Get The App

વિદિશાથી પેરિસ : વૈશાલીની ફેશન યાત્રા .

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
વિદિશાથી પેરિસ : વૈશાલીની ફેશન યાત્રા                               . 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- વૈશાલી કોલેજ જતી ત્યારે ખૂબ સાદા કપડા પહેરતી પરંતુ તેની સ્ટાઈલ કંઈક બધાથી જુદી અને આગવી લાગતી

રેગ્સ ટુ રીટેલ !

વિદીશા નાના શહેરથી પેરિસ, ન્યૂયોર્ક ફેશન વીક સુધી.

શૂન્યમાંથી સર્જન કરનાર અને રેગ્સથી રીટેલને મોટા બહોળા ફેશન શોપ સુધી જનાર યુવતીનું નામ છે વૈશાલી શેડેગલ. સ્વપ્નોની મેરેથોન રેસમાં જે પાછળ જોયા વગર આગળ દોડયા જ કરે છે, તે સફળતાને વરીને રહે છે. વૈશાલીની સફળતાની કહાની આવી જ કંઈક પ્રેરણાત્મક છે.

મધ્યપ્રદેશના નાના શહેર વિદીશામાં, જૂનવાણી કુટુંબમાં વૈશાલીનો જન્મ. હજુ આજે પણ ભારતના ઘણા રાજ્યોમાં, દીકરીઓ શાળાના આઠમા નવમા ધોરણમાં આવે એટલે ૧૫-૧૬ વર્ષની થાય એટલે લગ્ન કરાવી નાખવાના, એ જ દીકરીનું જીવન એ જ પ્રમાણે વૈશાલી ધોરણ આઠ પૂરું કરતાં ઘરમાં એના લગ્નની વાતો થવા માંડી.

પરંતુ વૈશાલીને તો જીવનમાં સ્વપ્નોની મેરેથોન દોડવી હતી. આથી ગમે તેમ દલીલો કરી વૈશાલી ધોરણ ૧૧-૧૨ સુધી ભણી. પરંતુ ૧૮ વર્ષની થતા ફરી તેનાં લગ્નની વાતો શરૂ થઈ.

હવે વૈશાલીએ વિચાર્યું કે આ જૂનવાણી માહોલમાં જો હું રહીશ, તો મારા સ્વપ્નોની મેરેથોન દોડ અધૂરી રહી જશે. આથી એક રાત્રે, કંઈ પણ વિચાર્યા વગર તેણીએ પહેરેલ કપડે, ઘર છોડયું. હાથમાં કોઈ સામાન નહીં ને ખીસ્સામાં કોઈ રૂપિયા નહીં.

વૈશાલી વિદીશાના રેલવે પ્લેટફોર્મ પર આવીને બેઠી અને નક્કી કર્યું કે જે પહેલી ટ્રેન આવે તેમાં બેસી જવું. અને પ્લેટફોમ પર ટ્રેન આવી. વિદીશા તેમાં બેસી ગઈ. આ ટ્રેન ભોપાલ જતી હતી. વિદીશાને સવારના ૪.૩૦ વાગે મળસ્કે, ટ્રેને પ્લેટફોમ ઉપર ઉતારી પૈસા તો હતા નહિ આથી ટિકીટ લેવાનો તો પ્રશ્ન જ નહોતો. સવારનો સમય હતો આથી વિદિશા પાછળના દરવાજેથી બહાર નીકળી.

ખાલી હાથે આવેલી વિદિશાને કયા રસ્તે જવું, શું કરવું તે સમજણ પડતી ન હતી. સ્ટેશનની સામે તેને એક ટેલીફોનનું પબ્લીક બુથ દેખાયું. પાસે બુથમાં નાખીને ફોન કરવાના, પૈસા તો હતા નહિ. આથી વૈશાલીએ બુથના ચોકીદારને વિનંતી કરી, બેત્રણ ફોન કરવાની માગણી કરી, તેણીએ પોતાની આપવીતી જણાવી. ચોકીદારે ફોન કરવાની સગવડ કરી આપી.

વિદિશાએ બે સખીઓને ફોન કર્યા, પરંતુ તે ઘેરથી ભાગીને આવી હતી, આ પરિસ્થિતિમાં કોઈ તેને મદદ કરવા તૈયાર ના થયું. તેનો એક મિત્ર પ્રદીપ શેડેગલ હતો, તેને તેણે ફોન કર્યો, અને આ પ્રદીપે તેને એક હોસ્ટેલમાં રહેવાની ૧ મહિનાની ૭૦૦ રૃા. સગવડ કરી આપી અને થોડા જમવાના પૈસા આપ્યા.

