અન્નપૂર્ણાની ટેકનોસફર .
- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- કૌશલ્યા રોજ ખેતરનું ને રસોડાનું કામ કરતા વિચારતી કે, મારું બારમા ધોરણ સુધી સાયન્સ ભણ્યાનો અર્થ શો?
રા જસ્થાનના નાના એક ગામડામાં જ્યાં સ્ત્રીઓને ઘરની ચાર દીવાલમાં જ જિંદગી વીતાવવાની હોય, ત્યાં કૌશલ્યા ચોધરીએ એક નાના સ્માર્ટફોનના આધારે સફળતા મેળવી પોતાની જિંદગી બદલીને હકારાત્મક દીશામાં વાળી અને એ ગામની તથા આસપાસના ગામોની ૩૫ થી વધારે મહિલાઓની જિંદગીમાં હકારાત્મક બદલાવ આવ્યો.
કૌશલ્યા ચૌધરીની કોઠાસૂઝ, જીવનમાં કંઈક કરી આગળ વધવાની મહત્ત્વકાંક્ષા અને તે માટેના દ્રઢ મનોબળ અને ધ્યેય માટે સમર્પિત દ્રષ્ટિકોણે કૌશલ્યા ચૌધરીને એક સામાન્ય રસોડાની ગૃહિણીમાંથી ઈનટરપ્રોનર, માસ્ટરશેફની પ્રતિનિધિ અને વિશ્વમાં પ્રસિદ્ધ યુટયુબચેનલની રસોઈ સાઈટ 'મારવાડી-સિંધી' સાઈટની સજન કરતા બનાવી દીધી.
આ પ્રેરણાત્મક પ્રોફાઈલ દરેક ગૃહિણીએ જીવનમાં ઊતારવા જેવી છે.
કૌશલ્યા ચૌધરી રાજસ્થાનના નાના ગામમાં સામાન્ય ખેડૂત પરિવારની દીકરી-ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટી દીકરી. સવારે પોતાના ખેતરે જઈ, માને થોડી મદદ કરાવી, ગાયને ચારોનાખી તેનું કામ કરી તે શાળાએ જતી. સાંજે ઘેર આવી નાના ભાઈ બહેનોની સંભાળ, બાકીનું ગૃહકાર્ય અને માતાને કોઈવાર વધારે ખેતરમાં કામ હોય તો સાંજે રસોઈ કરવાનું કામ કૌશલ્યાને ભાગે આવતું. આટલા બધાં કાર્યો છતાં ભણવામાં કલાસમાં કૌશલ્યા ટોપર રહેતી.
મા માટે અને ઘરના માટે જ્યારે નાની કૌશલ્યા રસોઈ બનાવતી ત્યારે તે એટલી સ્વાદિષ્ટ બનતી કે, બધા આંગળા ચાટી જતા. આ જોઈ કૌશલ્યાને ત્યારથી રસોઈ પ્રત્યે આર્કષણ થયું અને રસોઈમાં રસ પડવા માંડયો.
સમય આમ જ પસાર થતો રહ્યો. કૌશલ્યા બારમા ધોરણમાં આવી. તેણી હોશિયાર હતી. દસમા ધોરણમાં માર્ક્સ સારા હતા, આથી સાયન્સ લીધું હતું. તેનું ધ્યેય ડોક્ટર બનવાનું હતું અને ગામડામાં સેવા કરવી હતી. પણ કુદરતને કંઈ જૂદું જ મંજૂર હતું. વુમન પ્રપોઝીઝ ગોડ ડીસપોસીઝ.
કૌશલ્યા ચૌધરીએ, બારમા ધોરણના બોડની પરીક્ષા આપી અને તરત જ તેના લગ્ન લેવાયા હજુ કૌશલ્યા કંઈ વિચારે, તે પહેલા તેનો માર્ગ જ ફંટાઈ ગયો. તેના ડોક્ટર બનવાના સપનાના ચૂરેચૂરા થઈ ગયા.
કૌશલ્યા ચૌધરી સાસરે આવી અને એજ ખેતરનું કામ અને રસોડાની ચાર દિવાલોમાં કેદ થઈ ગઈ.
