- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- ભારતની બ્લાઇન્ડ મહિલા ક્રિકેટ ટીમનો દબદબો :T20 બ્લાઇન્ડ વર્લ્ડકપ ચેમ્પિયન
''મા રું ગામ. કર્ણાટક અને આંધ્રપ્રદેશની બોર્ડર મળે છે, તેની નજીક કર્ણાટકમાં આવેલું છે. જ્યાં ફક્ત ૧૦૦ ઘરની વસ્તી છે. તેમાં ૪૦ ઘરો અમારી પછાત જાતિના છે. આ અમારી વસ્તીમાં ભણતર સાથે કોઈ છેડેથી સબંધ નથી. અંધશ્રદ્ધા તો એટલી છે કે, છોકરીઓ અને મહિલાઓ માસિકમાં આવે ત્યારે તેઓને પહેલા પાંચ દિવસ વૃક્ષની નીચે રહેવું પડતું. જ્યાં સાપ, પ્રાણીઓનો ભય રહેતો. હવે સુધારો થઈને શાળામાં એક રૂમમાં રહેવાનું હોય છે. માતા-પિતા માટે સામાન્ય છોકરીઓ ભારરૂપ હોય તો, મારા જેવી અંધકન્યાની વાત જ શી કરવી ?''
મારા માતા-પિતાને ગામના લોકો કહ્યા કરતા કે આ છોકરી જોઈ શકતી નથી તો શું કરી શકવાની ? તેને અંધકન્યાશાળા અથવા આશ્રમમાં મૂકી આવો. મારા માતા-પિતા નીચું જોઈ રહેતા.
પરંતુ 'વુમન્સ બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપ' ભારતની અમારી ટીમ જીતીને આવી અને વર્લ્ડકપ મળ્યો, જે ક્રીકેટ ટીમની હું કેપ્ટન છું. આ અમારી જીતને આખા ભારતે બીરદાવી, સોશ્યલ મીડિયા, વર્તમાનપત્રો વગેરેમાં અભિનંદનની વર્ષા થઈ બસ. પછી અમારા ગામના લોકોનો મારા પ્રત્યેનો અભિપ્રાય સીક્કાની બીજી બાજુની જેમ બદલાઈ ગયો. મારા ગામના લોકોને મારા પ્રત્યે પૂછાતા પ્રશ્નોનો જવાબ હતા.
આજે મારા માતા-પિતા ગર્વથી ઊંચું જોઈને ચાલે છે, એજ ગામ લોકો અભિનંદન આપતા થાકતા નથી. આપણી દીકરીએ ગામનું નામ ઊજાગર કર્યું, એમ કહેતા થાકતા નથી.
મારું સૌને એટલું જ કહેવું છે કે, જો તમારા અંતર પાસે તમારા સપનોઓ માટે દ્રઢમનોબળ, પેશન અને ખંતનો પ્રકાશ હોય તો બહારના પ્રકાશની કોઈ જરૂર પડતી નથી. આંતરિક પ્રકાશનું તેજ જ તમને સફળતા અપાવે છે.
આ શબ્દો છે ભારતની બ્લાઈન્ડ મહિલા ક્રીકેટ ટીમની કેપ્ટન દીપિકા ટી.સી.ના જે બ્લાઈન્ડ ટીમ, ગયા મહિને બ્લાઈન્ડ T20 વર્લ્ડ કપ જીતીને આવી. આ T20 બ્લાઈન્ડ કપ સૌ પ્રથમ વાર વિશ્વમાં યોજાયો છે. જેમાં સાત દેશોની ટીમોએ ભાગ લીધો હતો. સાતે સાત મેચોમાં ભારતની બ્લાઈન્ડ મહિલા ટીમે જીત મેળવી છે અને ફાઈનલમાં શ્રીલંકાના કોલંબો શહેરમાં નેપાળ દેશની ટીમને સાત વિકેટથી હરાવી, જીત મેળવી છે.
બ્લાઈન્ડ ક્રીકેટ કેવી રીતે રમાતી હશે, એ સૌ વાચકોને જાણવાની ઈંતેજારી થાય.
