- અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
- 'ધર્મ'ની આપણી અતિ સરળ વ્યાખ્યા રહી છે; ધારયતિ ઇતિ ધર્મ:'
આ ખરે તમે જેને 'ધર્મ' કહો છો, તેની તમારી પોતાની સમજ શી છે ? એકાંતમાં, મહારાજો ચોકીદારો, હિસ્ટેરિયાથી પીડાતા, લઘુતાગ્રન્થિથી પીડાતાં ટોળાંઓથી દૂર બેસીને કદી વિચાર કર્યો છે ખરો ? તમે 'ધર્મ'ને નામે જે કાંઈ 'પાર્ટટાઈમ' પ્રવૃત્તિ કરી રહ્યા છો એની પ્રસ્તુતતા શી છે ? શું 'સામાજિક ઓળખ' એ જ કહેવાતા સંસ્થાગત ધર્મોનું આખરી 'ધ્યેય' છે ? જો 'સામાજિક ઓળખ' જ આખરી ધ્યેય હોય તો કહેવાતાં ધાર્મિક લેબલ અને લાયન્સ, રોટરી, ઇન્ટુક, કે કોઈ ટ્રેડ યુનિયનના સભ્યપદ, અમેરિકાની ટેકનિકલ 'નાગરિકતા' અને આ ધાર્મિક 'ઓળખ' વચ્ચે ફરક શો રહ્યો ? તમે જે 'ઓળખ'ના અફીણી નશામાં ઝૂમી રહ્યા છો, જે 'ઓળખ' માટે તમે પરિવારની સાત પેઢીનું વંશવૃક્ષ પુરાવારૂપે આપો છો, એ 'ઓળખ' પાસે એવી કઇ 'ફોર્મ્યુલા' છે જે અન્ય કહેવાતી 'ધાર્મિક ઓળખો' પાસે નથી, અને જો જન્મ અને વાંશિકતાને કારણે એમાં ફરક પડતો હોય, તો શું તમે એ વંશગત ઓળખે આપેલી 'ફોર્મ્યુલા'થી પોતાનાં સંતાનની વૃત્તિ, અભિગમ બદલી શકો છો ? (અહીં અભિગમની વૃત્તિની વાત છે, સાંપ્રદાયિક રોજિન્દી વિધિઓની યાંત્રિક વફાદારીની વાત નથી) તમે કોને 'ધાર્મિક' કહો ?
'ધર્મ'ની આપણી અતિ સરળ વ્યાખ્યા રહી છે; ધારયતિ ઇતિ ધર્મ:' (જે તમને જગતના વિરોધાભાસો વચ્ચે સનાતન તત્ત્વ સાથે ટકાવી રાખે એ ધર્મ). ના, પણ જો આ વ્યાખ્યા સ્વીકારવામાં આવે તો કલમના એક ઝાટકે તમામ સંસ્થાગત કહેવાતા ધર્મોનાં ઝનૂનનું રહસ્ય બહાર પડી જાય : ધર્મ વ્યક્તિગત ઘટના છે, તે બહારથી ખોળી ન શકાય, ધર્મનો દુરુપયોગ સામાજિક 'ઓળખ' માટે કરવો એ 'ધર્મ-તત્ત્વ' શબ્દ સાથે વ્યભિચાર છે એમ સમજાય તો ધર્મની લઘુમતી-બહુમતીની રમત માંડી બેઠેલા કેટલા બધાના પગ નીચેથી પાટિયું ખસી જાય ! કારણ કે ત્યાં આંતરિક રીતે ટકી રહેવું નહીં, ટોળાં તરીકે ટકી રહેવું એ જ ધ્યેય છે !
અમુક ધર્મગ્રન્થ જોઇએ, અમુક બાહ્યશિસ્તથી બંધાયેલા લોકોનાં પ્રગટ કે અપ્રગટ રજીસ્ટર જોઇએ, મૂળભૂત વિચારોમાંથી વ્યક્તિનો પુષ્પની જેમ વિકાસ થાય કે નહીં જડ 'મિલીટરી' છાપ ઝનૂની વફાદારી જોઇએ : આ બધું 'ધર્મ'ની આયાતી વ્યાખ્યામાં બરાબર અનુકુળ છે અને બરાબર હજારો વર્ષોથી હિન્દુત્વને ગીતાને, ઉપનિષદકારોને 'ધર્મ'ની આ વ્યાખ્યા કદી કબૂલ નથી જ રહી. હિન્દુઓની 'ધર્મ'ની પોતાની, આગવી વ્યાખ્યા છે. એક જ વિધાન કદાચ તેજીને ટકોરો થઇ પડશે : હિન્દુ ધર્મે માણસને સિમેન્ટની ઇમારત કે પાલતૂ પશૂ કદી નથી માન્યો, હિન્દુત્વે માણસને સુંદર સૂરજમુખીનો પુષ્પછોડ માન્યો છે !
'હિન્દુત્વ' ધર્મ છે, હા જીવનપધ્ધતિ ખરી, પણ તમારી અંદર રહેલાં અદ્ભુત સનાતનતત્ત્વની ઓળખ તમારામાં જગાડતી પધ્ધતિ. 'ધર્મ'ની આયાતી વ્યાખ્યા હિન્દુધર્મને માન્ય નથી. હિન્દુત્વ 'ધર્મ'ને ફોર્મ્યુલા નથી માનતું.


