Get The App

દ્રષ્ટિ બદલે તો વ્યક્તિ બદલે ! .

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
દ્રષ્ટિ બદલે તો વ્યક્તિ બદલે !                                  . 1 - image

- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

- વ્યક્તિ જેટલી વધારે મહાન, એટલી વધારે સાહજિક રીતે અનુકંપાશીલ હશે

દ્ર ષ્ટિ બદલે, ને વ્યક્તિ બદલાઈ જાય છે. આપણું વેદોક્ત પુરુષસૂક્ત હો કે શ્રીમદ્ ભગવદ્ગીતાનું વિરાટદર્શન હો, એ બન્ને દર્શનોમાં માત્ર ભવ્યતાનો રોમાંચ નથી, માણસના મનોવ્યાપારો, માણસની દ્રષ્ટિની પરાકાષ્ટા ક્યાં જઇને પહોંચે તેનું શ્રેષ્ઠ આલેખન છે.

ધર્મ, ફિલસુફીથી માંડીને આપણાં રોજીન્દાં જીવનને દિશા આપે છે. આપણી દ્રષ્ટિ, આપણો અભિગમ ! અને કમાલ તો જુઓ, એ દ્રષ્ટિ બદલાવાની ઘટના માટે જીવન, ચાહે કઠોર કે કોમળ હો ઉબડખાબડ કે સરળસુંવાળું હો, જીવન એ પહેલી શરત છે. માત્ર સંકલ્પથી, માત્ર ધ્યાનધારણાથી દ્રષ્ટિ બદલાતી નથી, વિરાટદર્શન થતું નથી.

અને માણસની દ્રષ્ટિ વિશાળ બની છે, જાણે કે જીવન ગિરિવરનાં ગુરુશિખર પર પહોંચીને એણે વ્યાપકતાનો પરમ પાવનસ્પર્શ માણ્યો છે, એ આ જાદુઈ ચિત્તકલ્પ પામી ચુક્યો છે, તે જાણવા માટે કોઈ દુન્યવી માપદંડ કામે લાગતા નથી. આવા માણસ સાથે કામ પાડવાનું આવે, તળપદી ભાષામાં કહીએ તો 'પનારો પાડવાનો આવે' ત્યારે ખબર પડે છે કે આ ઉદારચરિત વ્યક્તિ દેખાવે ભલે અન્ય જેવો કાળાં માથાંનો માનવી હોય, હકીકતમાં એ વિરલો છે, એને જીવનનાં ઊંચા શિખરો લાધી ગયાં છે, એને વેદોક્ત પરમપુરુષના પ્રકાશની કમસે કમ ઝાંકી તો જરૂર થઇ ગઈ છે.

અનેકવાર જોવા મળે છે કે દુન્યવી ઉપલબ્ધિઓને પદ, સત્તા, હોદાને અંતસ્તલની યાત્રા સાથે સીધો સંબંધ હોતો નથી. અનેકવાર જોવા મળે છે કે શારિરીક વય વધી હોય, સંપત્તિ અને દુન્યવી સુખની ચરબી વધી હોય, દુનિયાની બહિર્યાત્રામાં ઊંચું શિખર સર કર્યું હોય, છતાં દ્રષ્ટિ તો ગીધની જ હોય. મડદું જોયું નથી, નિર્બળ જીવ જોયો નથી ને ફોલી ખાવાની લાલસા જાગી નથી !

એવું અત્યંત વિરલસંયોગમાં બનતું હોય છે કે અંદરની અને બહારની બન્ને યાત્રાઓની ઊર્ધ્વગતિ સાથે સાથે ચાલતી હોય.

પંડિત સુખલાલજીએ ભગવાન મહાવીરની તીર્થંકરપદપ્રાપ્તિ સુધીની યાત્રા માટે જે સંકલ્પના આપી છે એ તાત્ત્વિક રીતે અને સૌન્દર્ય દ્રષ્ટિએ પણ એટલી સુંદર છે કે એ સંકલ્પનાનું સ્મરણ પણ રોમાંચિત કરી દે. પંડિતજી કહે છે કે 'કમળનાં દળની પાંદડીઓ ખુલે, ને ધીરે ધીરે બધી જ પાંદડીઓ ખુલતાં પૂર્ણવિકસિત કમળ આપોઆપ સમગ્ર વાતાવરણને સુરભિથી તરબતર કરી દે એમ જ ભગવાન ખુલ્યા અને ખીલ્યાં હતા.'

તમે રોજીન્દા વ્યવહારમાં એક વાત નોંધજો. વ્યક્તિ જેટલી વધારે મહાન, એટલી વધારે સાહજિક રીતે અનુકંપાશીલ હશે. આમ થવાનું કારણ છે : યથા પિંડે તથા બ્રહ્માંડે. પિંડ એ બ્રહ્માંડની જ નાનકડી આવૃત્તિ છે એ હકીકત આજનાં ભૌતિકશાસ્ત્ર માટે ભલે નૂતનશોધ લાગતી હોય, ઉપનિષદકાલીન ઋષિઓ અને કેવળજ્ઞાની તીર્થંકરો તો એ વાત ક્યારનીયે કરી ગયા છે.

હૈયાંનાં જેટલાં વધુ પડળો ખુલે, તેટલો માણસ આ વિશ્વને વધુ જાણી શકે. સાધારણ વ્યક્તિનાં જ્ઞાનમાં અને મહાન વ્યક્તિનાં જ્ઞાનમાં બરાબર એ જ મુખ્ય તફાવત છે કે એક બંધ પાંખડીનું કમળ છે, 

અને બીજો પૂર્ણવિકસિત પુષ્પરાજ છે. હૈયાંમાં જેટલાં પડળો આડાં આવે, વિશ્વનું ચિત્ર એટલું અધૂરૃં ઝીલાય, ને પરિણામે અનુકંપા પણ એટલી ઓછી હોય. અન્યને સમજવાની દ્રષ્ટિ પણ તે પ્રમાણે મર્યાદિત હોય !

જૈન દર્શને પડળો ખુલવાની કળી વિકસીને પુષ્પ બનવાની, સામાન્યમાંથી લોકોત્તર બનવાની, માત્ર ઇન્દ્રિયગમ્ય મર્યાદિત જ્ઞાનમાંથી બહુપરિમાણીય (મલ્ટીડાયમેન્શનલ) જ્ઞાન વિકસવાની, કેવળજ્ઞાની બનવાની જ્ઞાનયાત્રાનાં પગથિયાં વ્યવસ્થિત રીતે વર્ણવ્યાં છે. ચિત્ત આડેનાં પડ જેમ જેમ ખુલતાં જાય, તેમ તેમ વ્યક્તિ મતિજ્ઞાન, અવવિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અને છેવટે કેવળજ્ઞાન જેવી ભૂમિકાઓ પ્રાપ્ત કરતો જાય.

આથી જ તો વૈશ્વિક કક્ષાની વાત ગ્રહણ કરવા પડળો ખુલવાં એ અનિવાર્ય શરત છે.