વૈશાલીની ગાડી થોડી પાટા પર ચડી. તેણે નોકરીની શોધ કરવા માંડી, પરંતુ સ્નાતક પણ ન હોવાથી, તેને ૫૦૦ રૃા. ઓફિસ આસીસ્ટન્ટની નોકરી મળી. જે તેણે સ્વીકારી. અને નોકરી મળતા એક સખીએ થોડી પૈસાની મદદ કરી, આ પછી થોડો અનુભવ મેળવવાને કારણે વૈશાલીને બીજી નોકરી મળી, જેમાં રૃા. ૧૫૦૦ પગાર હતો. હવે તેણે તેના શેહરની કોલેજની પોતાની આપવીતી જણાવી આથી, તે લોકોએ ભોપાલ યુનિવર્સિટીમાં તેનું એડમીશન ટ્રાન્સફર કરી આપ્યું. થોડી મહેનત કરી તેણીએ તેણે કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી.

વૈશાલી કોલેજ જતી ત્યારે ખૂબ સાદા કપડા પહેરતી પરંતુ તેની સ્ટાઈલ કંઈક બધાથી જુદી અને આગવી લાગતી. આથી તેની આજુબાજુની વિદ્યાર્થિનીઓ તેને તેમના ડ્રેસીસ વિષે સલાહ લેવા લાગી. કલર કોમ્બીનેશન, ફેશન, સ્ટાઈલ વગેરે અંગે વૈશાલી સલાહ આપવા માંડી. અને તેને સખત રસ પડવા માંડયો. અને તેને લાગ્યું કે આ મારા સ્વપ્નના મેરેથોન દોડનો રસ્તો છે.

આ સમય દરમિયાન એક વિદ્યાર્થિનીએ વૈશાલીને ફેશન-ડિઝાઈનમાં કારકિર્દી બનાવવાની સલાહ આપી.

વૈશાલી કહે છે કે : આ વાતચીત દરમિયાન સૌ પ્રથમવાર મેં ફેશન ડિઝાઈન, શબ્દ સાંભળ્યો. આ પછી ભોપાલનાં નાના ફેશન ડીઝાઈન ઇન્સ્ટિટયુટમાં મેં એડમીશન મેળવ્યું. આ મારી ફેશન ડીઝાઈન કારકિર્દીની શરૂઆત.

થોડો સમય હું ફેશન ડીઝાઈન વિષે ભણી પરંતુ પછી ફીના પૈસા ખૂટી ગયા આથી મારે એ કોર્સ છોડી દેવો પડયો. મેં મારી એક સખી પાસેથી ભોપાલ યુનિવર્સિટી ફેશન ડિઝાઈનના કોર્સ વિષે અને તે અંગેના પુસ્તકો વિષે માહિતી મેળવી અને જાતે મહેનત શરૂ કરી કારણ કે આ ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે મારો પોર્ટફોલીયો બનાવવો જરૂરી હતો.

વૈશાલીએ જાતે મહેનત કરી, અને ફેશન ડિઝાઈનમાં પોર્ટફોલીયો બનાવ્યો અને  તેને વડોદરામાં એક ફેશન ડીઝાઈન ઇન્સ્ટિટયૂટમાં ફેકલ્ટી તરીકે નોકરી મળી. વૈશાલીએ ફેશન ડીઝાઈન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને નોકરી શરૂ કરી. આ નોકરી તે ફક્ત પૈસા માટે અને ફેશન ડીઝાઈનના કાર્યક્ષેત્રમાં ટકી રહેવા કરતી હતી. હજુ વૈશાલી સમજતી હતી કે તેની મંઝિલ દૂર છે.

આ ઈન્સ્ટિટયૂટ તરફથી તેને મુંબઈ કોન્ફરન્સમાં જવાનું થયું. અહીં તેનું કાર્ય અને પોર્ટફોલીયો જોઈ, મુંબઈ બાંદરામાં આવેલી એક ફેશન ડિઝાઈન શોપે તેને ડીઝાઈનર તરીકે નોકરીની ઓફર આપી. જે તેણે સ્વીકારી અને રૃા. ૧૧,૦૦૦ મહિને પગારથી તેની નોકરી શરૂ થઈ.

