Get The App

બ્રાઉન કુડી વેલ્ડર ગર્લ હરપલકોર

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
બ્રાઉન કુડી વેલ્ડર ગર્લ હરપલકોર 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

પંજાબના લુધીયાણા અને જલંધરની વચ્ચે, 'ગુરા' નામનું નાનું શહેર આવેલું છે. શનિવારની સાંજે ત્યાં વેલ્ડીંગની એક દુકાનમાં હાથમાં વેલ્ડીંગનું ટૂલ લઈ એક યુવતી ટ્રેક્ટરના એન્જીનમાં વેલ્ડીંગ કરી રહી છે. તેના કપડા કાળા કાળા થઈ ગયા છે. મોંઢા પર પણ પરસેવો, હાથ કાળા અને દેખાવ ન જોવો ગમે તેવો છે. બીજે દિવસે સવારે રવિવારે આજ યુવતી બાઇક પર બેસીને સબજીમંડી જાય છે ત્યારે તે એક અત્યંત દેખાવડી યુવતી લાગે છે.

બાર કલાકમાં આટલો બધો ફેર દેખાવમાં !

હા, આ હરપલકોર આધુનીક યુવતીના જીવનની વાસ્તવિકતા છે. આ છે પંજાબની પહેલી, કદાચ ભારતની પહેલી 'વેલ્ડીંગ ગર્લ.' જે આખા ભારતમાં ખાસ કરીને પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરેમાં, 'બ્રાઉન કુડી વેલ્ડર' તરીકે જાણીતી છે. વેલ્ડીંગનું કામ કરવાને કારણે શનિવારનો તેનાં દેખાવનો હુલીયો હોય છે. જ્યારે ખરેખર દેખાવે તે ઘણી સુંદર છે. આખા અઠવાડીયા દરમ્યાન વેલ્ડીંગનું કામ કરવાને કારણે હરપલનો દેખાવ આ રીતનો થાય છે. આજે તે યુવતી હોવા છતાં વેલ્ડીંગનું કામ કરે છે તેમજ વીન્ટેજ મશીનોના ટાયર બનાવતી કંપની બ્રાઉન કુડી ટાયર્સ સાથે ધંધો કરે છે. આથી 'બ્રાઉન કુડી ગર્લ' તરીકે પણ જાણીતી બની છે.

હરપલકોરને આ પુરુષપ્રધાન વ્યવસાયોમાં સફળતા એકદમ નથી મળી. તેના જીવનમાં મુશ્કેલીઓનો પહાડ ખડકાયો હતો. એ મુશ્કેલીઓના પહાડ પર એક એક મુશ્કેલીની સીડીઓ ચડીને તેણી સફળતાની ટોચ પર પહોંચી છે.

હરપલકોરની કહાની શરૂ થાય છે, ૨૦ વર્ષથી. આ નાની ઉંમરે પંજાબના જૂનવાણી રિવાજ પ્રમાણે, હરપલને પરણાવી દેવામાં આવી. સાસરીયા જબરા અને પતિનો જોઈએ તેવો સાથ નહિ. આમ છતાં, હરપલએ સાસરામાં ૮ વર્ષ સંઘર્ષ કર્યો ને અનુકૂળ થવા પ્રયત્ન કર્યો. પરંતુ પરિણામ નિષ્ફળતામાં આવ્યું. આથી હરપલ પોતાને પિયર પાછી ફરી.

હરપલ એકલી નહતી તેની આંગળીએ ૯ વર્ષનો દીકરો હતો. માતા-પિતાએ તેને જાકારો ના આપ્યો, પરંતુ પ્રેમથી આવકારી. ખાસ કરીને પિતાએ, ઘણો સપોર્ટ આપ્યો માનસિક રીતે.

હરપલ કોર પિયરમાં રહેવા તો લાગી પરંતુ તેને બે ભારે સમસ્યાઓનો સામનો કરવો પડયો. એક તો અન્ય કુટુંબીજનો, સગાંવાલાઓ અને પાસપડોશીઓ તેને પાછી આવીને પિયરમાં રહી આથી તેને મ્હેણાટોણા મારવા માંડયા અને ટીકાઓ કરવા લાગ્યા. સવારથી સાંજ હરપલને આજ સાંભળવું પડતું. બીજી સમસ્યામાં, તેના પિતાની નાની વેલ્ડીંગની દુકાન હતી, સામાન્ય આર્થિક સ્થિતિવાળું ઘર હતું, આથી હરપલને પોતાની જાત, તેમજ દીકરાનો આર્થિક ભાર પિતા પર આવતો હોવાથી તેના આત્મસન્માનને પળેપળે ઠેસ પહોંચતી.

