- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- આધુનિક ભારતીય સમાજમાં, હવે વ્યવસાયિક દ્રષ્ટિએ, યુવક અને યુવતીઓમાં, કોઈ જાતિય ભેદ રહ્યો નથી.
ભા રતીય રેલ્વેએ જબરજસ્ત પ્રગતિ કરી છે. વંદેભારત જેવી અત્યંત આધુનિક, લકઝુરીયસ અને અત્યંત ઝડપી ટ્રેનો શરૂ કરી છે. આજ રીતે ભારતીય આધુનિક યુવતીઓ અને મહિલાઓએ પણ વિકાસની હરણફાળ ભરી છે. પહેલા રેલવેમાં, ક્લાર્ક તરીકે જૂજ મહિલાઓ દેખાતી. હવે દરેક રેલ્વેના રોલમાં યુવતીઓ સેવા બજાવી રહી છે. તાજેતરમાં ૨૦૨૪ના 'ડોટર્સ ડે' (દીકરી દિવસે) વંદેભારત ટ્રેનની, લોકોપાયલોટ પણ યુવતી બની. રીતીકા તુર્કી, ભારતની પ્રથમ વંદેભારત ટ્રેનની મહિલા લોકોપાયલોટ બની.
અમેરિકાની એમટ્રેકમાં વર્ષોથી મહિલાઓ ટ્રેન ચલાવે છે. એજ રીતે હવે, ભારતીય રેલ્વેમાં પણ રીતીકા જેવી ટ્રેનની લોકપાલ બની ટ્રેન ચલાવી રહી છે.
બ્રેવો, ભારતીય મહિલાઓને જેણે આકાશમાં પાયલોટ બનીને, ને ભારતની ધરતી પર ટ્રેનના લોકપાલ બનીને, આકાશ અને ધરતી બંનેને આંબ્યાં.
'આજે ભારતમાં કોઈપણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં, ભારતીય યુવતી કે મહિલાઓએ પગરણ માંડયા ના હોય. ભારતીય રેલ્વેમાં, માલગાડી, પેેસેન્જર ટ્રેન તો, મહિલાઓ ચલાવે જ છે. પરંતુ હવે વંદેભારત જેવી અત્યંત આધુનિક અને ઝડપી ટ્રેન પણ મહિલાઓ અને યુવતીઓ ચલાવશે અને મને આશા છે કે આજની આધુનિક યુવતીઓની મહેનત અને આવડત એટલી છે કે તેઓ બુલેટ ટ્રેનની પણ લોકપાલ બનશે.' આ શબ્દો છે, વંદેભારત ટ્રેનની પ્રથમ મહિલા લોકોપાયલોટના. આ રીતીકાનું વક્તવ્ય જણાવે છે કે, આધુનીક ભારતીય સમાજમાં, હવે વ્યવસાયિક દ્રષ્ટિએ, યુવક અને યુવતીઓમાં, કોઈ જાતિય ભેદ રહ્યો નથી.
રીતીકા તુર્કીની, બીજી ખાસીયત એ છે કે, તે કોઈ મેગાસીટીની અત્યંત ધનિક અને હાયફાય કુટુંબમાંથી નથી આવતી. તે એક અત્યંત નાના ગામડાની પછાત જાતિની દીકરી છે. તેની મહેતન, આવડત અને હોશિયારીને કારણે આ સ્થાન પર પહોંચી છે અને રીતીકાએ પુરવાર કર્યું છે કે, અત્યંત નાના ગામડાની, પછાત વર્ગની દીકરી પણ તેની મહેનત, આવડત અને ધ્યેયના સમર્પણ વડે કારકીર્દીના ઊંચામાં ઊંચા સ્થાન સુધી પ્હોંચી શકે છે.
વિગતવાર જોઈએ વંદેભારતની અને ભારતની પ્રથમ લોકપાલ મહિલા વિષે.
