- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- મન મક્કમ હો તો ડગલા મંડાય, હોંસલા બુલંદ હો તો આભ આંબી જવાય
સુ ભીક્ષાનો જન્મ તામીલનાડુના દરિયા કિનારાના ગામમાં થયો હતો. સામાન્ય માછીમાર પરિવાર વ્યવસાયે માછીમાર અને આર્થિક સ્થિતિ મધ્યમ. દરિયાની આવક પર આધારીત પણ આવા ઉછેરમાં પણ ચતુર, બુધ્ધિશાળી અને ખંતીલી સુભીક્ષા અંગ્રેજી વિષય સાથે સ્નાતક થઈ અને શિક્ષણ મેળવ્યું. જયાં મહિલાઓ ફક્ત માછલીઓ જુદી પાડી વેચે અને ગૃહકાર્ય કરે, આટલી જ મર્યાદા રેખાથી સીમીત, ત્યાં સુભીક્ષાએ સ્નાતક સુધીનું શિક્ષણ લઇ બેંકમાં નોકરી કરી, પછી ફાયનાન્શીયલ કંપનીમાં કોર્પોરેટ નોકરી કરવા માંડી.
પરંતુ તેને હંમેશા આ નોકરીઓના વ્યવસાયમાં કંઇક ખૂટતું લાગતું. પિતા અને ભાઈ માછીમારી માટે દરિયો ખેડવા જતા ત્યારે ઘણીવાર સુભીક્ષા દરિયા કિનારે જતી અને તેને દરિયાના પાણીનું આકર્ષણ થતું. તેને એવું લાગતું કે આ કોર્પોરેટ નોકરી નહિ પરંતુ સાગર ખેડી માછીમારી કરવી તે મારી પેશન છે. અને આખરે તેણે ફાયનાન્સ કંપનીની નોકરી છોડી માછીમારના પુરુષ વર્ચસ્વવાળા વ્યવસાયમાં પગરણ માંડવાનું નક્કી કર્યું અને પિતા અને ભાઈને કુટુંબમાં તે નિર્ણય જણાવ્યો.
સુભીક્ષાના પિતાએ સુભીક્ષાના આ નિર્ણયનો વિરોધ કર્યો. તેઓનું કહેવું હતું કે થોયુકોડીનો દરિયા કિનારો અત્યંત તોફાની છે. જેમાં વારેવારે તોફાન આવવાથી દરિયામાં ખૂબ ઊંચા ઊંચા તોફાની મોજાં ઉછળે છે, જેમાં બોટ તે પ્રમાણે ઊંચીનીચી થાય. આ પરિસ્થિતિમાં છોકરી સુભીક્ષા માછીમારી કરે તે યોગ્ય નથી એમ તેમને લાગ્યું. આથી પિતાની ના હતી.
તેની સામે હિંમતવાળી સુભીક્ષાનો જવાબ હતો, 'પિતાજી દરિયાના ઝંઝાવાતી મોજા હોય કે, જીવનનાં ઝંઝાવાતી મોજાં હોય કોઇપણ વ્યક્તિએ તેનો સામનો કરવો જ પડે છે તો શા માટે તેનાથી ડરવું ?'
અને સુભીક્ષાએ શરૂઆતમાં ભાઈ અને પિતાજી સાથે માછીમારી માટે સાગર ખેડવાની શરૂઆત કરી. તેઓ રાતના એક વાગે નીકળતા ને સવારના દસ વાગે પાછા ફરતા. દરિયામાં ઊંડે સુધી ૧૨ નોટીકલ સુધી લગભગ વચ્ચોવચ સુધી જતા અને પછી માછલીઓ પકડવાની જાળ નાખતા.
સુભીક્ષા પ્રથમ દિવસનો તેનો અનુભવ વર્ણવતા જણાવે છે કે, મેં તો ડેસ્ક નોકરી' કરેલી, આ જુદા જ પ્રકારનો વ્યવસાય હતો. રાત્રીનું સ્વચ્છ આકાશ, હીરાની જેમ ચમકતા તારલાઓ, શાંત ને ગંભીર સંત જેવી દરિયાઈ શાંતિ હોવા છતાં મને થોડી નરવસનેસ હતી. મોજાની ઊછળ-કૂદને લીધે બોટ એ પ્રમાણે ઉંચી-નીચી થતી હતી. આથી મને ગભરામણ અને ઉલ્ટી જેવું, નોશીયા વગેરે થવા માંડયું પરંતુ મેં ખાસ તેના પર ધ્યાન ના આપ્યું અને મન મક્કમ કરીને આગળ વધવા પ્રયત્ન કર્યો અને એ દિવસે આગળ વધી અને માછીમારીની કામગીરી શરૂ કરી.'
સુભીક્ષા તામીલનાડુની પ્રથમ શિક્ષિત યુવતી માછીમાર ગણાય છે. તેની હિંમત અને હોંસલાને સલામ ભરવી પડે. કારણ કે બે વર્ષ ભાઇ અને પિતા સાથે કામગીરી કર્યા પછી તેણે પોતાની બોટ લઈ સ્વતંત્ર કામગીરી શરૂ કરી. પોતાની બોટ સાથે સુભીક્ષા રાત્રે ૧.૦ વાગે પિતા ને ભાઈ જોડે નીકળતી અને સવારે ૧૦.૦૦ વાગે પાછી આવતી.
