Get The App

... ત્યારે જ ઘાની રૂઝની ખબર પડે! .

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
... ત્યારે જ ઘાની રૂઝની ખબર પડે!                                      . 1 - image


- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા

શ રીર પર ઘાવ પડયો હોય, દાઢી કરતાં બ્લેડનો ધારદાર લસરકો પડયો હોત, બહેનોને શાક સમારતાં અંગૂઠા પર કાપ પડયા હોય, આ બધા ઘાવ ઘણીવાર ભૂલાઈ જતા હોય છે. પણ એ ઘાવ પર મીઠું ભભરાવાય, સાબુ લાગે, ''આફટર શેવ''નો છંટકાવ કરો ત્યારે અચાનક બ્રહ્મજ્ઞાાન થાય છે કે ઘાવ બરાબર જાગે છે. ચૂલા પરથી તાવડી ઉતારો ત્યારે દેખાવ પરથી ખબર નથી પડતી કે તાવડી ધગધગે છે, પણ પાણીનો એકાદ છાંટો પડયો એટલે તાવડી પોતાની અંદર છૂપાયેલી આગને પોકારીને જાહેર કરી દે છે.

જીવનની, આ કહેવાતાં સ્વપ્નસમ, નાશવંત જીવનની વાસ્તવિકતા અદલો બદલ આવી જ છે. વ્યાસપીઠ પરથી સંયમની, દેહની નાશવંતતાની, ક્ષમાની, બ્રહ્મચર્યની, અજર અમર આત્મતત્ત્વની વાતો કરવી અને આ વાતોને જીન્દગીની અણીદાર તલવાર જેવી ધાર પર સરાણે ચઢાવવી - આ બન્ને છેડા વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. આપણે ભગવાન મહાવીરની વાતોમાંથી જે વાતોનું યાંત્રિકીકરણ શક્ય હોય, જે વાતોને આધારે સાંપ્રદાયિકતા મજબૂત બની શકે એ પકડી લીધી, પણ ભગવાને જે વેધક ધારદાર, પડકાર જેવી વાત કરી એ વાતને ચુપચાપ બાજુ પર મૂકી દીધી. ભગવાને 'પરિષહ' નામનો એક અદ્ભુત શબ્દ પ્રયોજ્યો છે. ભગવાન મહાવીરના અંતિમ ઉદબોધન ''ઉત્તરાધ્યયનસૂત્ર''માં ''પરિષહ'' વિષય પર એક સ્વતંત્ર અધ્યાય છે. પરિષહ એટલે શું ? તમે સુખી હો, પાણી માગો ત્યાં દૂધ હાજર થતું હોય, ત્યારે તમે ત્રણ, આઠ કે મહિનો-બે મહિનાના ઉપવાસ કરો એ બરાબર છે, પણ તમે આવા ઉપવાસનું નક્કી ન કર્યું હોય, અચાનક એવી કટોકટી સર્જાય કે સખત ભૂખ લાગી હોય છતાં ખોરાક ના મળે, અને છતાં તમે ઉશ્કેરાયા વિના સ્વભાવની સમતા જાળવી શકો એ ''પરિષહ'' છે.

ચમડી છૂટે પણ દમડી ન છૂટે, (ઈન્કમટેક્ષમાં બાકાત મળે એવાં ડોનેશનની કે સોદાબાજીને હિસાબે થતાં દાન અહીં બાકાત ગણવાં) ઉમર પાંસઠ-સિત્તેર વટાવી ગઈ હોય, અબજો રૂપિયા અને અનર્ગળ સ્થાવર-જંગમ મિલ્કત ગાંઠે બાંધી હોય, છતાં સતત ધન જમા કરવાની ભૂખાળવી તૃષ્ણા ચોવીશ કલાક લબકારા મારતી હોય, આવા માણસોને અપરિગ્રહ, સંયમની વાતો કરતા, સત્સંગની વાતો કરતા, દેહની નાશવંતતાની વાતોનું અફીણ વાગોળતા જોઉં ત્યારે હસવું કે રડવું એ સમજાય નહીં. આવા લોકો ધાર્મિક પ્રવચનમાંથી હાજરી આપીને 'છૂટે' - ('છૂટે શબ્દ ઈરાદાપૂર્વક યોજ્યો છે. ઘેટાં બકરાંનાં ધણ પણ છૂટે') ત્યારે અપરિગ્રહ, મોક્ષ, મિથ્યાત્વ, સંયમ, સમતા પામી ચુક્યા છે એવી ભરપૂર આત્મવંચનામાં ડોલતા હોય છે. ઘણા તો ક્યાંક આવી આત્મ તત્ત્વની શિબિર કરી આવે પછી પંદરેક દિવસો પોતાને 'સંસારી સાધુ' માનતા રહે છે!

આપણી આંતરિક સ્થિતિની પરીક્ષા બધું સમુંસૂતરૃં ચાલતું હોય ત્યારે નથી થતી, એ તો જીન્દગીની ખતરનાક કટોકટીની ક્ષણે થતી હોય છે. ક્ષમા, અપરિગ્રહ, જીવનને નાટક જેવું ક્ષણિક માનવું આવી વાતો કરતી વખતે આપણી અંદરના ઘાવ પેલાં જંતુ માફક સુષુપ્ત હોય છે. આ છેતરામણા, શાંત દેખાતા ઘાવની પરીક્ષા સભાગૃહમાં કે આરામ ખુરશી પર થતી નથી, એ ઘાવ પર જ્યારે સાવ અચાનક, સાવ અણધાર્યો પડકાર આવી ઉભે છે ત્યારે આપણા છૂપા ઘાવ ચચરી ઉઠે છે, ચીસ પાડી ઉઠે છે. આપણે ખરેખર કેટલા 'આધ્યાત્મિક' બન્યા છીએ, વિપશ્યના, ધ્યાન, જપ-તપ ખરેખર આપણી વૃત્તિઓને, એના ઘાવને કેટલી હદે રૂઝાવી શક્યાં છે, તેની માત્ર કટોકટીની ક્ષણેજ ખબર પડે છે!

Tags :