- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- ''ભલે મેં પ્રાઇવેટ પાર્ટીઓમાં નાની વયે ડાન્સ કર્યો પણ મને ગર્વ છે કે હું ને મારી માતા ઈજ્જતની રોટી ખાતા, અમે કોઈની પાસે ભીખ માંગી નથી''
ગુ જરાતીમાં એક રૂઢિપ્રયોગ છે, 'નસીબનું પાદડું ખસવું' એટલે કે જીવનમાં અણધારેલી, અચાનક જબરજસ્ત કોઈપણ ક્ષેત્રમાં સફળતા મળવી.
શગુફતા રફીકના જીવનમાં આ રૂઢિપ્રયોગ સાચો પડયો.
બાર ડાન્સના પ્લેટફોર્મથી બોલીવુડના લેખક તરીકેની જીવન સફર.
દુબઈ હોટેલોના ડાન્સબારથી 'કલયુગ' ફીલ્મના ડાયલોગ અને પછી આશીકી-૨ જેવી સફળ ફિલ્મની રાઈટર તરીકેની સફળતા.
શગુફતા રફીકનું જીવન અત્યંત સંઘર્ષમય રહ્યું. તેણે બાળપણથી જવાની સુધી શું ના જોયું ? નજર તેના જીવન પર નાખીએ તો જરૂર રૃંવાડા ઊભા થઈ જાય.
શગુફતા રફીકના જૈવીક માતા-પિતા (બાયોલોજીકલ પેરન્ટસ)ની કોઈ જાણ નથી. બાળપણમાં તે ખૂબ નાની હતી ત્યારે તે વખતના એકટ્રેસ, અનવરીબેગમે તેને ઉછેરવા માંડી, પોતાની સાથે રાખીને લગભગ દત્તક લીધી એમ કહી શકાય. સાત વર્ષ સુધી શગુફતાનું બાળપણ આનંદમાં અને મુશ્કેલી વગર વીત્યું. તે શાળાના સાતમાં ધોરણમાં આવી અને તેના જીવને પલટો ખાધો.
તેના પાલક પિતા એટલે અનવરી બેગમના પતિ મૃત્યુ પામ્યા. અનવરીબેગમે પણ ફિલ્મસૃષ્ટી છોડી દીધી હતી. થોડો સમય બચત વગેરેમાંથી ઘર ચાલ્યું પછી ઘરેણા ને ઘરની જણસો વેચવાનો વારો આવ્યો. મા દીકરીને બે ટંક ખાવાના જ સાંસા પડવા લાગ્યા એટલે શગુફતાને શાળામાંથી ઉઠાડી મુકવામાં આવી.
ઘર ગૃહસ્થી ચલાવવાના ફાંફા હતા એટલે નાની શગુફતા પર આર્થિક ટેકાનો ભાર આવી ગયો. શગુફતા ડાન્સ સારો કરતી હતી. આથી નવ વર્ષની કુમળી વયે, પ્રાઇવેટ ધનાઢ્ય પાર્ટીઓમાં, તે ડાન્સ કરવા લાગી.
આ દિવસો યાદ કરતાં, શગુફતા કહે છે કે, ''હું નાની હતી, ડાન્સ કરતી, મોટા મોટા, જાડા જાડા ધનાઢ્ય પુરૂષો મારા પર નોટો ઉછાળતા, કોઈ આવીને મારી નજર ઉતારવાનો દેખાવ કરી, શરીરની સાવ નજીકથી પૈસા ફેંકતા મને આ મારા કૃત્ય માટે એટલી ધૃણા આવતી પણ મારી પાસે કમાવવા માટે બીજો કોઈ રસ્તો ન હતો. એ સમયે ફિલ્મ લાઇનમાં ચાઈલ્ડ આર્ટીસ્ટને કોઈ કામ આપવાનો શીરસ્તો ન હતો. મેં આ ધૃણા દસ વર્ષ સહન કરી પણ મને ગર્વ છે કે હું ને મારી માતા ઈજ્જતની રોટી ખાતા હતા. કોઈની પાસે ભીખ માંગવાનો વારો ના આવ્યો.
