કામની કૂંપળમાંથી સફળતાનું વટવૃક્ષ .
- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- તમારા સપનાને તમે કોઈપણ રીતે પૂરું કરો. કશાથી ડરો નહિ. તમારા વિચારોને અનુસરો
જ્યા રે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે પાકિસ્તાનથી ઘણા પરિવારો પોતાનો જમાવેલો ધંધો, નોકરી સર્વસ્વ છોડીને ભારત આવ્યા. સાથે સીક્કાની બે બાજુની જેમ લાવ્યા એક બાજુ દેશદાઝને બીજીબાજુ નીરાશા. નાની સરલાનું પરિવાર પણ આમાંનું એક હતું. પરંતુ નાની સરલા, પોતાની સાથે 'મોટા થઈને સફળતાની ટોચે' પહોંચવાનું સ્વપ્ન લઈને આવી.
સરલાનું કુટુંબ દિલ્હી આવીને વસ્યું, પરંતુ આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવાથી, ૧૬ વર્ષે સરલાને એક સામાન્ય પરિવારમાં દિલ્હીના રાજીવનગરમાં પરણાવી દેવામાં આવી. સરલાને દાંપત્ય જીવનના ફળસ્વરૂપે બે દીકરા થયા. દીકરા મોટા થયા ને પાંચ વર્ષ પછી, આર્થિક જરૂરીયાતો વધવા માંડી. આવક ટૂંકી થતા. સરલાને કુટુંબ માટે આર્થિક ઉર્પાજનની જરૂર પડી.
હવે પ્રશ્ન એ હતો કે, કયો વ્યવસાય અપનાવવો, સરલાએ જે તેને આર્થિક ઉર્પાજન કરાવે. સરલાની માતાએ નાનપણથી સરલાને સીવણકામ શીખવ્યું હતું. આથી સરલાએ પાસેની વસ્ત્રો બનાવતી ફેકટરીમાં સંચા પર સીવણકામ કરવાની નોકરી લીધી. સરલાનું વસ્ત્રો પર આપેલું કામ, ખૂબ સુંદર હતું. આથી તે એક વર્ષમાં ખૂબ સુંદર કામ કરતી થઈ ગઈ.
પરંતુ એક વર્ષ પછી સરલાના જીવનમાં એક મોટી સમસ્યા આવી. સરલા બે દીકરીઓનો ઉછેર સાર સંભાળ, ઘરનું કામ અને આ વસ્ત્રો બનાવવાની ફેકટરીની નોકરીનું સંતુલન જાળવી શકી નહિ. તેને લાગ્યા કરતું કે તેના બે સંતાનોના ઉછેરમાં તે પાછી પડે છે, કંઈક અધૂરપ રહી જાય છે આથી સરલાએ વસ્ત્રો બનાવવાની ફેક્ટરીમાંની નોકરી છોડી દીધી.
આર્થિક પ્રશ્ન તો સામે ઉભો જ હતો. હવે શું કરવું ? પરંતુ કહે છે ને વેર ધેરઇઝ વીલ. ધેર ઇઝ અ વે.
સરલાના વસ્ત્રો બનાવવાની સુંદર અને સુઘડ કામને કારણે શરત મૂકી કે, સરલાને કંપની ઓર્ડર આપે અને સરલા પેર્ટન પ્રમાણે વસ્ત્રો બનાવી કંપનીને આપે.
શરૂ થઈ સરલાની સફળતાની યાત્રા. 'શશી' આ નામથી ઘરમાં જ સીવણના સંચા લાવી બે બહેનો રાખી વસ્ત્રો બનાવવાની કંપનીના ઓર્ડર લેવા માંડયા. ધીરે ધીરે ઓર્ડરો વધતા ગયા. આથી સરલાએ પંદર જેટલી બહેનો રાખી બીજા બે યુનીટ રાજીવનગરમાં નાખ્યા અને રોજના ઓર્ડર લેવા માંડયા.
અહીં સરલાને સામાજિક મુશ્કેલીઓ આવી. સરલા સાથે કામ કરતી બહેનો પાસેના સ્લમ એરિયામાંથી આવતી હતી, આથી તેમની વર્તણૂંકમાં શિસ્ત થોડી ઓછી હતી. આથી જાહેરમાં રાજીવનગરની કોલોનીમાં ચ્હાપીવી, મોટેથી વાતો કરવી વગેરે પાડોશીઓને અજુગત અને અણગમતું લાગ્યું. આથી તેની સામે વાંધો ઊઠાવ્યો. સરલા ના 'શશી' પ્રોડક્શનમાં રૂકાવટ આવવા લાગી. પરંતુ સરલાએ તેની અવગણના કરી, આંખઆડા કાન કરી, પોતાનો ધંધો વિકસાવવા માંડયો.
