- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી
- વિદ્યાર્થીને એક મોબાઈલ ના મળે તો કેટલો બધો વ્યથિત થઈ ધમપછાડા કરી મૂકે છે. તો પાયલ સાથે તો શિક્ષણની કારકિર્દીમાં કેટલા વિઘ્નો આવ્યા અને કઈ રીતે તેણે પાર કર્યા તે ખાસ આજના વિદ્યાર્થીઓએ જાણવા જેવું છે
ભા રતમાં આવેલા કેરાલા રાજ્યમાં સૌથી વધુ શિક્ષિત લોકો છે. તેની ટકાવારી ૯૫.૩% છે. સૌથી આનંદની વાત એ છે કે તેમાં ૯૬% પુરુષો શિક્ષિત છે, તો ૯૪% સ્ત્રીઓ શિક્ષિત છે. આ રાજ્યમાં એવી પ્રથા છે કે, જે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા હોય તેનું રાજ્યના મુખ્યમંત્રી અભિવાદન કરે છે.
આ રીતે કેરાલાની મુખ્ય મંત્રીશ્રી વિદ્યાર્થીઓનું અભિવાદન કરી રહ્યા છે, ત્યારે નામ બોલાય છે, પાયલકુમારી અને એક દુબળી, પાતળી અત્યંત સાધારણ દેખાવ અને સાધારણ વસ્ત્રોમાં એક છોકરી ચાલીને આવી રહી છે. બધા આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે. કારણ કે છોકરી ટોપર ! એ પ્રશ્ન બધાના મનમાં ઉપસ્થિત થાય છે. પણ આ હકીકત છે કે પાયલકુમારીએ આખા કેરાલામાં, મહાત્મા ગાંધી યુનિવર્સિટીમાંથી ટોપ કર્યું છે અને બીએમાં પુરાતત્વ અને ઇતિહાસમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે.
આજે વાત કરવી છે આ પાયલકુમારીની. તેણે કેવી રીતે આખા કેરાલામાં ટોપ કર્યું અને મુશ્કેલીઓમાં માતા-પિતાનો રોલ, શિક્ષકોનો રોલ, સારી સંસ્થાનો રોલ અને વિદ્યાર્થી પોતાની ક્ષમતા સાથે દ્રઢ મનોબળ કઈ રીતે કામ કરી જાય છે, તેની વાત પર ફોકસ કરવું છે.
આજના આધુનિક યુગમાં વિદ્યાર્થીને એક મોબાઈલ ના મળે તો કેટલો બધો વ્યથિત થઈ ધમપછાડા કરી મૂકે છે. તો પાયલ સાથે તો શિક્ષણની કારકિર્દીમાં કેટલા વિઘ્નો આવ્યા અને કઈ રીતે તેણે પાર કર્યા તે ખાસ આજના વિદ્યાર્થીઓએ જાણવા જેવું છે.
પાયલકુમારીની કહાની શરૂ થાય છે, બિહાર રાજ્યથી. પાયલના પિતા, બિહારમાં સામાન્ય મજૂરી કરતા હતા. માતા બિંદુ ગૃહિણી હતી. ત્રણ બાળકો શાળામાં ભણતા હતા. પાયલકુમારી ભણવામાં ખૂબ તેજસ્વી હતી. શાળામાં કલાસમાં સદા પ્રથમ આવતી. બીજા બે ભાઈબહેન પણ ભણવામાં હોશિયાર હતા. પિતાને ગરીબીને કારણે અડધેથી ભણતર છોડવું પડયું હતું.
પરંતુ પિતા ભણતરનું મહત્વ સમજતા હતા. આથી તેમણે મનથી નક્કી કર્યું હતું કે, ગમે તે થાય તો પણ હું પાયલકુમારીને અને બીજા બે સંતાનોને ભણાવીશ. તેમાં પાયલને હોશિયારીને કારણે ખુબ ભણાવવા માગતા હતા. આથી તેમણે વિચાર્યુ ંકે બિહારનું ગામ છોડીને કેરલ જઈ વસવાટ કરવો, જેથી બાળકો સારું શિક્ષણ પામે. કેરલમાં શિક્ષણનો વ્યાપ ઘણો છે, આથી કેરલમાં વસવાટ કરવો યોગ્ય છે, એમ માની ત્યાં સ્થળાંતર કર્યું.