રીતીકા જારખંડ રાજ્યના, ટોટા જિલ્લામાં આવેલા અત્યંત નાના ગામ ટોટાની રહેવાસી છે. ગામ તો નાનું છે જ. એ સાથે આદિવાસી, પછાત જાતિની દીકરી છે. જ્યાં આ આદિવાસી કોમમાં, કોઈ પાસે ભણતર નથી.
પરંતુ, રીતીકાના પિતા, ફોરેસ્ટ ગાર્ડ હતા. રીતીકાને બીજા બે ભાઈ અને બીજી બે બહેનો છે. વિશાળ કુટુંબની માથે જવાબદારી અને સામે આર્થિક ઉપાર્જન ઓછું હોવા છતાં, પિતા શિક્ષણની કિંમત સમજતા હતા. આથી પોતાના દરેક સંતાનને શિક્ષિત કરવા ઇચ્છતા હતા. તેઓ પોતાના સંતાનોને કહેતા કે, 'બે ટંક જમવાને બદલે એક ટંક જમીશું, પણ ભણતર પાછળ પૈસા જરૂર ખર્ચીશ.' આમ તો આદિવાસી પછાત જ્ઞાતિ હોવાને કારણે ઘણી ભણતરમાં માફી અને છાત્રવૃત્તિ મળે છે. આનો ઉપયોગ તમે તમારી રીતે કરો અને સખત મહેનત કરો અને ભણો.' રીતીકાની માતાનો, મૌન સાથે, પિતાના આ વિચારને સંમતિ અને ટેકો હતા.
રીતીકાએ આ તક ઝડપી લીધી. નાનપણથી જ તેને ભણવા પ્રત્યે ઘણું આકર્ષણ હતું. તે હંમેશા કહેતી કે, 'હું મોટી થઈને ખૂબ ભણીશ અને કંઈ આગવું કામ કરી બતાવીશ. બસ આજ ધ્યેય સાથે શરૂ થઈ, રીતીકાની શિક્ષણયાત્રા.
ધોરણ નવ સુધી રીતીકા પોતાના જ ગામની શાળામાં ભણી. ધોરણ દસ, ૧૧ ને બાર ની શાળા તેના ગામમાં ન હોવાથી રાંચીમાં ભણવા ગઈ અને ત્યાં ઘણા સારા માકર્સ સાથે પાસ થઈ. આ પછી રીતીકાએ રાંચી પાસે આવેલા શહેરમાં મીકેનીકલ એન્જિનિયરનું ભણી એન્જીનીયરીંગમાં સ્નાતક થઈ એન્જિનિયર થઈ.
આદિવાસી પરિવાર, અશિક્ષિત માતા-પિતા, આસપાસ કોઈનો જરૂરી ખાસ માર્ગદર્શન નહીં, ટયુશનની તો વાત જ ક્યાં આવી, આ પિરસ્થિતિમાં રીતીકા તુર્કી ભણી અને પ્રોફેશનલ ડીગ્રી લીધી.
હવે, વ્યવસાયિક ક્ષેત્ર પસંદ કરવાનું હતું. રીતીકા કહે છે કે, 'મને નાનપણથી રેલ્વે એન્જીનો અને ટ્રેનો જોવી ખૂબ ગમતી. આથી મેં નક્કી કર્યું હતું કે એન્જીનીયર બનીને
કોઈ કંપનીમાં નોકરી લેવાને બદલે હું રેલ્વેમાં નોકરી કરીશ અને મેં રેલ્વેમાં નોકરી લીધી. મારા કુટુંબનો આ માટે જબરજસ્ત સપોર્ટ હતો.
આમ સૌ પ્રથમ રીતીકા રેલ્વેમાં પસંદગીને પામી પણ તેને ભાગે ટ્રેનોના શટીંગની કામગીરી સોંપવામાં આવી, જે તેણે બહુ ખૂબી અને મહેનત સાથે નિભાવી.
રીતીકાને આના પછી માલગાડી (ગુડ્ઝ ટ્રેન) ચલાવવાનું કામ ચક્રધાપુર ડિવીઝનમાં મળ્યું. ખૂબ લાંબી ગુડઝટ્રેન પણ રીતીકાએ સરસ રીતે ચલાવી. આને કારણે તેને પેસેન્જર ટ્રેન આ જ વિસ્તારમાં ચલાવવા માટે પસંદગી પામી.
