Get The App

મહિલા ઇલેક્ટ્રિશિયન સીતાદેવી .

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
મહિલા ઇલેક્ટ્રિશિયન સીતાદેવી                   . 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- તમારામાં જે હુન્નર હોય તેનો ઉપયોગ કરી તમે તમારો નાનો ધંધો ઉભો કરો. આર્થિક ઉર્પાજન તમારા કુટુંબને ઉપયોગી થશે

બિ હારના ગયા શહેરના એસ.કે.ટાવર મલ્ટીપલ ફ્લેટના પાંચમા માળે ફ્લેટમાં બેલ વાગે છે. બારણું ખૂલે છે તો એક સાડી પહેરેલી સ્ત્રી, બેગપેક લઇને ઊભી છે. ફ્લેટના માલિક અંકલ કહે છે, 'બેન અમે કોઇને ચંદો આપતા નથી.'

પેલી સ્ત્રી હસીને કહે છે 'હું ફાળો લેવા નથી આવી સાહેબ. તમે મારી ઇલેક્ટ્રીકની દુકાન પર રીપેરીંગ માટે ફોન કર્યો હતો, એટલે પંખો ને સ્વીચ રીપેર કરવા આવી છું. હું ઇલેક્ટ્રીશયનનું કામ કરું છું. હું ઇલેક્ટ્રીશયન સીતાદેવી.' અંકલ અચંબામાં પડી જાય છે. પછી એ અંકલે સીતાદેવી ઇલેક્ટ્રીશીયનને પંખો ને સ્વીચ બતાવ્યા. દસ જ મીનીટમાં રેગ્યુલેટર અને સ્વીચ રીપેર કરી સીતાદેવીએ પંખો ચાલુ કરી આપે છે.

પૈસા આપતા અંકલ એટલું જ બોલ્યા, 'બેન તમારી કાર્યશક્તિ અને હિમ્મતને સેલ્યુટ' આ ઘટના વાંચી તમને કોઈ સીનેમાનો સીન લાગે અથવા કાલ્પનીક ઘટના લાગે. પરંતુ ના આ સત્ય હકીકત છે. સીતાદેવી મહિલા ઇલેક્ટ્રીશયન છે. તેઓ બિહારના ગયા શહેરના જ નહિ પરંતુ કદાચ ભારતના પહેલા મહિલા ઇલેક્ટ્રીશીયન છે અને અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.

થોડા વર્ષો પહેલા ભારતીય સ્ત્રીને અબળા અને કમજોર ગણવામાં આવતી મુશ્કેલી કુટુંબ પર આવતી અને પતિનો કોઈ કારણસર સાથ ન હોય તો ભારતીય મહિલાઓ કમજોર પડી જતી અને કુટુંબ નિર્વાહ અને અન્ય કારણોસર આડા રસ્તે કમાણી કરતી. જ્યારે આજની આધુનીક નારી શિક્ષિત હોય કે અંતરિયાળ ગામડાની કે શહેરની અશિક્ષિત મહિલા પરંતુ મુશ્કેલીના પડકારને ઝીલી, સમાજના વહેણની વિરૂદ્ધ જઇને મુશ્કેલીમાંથી રસ્તો કાઢે છે. કુટુંબનો આર્થિક નિર્વાહ કરે છે તેમજ સંતાનોનો ઉછેર ભણતર આપીને કરે છે અને અન્ય મહિલાઓ માટે નવો રસ્તો કંડારે છે.

ગયાના મહિલા ઇલેક્ટ્રીશીયન સીતાદેવીએ આ જ જીવનસમીકરણ પૂરૃં પાડયું છે અને બીજી સ્ત્રીઓ માટે પ્રેરણાત્મક દ્રષ્ટાંત પૂરું પાડયું છે તેમજ પુરુષોના વર્ચસ્વવાળા ઇલેક્ટ્રીશીયનના ક્ષેત્રમાં પર્દાપણ કરી પુરુષવર્ગની આ ક્ષેત્રની મોનોપોલી તોડી છે.

વિસ્તારથી ફીક્સ કરીએ સીતાદેવી મહિલા ઇલેક્ટ્રીશયનની વાત પર.

સીતાદેવીનો જન્મ બિહારના ગયા શહેર પાસેના ગામમાં થયો હતો. ઘરની આર્થિક સ્થિતિ અત્યંત નબળી, એટલે ગરીબીએ ભરડો લીધેલો. બે ટંક ખાવાના સાંસા, ત્યાં ભણવાનું તો ક્યાંથી પોસાય ? આથી સીતાદેવી શાળાએ ના જઇ શક્યા. ગામડાના નિયમ પ્રમાણે નાની ઉંમરમાં, ગયામાં રહેતા ઇલેક્ટ્રીશીયન સીયારામ જોડે પરણાવી દેવામાં આવ્યા.

