Get The App

વેઈટ લીફ્ટર મમ્મી ! .

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
વેઈટ લીફ્ટર મમ્મી !                                   . 1 - image

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- આ આર્થરાઇટીસ, વગેરે દુ:ખાવાના ચક્રમાંથી જરૂર બહાર નીકળી શકાય છે. જેનો ઉપાય છે કસરત અને જીમ. પરંતુ આ અંગે એવી માન્યતા છે

એ ક સમય હતો, જ્યારે ભારતીય ગૃહિણીઓ ઘરનું સર્વે કામ કરતી. આથી તેના અંગોને સંપૂર્ણ કસરત મળી રહેતી. સમય જતાં તે કામ, ગૃહિણીઓને રસોડા પૂરતું સીમીત રહ્યું. પરંતુ આ કાર્ય પણ બેસીને રસોઈ કરવાની અને વસ્તુઓ લેવા કે અન્ય કામ માટે ગૃહિણીને વારંવાર ઉઠવું બેસવું પડતું. આથી પગની કસરત થઇ જતી. પરંતુ આધુનીક સમય આવતા, લાઈફસ્ટાઇલ સંપૂર્ણ બદલાઈ જેને કારણે રહેણીકરણી બદલાઈ અને ટેકનોલોજીના વ્યાપને કારણે ટીવી, મોબાઈલ જેવા સાધનો આવ્યા જેના કારણે ભારતીય મહિલાઓનું જીવન બેઠાડું થઇ ગયું. આથી મહિલાઓને કસરતનો અભાવ થઇ ગયો. જેના કારણે પચાસ વર્ષ ભારતીય મહિલાઓ વટાવી જાય છે પરંતુ ૬૦ વર્ષના બારણે ટકોરા મારતા સુધીમાં ઢીંચણનો દુ:ખાવો, કમરનો દુ:ખાવો, આર્થરાઇટીઝ જેવી તકલીફો શરૂ થઇ જાય છે. જેના કારણે મોટાભાગની મહિલાઓ મનથી હારી જાય છે. હવે પતી ગયું, બાકીના વર્ષો આમ જ જવાના. તેવી માનસિક ધારણા કરી બેસી જાય છે.

પણ ના...ના...ના...

આ ખોટી માન્યતા છે. આ આર્થરાઇટીસ, વગેરે દુ:ખાવાના ચક્રમાંથી જરૂર બહાર નીકળી શકાય છે. જેનો ઉપાય છે કસરત અને જીમ. પરંતુ આ અંગે એવી માન્યતા છે કે કોઈ પણ મહિલાને આર્થરાઇટીસ, ઢીંચણ કે પગ કે કમરનો દુ:ખાવો હોય તો તે કસરત ના કરી શકે, જીમમાં ના જઈ શકે. પણ એ માન્યતા ઘણે અંશે ખોટી છે. બરોબર ટ્રેનર સાથે અને નિયમીત પેશનપૂર્વક જો જીમ ને કસરત કરવામાં આવે તો સ્વાસ્થ્યનો માર્ગ સરળ બની શકે છે.

જોઈએ 'વેટલીફ્ટર' તરીકે દીલ્હી અને ઓનલાઈન જાણીતા બનેલા રોશનીદેવીની વાત.

રોશનીદેવી મૂળ હરિયાણાના રહેવાસી. દીકરા અજયે એમબીએ કર્યું અને દીલ્હીમાં મોટા પગારની કોર્પોરેટ નોકરી મળી. આથી મા-દીકરો દીલ્હી આવી વસ્યા. પંદરવર્ષ પછી, ૬૮ વર્ષની ઉંમરે રોશનીદેવીના ઘૂંટણમાં દુ:ખાવો ઉપડયો અને દીકરા અજય સાથે, ડૉક્ટરને બતાવવા ગયા, તો આર્થરાઇટીસનું નીદાન થયું. આ પછી થોડા જ સમયમાં રોશનીદેવી પડી ગયા, આથી તેમને ઘૂંટણના દુ:ખાવા ઉપરાંત, કમરનો દુ:ખાવો થયો અને પથારીવશ થવાનો વારો આવ્યો. રોશનીદેવી મનથી હારી ગયા કારણ કે તેઓને ચાલવાનું સાવ બંધ થઇ ગયું. રોશનીદેવીના જીવનમાં અત્યંત મુશ્કેલ સમસ્યા આવી પડી કે, ઘરનું કામ કોણ કરે અને તે દીકરા પર બોજ બને ? તે બહાર ના જઇ શકે ? પરંતુ દીકરો અજય 'આધુનીક શ્રવણ' માની વારે આવ્યો. અજય ૧૬ વર્ષથી, આકર્ષક ને મોટા પગારની કોર્પોરેટ નોકરી કરતો તો. મૂળ હરિયાણાનું પાણી, આથી અજયને કસરતમાં ખૂબ રસ. આથી ફીટનેસ ટ્રેનરનો, જીમ અંગેનો સર્ટીફીકેટ કોર્સ કરેલો ને કસરતનો જાણકાર. અજય માતા રોશની દેવીની તકલીફો અને નીરાશાજનક વિચારો જોયા. અજય માટે માતા સર્વસ્વ હતી, તેણે નક્કી કર્યું કે 'માતા રોશનીદેવીને ઘૂંટણ અને કમરના દુ:ખાવામાંથી મુક્ત કરી કસરત કરતા કરવા અને ફરી આશાનો સૂર્યોદય તેમના જીવનમાં કરવો. ૬૮ વર્ષ આધુનીક સમયમાં નીરાશ થવાની ઉંમર નથી.'