હરપલકોરે નોકરી શોધવા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તે નિષ્ફળ ગઈ.

પરંતુ આ તો આધુનીક યુવતી હતી. તેણે પોતાની નારાયણી શક્તિ કામે લગાડી અને પિતાજીને વિનંતી કરી કે તેમની વેલ્ડીંગ શોપમાં, વેલ્ડીંગની મજૂરીનું કામ આપે. તેણે શરત મૂકી કે, બીજા વેલ્ડર મીકેનીકોને દિવસની જે મજૂરી આપતા, તે મજૂરી હરપલને આપે. પિતાજી પણ ઈચ્છતા હતા કે, હરપલ આર્થિક રીતે સદ્ધર બને, તેના પગ પર ઊભી રહે, આથી તેમણે હરપલને તેમની વેલ્ડીંગની દુકાનમાં વેલ્ડીંગનું કામ આપ્યું અને બીજા વેલ્ડીંગ મીકેનીકોની જેટલી જ રૃા. ૩૦૦ની દિવસની મજૂરી નક્કી કરી.

હરપલકોરની વેલ્ડીંગની ટ્રેનીંગ શરૂ થઈ અને આમ દ્રઢ મનોબળ, હિમ્મત અને જજબાતથી હરપલકોર વેલ્ડીંગ ગર્લ બની અને તેની યાત્રા શરૂ થઈ.

હરપલે જોતજોતામાં વેલ્ડીંગનું કામ સરસ રીતે શીખી લીધું. લોખંડનું વેલ્ડીંગ કરી, સાધનો બનાવવા અને રીપેર કરવાનું કામ પિતાની નાની દુકાનમાં શરૂ કર્યું.

હરપલકોર સવારના વહેલી ઊઠી જતી તેના ભાગનું ઘરનું કામ કરી, દીકરાની શાળાની તૈયારી વગેરે કરી, વહેલી દુકાન પર પહોંચી જતી તે રાતના મોડે સુધી કામ કરતી. તેનું કામ વેલ્ડીંગનું કામ એટલું સરસ રહેતું કે બીજા જૂના વેલ્ડીંગ કારીગરો કરતાં તે વધારે સારું કામ કરતી. મોટેભાગે જે કામ દિવસે હાથમાં લેતી, તે રાત સુધીમાં પૂરું કરીને આપી દેતી. મોટું વેલ્ડીંગનું કામ હોય તો સવારે તો પૂરું નાખતી પણ ચોવીસ કલાકથી વધારે ક્યારેય કોઈપણ ગ્રાહકનું વેલ્ડીંગ કામ બાકી ના રહેતું.

વેલ્ડીંગનું કામ સખત અને શ્રમ માગી લે તેવું ગણાય છે. વેલ્ડીંગનું કામ કરતાં, હરપલ પરસેવે રેબઝેબ થઈ જતી. સતત વેલ્ડીંગની સખત લાઇટને કારણે, આંખોમાંથી પાણી નીકળ્યા કરતું. ભારે લોખંડ ઉંચકવું પડતું, ને વેલ્ડીંગની જરી પડતી જેને કારણે કપડા તથા હાથ કાળા થઈ જતા. પરસેવો લૂંછતા હાથ મોઢા પર લાગી જાય આથી મોઢા પર પણ કાળા ધબ્બા પડી જતા. વેલ્ડીંગ કરતી વખતે ખાસ પ્રકારના મોજા ને બૂટ પહેરવા પડે છે. હરપલની કામગીરી એટલી લાંબી રહેતી કે વેલ્ડીંગની ગરમીને કારણે મોજા બૂટ સાથે ચોંટી જતા અને પગમાં ગરમી ગરમી થઈ જતી.

