેસીંગ મશીન, કીટીંગ મશીન તેમજ કામ કરવા માટે બહેનો બધો જ ખર્ચો આ લોનમાંથી કર્યો અને પેપર પ્લેટ ફેકટરી શરૂ કરી.
આજે, આ પેપર પ્લેટ યુનીટ રોજની દસ હજારથી વધારે પ્લેટો તૈયાર કરી જુદી જુદી જગ્યાએ મોકલે છે. વર્ષનો લલીતા દેવી સીંગનો નફો પચીસ લાખ ઉપર છે.
લલીતાએ ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટને બધી લોનો ચૂકવી દીધી છે. હવે તે રો મટીરયલ માટે પોતે જ પેપર શીટ બનાવે તે મશીનરી લાવી રહી છે.
લલીતા પોતે તો સ્ત્રી શક્તિ સંકરણનું ઉદાહરણ છે જ, પરંતુ તેનો આ વ્યવસાય પાછળનો મુખ્ય આશય તેના જેવી અલ્પશિક્ષિત, ત્યક્તા, વિધવા કે નસીબના ભોગે ફસાયેલી યુવતીઓને રોજી આપી આર્થિક ઉપાર્જન કરી આપી પગભર કરવાની છે. આજે આ ફેકટરીમાં, પંદરથી વધારે બહેનો, આવી રીતે જીવનમાં જુદી જુદી રીતે મુશ્કેલીનો ભોગ બની છે, તેને લલીતાએ રોજી આપી છે ને તેઓની મહિને આવકથી તેમનાં કુટુંબની રોજી રોટી ચાલે છે. તેમજ તેઓનાં સંતાનો ભણે છે.
લલીતા પેપર પ્લેટ મેકીંગના વર્કશોપ કરી મહિલા અને યુવતીઓને પેપર પ્લેટ મેકીંગનું માર્ગદર્શન આપે છે. લલીતા માટે એટલું જ કહી શકાય. શક્તિ રૂપે નારાયણી, હિંમત એની ભારી ના ડગી જરાય, જીવનની મુશ્કેલીને મહાત કરી જીત મેળવનારી.