૧૭ વર્ષની વયે શગુફતાને સેક્સવર્કર (વેશ્યા) તરીકે કામ કરવાનું શરૂ કરવું પડયું. તેની એ ચાલમાં, કર્કશ પથારી પર, અનેક મીલીઓનર પુરૂષોને તેણે સાથ આપ્યો. શગુફતાનો આ નિર્ણય સારા માટે ન હતો, પણ જીવનની સંજોગોએ ઊભી કરેલી હતાશા અને પેટનો ખાડો પૂરવા માટેનો રસ્તો હતો. તે રાત્રિના રૃા. ૩૦૦૦ લેતી, તેની આર્થિક સ્થિતિ સુધરી પરંતુ શારીરિક અને સામાજીક સ્થિતિ બગડી.
અનવરીબેગમે, મા તરીકે આ કાર્યનો ખૂબ વિરોધ કર્યો પરંતુ શગુફતા પાસે કોઈ વિકલ્પ ન હતો. નાની વયે પાર્ટીઓમાં ડાન્સ કર્યા પછી એ સમયના જૂનવાણી વિચારોને કારણે તેની પ્રતિષ્ઠા ખરડાઈ ચૂકી હતી.
શગુફતા આ સમય માટે કહે છે કે, 'મારી માની ભૂખ સામે, આ કાર્ય સાવ નાનું હતું. મારી મા મારું સર્વસ્ત હતી.'
અત્રે એક વાત યાદ કરાવવી જરૂરી છે કે, આપણો સમાજ વૈશ્યાઓ અને તેના બ્રોથેલ માટે નકારાત્મક વિચારો ધરાવે છે કારણ કે તેમનું કામ એવું છે, પરંતુ મોટાભાગની મહિલાઓ સંજોગોની મજબૂરી, હતાશા અને જીવનના નકારાત્મક સંજોગોને કારણે આ વ્યવસાયમાં ધકેલાઈ જાય છે.
અનવરીબેગમને મા તરીકે શગુફતા આ ધંધામાં કામ કરે તે ખટકતું હતું અને મંજૂર ન હતું. આથી તેમણે દુબાઈની હોટલોના બારમાં ડાન્સર તરીકે શગુફતા માટે કાર્ય શોધી કાઢ્યું અને શગુફતા દુબઈની હોટેલોમાં બાર ડાન્સ તરીકે પહોંચી ગઈ.
આ વ્યવસાય પણ કંઈ ખૂબ સારો ન હતો. શગુફતા લખે છે કે, 'સતત દારૂની બાટલીઓમાંથી દારૂ પીતા પુરુષો, સીગરેટના ધુમાડા કાઢતા પુરુષો અને તેમની લોલુપતાભરી નજરો પણ એટલું સારું હતું કે, એ ખરાબ દ્રષ્ટિથી જ અટકી જતું, મારે દેહવિક્રય કરવો પડતો નહિ.'
શગુફતા પોતાનો બાર ડાન્સરનો વ્યવસાય ખૂબ શરાફતથી કરતી. તેની આ શરાફત એક ધનાઢ્ય આધેડ વયના પુરુષને સ્પર્શી ગઈ અને તેણે પોતાના ઘેર શગુફતાને રાખી. થોડો સમય, આમ વીત્યો હવે,
શગુફતાને જીવનની એરણે સંપૂર્ણ ઘડી કાઢી હતી.
અનવરીબેગમને કેન્સરનું નિદાન થયું, મા માટે શગુફતા ભારત પાછી ફરી, આ તેના જીવનનું ટર્નિંગ પોઈન્ટ હતું.