રીતીકા તુર્કી આ કામ કરી રહી હતી અને તેને એક દિવસ વંદેભારત ટ્રેન ચલાવવા માટે લોકો પાયલોટ તરીકેની નિમણૂંક મળી. રીતીકા જણાવે છે કે, 'મારે માટે આ બહુ મોટું સન્માન હતું. ટાટાનગરથી પટના સુધીની નવી વંદેભારત ટ્રેન ચલાવવાનું કામ મને સોંપવામાં આવ્યું હતું. હું જ્યારે પ્રથમવખત વંદેભારત ટ્રેનના પગથિયા ચડી ત્યારે, થોડો મનમાં ખચકાટ થયો.
પેસેન્જર ટ્રેન, એન્જીનવાળી ટ્રેન હતી. જ્યારે વંદેભારત અદ્યતન કાળા જૂના એન્જીન, જે કોચીસ સાથે જોડાયેલા હોય તે વગરની ટ્રેન છે. આ ટ્રેનમાં કોચ સાથે જ ઇલેકટ્રીક મલ્ટીપલ યુનિટ જોડાયેલું હોય છે. જેમાં ઇલેટ્રીક મોટર દ્વારા પાવર મળે છે અને ટ્રેન ચાલે છે. જે પાવરથી પૈડાઓ ચાલે છે. આથી આમ સહેલું છે પણ ધ્યાન ખૂબ રાખવું પડે છે. એકાગ્રતા ખૂબ જરૂરી છે.
ટાટાનગરથી પટના ૪૫૦ કિ.મી.નું અંતર છે. વંદેભારત ટ્રેન કલાકના ૧૫૦ કિ.મી. ઝડપથી ચાલે છે. આ બે શહેરો વચ્ચે વંદેભારતમાં જતા, ૮ કલાક લાગે છે.
મેં પ્રથમ વખત વંદેભારત ચલાવી ત્યારે ટાટાનગરથી પટના ૮ કલાક કરતાં વહેલી પહોંચાડી દીધી. આ માટે મારી ખૂબ પ્રસંશા થઈ.
રીતીકાનું કહેવું છે કે, વંદેભારતના લોકપાલ તરીકે ટ્રેન ચલાવવા માટે કોઈ ટાઇમ ચોક્કસ હોતો નથી. તમારે કોલ ગમે ત્યારે આવે ત્યારે, તે દિવસે ટ્રેનના ટાઇમે જવું પડે છે. તે તેના પતિ સાથે રહે છે. જે બેંકમાં છે અને યુપીએસસીની તૈયારી કરે છે. રીતીકાના કહેવા પ્રમાણે આધુનિક પતિઓ, પત્નીની કારકિર્દીથી અસંતોષ પામતા નથી કે, ઇર્ષ્યા કરતા નથી. તેઓ પત્નીને સાથ આપે છે. તેના પતિ જયારે તેને સવારમાં વહેલો કોલ આવે તો ઘરની જવાબદારી સંભાળી લે છે.
કારણ કે એકવાર વંદેભારત ટ્રેન લઇને ટાટાગનરથી પટના જાય પછી, જવાના ૮ કલાક અને આવવાના ૮ કલાક, કુલ ૧૬ કલાક ને સ્ટેશન સુધી જવાના વગેરે કરીને ૨૦ કલાક જેવું ઘરની બહાર રહેવું પડે. ત્યારે તેના પતિ જ ઘર સંભાળી લે છે.
રીતીકા તુર્કી હસવામાં કહે છે કે, વંદેભારત ટ્રેન જેટલી આધુનિક છે, તેટલું જ આધુનિક પતિ-પત્નીનું દાંપત્ય આધુનિક સમજવાળું છે. જેનો એક લ્હાવો ને આનંદ છે.
- અનુરાધા દેરાસરી