કૌશલ્યા રોજ ખેતરનું ને રસોડાનું કામ કરતા વિચારતી કે, મારું બારમા ધોરણ સુધી સાયન્સ ભણ્યાનો અર્થ શો ? જો મારે આજ કરવાનું હોય તો ? ભલે ડૉક્ટર બનવાનું સપનું અધૂરું રહ્યું, પરંતુ કંઈક તો જીવનમાં આગળ વધવા ને વિકાસ માટે કરવું જ પડે. તેણીને વાંચવાનો શોખ આથી એક દિવસ, તેના વાચવામાં યુ ટયુબનો લેખ આવ્યો. જેમાં એક બાળકે વીડીયો બનાવી, થોડા કમાણી કરી.
કૌશલ્યા ભણેલી તો હતી. આથી એને કોમ્પ્યુટર વિષે માહિતી હતી, પરંતુ યુટયુબ શું તેની ખબર ન હતી. તેણીએ પતિ વીરેન્દ્રને આ વિષે પૂછ્યું વીરેન્દ્રએ સ્માર્ટફોન વિષે, યુટયુબ વિષે, તેના પર જુદા જુદા વીડીયો આવે, તે સબસ્ક્રાઈબ કરી કેવી રીતે કમાણી થઈ શકે તે સમજાવ્યું.
અને ચતુર કૌશલ્યા ચૌધરીએ પોતાની કોઠાસૂઝ વાપરી ટેકનોલોજીની મદદ લેવાનું નક્કી કર્યું.
કૌશલ્યાએ તેના સસરાને ફોન લાવવાનું કહ્યું. તેના સસરા સાદો બટનવાળો નોન સ્માર્ટફોન લઈ આવ્યા. કૌશલ્યાએ તે પાછો આપી સ્માર્ટફોનની કિંમત પુછી તો તે ૭૫૦૦ રૂ. હતી. તેની પાસે પોતાની બચત ફક્ત ૨૫૦૦ રૂ. હતી. બાકીના રૂપિયા પોતાની માતા પાસે લઈ, તેણે સ્માર્ટફોન ખરીદ્યો.
ફોન તો આવ્યો પણ વાપરતા આવડે નહિ. આથી પતિ પાસે યુટયુબ, ગુગલ વગેરે એપલીકેશન ડાઉનલોડ કરાવી. ફોટો પાડતા, વીડીયો લેતા શીખી. કૌશલ્યાની કોઠાસૂઝ, શિક્ષણ અને સમજ તો હતાં જ. આથી તેણે એકવાર પોતાની રસોઈની વાનગી નો વીડીયો ઊતાર્યો. આના પરથી યુટયુબમાં પોતાનો વીડીયો અપલોડ કરવાની ઈચ્છા થઈ.
પરંતુ વીડીયો અપલોડ કેવી રીતે કરવો ? એડીટીંગ કેવી રીતે કરવું ? ઊતારવો કર્મશીયલી કેવી રીતે ? તે પ્રશ્નો હતાં, પરંતુ હારે તેનું નામ કૌશલ્યા શેની ?
તેણે ગુગલ પર વીડીયો અપલોડના, એડીટીંગના વગેરે ટુટોરીયલ લીધા. અને નોટસ એક પછી એક સ્ટેપ પ્રમાણે બનાવવાની શરૂ કરી. અને ધીરે ધીરે કૌશલ્યા બધુ જ શીખી ગઈ.
હવે પ્રશ્ન હતો, પોતાની વાનગીઓ માટે રસોડામાં યોગ્ય લાઈટ, વીડીયોનું સ્ટેન્ડ, અને યોગ્ય વાસણ, પણ જેને આગળ જ વધવું છે. તેને કોઈ મુશ્કેલીના પહાડ નડતા નથી. કૌશલ્યાએ, કાર્ડબોર્ડનું સ્ટેન્ડ બનાવ્યું, લાઈટીંગ માટે બલ્બ મૂક્યા અને એક સારી કડાઈ હતી તે વાસણ
તરીકે લીધી અને પ્રથમ વીડીયો ઊતાર્યો માવા બરફીનો ભાષા તેની હિન્દી રાખી.
