- વામાવિશ્વ - અનુરાધા દેરાસરી
- તું રુકેગી નહીં કભી,
તું મુડેગી નહીં કભી,
તું ન ઝુકેગી કભી,
કર શપથ, કર શપથ,
અગ્નિપથ, અગ્નિપથ
૧ ૩૨ વર્ષ પછી કોલસાની ખાણમાં કામ કરતી આધુનિક ૨૫ વર્ષની યુવતીના અગ્નિપથની વાત. અંબાતીએ કોલસાની ખાણમાં ઈતિહાસમાં નવું પાનું ખુલ્લું મૂક્યું છે.
તેલંગણા રાજ્યની સિંગેરી કોલિયરીઝ કંપની લીમીટેડ કોલસાની ખાણમાં જવા એક ૨૫ વર્ષની આધુનિક યુવતી હેલમેટ સરખી કરી રહી છે. પછી હેલમેટ ઉપરનો લેમ્પ સરખો કરે છે, જે અંદર જઈ કોલસાની ખાણની સલામતી જુએ, ત્યારે ખાણના અંધારામાં પ્રકાશ ફેલાવી મદદ કરે છે. આ યુવતી અંદર જઈ રેસક્યુ (બચાવ) કરતી ટીમની મહિલા ઓફિસર છે.
જ્યાં એમ જડબેસલાક માન્યતા હતી કે, કોલસાની ખાણમાં ફક્ત પુરુષો જ કામ કરી શકે, તે પરંપરાગત બેડી તેલંગણાની માઇન એન્જીનીયર અંબાતી મોન્યુકાએ તોડી બતાવી છે. અને અંદર ગ્રાઉન્ડ રેસીક્યુ (બચાવ) ટીમમાં કામગીરી બજાવી રહી છે. જ્યારે કોઈપણ ક્ષેત્રમાં, નવા પગરણ મંડાય છે ત્યારે ઈતિહાસના પાના ફેરવાય છે અને નવો ઈતિહાસ રચાય છે. આધુનીક અંબાતીએ પણ સિંગેરી કોલસાની ખાણના ઈતિહાસમાં નવું પાનું ખુલ્લું મૂક્યું છે.
તેલંગણાના મધ્યમ પરિવારની અંબાતી મોન્યુકા દીકરી સામાન્ય ઉછેર પરંતુ ભણવામાં ખૂબ હોંશિયાર. આથી ધોરણ બારમા પછી, સારું પરિણામ આવવાથી એન્જીનીયરીંગ લાઇન લેવાની ઈચ્છા ધરાવતી હતી. પરંતુ એન્જીનીયરીંગમાં અંબાતીને માઇન એન્જીનીયર થઈ, કોલસાની ખાણોમાં કામ કરવું હતું.
અંબાતીએ જ્યારે ઘરમાં વિચાર રજૂ કર્યો કે, તે માઇન એન્જીનીયર થઈ, કોલસાની ખાણોમાં કામ કરવા માંગે છે ત્યારે કુટુંબીજનો, સગાવાલા અને અન્ય લોકોએ રીતસર તેના વિચારોને તોડી પાડયા. તેમની દલીલો હતી, 'કોઈપણ યુવતી ગમે તેટલી આધુનિક હોય પરંતુ તે કોલસાની ખાણમાં માઇન એન્જીનીયર થઈને કામ ના કરી શકે. કોલસાની ખાણમાં કામ કરવા માટે શારીરિક ને માનસિક સખત તાકાત જોઈએ અને હજુ સુધી કોઈ મહિલાએ આ રીતનું કામ કર્યું નથી.'
સમાજની આ નકારાત્મકતાની અંબાતી પર અસર થઈ. શરૂઆતમાં તેણે ઈલેક્ટ્રીકલ કે કોમ્પ્યુટર એન્જીનીયર બનવાનો વિચાર કર્યો. પરંતુ તેના દ્રઢ મનોબળ, સાહસિક સ્વભાવ અને કંઈક નવું કરવાની વૃત્તિએ આ એન્જીનીયરીંગમાં નન્નો ભણ્યો અને માઇન એન્જીનીયરીંગમાં જ પ્રવેશ લીધો.
કાટગોદામ માઇન એન્જીનીયરીંગ કોલેજમાં પ્રવેશ લઈ ભવિષ્યમાં કોલસાની ખાણમાં કામ કરવાના તેના અગ્નિપથ પર ચાલવાની શરૂઆત કરી. તેણીના પિતા તેના પ્રેરણા સ્ત્રોત બન્યા. બધાની દલીલો નકારાત્મક રહી, જ્યારે અંબાતીના પિતાનું કહેવું હતું, 'નાનપણથી ભણવામાં હોંશિયાર અને કંઈક નવું કરવાની સાહસિક વૃત્તિ વાળી અંબાતી જરૂર માઇનીંગ એન્જીનીયર તરીકે આગવું કામ કરી બતાવશે.'
