- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
મે રઠ પસાર કરીને બસ હરદ્વાર તરફ આગળ વધે કે ગજરૌલા પસાર કરીને અલમૌડા તરફ આગળ વધો કે ઉત્તરકાશી પસાર કરીને ગંગોત્રી તરફ આગળ વધો એટલે તમે આખરે તો ઋષિઓના વંશજ છો, ઉપનિષદો તમારા ''જીન્સ''માં, તમારી નસ-નસમાં ગંગાજી જેમ વહી રહ્યાં છે એની પ્રતીતિ થયા વિના રહે નહીં. પછી વૈખરી બંધ થઈ જાય, ફિલસુફીની શાબ્દિક ચર્ચાઓ કે સાંપ્રદાયિક વિધિ કે ઝનૂનને સ્થાન રહે નહીં, પછી તો તમારા શ્વાસ-ઉચ્છ્વાસ, તમારી આ પરિસરમાંની હાજરી જ ''પૂજા'' બની જાય.
હા, વચ્ચે એક તોંતેર મણના ''તો''ની દિવાલ આડી છે. એ ''તો'' છે : તમારી સંવેદના, તમારી અંદરની આંખો, તમારી અંદરની ચેતના કેટલી જાગૃત છે, તેના પર આ યાત્રાનાં સુફળનો આધાર છે. આપણે દેરાસરમાં પ્રવેશીએ ત્યારે ''નિસ્સીહિ'' કહીએ છીએ. અર્થાત્ ''હે પ્રભુ ! હું બધું બહાર છોડીને આવું છું.'' જ્યારે ''નિસ્સીહિ'' બોલવું ન પડે, પણ સહજ સ્વભાવ બની જાય ત્યારે જ આંતરિક અનુભૂતિનાં દ્વાર ખુલે. અલમૌડા-ઋષિકેશ-પથરા અને પ્લાસ્ટિકના પાગલ બાળજીવોને નહીં સ્પર્શે, મહાનગરની ચકાચૌંધ રાજસિકતાથી અંધ બનેલા અહીં પણ મહાનગરને તાણી લાવશે. બહાર સૌન્દર્યનો સાગર હોવા છતાં આવા - કમનશીબો યાત્રાની બસમાં પણ વીડિયો-કોચની વ્યવસ્થા શોધતા હશે, પત્તા રમતા હશે કે સસ્તા ટૂચકા દ્વારા અંતરનો ખાલીપો મહાનગરીય મૃગજળથી ભરવા ફાંફાં મારતા હશે.
ઋષિકેશ, અલમૌડા, ઉત્તરકાશીને હૃદયથી પ્રેમ કરનારા, આ સ્થળો પાછળ પાગલ જેવા ભાગ્યશાળીઓ મહાનગરમાં ખૂણે ખૂણે છૂપાયેલા છે. આ જણ એવા છે, જેમનું ચાલે તો વર્ષમાં ચાર વાર ઋષિકેશની મુલાકાતે જાય. એમની અંદરનાં ''કંઈક''ને ઋષિકેશ-ઉત્તરકાશી-અલમૌડા કે કૌસાનીનું અદમ્ય, અતનો નાત આકર્ષણ છે. શું આ આકર્ષણનાં કારણમાં કોઈ હિલ સ્ટેશનની કે જંગલની લાક્ષણિકતા જવાબદાર છે ? ના, આવા ચાહકોમાંથી અનેક તો કેરાલા ને કાશ્મીરથી માંડીને સ્વિટ્ઝરલેન્ડ પણ માણી ચુક્યા છે, પણ હિમાલયનાં ખાસ ખાસ સ્થાનોમાં એવું કશુંક છે જેને આપણા પૂર્વ જન્મો સાથે અતૂટ સંબંધ છે, એવી પ્રતીતિ આ ચાહકોને સતત થતી રહે છે.
અલમૌડાથી નજીકના ''કૌસાની'' પરિસરને કોઈ બેવકૂફ જ્યારે ''ભારતનું સ્વિટ્ઝરલેન્ડ'' કહે ત્યારે આમ કહેનારની ઉધારી સંવેદનાની દયા આવે છે. કોઈ ઋષિનાં તપોવનને તમે બાગ-બગીચા સાથે સરખાવો ત્યારે તમે ઋષિની ઊંચાઈનું, ઋષિનાં દિવ્યત્વનું અપમાન કરો છો. જેની અન્તર્યાત્રા આજે ફિઝિક્સ (ભૌતિકશાસ્ત્ર) અને રસાયણશાસ્ત્રની છેલ્લામાં છેલ્લી શોધો સામે પણ ઝાંખી નથી પડી એવા મહાપ્રતિભાવંત ઋષિઓએ સાધના માટે, અંતર્મુખી શોધ માટે કૌસાની, ઋષિકેશ, ઉત્તરકાશી જેવા પ્રદેશો કેમ પસંદ કર્યા હશે એ તમે કદી વિચાર્યું છે?
સ્વ. હરીન્દ્રભાઈની પેલી પંક્તિઓ કદાચ ક્ષણભર દલીલ ખાતર યાદ આવે ''જ્યાં ચરણ રુકે ત્યાં કાશી, ઝાકળનાં બિંદુમાં જોયો ગંગાનો જળરાશિ'', તો પછી આ લેખમાં અમુક સ્થળોની મહત્તાનાં ગુણગાન કર્યાં એનું શું ? તો લોઅર પરેલ ને ઋષિકેશ વચ્ચે ફરક શો ? ભઈસાહેબ, ઝાકળનાં બિંદુમાં ગંગાનાં ખરેખર દર્શન કરવાની કક્ષા એ તો એવરેસ્ટ કરતાં પણ ઊંચી કક્ષા છે. ચિત્તની એ કક્ષાની હૈસિયત કેટલા પાસે હશે ? કરોડોમાંથી બે-ત્રણ પાસે પણ હશે ખરી ? જો એ કક્ષા સંખ્યાબંધ પાસે હોય તો ભગવાન આદિશંકરે ચાર મઠોની સ્થાપના કરવાની શી જરૂર હતી ?