સીતાદેવીનું જીવન ગૃહકાર્ય, ૩ બાળકોનો ઉછેર ને પતિની સેવામાં જતું હતું. સીતાદેવી આ પરિસ્થિતિથી સંતુષ્ટ હતા. ત્યાં ચોથીવાર દીકરો જન્મ્યો એ વરસનો થયો અને સીતાદેવીના જીવનમાં મોટો વળાંક આવ્યો.

પતિ સીયારામની તબિયત લથડવા માંડી. તેઓ લાંબુ બેસી કામ કરી શક્તા નહિ. આથી સીતાદેવીએ વહેલું કામ પતાવી, સીયારામની ઇલેક્ટ્રીકની દુકાને જઇ મદદ કરવા માંડી. આમા રીપેરીંગનું જોવા પણ માંડયું. થોડા જ દિવસમાં એવી પરિસ્થિતિ આવી કે સીયારામને લીવર પર સોજો આવ્યો અને બીમારીએ જોર પકડયું. આથી તેમને આરામ કરવો પડે તેવું નીદાન આવ્યું.

પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે આવક બંધ થઇ ગઇ. ઘર કેવી રીતે ચલાવવું ? ખાવાના સાસા, પતિની દવાઓ અને બાળકોનું ભણતરનો ખર્ચ કેવી રીતે કાઢવો.

નાનપણથી સીતાદેવી મુશ્કેલી સામે સદા લડતા ને તેમાંથી રસ્તો કાઢીને જંપતા ને આગળ વધતા તેમના આ હિમ્મતવાળા સ્વભાવ અને દ્રઢ મનોબળને કારણે તેમણે પોતે મહિલા ઇલેક્ટ્રીશયન બનવાનું નક્કી કર્યું તેના પતિ સીયારામે મંજૂરી આપી અને સીતાદેવીએ સીયારામની ઇલેક્ટ્રીકની દુકાને જવાનું શરૂ કર્યું.

સીતાદેવી બપોરે, મદદ કરાવવા તો જતા જ હતા. આથી તેમને થોડું થોડું તો રીપેરીંગનું જ્ઞાાન હતું જ. હવે પદ્ધતિસર, પતિ પાસે શીખવાનું શરૂ કર્યું. તેમણે સ્વીચ રીપેરીંગ અને પંખા રીપેરીંગથી શીખવવાનું શરૂ કર્યું.

સીતાદેવીએ મહિલા ઇલેક્ટ્રીશીયન બનવાનું બીડું તો ઉપાડયું. પણ સામે મુશ્કેલીઓનો પહાડ ઊભો હતો. સીતાદેવી જણાવે છે કે, અમારી દુકાન કાચી ફૂટપાથ પર 

હતી આથી એક બાજુ બીમાર પતિ ખાટલા પર સૂતા સૂતા મને સાધનો રીપેરીંગનું કામ શીખવાડતા. બાળકો નાના અને સૌથી નાનો દીકરો તો ૧ વર્ષનો જ હતો. તેને હું ખોળામાં બેસાડતી અથવા બાજુમાં બેસાડી કામ કરતી. બીજા ત્રણ છોકરાઓ ફૂટપાથ પર રમતાં. તેઓ જણાવે છે કે કોઈ સામાન લેવા બજારમાં જવાનું થાય તો નાના ૧ વર્ષના દીકરાને ઊંચકીને જોડે લઇ જતા.

બીજી મુશ્કેલીમાં સીતાદેવીને સામાજીક મુશ્કેલીઓ આવી. આ વ્યવસાય, સામાજીક વ્હેણની સામે તરીને કરવાનો હતો. ઇલેક્ટ્રીશીયન પુરુષવર્ગ જ હોય તેવી સચોટ માન્યતા બિહારના જૂનવાણી વિચારોવાળા સમાજમાં પ્રવર્તતી. આથી મહિલા ઇલેક્ટ્રીશનય તરીકે સીતાદેવી કામ કરે તો, તેમને પુરુષો સાધનો આપવા આવે તેની સાથે કામ કરવું પડે, કોઈ બોલાવે તો ત્યાં પુરુષોના સંપર્કમાં આવવું પડે વગેરે વગેરે. આથી ઘરના અન્ય કુટુંબીજનો સગાઓ અને પડોશીઓએ સખત ટીકાઓ, મહેણાટોણાઓ મારવા માંડયા.પરંતુ દ્રઢમનોબળવાળા સીતાદેવીએ આ ટીકાઓ અને મ્હેણાટોણાની અવગણના કરી.