આવી કઠીન વેલ્ડીંગની કામગીરીમાં પણ હરપલકોર પાછી ના પડતી કારણ કે તેની સામે દીકરાનું ભવિષ્યની જવાબદારી હતી અને પોતાનું આત્મસન્માન.

પોતાના દ્રઢ મનોબળે વેલ્ડીંગની કામગીરીના વાતાવરણ સામે હરપલ ટકી ગઈ અને તેણે ટીકટોક પર પોતાની કામગીરીના વીડીયો બનાવવા શરૂ કર્યા. આમ કરતા થોડી જાણીતી થઈ પરંતુ ટીકટોક પર ભારતમાં પાબંધી આવી ગઈ. હવે શું કરવું ?

પરંતુ હરપલ કોર તો, નવા જમાનાની ટેકનોકેટ યુવતી હતી. તેણીએ સોશ્યલ મીડીયાનો સહારો લેવાનું નક્કી કર્યું. હરપલ કોરે પોતાના વેલ્ડીંગ કામ કરતા, સાધનોની રીલ બનાવીને મુકવા માંડી. ટીકટોકના વીડીયો અને આ રીલને કારણે, લોકો તેને જાણતા થયા. તેની આ સોશ્યલ મીડીયા પર તેનો મીડીયા પર તેનો ઈન્ટરવ્યુ લીધો. આ ઈન્ટરવ્યુ ઘણા બધાએ જોયો અને હરપલકોરને વધારે પ્રસિદ્ધિ મલી. આ પછી તેણે ઈન્સ્ટ્રાગ્રામ પર પોતાનું પેજ બનાવ્યું ને યુ-ટયુબ પર પોતાની વેલ્ડીંગની કામગીરીના અગત્યના ખેતીવાડી ને અન્ય સાધનો સાથેના વીડીયો અપલોડ કરવા માંડયા. ઈન્સ્ટ્રાગ્રામ અને યુ-ટયુબ પર ઘણા બધા સબસ્ક્રાઇપરને લીધે હરપલને પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી ખેતીવાડી અને અન્ય સાધનોના વેલ્ડીંગ માટે વધારે ને વધારે કામ મળવા લાગ્યું. હવે તે વેલ્ડીંગ ગર્લ તરીકે પ્રસિદ્ધ થઈ તેની એક્સ્પર્ટ કામગીરીથી લોકો તરફથી ઘણી પ્રશંસા મળવા લાગી. તેના પિતાજીનો વેલ્ડીંગનો ખૂબ નાનો કારોબાર હતો, તે ઘણો વિકાસ પામ્યો.

હાલમાં, હરપલકોર ખેતીવાડીનાં સાધનો, તેમજ અન્ય સાધનોનું વેલ્ડીંગનું કામ તો કરે જ છે પરંતુ ઉપરાંત હેરીટેજ મશીનો અને રોસ્ટર, કલેકટર વગેરેના ટાયરોમાં સ્પેશ્યલાઇઝેશન કર્યું છે. આથી હરપલકોરે કુડી ટાયર કંપની જોડે જોડાણ કર્યું છે, જેને કારણે તે, 'બ્રાઉન કુડી વેલ્ડર' તરીકે જાણીતી થઈ છે અને યુ-ટયુબ પર હવે આ નામની હરપલની ચેનલ પણ છે.

હરપલકોરનો દીકરો, સારી શાળામાં ભણે છે. તેની એક બહેન પોલીસમાં છે અને સૌથી નાની તેને મદદ કરે છે. પિતાજીની વેલ્ડીંગની દુકાન ઘણી મોટી થઈ ગઈ છે.

હરપલકોર આધુનીક યુવતીઓ અને મહિલાઓને સંદેશો આપે છે કે, આધુનીક યુવતી-મહિલાઓએ જીવનમાં આવતી કૌટુમ્બિક, આર્થિક કે સામાજીક મુશ્કેલીઓથી ડરવું જોઈએ નહિ. મુશ્કેલીની એક બાજુ દર્દ છે તો બીજી બાજુ પડકાર છે. પડકારનો રસ્તો લઈ જીવનમાં આગળ વધવું જોઈએ, જેમાં પોતામાં રહેલા હુન્નર, કલાનો દ્રઢ મનોબળ અને ધીરજને હથિયાર બનાવી આગળ વધવું જોઈએ.