માઇન એન્જીનીયરીંગ કરી, અંબાતીએ હિન્દુસ્તાન ઝીંકમાં અનુભવ લીધો અને તેલંગણાની સિંગેરી કોલેરિયઝ કંપની લીમીટેડમાં નોકરી માટે એપ્લાય કર્યું. ખાણના રેસક્યુ ઓફિસર તરીકેના ઈન્ટરવ્યુમાં તેને પૂછવામાં આવ્યું કે, 'અમારા ૧૩૨ વર્ષના ઈતિહાસમાં કોલસાની ખાણમાં કોઈ યુવતી/મહિલાએ કામ નથી કર્યું. મહિલાઓની શારીરિક અને માનસિક તાકાત ખાણમાં કામ કરવાની હોતી નથી તો તમે કેવી રીતે રેસક્યુ ઓફિસર તરીકે કામ કરશો ?'
જેના જવાબમાં અંબાતી મોન્યુકાએ જવાબ આપ્યો, 'ક્યાં એવું લખ્યું છે કે, સ્ત્રીઓ ખાણમાં કામ ન કરી શકે ? મને જો તક મળશે તો હું બતાવી આપીશ કે સ્ત્રીઓ ફક્ત ગૃહકાર્ય માટે જ નથી સર્જાઈ, જો તેને તક આપવામાં આવે તો તે કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ કાર્ય કરી શકે છે, પછી એ આભ હોય કે ધરતી.'
અંબાતીનો આટલો નિર્ભય અને મક્કમ નિર્ણય સાથેના જવાબે અંબાતીને સિંગેરી કોલેરિયઝ કોલસાની ખાણમાં નોકરી મળી ગઈ.
આ પછી રેસક્યુ ટીમ માટેની નાગપુરમાં ૧૪ દિવસની ટ્રેનીંગ શરૂ થઈ. આ ટ્રેનીંગ જ ખૂબ કઠીન હતી. જેમાં સવારે વહેલા ઊઠવાનું, અને દોડવા જવાનું પછી સવારના નવથી રાતના આઠ સુધી જુદી જુદી કસરતો, મેડીટેશન કરવાનું. ત્યારબાદ કોલસાની ખાણનું ઈન્સ્પેકશન દરરોજ કેવી રીતે કરવાનું વગેરે ટ્રેનીંગ લેવી પડી.
આમાં બેચમાં એકલી યુવતી હોવા છતાં તે ટ્રેનીંગમાં ઘણી આગળ રહી. ત્યાંના મેનેજરનું કહેવું હતું, 'ખૂબ બહાદુર છોકરી છે. કોલસાની ખાણની કામગીરીમાં તે જરાય ગભરાતી નથી. તે ઉત્તમ રેસક્યુ ઓફિસર બની રહેશે.'
અંબાતી મોન્યુકા અહીં જીભભન્માં એક વર્ષથી કામ કરે છે. તેની કામગીરીની શરૂઆત હેલમેટ અને લેમ્પ વ્યવસ્થિત પહેરી, પોતાની ટીમને લઈને સિંગેરી કોલસાની ખાણમાં તાપમાન, ગેસનું પ્રમાણ વગેરે ચેક કરવાનું હોય છે. કોઈવાર ખાણમાં પથ્થરોનું સ્લાઇડીંગ થાય અને મજૂરોને ઈજા થાય તો તરત અંદર દોડી જઈ, તેમની બચાવગીરીનું કામ તત્કાલ કરવાનું હોય છે. જો કોઈ મજૂરોને ઈજા થાય તો તેમની સારવારની તત્કાલ જવાબદારી અંબાતીની છે. ઉપરાંત કોલસા શોધવા ખાણમાં ડ્રીલીંગ થાય ત્યારે પણ તેણે અંદર ઉભા રહી, સાવચેતી રાખવાની હોય છે. ખાણમાં આગ લાગવાની શક્યતા ઘણી વધારે હોય છે આથી આગથી બચાવગીરીની જવાબદારી પણ રેસક્યુ ઓફિસરની હોય છે.
કોલસાની ખાણમાં ઠંડક જાળવવા માટે મીથેન ગેસનો ઉપયોગ કરાય છે. વેનટીલેશન માટે દીવાલોમાંથી વાતાવરણમાં અપાય છે. આ ખૂબ નાજુક કામગીરી છે. મીથેન વાયુનું લીકેજ ના થાય એ પણ જવાબદારી રેસક્યુ ઓફિસર એટલે અંબાતી મોન્યુકાની છે.
આમ કોલસાની ખાણનું કામ, રેસક્યુ ઓફિસર માટે ખૂબ જવાબદારીભર્યું છે. અંબાતી મોન્યુકાના ઉપરી અધિકારીઓનું કહેવું છે કે, અંબાતી મોન્યુકા હજુ ઘણી ઉંમરમાં નાની અને તાજી જ નોકરીમાં જોડાઈ હોવા છતાં તેણે તેના રેસક્યુ કામમાં માસ્ટરી મેળવી લીધી છે.
આનંદની વાત એ છે કે સિંગેરી કોલોરાઇઝ લીમીટેડ કંપની બીજી ૧૨૦ યુવતીઓની બેચ તૈયાર કરી રહી છે, જે કોલસાની ખાણોમાં રેસક્યુ ઓફિસરની કામગીરી કરશે. અત્યારે તેને ટ્રેનીંગ અપાઈ રહી છે.