કેરલમાં આવ્યા પછી તેના પિતાએ છૂટક મજૂરી કરવી શરૂ કરી. બાળકોને સરકારી શાળાઓમાં મૂકયા. પાયલકુમારીને તો ખાસ ભણવા પ્રત્યે કોઇપણ સંજોગોમાં ભણવામાં ધ્યાન આપવાનું કહ્યું.
આ અંગે પાયલકુમારી યાદ કરતાં કહે છે કે, મારા પિતાને મારી ભણવાની એટલી ચિંતા અને લગન હતી કે, તેઓ અને મારી માતા એટલું કહેતા કે ભણવામાં કોઈ સમજાવટ નહિ થાય. એ અંગેની બધી જ જરૂરિયાતો ચાલુ રહેશે. ભલે અમારે બે ટંક ખાવામાં સમજાવટ કરવી પડે. અને મા અને બાબુજી કેટલા દિવસોએ માંડ એક ટંક ખાધું હશે. એટલે જ પાયલકુમારીએ પોતાની સફળતાનો શ્રેય તેમના માતા-પિતાને અર્પણ કર્યો છે.
માતા-પિતાના આ ત્યાગ અને કડી મહેનતને, ભૂખ્યા રહી સંતાનોને ભણતરની સવલત આપવાનો બદલો પાયલકુમારીએ દસમા ધોરણમાં ૮૩% અને બારમા ધોરણમાં ૯૫% માર્ક્સ સાથે ટોપર રહી આપ્યો. હવે બીજો તબક્કો શરૂ થયો.
પહેલા વર્ષની કોલેજની ફી માં તો માફી મળી. પરંતુ દર વર્ષે ૩૦૦૦ રૂ. દર છ મહિને ભરવાના હતા. પાયલકુમારીની સખત મહેનત અને પિતાની લાગણી છતાં, તે ભરી શકે એમ ન હતા.
પાયલકુમારીની આર્થિક નબળી શકિત તેની મદદ ના કરી શકી. આથી પાયલકુમારીને અડધેથી ભણતર છોડવું પડયું. અત્યાર સુધી પાયલકુમારી પર માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવના આશીર્વાદ હતા. હવે ગુરુ દેવો ભવઃના આશીર્વાદ શરૂ થયા.
હવે વારો પાયલકુમારીનો હતો.
પાયલ દમ બાંધીને મહેનત કરતી હતી. શરૂઆતમાં, ભાષાનો પ્રશ્ન આવતો કારણ કે ઘણું બધું ભણવાનું મલાયમ ભાષામાં હતું. પરંતુ પાયલે મહેનત કરીને તે પણ શીખી લીધી અને તે ભણવામાં ફોકસ કરી જોરશોરથી આગળ વધી રહી હતી, પણ એક વર્ષ પત્યું અને કોવીડનો રોગ ફેલાયો.
શાળા-કોલેજો બંધ થઈ, બધા ઘેર બેઠા. હવે ઘેર ભણવાનો વારો આવ્યો. આ સંજોગોમાં શાળા-કોલેજમાં ઓનલાઇન ભણતર આવ્યું. ઓનલાઇન ભણવા માટે લેપટોપની જરૂર હતી. આ જરૂરિયાત કેરલની એક સંસ્થાએ મદદ કરી. આ સંસ્થા સ્થળાંતરીત મજૂરોની મદદ કરતી હતી. આ સંસ્થાએ પાયલકુમારીને લેપટોપ આપ્યું અને પાયલકુમારીએ બે વર્ષ આ લેપટોપ પર ભણવાનું શરૂ કર્યું. અને પાયલે ખૂબ મહેનત કરી, કેરાલામાં અને યુનિવર્સિટીમાં ટોપ કર્યું.
પાયલકુમારી જણાવે છે કે, 'મારી મહેનત તો ખરી જ ખરી પરંતુ મારા પિતાનો બિહારથી કેરાલા સ્થળાંતર થવાનો નિર્ણય મારા ગુરુજનોની મારી કોલેજની ફી ભરવાનું કાર્ય. અને મને એનજીઓ સંસ્થાનું લેપટોપ આપવાનું કાર્ય, આ બધું જ ભેગું મળી અને સફળતા મળી છે. મેં અનેકવાર સફળતાની જાળ ગુંથવા પ્રયત્ન કરું અને પછડાવું પણ આખરે તે સફળતાની જાળ ગૂંથીને રહી.
પાયલકુમારી હવે ઇતિહાસને પુરાતત્વમાં સ્નાતક સાથે સિવિલ સર્વિસની પરીક્ષા આપવા જઈ રહી છે.
- અનુરાધા દેરાસરી