સરલાનું કામ ખૂબ સુંદર હતું, આથી તેને લગભગ રોજના સોથી બસોની વચ્ચે ઓર્ડરો મળવા લાગ્યા. સરલા ઘણી વખત તો અડધી રાત્રી સુધી કામ કરતી.
સરલાની પડોશમાં રહેતી તેની સબંધી, એક્સપોર્ટ ઇમોર્ટનો ધંધો કરતી. તેના માલની આવક જોઈ, સરલાને આ તરફ વળવાની ઇચ્છા થઈ. સરલાની કોઠાસૂઝ તો હતી જ.
સરલાએ નવી જગ્યા લીધી, અને નવા તૈયાર વસ્ત્રો બનાવવા માટેના યુનિટ નાખ્યા. હવે વધારે કર્મચારીઓની જરૂર હતી. સરલા સ્ત્રીશક્તિ કરણમાં માનનારી સ્ત્રી હતી. આથી તેણીએ બાજુની વસાહતની બહેનોને મદદમાં લેવાનું નક્કી કર્યું.
સરલાનું કામ હવે ઘણું મોટું થઈ ગયું હતું આથી નામ પણ મોટું થયું હતું. સરલામાંથી તે સરલા આહુજા તરીકે પ્રખ્યાત થઈ. સ્ત્રી શક્તિ કરણની હિમાયતી સરલા આહુજાએ પાસેની વસ્તીની ઝૂંપડપટ્ટીમાં, બહેનોને કર્મચારી તરીકે આવવા માટે સમજાવવા જવા માંડયું.
પરંતુ આતો પુરુષર્વચસ્વવાળી, અશિક્ષિત વસ્તી હતી.
સરલાએ અનુભવ્યું કે, અહીં ઘણી સ્ત્રીઓ છાપરા વગરના ઘરમાં રહેતી હતી. અહીંના બાળકો પાસે શિક્ષણનો અભાવ હતો. સ્ત્રીઓ આખો દિવસ કામના ઢસેડા કર્યા કરતી. સરલા આહુજાએ આ સ્ત્રીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો, કે તમે જો મારા વસ્ત્રો બનાવવાના યુનિટમાં કામ કરશો, તો તમને સારી કમાણી થશે, તમે બે પૈસા બચાવી શક્શો, તમારા સંતાનોને ભણાવી શક્શો.
ધીમે ધીમે સ્ત્રીઓ તૈયાર થવા માંડી. પરંતુ એ જ સમયે સુશીલા આહુજાને એ વસ્તીના પુરુષો તરફથી ધમકીઓ મળવા માંડી. 'કે આપ હમારી બસ્તીકી ઔરતોં કો કામ પે રખોગેતો ઉન લોંગો કો બહાર
નીકલના પડેગા ઔર બહાર લડકે છેડે, ઓર ભી તકલીફ હોગી. ઇસલીયે આપ આકે બસ્તીકી ઔરતોં કો બઢાવા નહીં દેના ચાહીએ. અગર જયાદા રહા તો હમ આપકા કામ બંધ કરવા દેંગે, વગેરે, વગેરે.'
મુશ્કેલીઓને પોતાના પર હામી થવા દે, તો સરલા આહુજા શાની ?
સરલા આહુજા, પોતાનો બીઝનેસ વધારતા ગયા. યુએસએ, યુરોપના દેશોમાં એકસપોર્ટ શરૂ કર્યું. તેના કુટુંબીજનો પણ આ બીઝનેસમાં તે તેમના પતિ અને બે દીકરાઓ જોડાયા. તો તેમના કાકા યુએસએ એકસપોર્ટ માટે ગયા !
સરલા આહુજાનો બીઝનેસ વધતો રહ્યો, વિકાસ પામતો રહ્યો. આજે ૫૦૦૦ રૂ. ની બચતમાંથી શરૂ કરેલો સરલા આહુજાનો તૈયાર કપડાનો વ્યાપાર, આઠ કરોડ ઉપર નફો આપે છે. તેમની ભારતના જુદા જુદા રાજ્યોમાં ફેક્ટરીઓ છે. લગભગ બધા મળીને એકલાખ ઉપર કર્મચારીઓ કામ કરે છે. જેમાં અડધા ઉપરાંત પાસેની વસ્તીની અને અન્ય મહિલા કર્મચારીઓ છે.
સ્ત્રી શક્તિકરણના ભાગરૂપે સરલાઆહુજાના દીકરાઓએ નવી ટેકનોલોજીની સમનવય કરી. આ બહેનો માટે લોકર, એટીએમ અને બચતખાતાની વ્યવસ્થા રાખી. જેનો અધિકાર ફક્ત સ્ત્રી કર્મચારીઓનો જ હોય જેથી પૈસા પણ તેજ વાપરી શકે.
નાની સરલાનું ભાગલા વખતનું સપનું અત્યારે સફળતાનું વટવૃક્ષ બનીને ફાલ્યું છે.