Get The App

છાકરબંધ ગામની વીરાંગના ટીંકીકુમારી

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
છાકરબંધ ગામની વીરાંગના ટીંકીકુમારી 1 - image


- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- વર્ષોથી હું નક્સલ આતંકવાદીઓના હુમલામાં, અમારા ગામના લોકો, પોલીસો અને આતંકવાદીઓ વચ્ચે લોહીયાળ સંઘર્ષ જોતી આવી હતી. મારે મારા ગામને આ લોહીયાળ હુમલાઓથી બચાવવું હતું

તા જેતરમાં, કાશ્મીરના પહેલગાંવ પાસે આતંકવાદીઓનો હુમલો થયો અને તેમાં બેરહમી રીતે ૨૮ જણાનું મૃત્યું થયું. આખા દેશમાં હાહાકાર મચી ગયો. કાશ્મીરમાં પ્રવાસીઓ જતા ડરવા લાગ્યા, ત્યારે બીજુ બાજુ કાશ્મીરની LOC (એલઓસી) બોર્ડર પર બીસેફની મહિલા ગાર્ડ બેટેલીયન જરાપણ ડર્યા વગર પેટ્રોલીંગ કરી રહી છે. ભારતની દરેક સરહદો પર બીએસએફ મહિલા બટાલીયન ચોકી કરી રહી છે. માઈનસ વીસ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોય કે, આતંકવાદી અમાનવીય હુમલાઓ હોય, બીએસએફની કોમ્લેટ મહિલા બટાલીયન તૈયાર છે જવાબ આપવા માટે આ બીએસએફ ગાર્ડ મહિલાઓને શત્ શત્ સલામ.'

પાકિસ્તાનના જેવો જ બીજો આતંકવાદ નક્સલવાદીઓનો છે. જારખંડ અને  બિહારમાં સૌથી વધારે આતંકવાદ ફેલાયેલો છે. તેમાં પણ છાકરબંધ જિલ્લો આતંકવાદીઓનું હબ ગણાય છે. તેમાં ગયા ગામ, પહાડોથી ઘેરાયેલું છે આ પહાડોમાંથી ગમે ત્યારે નક્સલવાદીઓ, હુમલો કરે છે. અહીં આતંકવાદ એટલો ફેલાયેલો છે કે, દિવસે પણ કોઈ પુરુષવર્ગ બહાર નીકળવાની હિમ્મત કરી શકતો નથી. ત્યાં મહિલા કે યુવતીઓની તો વાત જ ક્યાં કરવી ? આધુનીક યુવતીઓ સંપૂર્ણ ચાર દિવાલમાં ભરાયેલી સ્થિતિમાં જીવન જીવી રહી છે.

આ પરિસ્થિતિમાં, ગામની એક અત્યંત સામાન્ય દેખાતી દીકરીએ હરણફાળ ભરી છે. ટીંકી કુમારી ભણી તો ખરી જ, પણ હવે બીએસએફ મહિલા ગાર્ડની પરીક્ષાઓ આપી બીએસએફ (બોર્ડર સીક્યોરીટી ફોર્સ)માં મહિલા કોમ્બેટ ગાર્ડ તરીકે જોડાઈ છે, અત્યારે બંગાળના સીલીગુરીમાં ટ્રેનીંગ લઈ રહી છે.

ટીંકી કુમારીના જ શબ્દોમાં જોઈ તો, 'નાનપણથી હું મારા ગામમાં નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે લોહીયાળ સંઘર્ષ જોતી આવી હતી. આથી કોઈપણ રીતે મારે મારા ગામને આ આતંકવાદીઓના ચૂંગલમાંથી છોડાવી ગામની પ્રતિષ્ઠા પાછી લાવવી હતી. સમજણી થતા મને બીએસએફની વર્દી પ્રત્યે આકર્ષણ થયું અને મહિલા કોમ્બેટ થવાનો નિર્ણય લીધો. મારા આત્મવિશ્વાસ, દ્રઢમનોબળ અને હિમ્મત ને ધીરજે આ નિર્ણય લેવામાં મદદ કરી.'

ગામના સરપંચશ્રીનું કહેવું છે કે, ટ્રેનીંગની વચ્ચે જ્યારે રજાઓ મળી અને ટીંકી કુમારી બીએસએફની વર્દી પહેરી ગામમાંથી પસાર થઈ ત્યારે, છકરબંધના અનેક યુવક/યુવતીઓ તેને જોઈને પ્રોત્સાહીત થયા, અને બીએસએફ, લશ્કરમાં જોડાવવા અને અન્ય નોકરીયો માટે તૈયાર થયા.

જે યુવતીઓ/મહિલાઓ ઘરની ચાર દિવાલમાંથી ઘરની બહાર પગ મૂકતા ડરતી હતી, તે યુવતીઓ બીએસએફની વર્દી પહેરવા તૈયાર થઈ. સામાન્ય દેખાતી ટીંકી કુમારી બધાનો પ્રેરણાસ્ત્રોત બની ગઈ! ટીંકીકુમારીની પ્રેરણાદાયી કહાની પર ફોકસ કરીએ...

છાકરબંધમાં સત્યેન્દ્રરમાઓના ઘરમાં ટીંકીનો જન્મ થયો હતો. ઘરની સ્થિતિ સામાન્ય હતી, પણ સમજણી થયેલી ટીંકની મનોસ્થિતિ અસામાન્ય મજબૂત હતી. આથી તેણીએ કોઈપણ સંજોગોમાં, કશાથી પણ ડર્યા વગર શિક્ષણ લેવાનું નક્કી કર્યું.

