- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- જેટલી વૈચારિક મૌલિકતા અને પડકાર વધુ જલદ એટલો સામુહિક અસ્વીકાર વધારે જલદ!
ધ નિક થનાર કે દુન્યવી રીતે સફળ થનારને એક ભ્રમણા ભારે જડ રીતે વળગી પડતી હોય છે. કેન્સરની માફક ! ''અમે તો નક્કર પરિણામ દેખાડતી પ્રવૃત્તિને મદદ કરીએ !'' તપેલાંમાં ચા ઊકળીને તૈયાર થાય એને નક્કર પરિણામ કહો. ભૂખ્યો માણસ જમીને ઓડકાર ખાય એને નક્કર પરિણામ કહો. પરંતુ માણસની રુચિની કક્ષા બદલાય એ નજરે દેખાય નહીં. માણસનો અભિગમ બદલાય એ ફૂટપટ્ટીથી માપી શકાય નહીં, તો જે નજરે દેખાય નહીં, માપી ન શકાય એને ''પરિણામ વિહોણી'' પ્રવૃત્તિ કહી દો - આવી માન્યતા મહામારી માફક ફેલાયેલી છે એ તમે જાણો છો ? મંદિરોની બહાર ગાયોને ઘાસ ખવડાવતાં જણ ને જોયાં છે ? ગાયને ભલે આફરો ચઢે, પણ ગાયને ઘાસ ચાવતી નજરે જોઈ શકાય એટલે એ દાન સાચું ને બાકી બધું ''હમ્બગ'' એવી જડ યાંત્રિકતા આપણે ત્યાં અનેક જુદી જુદી રીતે પ્રગટ થતી હોય છે.
આ એ જ જમાત છે, જે આધ્યાત્મિક પ્રવૃત્તિ, વૈચારિક પ્રવૃત્તિને પણ સંખ્યાને આધારે માપવાની બેવકૂફી આચરે છે. અલબત્ત, વૈચારિક પ્રવૃત્તિ પણ તો જ સ્વીકારે જો એ પ્રવૃત્તિ પર કોઈક ''બ્રાન્ડ'' હોય, દા.ત. કોઈ સંપ્રદાય કે પંથ કારણકે વિચારને એનાં શુદ્ધ સ્વરૂપમાં કોઈ જ ''બ્રાન્ડ'' હોતી નથી એટલી સમજ આ લોકો પાસે હોતી નથી, કદાચ થોડી ઘણી સમજ હોય તો એ અમલમાં મૂકવાની દાનત હોતી નથી.
આ લોકોના માપદંડનું મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણ કરો તો એમની ઓખાતની ખબર પડે. મસ્જિદ બંદર, શેરબજાર કે કારખાનાંઓ કે ઓફિસોની ગણતરીથી ટેવાયેલી આ જમાત એમનાં સ્થાનકોમાં રહે ત્યાં સુધી ઠીક છે, પણ જ્યારે આ લોકો આધ્યાત્મિક, વૈચારિક રુચિ-આધારિત, ઊંડાણની અપેક્ષા રાખતી પ્રવૃત્તિઓમાં પ્રવેશવાની અનધિકાર ચેષ્ટા કરે છે ત્યારે ''ફૂલો ને કાનસ''થી તપાસવાના રોગની મહામારી ફેલાય છે. આ લોકો જુદાં સ્વરૂપે ''ગાયને ઘાસ'' વાળી જમાતના જ સભ્યો હોય છે.
ગ્રીક તત્ત્વજ્ઞાનીઓ અને સ્વામી વિવેકાનંદ એક બાબતમાં સરખો અભિપ્રાય ધરાવતા હતા. આમ જનતા, સાડા નવ્વાણુ ટકા બહુમતીને વૈચારિક પડકાર કરનારા દીઠાય ગમતા નથી. આંખમાં કણા જેમ ખૂંચે છે, એટલે લોકપ્રિયતા બાબત ઊંધું સમીકરણ સમજવું. જેટલી વૈચારિક મૌલિકતા અને પડકાર વધુ જલદ એટલો સામુહિક અસ્વીકાર વધારે જલદ ! હવે આ પરિસ્થિતિમાં હકીકતમાં ક્યો માપદંડ વપરાય છે એ જાણો છો ? જે માપદંડથી સુગમસંગીત, સભારંજની શેરો શાયરી, જાદુના ખેલની સફળતા મપાય એ જ માપદંડથી આ ''ગાયને ઘાસ'' વાળી જમાત - આધ્યાત્મિક પ્રવૃત્તિનાં લેખાં જોખાં કરે છે ! ક્યા બાવા કે વિચારકનાં વેદાન્ત કે અધ્યાત્મવિષયક પ્રવચનમાં વધુ માથાં એકઠાં થાય છે ઃ કારણકે એ લોકોને કાને માત્ર શબ્દરમત, જોડકણાં, ટૂચકા, નાટયાત્મકતા કે સાંપ્રદાયિક પુનરાવર્તન સંભળાય છે અને આંખે માત્ર અને માત્ર સંખ્યા દેખાય છે ! એમનો માપદંડ ''નક્કર પરિણામ'' (!) છે ને !