ઘણી કોશિશ અને દવા કરવા છતાં અનવરીબેગમ બચ્યા નહિ. માના મૃત્યુનો આઘાત શગુફતાને ઘણો લાગ્યો કારણ કે તે હવે દુનિયામાં એકલી થઈ ગઈ.
પરંતુ શગુફતાએ નક્કી કર્યું કે, તે હવે બાર ડાન્સરના કે અન્યમાં પાછી નહિ ફરે. તેને પહેલેથી લખવાનો શોખ હતો, આથી તેણે નક્કી કર્યું કે, હું મારા સંઘર્ષના અનુભવો લખી, ને વિશ્વ સમક્ષ તે કહાનીના સ્વરૂપમાં મૂકીશ અને તેણે સ્ટોરી ટેલીંગ શરૂ કર્યું.
બસ આ કાર્યએ તેના નસીબનું પાદડું ખસેડી દીધું. સ્ટોરી ટેલીંગ કરતા કરતાં શગુફતા, રફીક બોલીવુડના જાણીતા ડાયરેક્ટર અને ફીલ્મ મેકર મહેશ ભટ્ટના સંપર્કમાં આવી. મહેશ ભટ્ટે શગુફતાની 'સ્ટોરી ટેલીંગ'નો વિષય વિષે જાણ્યું તેમને શગુફતાની વાતામાં ખૂબ ઊંડાઈ લાગી અને લાગ્યું કે, આ છોકરી જો બોલીવુડમાં સ્ક્રીપ રાઇટર બને તો બોલીવુડમાં ભૂચાલ લાવી દેશે. અને તેમણે શગુફતાને બોલીવુડમાં કામ કરવા અંગેની પ્રેરણા આપી અને ભટ્ટ કેમ્પમાં લખવાની તક આપી.
સૌ પ્રથમ શગુફતા રફીકે 'કલયુગ' ફિલ્મના ડાયલોગ લખ્યા. બસ આ શરૂ થઈ તેની બોલીવુડની સફર. ધીરે ધીરે શગુફતા એક પછી એક પગથિયા ચઢતી ગઈ. પ્રથમ સ્ક્રીપ રાઇટર બની અને પછી એક સ્ટોરીઓ લખતી ગઈ.
શગુફતાનું ફિલ્મી રાઇટર તરીકેનું પ્રથમ મુવી 'વો લમ્હે' જેની શગુફતાએ કહાની અને સ્ક્રીનપ્લે બન્ને લખ્યા છે. મહેશ ભટ્ટના વિશ્વાસ ફિલ્મમાં તેણે લેખનનું વધારે યોગદાન આપ્યું છે.
'વો લમ્હે' પછી શગુફતાએ આવારાપન, રાઝ, મર્ડર-૨ અને સૌથી સફળ આશીકી-૨ ની વાર્તા અને સ્ક્રીનપ્લે લખ્યા.
આ ઉપરાંત શગુફતાએ પાકિસ્તાનની સૌથી લોકપ્રિય ટીવી સીરીયલ 'લંબી જુદાઈ'ની વાર્તા લખી છે જે ખૂબ લોકપ્રિય થઈ હતી.
વર્તમાન સમયમાં શગુફતા રફીક પોતાના જીવનના પ્રસંગોને વણીને સ્ટોરીટેલીંગ કરે છે, તેને મળતાં બોલીવુડની ફિલ્મો અંગે લેખન કરે છે ઉપરાંત પંજાબી ફીલ્મ અને બંગાળી ફિલ્મોનું ડીરેકશનમાં પણ મદદ કરે છે.
શગુફતા કહે છે, 'હું જીવનમાં ગમે તેટલી સફળતા મેળવું પરંતુ મારા જીવનના સંઘર્ષમય દિવસો અને મારી માતાને હું ક્યારે પણ ભૂલી નહિ શકું. આજની સફળતાનો પાયો એ ભૂતકાળમાં રહેલો છે.'
સેલ્યુટ ટુ શગુફતા રફીક... !