હવે તેને અપલોડ કરવાનો હતો. એડીટીંગ તો તે શીખી ગઈ હતી. પરંતુ, ઈનટરનેટ કનેક્શનની મુશ્કેલી હતી. આથી બધા ઘરના સભ્યો સૂઈ ગયા પછી, કૌશલ્યા અને તેના પતિ છાપરા પર ગયા અને ત્યાં અપલોડ થાય ત્યાં સુધી કલાકો બેસી રહ્યા કારણ કે ઈન્ટરનેટનું વાયફાય ગામડામાં એટલે આવ જા કરતું હતું. આમ અથાગ મહેનત પછી પહેલો કૌશલ્યાની રેસીપીનો વીડીયો ઊતર્યો અને તે રાજસ્થાનમાં વાયરલ થયો. આ વીડીયોના સબસ્ક્રીપ્શન પેટે કૌશલ્યાને રૂ. ૭૫૦૦ મળ્યા. અને કૌશલ્યાનો ઊત્સાહ વધ્યો. તેણીએ શિયાળાની રાજસ્થાની સબજી હલ્દી કી સબજીનો વીડીયો ઊતારી વાયરલ કર્યો.
આ વીડીયો ઊતાર્યો, ને તેના ઘરના સાસુ, વડસાસુ ને સગાસબંધીઓએ વિરોધ કર્યો કે, સોશીયલ મીડિયા પર ઘરની વહુ દેખાય તો સમાજમાં આબરૂ જાય અને ઘરના સંસ્કારો લજવાય. પરંતુ પતિના સહકારથી આ બેડીઓ પણ કૌશલ્યાએ તોડી તેના પતિએ ઘરના સભ્યોને સમજાવ્યા અને કૌશલ્યાની વાનગીઓની રેસીપીની વીડીયો ચેનલ યુટયુબ પર શરૂ થઈ.
કૌશલ્યા તેની વાનગીની રેસીપીઓ તેની યુટયુબ ચેનલ પર તો મુૂકતી પરંતુ તેને બે પ્રશ્ન નડયા. એકતો રાજસ્થાની ગૃહિણીઓ હિન્દી સમજી શકતી ન હતી, ને બીજો ભારત સિવાયના દેશોની ગૃહિણીઓ તેને ઈમેલ કરતી કે જે ખડા મસાલાઓ કૌશલ્યાની રેસીપીમાં વપરાય છે તે વિદેશમાં મળતા નથી. આથી કૌશલ્યાએ તેની રેસીપીની ભાષા બદલી, રાજસ્થાની ભાષામાં તે શરૂ કરી અને તેને પ્રથમ રેસીપીમાં જ ૧ લાખ રૂ.નું સબક્રીપ્શન મળ્યું. તેમાંથી કૌશલ્યાએ પોતાના ખડામસાલાઓ અને પ્રોસેસડ ઓઈલ (ઘાણીનું પીસેલું કોલ્ડ સ્ટોરેશનમાં તૈયાર થયેલું તેલ) બનાવવાનું શરૂ કર્યું. આ માટે તેણે ફેક્ટરી શરૂ કરી અને પોતાના ગામની મહિલાઓ અને આજુબાજુની મહિલાઓને મદદમાં લીધી અને તેમને પગભર કરી.
આ દરમ્યાન તેની ફેલાયેલી પ્રસિદ્ધિને લીધે સોનીટીવીમાંથી માસ્ટરશેફ માટે આમંત્રણ મળ્યું. આ હરિફાઈમાં કૌશલ્યા ચૌધરીએ માખણવાળી લસ્સી, ગઠ્ઠા સબજી, મીસરીરોટી વગેરે રાજસ્થાની વાનગીઓ નિર્ણાયકોને ચખાડી ખુશ કરી દીધા અને તે માસ્ટરશેફની હરિફાઈમાં ટોપટેનમાં રહી.
આ બધી ઉપબલબદ્ધિ પછી કૌશલ્યા ચૌધરીએ 'મારવાડી-સિંધી' નામની પોતાની વેબસાઈટ કરી. અને રાજસ્થાની વાનગીઓ, મસાલા, પ્રોસેસ્ડ ઓઈલ વગેરે કરી, રાજસ્થાની સંસ્કૃતિના રખોપા કર્યા, તેમ કૌશલ્યા માને છે.
ગૃહિણીઓને તે એટલું જ કહે છે : કાળા માથાના માનવી માટે કંઈ અશક્ય નથી. તેણે દ્રઢ મનોબળ, હિમ્મત અને આગવી સૂઝ ને થોડા શિક્ષણથી કામ કરવાનું હોય છે.