બ્લાઈન્ડ ક્રીકેટમાં નો બોલ, સામાન્ય ક્રીકેટ મેચ કરતા મોટો હોય છે. જેના પર મેટલની બેરીંગ્સ (બેરીંગ્સ) ચડાવેલી હોય છે. આથી જ્યારે બોલીંગ કરવામાં આવે ત્યારે અવાજ આવે છે. બે પીચની એ બોલીંગમાં, અવાજ પરથી એ બેટસમેન ફટકા લગાવે છે. સ્ટમ્પ સામાન્ય ક્રીકેટના સ્ટમ્પ કરતા થોડા મોટા, ફલોરો સન્ટ કલરના, ખરબચડા જેથી સ્પર્શથી ઓળખી શકાય તેવા હોય છે. ક્રીકેટ ગ્રાઉન્ડ સામાન્ય ૨૨ મીટર યાર્ડનું જ હોય છે, પરંતુ બ્રાઉન્ડી ઓછી હોય છે, સામાન્ય ક્રીકેટ મેચ કરતાં આ બ્લાઈન્ડ ક્રીકેટ મેચો, બોલીને રમાય છે, જેમાં લેગ બી ફોર (EB એલબીડબલ્યુ) કે સ્ટમ્પ આઉટ હોતા નથી. બેસ્ટમેનને દોડવા માટે રનર આપવામાં આવે છે. ત્રણ પ્રકારના ખેલાડીઓ હોય છે. B1, B2, અને B3 અને ૧૧ની ટીમ કરાય છે. આ બ્લાઈન્ડ, મેચની ભારતીય મહિલા ટીમની દીપિકા ટી.સી.કેપ્ટન બની તે પહેલાની બાળપણથી, એટલે કર્ણાટકના એ પછાત ગામથી ક્રીકેટના ગ્રાઉન્ડ સુધીની તેની જીવન કહાની મુશ્કેલીઓ અને પડકારોથી ભરેલી છે.
કર્ણાટકના નાના ગામમાં, એક ગરીબ કુટુંબમાં દીપિકાનો જન્મ. માતા-પિતા પાસે દોઢ વીઘા જ જમીન. અને દર વર્ષે દુકાળ પડવાથી જમીન બંજર થઈ છે, એટલે માતા-પિતા હવે, બે ખેતરોમાં મજૂરી કરી ઘર ચલાવતા. દીપીકાના કહેવા પ્રમાણે ઘણીવાર તો એકવાર ખાવાના પણ સાંસા રહેતા. રોડ પર પડેલા ખરાબ ફળોનો સારો ભાગ કાપી તેઓ પેટ ભરતા. આવા વાતાવરણમાં ઊછરી રહેલી,
દીપીકાનો ભૂલથી નખ આંખમાં વાગી ગયો અને આંખોમાં ઈજા થતા દેખાતું બંધ થઈ ગયું. અને આંશીક રીતે જ તે જોઈ શકે, (જૂજ, ખૂબ ઓછું) તેવી પરિસ્થિતિ આવી.
માતા-પિતા પાસે પૈસો હતો નહિ આથી ગામના ડૉક્ટરોને બતાવ્યું, બેંગ્લોરના ટ્રસ્ટના ડૉક્ટરોને બતાવ્યું પરંતુ પરિણામ શૂન્ય આવ્યું, અને દીપીકાએ આંખોનું તેમજ ગુમાવ્યું.
માતા-પિતા નાસીપાસ થયાં, ગામલોકોની ટીકાઓએ તેમનો હોંસલો તોડી નાખ્યો. પરંતુ જાંબાઝ અને હિમ્મતવાળી દીપિકા હારી નહિ. તેણે ગામની સામાન્ય પ્રાથમિક શાળામાં એડમીશન લીધું અને ભણવાનું શરૂ કર્યું.
દીપિકાના કહેવા પ્રમાણે શાળામાં તેને શિક્ષીકો અને વિદ્યાર્થીઓ તરફથી ઘણું ઉપેક્ષિત વર્તન થતું. તેને છેલ્લે જ બધી પ્રવૃત્તિઓમાં રાખવામાં આવતી. પણ દીપિકા હિમ્મત હારી નહીં. હસતા હસતા સમય પસાર કર્યો અને ૧ થી ૪ ધોરણ સુધી આ શાળામાં ભણી.