વૈશાલીને થયું, હવે દિલ્હી દૂર નથી. હું કમાતી જઈશ, ફેશન ડિઝાઈનના કોર્સની ફી આ નોકરીમાંથી બચાવીને ભરીશ અને મારું સ્વપ્ન પૂરું કરીશ. પણ ના, હજુ વૈશાલીની સ્વપ્નની મેરેથોનમાં થોડા હરડલ્સ બાકી હતી. વૈશાલીને સ્લીપડીસ્ક થઈ તેને નોકરી છોડી ૬ મહિના પથારીવશ રહેવું પડયું. તેમાં બધી બચત ખલાસ થઈ ગઈ.

વૈશાલી હતી, ત્યાં ને ત્યાં આવીને ઊભી રહી. શું કરવું તે પ્રશ્ન થઈ પડયો.

વૈશાલી શાળામાં એથલેટીક્સમાં નિપૂણ હતી. તેની એક સખીએ જીમમાં ઇન્સ્ટ્રકટર તરીકે જવાની સલાહ આપી. વૈશાલીને મલાડમાં એક નાના જીમમાં આ નોકરી મળી. અહીં પણ તે તેના મહિલા ગ્રાહકોને ફેશન ડીઝાઈનની સલાહ આપવા માંડી. બધી મહિલા ગ્રાહકો તેનાથી ખૂબ પ્રભાવિત હતા. તેમાંના એક મહિલા ગ્રાહકના પતિ બેન્કમાં હતાં તેણે વૈશાલીને ૫૦ હજારની લોન અપાવી અને બે મશીન ને બે કારીગરથી વૈશાલીએ પોતાનો નાનો ધંધો શરૂ કર્યો. ધીમે ધીમે તે વધતો ગયો અને તેણે મલાડ મોલમાં દુકાન લીધી.

હવે વૈશાલીની મેરેથોન દોડ સંપૂર્ણ ગતિમાં હતી. દરમિયાન તેના મિત્ર પ્રદીપ શેડેગલ કામથી મુંબઈ આવ્યા અને વૈશાલીને પ્રદીપ શેડેગલ લગ્નગ્રંથીથી જોડાયા, તેમને ત્યાં એક દીકરીનો જન્મ થયો.

દીકરી સહેજ મોટી થતાં, વૈશાલીએ પતિ સમક્ષ દિલ્હીની જાણીતી ઇન્સ્ટિટયૂટમાં ફેશન ડીઝાઈનનો કોર્સ પૂરો કરવાની ઇચ્છા દર્શાવી. પતિના સહકારથી સોમથી શુક્ર વૈશાલી શેડેગલ ભણતી અને શનિ-રવિ મુંબઈ આવતી. આમ આ શન્ટીંગ૩ વરસ ચાલ્યું. અહીં તેને ઘણું શીખવા મળ્યું, તેની મુલાકાત જાણીતા ફેશન ડીઝાઈનર રાહુલ વર્મા સાથે થઈ રાહુલ શર્મા દ્વારા વૈશાલીને ઘણું જાણવા મળ્યું.

કોર્સ પૂરો કર્યો, સાથે વૈશાલીનું ફેશન ડીઝાઈનરનું ભણવાનું સ્વપ્ન પૂરું થયું. વૈશાલીએ પોતાનું મોટા પાયે પ્રોડકશન શરૂ કર્યું.

વૈશાલી જરી, ભરતકામને બદલે કોટાચંદેરી પર ફોક્સ કર્યું. બાળપણની યાદોને પોતાના સર્જનમાં વણી. બોટ, પ્લેન વગેરે પ્રતીકો તરીકે ડીઝાઈનીંગમાં ઉપયોગ કર્યો. પ્રથમ ઇન્ડિયા ફેશનવીકમાં તેણે ભાગ લીધો. તેની ડીઝાઈન વખણાઈ અને તેને પેરીસ ફેશન વીકમાં આમંત્રણ મળ્યું. આ પછી ન્યૂયોર્ક વગેરે ફેશનવીકમાં તે ભાગ લેતી ગઈ.

આજે મુંબઈમાં બહુ મોટા પાયે વૈશાલી શેડગેલ મોટો શોરૂમ અને શોપ ધરાવે છે. લગભગ તે ઘણી બહેનોને કામ પણ આપે છે.

ભારતના પ્રખ્યાત ફેશન ડીઝાઈનરોમાં વૈશાલીની ગણતરી થાય છે. પેરીસમાં સ્ટોર કરનાર તે પ્રથમ ડીઝાઈનર છે. અહીં વૈશાલીના સ્વપ્નની મેરેથોન પૂરી થાય છે.