સીતાદેવી જણાવે છે કે, 'એક બાજુ આ સમાજની જૂનવાણી માન્યતાઓવાળી વિચારસરણી હતી અને બીજી બાજુ મારા સંતાનોનો ઉછેર, પતિની દવાઓનો ખર્ચો અને બાળકોનું ભણતર. મારી પાસે કોઈ વિકલ્પ જ ન હતો. અને કોણ કહે છે પુરુષો જે કામ કરી શકે, તે સ્ત્રી ના કરી શકે ? થોડીવાર લાગે પણ મક્કમ ને દ્રઢમનોબળ અને કાર્ય માટેનું સમર્પણ વડે સ્ત્રી, પુરુષો કરે તે વ્યવસાય કરી જ શકે છે અને આ વિચારસરણી અમલમાં મૂકી. મેં ઇલેક્ટ્રીશીયનનું કામ શીખવાનું શરૂ કર્યું. સગાઓ અને કુટુંબીજનો તેમજ મિત્રોની ટીકાઓ અને મ્હેણાઓ સામે આંખ આડા કાન કર્યા.'

ધીરે ધીરે સીતાદેવી બધા ઇલેક્ટ્રીક સાધનોનાં રીપેરીંગ વિષે શીખતા ગયા. પતિ ઉપરાંત ગયાના મોટા એક ઇલેક્ટ્રીશીયન પાસે પણ થોડી ટ્રેનીંગ લીધી. જોતજોતામાં સીતાદેવી ઇલેક્ટ્રીકના બધા સાધનો જેવા કે મિક્સર, બોસ, એસી, માઇક્રોવેવ ઓવન, વેલ્ડીંગ મશીન, દરેક જાતનાં પંખા, વગેરે દરેક સાધનનું રીપેરીંગ કામ કરતા થઇ ગયા.

હવે સીતાદેવી સાચા અર્થમાં ઇલેક્ટ્રીશીયન હતા. મહિલા હોવા છતાં હવે તેમને ધીરે ધીરે ઘણા ગ્રાહકો મળવા માંડયા હતા. તેમની સખત મહેનત કામ અંગેની સમજ અને કાર્ય માટેના સમર્પણે તેમની ટીકા કરનારાઓ પણ તેમને કામ આપવા માંડયા. એટલું જ નહિ પરંતુ વખાણ પણ કરવા માંડયા.

સીતાદેવી સવારે વ્હેલા ઉઠે, ઘરનું કામ કરે રસોઈ કરી લગભગ નવ વાગે દુકાન ખોલીને બેસે. બપોરે ૨.૦૦ વાગે ૧ કલાક માટે ઘેર આવે. જમી ઘરકામ કરી, સાંજની રસોઈની તૈયારી કરી પાછા ૩.૩૦ વાગે, દુકાન પર જાય તે રાત્રે ૯.૦૦ થી ૭.૩૦ ઘેર આવે. બને ત્યાં સુધી તેઓ કોઈ કામ બાકી નથી રાખતાં, જો કોઈ ઇલેક્ટ્રીક સાધન રહી ગયું હોય રીપેર કરવાનું તો બને તો ઘેર લાવે નહીં તો બીજે દિવસે તો આપી જ દે.

ત્રણ વરસના અનુભવ પછી તેઓ કોઈ બોલાવે તો ઘેર પણ જાય છે. આજે સીતાદેવીનું નામ ગયાના બાહોશ ઇલેક્ટ્રીશીયનોમાં થાય છે. જોવાની ખૂબી એ છે કે સીતાદેવી ઇલેક્ટ્રીશીયનનું આટલું કામ કરે છે પરંતુ તેઓ જરાય ભણ્યા નથી. છતાં ઇલેક્ટ્રીશીયન તરીકે બધુ કામ કરી શકે છે. તેઓએ ભયંકર ઠંડી, ગરમી ને વરસાદમાં પણ કામ કર્યું છે.

તેમની આ છેલ્લા પંદર વર્ષની મહેનતે તેઓનાં મોટા ત્રણે સંતાનો સ્નાતક સુધી ભણ્યા છે. નાનો ભણી રહ્યો છે. મોટો દીકરો હવે સીતાદેવીને તેમનાં કામમાં મદદ કરે છે. મોટી દીકરીનાં લગ્ન પણ આ ઇલેક્ટ્રીશીયન તરીકેની કમાણીમાંથી કર્યા છે.

પતિ સીયારામની લીવરની બીમારીની દવા પણ પટના, ચેન્નાઇ અને દિલ્હી કરાવી. હવે સીયારામની બીમારી ઘણી સારી થઇ છે.

સીતાદેવી તેની ગામની મહિલાઓને ખાસ સમજાવે છે કે તમારામાં જે હુન્નર હોય તેનો ઉપયોગ કરી તમે તમારો નાનો ધંધો ઉભો કરો. આર્થિક ઉર્પાજન તમારા કુટુંબને ઉપયોગી થશે, તમારા અસ્તિત્વને પણ વિકાસ કરવામાં મદદરૂપ થશે.

સીતાદેવી જીવનના અંત સુધી મહિલા ઇલેક્ટ્રીશીયન તરીકેનું કામ ચાલુ રાખવા માગે છે અને ઘરોમાં પ્રકાશ ફેલાવવા માગે છે.