પછી પાસેની અંધકન્યા શાળા અને કોલેજ હતા, તે શિક્ષણસંકુલમાં ભણવાનું શરૂ કર્યું. અહીં તેને ક્રીકેટમાં રસ પડાવા માંડયો. તેણે સાતમાં ધોરણમાં થોડું થોડું ક્રીકેટ રમવાની શરૂઆત કરી. કોઈવાર બાગમાં છોકરાઓ જોડે થોડું ક્રીકેટ રમી લેતી તો કોઈવાર શાળામાં છોકરીઓ જોડે બેટ-બોલ રમતી.
સમય પાણીના રેલાની જેમ વહી ગયો.
દીપિકા કોલેજમાં આવી, અહીં તેના પ્રોફેસર શિક્ષિકાએ જોયું કે દીપિકાને ક્રીકેટમાં રસ છે, અને આ રમતમાં તેની આવડત પણ જણાય છે. આથી તેમણે બેંગ્લોરમાં બ્લાઇન્ડ યુવતીઓ માટે યોજાતા કેમ્પમાં જવાની સલાહ અને માહિતી આપ્યા. પરંતુ દીપિકા ટી.સી.ની કૌટુમ્બિક આર્થિક હાલત અતિ સામાન્ય હતી. આથી તેની પાસે બેંગ્લોર જવાના મુસાફરીના પૈસા ન હતા. તે મુસાફરીનો ખર્ચ તેની કલાસના એક વિદ્યાર્થીએ આપ્યો. આમ દીપિકા બેંગ્લોર બ્લાઈન્ડ યુવતીના ક્રીકેટ કેમ્પમાં પહોંચી. અહીં તેણે ઓલરાઉન્ડર ક્રીકેટ પ્લેયરની તાલીમ લીધી અને કર્ણાટક બ્લાઈન્ડ વુમન ક્રીકેટ ટીમ તરફથી સદી ફટકારી. ત્યારબાદ તે કર્ણાટક બ્લાઈન્ડ ગર્લ્સ ક્રીકેટ ટીમની કેપ્ટન બની. જેમાં શાનદાર દેખાવ પછી, ભારતીય મહિલા બ્લાઈન્ડ ક્રીકેટ ટીમની કેપ્ટન બની. અને વુમન્સ બ્લાઈન્ડ ્૨૦ વર્લ્ડકપની મેચોમાં જવા માટે ટીમને તૈયાર કરી.
અહીં પણ દીપિકાના દ્રઢમનોબળ અને પ્રેરણાત્મક-મનોવૃત્તિ જ ટીમનો સ્પીરીટ રહ્યા. કારણકે દીપીકા ટી.સી. જણાવે છે કે, બ્લાઈન્ડ મહિલા ટીમ આટલી જોરદાર હોવા છતાં તેમની ટીમને સ્પોનસર નહોતા મળતા. આથી જુદાજુદા ગામડા ઓમાંથી આવેલી રમતવીર યુવતીઓ નીરાશ થઈ ગઈ. પરંતુ દીપિકાના માર્કેટીંગ અને તેના સતત પ્રયત્નએ સ્પોનસર શીપ મળી, અને ભારતીય મહિલા બ્લાઈન્ડટીમ કોલંબો જઈ શકી.
દીપીકા ટી.સી.ની ખાસ અપીલ છે કે, ભારતીય સમાજ, સોશીયલ મીડિયા અને રમતગમતને સ્પોન્સર કરતી કંપનીઓ બીજી ભારતીય મેન્સ અને વુમનની નિયમિત (રેગ્યુલર) ક્રીકેટ ટીમો જેટલું જ મહત્ત્વ ને ફોકસીંગ આપે.
દીપિકા ટી.સી.નું સ્વપ્ન મેન ક્રીકેટ સામે રમવાનું છે. મહિલાઓને એટલું જ કહે છે : તમારા આંતરિક પ્રકાશ વડે સફળતાના પથ પર આગળ વધો.