છાકરબંધમાં નક્સલવાદીઓના ભયના ઓથારમાં જીવતી પ્રજા, શિક્ષણથી વંચીત હતી. તેમાં પણ છોકરીઓને તો ઘરના વડીલો બહાર જ નીકળવા દેતા નતા. પણ ટીંકી નાનપણથી આત્મવિશ્વાસ ધરાવતી, જિદ્દી છોકરી હતી. ટીંકીએ શરૂઆતનું સાતમા ધોરણ સુધીનું શિક્ષણ, છાકરબંધમાં લીધું. પરંતુ પછી આ ગામમાં માધ્યમિક શાળા, તેમજ હાઈસ્કૂલ ને કોલેજ હતા નહિ. આથી બીજે ગામ ભણવા જવું પડે તેવું હતું.

ભારતના બિહાર, રાજસ્થાન, ઉ.પ્રદેશ, જેવા અનેક રાજ્યોના અંતરયાળ ગામડાઓમાં પ્રાથમિક શાળાને માધ્યમિક શાળા સુધી જ હોય છે. હાઈસ્કુલ ને કોલેજ માટે દૂરના મોટા ગામમાં જવું પડે છે.

ટીંકીની આ સમસ્યા સાથે ઘરના વડીલો સંમત ન હતા. કારણ કે, દૂર શાળામાં જવા સાયકલ અથવા બસમાં જવું પડે. તેની શાળા ૧૫ કિ.મી. દૂર હતી. આ રસ્તાઓમાં નક્સલઆતંકવાદીઓનો ગમે ત્યારે હુમલો થઈ શકે તેવી સતત દહેશત રહેતી. એકલી છોકરી આનો સામનો કેવી રીતે કરે ? નક્સલવાદીઓ જુવાન છોકરી જોઈ, બીજી કોઈ કનડગત કરે તો, બધા આ ભયને લીધે, ટીંકીના શિક્ષણ પર ભયની તલવાર વીંજાઈ.

પણ પોતાના શિક્ષણની કત્લ થવા દે તો ટીંકી શાની ? ટીંકીએ બધા સામે દલીલો કરી ઘરના વડીલોને મનાવી લીધા અને ૧૫ કિ.મી. દરરોજ સાઈકલીંગ કરી શાળાએ જવા માંડી. સમય પસાર થયો. બારમાં ધોરણમાં ફર્સ્ટક્લાસ સાથે પાસ થઈ.

હવે કોલેજનું શિક્ષણ લેવાનો વારો આવ્યો. કોલેજ ૩૦ કિ.મી. દૂર હતી. બસના પૈસા પોસાય તેમ ન હતા. આથી સાયકલ પર જ જવું પડે તેમ હતું. 

ફરી એજ દલીલો વડીલોની, અને સામે પણ ટીંકીની  અને જ દલીલો. ફેર અહીં એટલો હતો કે, હવે ટીંકીને ભવિષ્યનું ધ્યેય મળી ચૂક્યું હતું. અને તે બીએસએફમાં ભર્તી થઈ મહિલા કોમબેટ બનવાનું. આ માટે કોલેજ ઈટરમીડીયેટ સુધીનું શિક્ષણ જરૂરી હતું. અને આ વખતે પણ ટીંકી તેના ધ્યેયમાં સફળ થઈ. તેણીએ ૩૦ કિમી સાયકલ ચલાવી દૂરની કોલેજમાં જવા માંડયું અને તે ઈનટરમીડીયેટ સુધી ભણી.  અને અંતે પરીક્ષા આપી બીએસએફમાં દાખલ થઈ.

બંગાળની સીલીગુડીમાં ટીંકીની બીએસએફની ટ્રેનીંગ થઈ. આ ટ્રેનીંગ ખૂબ અઘરી અને સખત મહેનત માગી લે છે તેવી હોય છે. રોજ સવારમાં પાંચ વાગે ઊઠી, દોડવાની કસરત, પછી ડંબેલ વગેરે કસરતો. આ ઉપરાંત બોર્ડર પર કેવી રીતે ચોકી કરાય, શૂટીંગ, રાઈફલ ટ્રેનીંગ વગેરે શરૂઆતમાં ટીંકીને આ ટ્રેનીંગ અઘરી લાગતી હતી. પરંતુ હવે તે ટેવાઈ ગઈ છે.  અને સારી રીતે પોતાની ફરજ બજાવે છે.

ટીંકીનું સ્વપ્ન હજી અધૂરું છે. તેને આઈપીએસ ઓફિસર બનવું છે.

ટીંકી કહે છે કે, 'અમારા ગામ અને આસપાસ આતંકવાદીઓ અને પોલીસો તેમજ બીએસએફના જવાનો, વચ્ચે ઘણીવાર લોહિયાળ જંગ થયા છે. જેમાં અનેક લોકોએ પોતાના જાન ગુમાવ્યા છે. લોહીથી લથપથ લાશો મેં જોઈ છે. આઈપીએસ ઓફિસર થઈ હું આ લોહીયાળ ક્રાંતિ બંધ કરાવવા માગું છું.

આ સાથે ભારતની દેશ સેવા કરવાની પણ મારી ઈચ્છા છે.''

આતંકવાદીઓના ભયના ઓથાર નીચે જીવતા ગામમાં બીએસએફ કોમબેટ બનવાની હિમ્મત કરનાર આ આધુનીક યુવતીને શત્ શત્ સલામ.

Tags :