થીથુકડીની બીજી માછીમાર બહેનો સુભીક્ષા વિષે જણાવે છે કે, સુભીક્ષા યુવતી હોવા છતાં ખુબ હિંમતવાળી છે. અમે તો માછલીઓ અમારા ઘરના પુરુષો પકડી લાવે તે છૂટા પાડી, માથે ટોપલામાં બજારમાં લઈ જઈ વેચીએ છીએ. જયારે સુભીક્ષા તો જાતે માછલીની જાળો બનાવે છે, અને જાતે જ દરિયામાં નાખી માછલીઓ પકડે છે. આ માટે ખૂબ શારિરિક તાકાત અને હિંમતની જરૂર પડે છે. જે માછલી ધરાવે છે.' સલામ સુભીક્ષાને.
સુભીક્ષાની માછીમારીની કામગીરી ઘણી કઠણ છે. તે કાચબા, વિવિધ માછલીઓ અને જિંગા પકડે છે. દરેક માટે જુદી નેટ હોય છે. જે પહેલા ખભેથી નાખી, અંદર દરિયામાં જુદી જુદી જગ્યાએ નાખવી પડે છે અને પછી ખૂબ જોરથી જે પ્રમાણે માછલી, કાચબા, જિંગા હોય તે પ્રમાણે જોર લગાવી ખેંચવું પડે છે. સુભીક્ષા એ કામગીરી ખૂબ ચીવટ,
ચોકસાઈથી કરે છે અને કિનારે આવી દરિયાઈ જીવો છૂટા પાડે છે.
આ પછી સુભીક્ષાએ તેની કામગીરી વિસ્તારી. તેણીએ 'સી ફૂડ'ની ખાવાની વસ્તુઓ બનાવી, વ્યાપાર શરૂ કર્યો. માછલીઓમાંથી સાત જાતના અથાણા, વગેરે કરી તે વિશ્વકક્ષાએ સી-ફુડની વ્યાપારી બની છે.
શિક્ષિત સુભીક્ષા, મલ્ટીમીડીયાના સંપર્કમાં આવી અને તેણે દરિયો માછીમારી, માછીમારોને પડતી મુશ્કેલી વગેરે માટે બ્લોગ શરૂ કર્યો અને તેણી 'સી-બ્લોગર' તરીકે જાણીતી થઈ. કંઈ નવું કરવાની વૃત્તિ ધરાવતી સુભીક્ષાએ બ્લોગ ઉપરાંત યુટયુબ પર પોતાની ચેનલ શરૂ કરી.
યુટયુબ ચેનલ (@MEENAVAPONNUSUBI) આ ચેનલ પર સુભીક્ષાએ દરિયાના સૌંદર્યના, પોતાની માછલી પકડવાની રીતો વગેરે રીલ ઊતાર્યા અને મૂક્યા અને હજુ મૂકે છે જેના ૨.૫ લાખ સબસ્ક્રાઇબર છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના પેજના ૫ લાખ ઉપર ફોલોઅર્સ છે.
સુભીક્ષાની આટલી બધી ઉપલબ્ધિઓ પછી તેના જીવનમાં જબરજસ્ત નવો વળાંક એ આવ્યો કે તેને નેશનલ મોડલીંગ એન્ડ ફેશન વેલફેર એસોસીયેશનમાં મોડેલ તરીકે પણ પસંદ કરવામાં આવી છે.
સૌથી વધારે તો સુભીક્ષા કુમારની ઉપલબ્ધિ એ રહી કે, તેના માછીમારના વ્યવસાયથી યુટયુબ ચેનલ અને બ્લોગર સુધીના વિકાસ અને ઇન્સ્ટાગ્રામ પર પ્રસિધ્ધિ જોઇ તામીલનાડુ બીગ બોસ-૧૯ ની સુભીક્ષાને ઉમેદવાર બનાવવામાં આવી. કેટલી મોટી વિકાસની હરણફાળ.
સ્નાતક-કોર્પોરેટ નોકરી - માછીમાર યુવતી - સીઓફુડ ઇન્ટરપ્રીટર અને યુટયુબ ચેનલ ક્રીએટર.
આટલેથી સુભીક્ષાની પ્રગતિ નથી અટકી, બીગબોસ તામીલનાડુમાંથી તેનું કાર્ય પુરું થતા, અત્યારે તે તામીલ ફિલ્મ કરી રહી છે. જેનું નામ છે, 'Arivu સુભીક્ષાનું કહેવું છે કે, 'મારા આટલા બધા ક્ષેત્રોમાં કાર્ય કરવાનું કારણ એ છે કે બીજા પછાત વિસ્તારની યુવા પેઢી કાર્યરત થાય અને આજના સોશ્યલ મીડીયા વગેરે આધુનિક ક્ષેત્રો મારા જેવી બીજી ગરીબ, લાભ ન મળનાર વ્યકિતઓને આગળ આવવાનો મોકો આપે.'