અજયે પોતાની આકર્ષક અને મોટાપગારની કોર્પોરેટ જોબ છોડી દીધી. તેનું કહેવું હતું, કઇ કોર્પોરેટ કંપની મને ૨-૩ કલાકની ચાલુ ઓફિસે, રજા આપે મારી માતાજીની ફીઝીયોથેરપી માટે ? અને માને સારા કરવા મારે જીમમાં દોઢ થી બે કલાક જુદી જુદી કસરતો કરાવવી પડે. તે પહેલા ઘેર સાદી કસરતો કરાવવી પડે. આ કારણે અજયે નોકરીમાંથી રાજીનામું આપી અને માતા રોશનીદેવીની સેવામાં લાગી ગયો.

કોણ કહે છે, આધુનીક યુગમાં શ્રવણ નથી જન્મતા ? અજયે આધુનીક શ્રવણ બનીને પૂરવાર કરી બતાવ્યું કે કોઈપણ રીતે વ્યક્તિ માતાની સેવા કરી, શ્રવણ બની શકે છે. અજય કસરતનો જાણકાર હતો. આથી રોશનીદેવી ને પગ હલાવવાની કમરમાંથી ઊંચા થવાની પંજાની વગેરે કસરતો શરૂ કરાવી જેથી રોશનીદેવી ચાલીને જીમ સુધી જઇ શકે.

રોશનીદેવીને શરૂઆતમાં દુ:ખાવો થયો પરંતુ ધીરે ધીરે તેઓ ઉભા થઇ ચાલી શકે તેવી પરિસ્થિતિ આવી. આથી અજયે તે રોશનીદેવીને પાસેના બગીચામાં ચાલવા સુધી તૈયાર કર્યા.

થોડા સમયમાં રોશનીદેવી જીમમાં જવા માટે શારિરીક અને માનસિક રીતે તૈયાર થઇ ગયા.

હવે મોટો પ્રશ્ન આર્થિક ઉપાર્જનનો આવ્યો. મા-દીકરો દીલ્હીના મધ્યમ પરિવારથી હતા અને અજયની નોકરી પર ઘરનો નિર્વાહ ચાલતો. આથી થોડી આર્થિક મુશ્કેલી આવી. પરંતુ આધુનીક શ્રવણ અજય પાસે, હેલ્થકેરની સર્ટીફીકેટ ડીગ્રી તો હતી જ, આથી જે જીમમાં રોશનીદેવીને કસરતને ફીઝીયો કરવા લઇ જવાના હતા, ત્યાં જ મેનેજરની નોકરી લઇ લીધી. પૈસા કોર્પોરેટ જોબ કરતા અડધા હતા, પરંતુ માની ફીઝીયો સચવાઈ ગઈ. અને ધીમે ધીમે વેટલીફ્ટીંગ અને સ્ટ્રેચીંગથી રોશનીદેવીની કસરતની શરૂઆત થઈ.

શરૂઆતમાં રોશનીદેવી ગભરાયા પરંતુ ધીરે ધીરે તેમનામાં પણ આત્મવિશ્વાસ એ હિમ્મત આવતા ગયા અને તેઓ એક પછી એક કસરતો કરવા લાગ્યા.

કસરત સાથે રોશનીદેવીએ ખોરાક પર પણ કાબૂ મેળવી લીધો. તેમનું કહેવું છે કે કસરત સાથે સારો પ્રોટીનવાળો ખોરાક પણ જરૂરી હોય છે. મારા ખોરાકમાં હું દાળ, ભાત, તાજી શાકભાજી, કચુંબર, બદામ, અખરોટ, પનીર અને ઓટ્સ લઉં છું ને દૂધ પીવાનું રાખું છું. આથી પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને રફેજ મળી રહે છે. જેનાથી વજન વધતું નથી અને શક્તિપૂરતી રહે છે. આજે છેલ્લા વરસથી હું આ રીતે ખોરાક અને કસરતના સમનવયથી મારા ઘૂંટણના, કમરના દુ:ખાવામાં રાહત મેળવી શકી અને આર્થરાઇટીઝના રોગમાં પણ ઘણો ફાયદો મેળવી શકી છું.

આજના વર્તમાન સમયમાં રોશનીદેવી માટે જીમ જવુ અને કસરત કરવી પેશન બની ગયા છે. રોજ સવારે ઘરનું કામ પતાવી રોશનીદેવી જીમમાં જાય છે. પછી ત્યાં દોઢ થી બે કલાક વીતાવે છે. પ્રથમ ૧૫-૨૦ મિનિટ ત્યાં શબઆસન કરી થોડો આરામ કરે છે, પછી કસરત ચાલુ કરે છે. રોશની દેવી આમ કરતાં કરતાં આજે વજન ઊંચકવાનું, દંડબેઠક કરવાનું, સ્ટ્રેચીંગ કરવાનું વગેરે બધી કસરતો કરે છે. જે રોશની દેવી ચાલી નતાં શકતાં તે આજે ૭૦ કિલો વજન ઉપાડી શકે છે. બીજી અન્ય ઉઠકબેઠક દંડ બેઠક વગેરે બધી જ કસરતો કરી શકે છે. તેમનો દુ:ખાવો લગભગ મટી ગયો છે.

બસ, આજ ઉદાહરણ આપી સીનીયરસીટીઝનો મહિલાઓને કહેવાનું કે ભગવાનની પૂજામાં જેટલો સમય આપો છો, મંદિરમાં જવામાં, પાઠ કરવા વગેરે જેટલો જ સમય જીમમાં કસરત કરવામાં આપો, કારણ કે જીવ એજ શિવ છે. જીમનો સમય શરીરને સ્વસ્થ રાખે છે અને મનની એકલતા દૂર કરે છે.

- અનુરાધા દેરાસરી