Get The App

કોફી લેડી જેક્સીત્નોસો .

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
કોફી લેડી જેક્સીત્નોસો                                       . 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- અચાનક જેક્સીને 'ફીલ્ટર કોફી' પ્રત્યે લગાવ જાગી ગયો અને તેણીએ કોફીના પીણાને પોતાના સ્વપ્નનો રસ્તો બનાવવાનું નક્કી કર્યું.

નિ ષ્ફળતાની બે બે જબરજસ્ત ઝપાટો વાગે, જેમાં તમે શૂન્ય બની જાવ, આવી પરિસ્થતિમાં દ્રઢ મનોબળ હિમ્મત ખંત અને પોતાના સપના માટેની પેશન ટકાવી રાખવી ખૂબ અઘરી હોય છે. પણ કેટલીક મહિલાઓ અને યુવતીઓ તે કરી શકે છે. નાગાલેન્ડની યુવતી જેક્સીત્સોનો જમીરે તે કરી બતાવ્યું. 'કોફી' જેવા સામાન્ય 'પીણા' દ્વારા નિષ્ફળતામાંથી સફળતા મેળવી અને બરીસ્તો ગર્લ બની, આખા નાગાલેન્ડમાં ધૂમ મચાવી અને 'કોફી લેડી' તરીકે એકલા નાગાલેન્ડમાં જ નહિ આખા ભારતમાં પ્રસિદ્ધ બની.

નાગાલેન્ડના દીમાપુર જીલ્લામાં, પહાડીઓ વચ્ચે મેડજીફેમા નામનું શહેર આવેલું છે. આ પહાડોની વચ્ચે છે અને અહીં કુદરતી સૌંદર્ય ભરપૂર છે. જેકંસીત્સોનો આ નાના શહેરની રહેવાસી છે. અહીં ખાસ શિક્ષિત વર્ગ રહેતો નથી પરંતુ પહાડી પ્રજાઓની વિવિધ પ્રજાતિઓ રહે છે. જેક્સીત્નોસો આ શહેરની રહેવાસી છે.

જેકસીએ શરૂઆતનું બારમા ધોરણ સુધીનું શાળાનું ભણતર કેથોલીક શાળામાં પુરૂ કર્યું. જ્યાં છોકરીઓ માટે ભણવાનું લગભગ ફ્રી હોય છે.

જેક્સી ભણવામાં ખાસ હોથિયાર ન હતી.પરંતુ નાનપણથી તેનું સપનું હતું કે કંઇક આગવું ભવિષ્યમાં કરી બતાવવું છે, જેને કારણે તેને પોતાને પણ પ્રસિદ્ધિ મળે અને તેનું શહેર અને રાજ્ય બન્ને પ્રસિદ્ધિ પામે. તેના આ ધ્યેયનો તેનો ઇરાદો લોખંડ જેટલો મજબૂત હતો.

શાળાનું ભણતર પૂરૃં કર્યા પછી જેક્સીએ કોલેજમાં સાહિત્યના વિષય સાથે સ્નાતકનું ભણતર શરૂ કર્યું.

અહીં પ્રથમ નિષ્ફળતાના ઝંઝાવાતનો ઝપાટો વાગ્યો. જેક્સીનાં ઘરની આર્થિક પરિસ્થિતિ સાવ કથળી ગઇ. આને કારણે તેણીએ કોલેજનું સ્નાતકની ડિગ્રી માટેનું ભણવાનું અધૂરું છોડવું પડયું.

કેટલો મોટો જીવનનો વજ્રઘાત ! જેના વડે ભવિષ્યની કારકિર્દી ઘડી, જીવન કેડી પર આગળ વધવાનું હોય, ત્યાં જ નિષ્ફળતાનો વજ્રઘાત!

પરંતુ આ તો નીડર અને લોખંડી મનોબળવાળી જેક્સી હતી. જે જરાય નિરાશ ના થઈ, ઊલટું પોતાના સ્વપ્ન માટેનું મનોબળ વધારે મજબૂત થયું અને તેને માટે રસ્તો મળે તેની રાહ જોવા માંડી.

એકવાર જેક્સી અને તેની સખી એક સારી જગ્યાએ ગયા. જ્યાં તેની સખીએ જેક્સીને 'ફીલ્ટર કોફી' પાઈ. અચાનક જેક્સીને 'ફીલ્ટર કોફી' પ્રત્યે લગાવ જાગી ગયો અને તેણીએ કોફીના પીણાને પોતાના સ્વપ્નનો રસ્તો બનાવવાનું નક્કી કર્યું.

કુદરત તો જેક્સીને મદદ કરવા માગતી જ હતી. આથી થોડા જ સમયમાં જેક્સીને કોફીના પીણા સાથે જોડાયેલ એક વર્કશોપમાં ભાગ લેવાનું થયું. (આ પહાડી વિસ્તારમાં કોફી એક પાક તરીકે લેવાય છે) આ કોફીની વેરાઇટી 'એરાબીકા' તરીકે ઓળખાય છે. આ વર્કશોપમાં આ કોફીના બીમાંથી ફીલ્ટર કોફી કેવી રીતે કોફીના કપ સુધી જાય તે શીખવાડવામાં આવ્યું.

જેક્સીત્નોસો માટે આ શીખ્યા પછી કોફીનું પીણું પેશન બની ગયું અને આ વિષયમાં જ આગળ તેણે પોતાના કંઇક કરી બતાવવા ની તેની પેશનને આકાર આપવાનું નક્કી કર્યું. અને આ વિષયમાં જ વ્યવસાય શરૂ કરવાની પ્રેરણા મળી.

જેક્સીએ મેડીફેમા શહેરમાં પોતાનું કોફીના પીણા માટેનું કાફે શરૂ કર્યું. જેનું નામ આપ્યું ફાર્મા સ્કવેર કાફે. અહીં જેક્સી કોફીના સીડમાંથી ફીલ્ટર કોફી આપતી હતી. આ કોફી કાફે, થોડું ચાલ્યું અને જેક્સીત્નોસો પર બીજો નીષ્ફળતાનો વ્રજઘાત થયો. તેની આ કોફીની પેશનનું કાફે તેને બંધ કરવું પડયું.

એ જ કારણ આર્થિક સંકડામણ. જે કારણસર તેણીએ ભણવાનું છોડયું હતું એ જ કારણસર કોફી કાફે તેની પેશન, તેનું સ્વપ્ન હોવા છતાં બંધ કરવું પડયું.

સામાન્ય રીતે આ જેક્સીની વાત લખવાનું મુખ્ય હાર્દ જ એ છે કે સામાન્ય આર્થિક સ્થિતિના બાળકોને નબળી આર્થિક પરિસ્થિતિને લીધે ભણતર છોડવું પડે છે, તેમના સ્વપ્નો ને વ્યવસાયમાં નિષ્ફળનો અવરોધ આવે છે. જેની સામે મોટાભાગના યુવક/યુવતીઓ ઝૂકી જાય છે. પરંતુ અહીં જેક્સીનો દાખલો છે કે તેણે નિષ્ફળતા અને બીજા અવરોધ સામે ઝૂકવાને બદલે દ્રઢ મનોબળ તથા કોફી કાફે માટેની પેશન અને હિમત ટકાવી રાખ્યા તેમ દરેક યુવક યુવતીએ આર્થિક નબળા સંજોગોમાં મનોબળ હિમ્મત અને ધ્યેય માટેનું સમર્પણ ટકાવી, આગળ વધવાનો રસ્તો શોધવો જોઇએ.

જેક્સીત્નોસોએ પણ પોતાના અનુભવનો આશ્રય લઇ, વધારે આર્થિક મદદ માટેના સાધનો અંગે તપાસ કરવા માંડી અને પ્રયત્નો કરવા માંડયા. તેણીે બીજી ફીલ્ટર કોફીઓના સીસ્ડસ માટેની માહિતી મેળવવા માંડી, ક્યાંથી તે મેળવી શકાય, તેની ફ્લેવર કઇ હોય વગેરે વગેરે. અને અનેક પ્રયત્નો પછી 

જેક્સીને આર્થિક મદદ મળી અને ફરી કુદરતી સૌંદર્યના વાતાવરણમાં જેક્સીએ ફાર્મર સ્કવેર કાફે શરૂ કરી. અહીં જેક્સી ઇકોફ્રેન્ડલી કોફી આપે છે, જે ઊંચી જાતની અને ઉત્તમ ગુણવત્તા ધરાવતી હોય છે. તેને ફીલ્ટર કરી કોફી બનાવવાની રીત દરેક કોફીની વેરાઇટી પ્રમાણે જુદી જુદી હોય છે.

જેક્સી જણાવે છે કે, પહેલીવાર કાફે બંધ થયા પછી મેં બીજા ઘણા વ્યવસાય કર્યા અને આર્થિક ભંડોળ ભેગું કર્યું. ઉપરાંત નાગાલેન્ડમાં ક્યાં ક્યાં કોફીની ખેતી થાય છે, તે અંગે પણ માહિતી મેળવી અને અત્યારે આ કોફીના ખેડૂતો પાસેથી હું સીધા જુદી જુદી જાતના કોફી સીડ્સ મેળવું છું. હું ભારતીય ઉદ્યોગ મંત્રાલય અને જર્મનીના સહયોગથી ચાલતી હર એન્ડ હાર પ્રોજેક્ટમાં જોડાઈ જ્યાં મને પ્રોડક્સના માર્કેટીંગ તેની સોશ્યલમીડિયા પર પ્રચાર અને સ્ટોરી ટેલીંગ કેવી રીતે કરવું તેની ટ્રેનીંગ મળી. જે આજના ઇન્ટરપ્રીનર માટે ખુબ જરૂરી છે. મારી કાફેને આર્થિક સહાય પણ આ પ્રોજેક્ટ દ્વારા મળી. ૨૦૧૯ કોવીડના સમયે પણ મને આ કાફે ચલાવવાની પરમિશન મળી હતી. કારણ કે, મારા કાફેમાં અત્યંત ચોખ્ખાઈ ને આધુનીક સ્વચ્છતાનો ટચ હતો.

અત્યારે આ કોફી કાફેમાં કોફી અંગેના વર્કશોપ થાય છે, ટ્રેનીંગ અપાય છે. કોફીની ખેતી અંગે પણ એટલું જ જ્ઞાન અપાય છે.

આમ જેક્સીત્નોસોએ નાગાલેન્ડ જેવા નાના રાજ્યમાં કોફી કલ્ચર ઊભું કર્યું, તેને કારણે તે કોફી લેડી તરીકે પ્રસિધ્ધિ પામી છે.